Bargaining books and stories free download online pdf in Gujarati

ભાવતાલ

“ખરીદી” આ નામ સાંભળતા ની સાથે જ નાના મોટા દરેક લોકો નું મન ઉત્સાહથી ભરાઈ જાય છે. અને હા એમાં પણ આપણે ગુજરાતીઓ તો બસ જિંદગી ને માણવા જ જન્મ લઈએ છીએ. ગમે તેટલો ભલે ને રૂપિયા વાળો હોય પણ જો ગુજરાતી ભાવતાલ ન કરાવે તો તે ગુજરાતી નથી. ભાવતાલ એ આપણો સ્વભાવ છે ગુજરાતી ભાવતાલ પૈસા માટે નથી કરતો તે એક અનેરા આનંદ માટે જ ભાવ તાલ કરે છે.સાહેબ મને પણ ગુજરાતી હોવાનું ગર્વ છે….

આજ કાલ તો શોપિંગ કરવા માટે કેટલા બધા મોટા મોલ આપણી આસપાસ ખુલી ગયા છે. એ તો બધું ચાલો ઠીક છે પરંતુ હવે તો આ બિગ બાસ્કેટ જેવી સુવિધા થી ઘરે બેઠા કરિયાણું પણ મળી જાય છે. આ વધતા જતા મોલ સુપર માર્કેટ એ કેટલા લોકો ના ધંધા રોજગાર બંધ કર્યા છે. સાથે સાથે આપણી ભાવતાલ ની પ્રથા પણ બંધ કરી દીધી છે.

હવે આ ભાવતાલ ની પ્રથા એ ખૂબ જ વિકરાળ સ્વરૂપ લીધું છે. આજ કાલ ના પોતાની જાત ને મોર્ડન માનતા લોકો હજુ પણ ભાવતાલ કરે જ છે. પરંતુ દુઃખ ની વાત એ છે કે તે લોકો ભાવતાલ આખો દિવસ તડકા માં બેસી ને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા ગરીબ સાથે કરે છે. આવા ગરીબ પાસે થી કઈક વસ્તુ લેશે અને કહેશે કે કઈક ઓછું કરો પેલો ગરીબ ના પાડે કે સાહેબ મને નહિ પોસાય તો ભાઈ ને પોતે તે વસ્તુ ઘરે બનતી હોય તેમ કહેશે આનાં આટલા રૂપિયા હોતાં હશે? લે ભાઈ તું તારી વસ્તુ રાખ એમ કહી ને વસ્તુ મૂકી દે. પેલો બિચારો ગરીબ વ્યક્તિ ખરેખર ન પોસાતું હોવા છતાં પોતાની રોકેલી મૂડી છૂટી કરવા ઓછા કરી ને વસ્તુ વેચી દે છે. પછી તો જાણે બંગલો બનાવી લીધો હોય મોટો એવી ખુશી સાથે આ મહાનુભાવ નીકળશે.

આવા લોકો માટે એક ખાસ વિનંતી કે ભાઈ જો તમારા માં એટલું જ ભાવતાલ કરવાનું ટેલેન્ટ હોય તો જાવ ને આ બિગ બજાર, ડી માર્ટ, વગેરે માં કરવો ને, કેમ ત્યાં તો પેકેટ પર જે ભાવ લખ્યા હોય તે છાની માની હોંશે હોંશે આપી ને તું આવે છે. અને આ કાળજાળ ગરમી, ઠુઠ્વતી ઠંડી અને મુશળધાર વરસાદ નો પણ વિચાર કર્યા વગર પોતાના પરિવાર નું પેટ ભરવા આખો દિવસ કાળી મહેનત કરતા લોકો પાસે શા માટે આપણે ભાવતાલ કરવો જોઈએ?

તમે વધારે કઈ ન કરો તો કઈ નહિ પરંતુ તે લોકો પાસે જો વસ્તુ લેવા જાવ તો ભાવતાલ ન કરો કોઈ દિવસ. અને જો આવું ન કરી શકાય તેમ હોય તો તે લોકો પાસે વસ્તુ લેવા જવાની બંધ કરી દો કારણકે તમે ભાવતાલ કરી ને વસ્તુ લો તેના કરતાં ન લો તો તે લોકો ને ફાયદો થશે. સાહેબ એ તડકા માં બેઠેલા ગરીબ પાસે થી જો ૪૦ રૂપિયા ની વસ્તુ લીધી હોય ને તો ૫૦ ની નોટ આપી ને કોઈક દિવસ કહી જોજો કે બાકી ના તમે રાખી લો…બસ પછી તે ગરીબ ના મોઢા પર એક ખુશી તમને જોવા મળશે, અને અંદર થી તમને આશીર્વાદ આપશે. અને ઉપર વાળો પણ ખુશ થશે આમ તો તે ૧૦ રૂપિયા ની કિંમત તમારા માટે કઈ જ નહિ હોય પણ તેના માટે તો તે દશ રૂપિયા ની કિંમત ૧૦૦ રૂપિયા બરાબર હશે.

આ લેખ વાંચી ને કોઈ એક વ્યક્તિ પણ જો સુધરશે તો મારો આ લેખ લખે લાગશે… મિત્રો દેશ ને ઉંચો લાવવા માટે પહેલા તેના પાયા મજબૂત કરવા પડશે અને તેના માટે ગરીબી રૂપી ઉધઈ ને આપણે નાશ કરવી પડશે. આ મોટા મોટા મોલ માં થી ખરીદી કરવા થી આપણો રૂપિયો વિદેશ માં જ જાય છે અને આપણા અર્થ તંત્ર ને નબળું બનાવે છે. જ્યારે મોલ ને બદલે દુકાન કે ફેરિયા પાસે થી વસ્તુ ખરીદવા થી આપણો રૂપિયો વિદેશ જતો અટકશે અને દેશ ની ગરીબી પણ દૂર થશે.

આજ રીતે જો તમે ટીવી, વોશિગ મશીન, ફ્રિજ કે એસી ને રિપેર કરવા આવેલા ટેકનીશિયન ને જો મોઢે માગ્યા પૈસા આપતા હોવ તો ઘર માં પ્લંબિંગ કડિયાકામ કે સુથારિકામ કરવા આવતા ગરીબો સાથે ભાવતાલ કરવાનો તમને હક નથી. કારણકે તમે આપેલ રૂપિયા માં થી તે ટેકનિશિયન ને તો અમુક ટકા રૂપિયા જ મળશે બાકી તો વિદેશી કંપની ને જ મળવા ના છે. આમ આવી ઘણી બધી બાબતો છે પરંતુ આ લેખ નો હેતુ એ જ છે કે ગરીબ નું શોષણ અટકાવો અને આપણો રૂપિયો વિદેશ જતો રોકો અને આપણા બાળક માટે એક ઉજવળ ભવિષ્ય નું નિર્માણ કરો.

“ ગરીબ નું શોષણ અટકાવો, દેશ ઉંચો લાવો”

જય હિન્દ…
જય જય ગરવી ગુજરાત…