Takroo ki Haveli - 1 books and stories free download online pdf in Gujarati

ટકરૂ કી હવેલી - 1

વાર્તા પૂર્વે હકીકત-ગોઇ

વર્ષ 1996 મા “માનવ સંસાધન વિકાસ મંત્રાલય(એચ.આર.ડી)દિલ્લી” દ્વારા શ્રીનગરમા આયોજીત હિન્દી લેખન શિબિર દરમ્યાન થયેલ સ્વાનુભવ,ઘટનાઓ તથા સ્થાનિક શિક્ષક,પ્રોફેસર,વિદ્યાર્થીઓ વગેરે સાથેની મુલાકાત,ચર્ચા દરમ્યાન થયેલ વાતચીતના બિંદુઓ આ કથામા સહાયક છે. શિબિર બાદ “યાત્રા કી જમીન” નામે એક લધુનવલકથા પણ મેં લખી છે .જેમા ત્યારની તાજા સ્થિતિ તથા અનુભવો આધારિત કથા છે. જેને વર્ષં 1998 મા“ હિન્દી સાહિત્ય અકાદમી ગુજરાત સરકાર” દ્વારા પ્રકાશિત કરાઇ હતી.તે વાતને આજે લાંબો સમય થઇ ગયો છે.હાલમાં ફરી એ વિષય ઉપર વાર્તા લખવાનું મજબૂત કારણ છે. થોડા સમય પહેલા શ્રીનગર પાસેના એક ગામ “સોપીયા”ના નિવાસી હાલ જમ્મુ નિર્વાસીત છાવણીમાં રહેતા એક વડીલ સાથે દિલ્લી જતા સમયે રેલવેની મુસાફરી દરમ્યાન મુલાકાત થઇ હતી.આ દરમ્યાન તેમણે જણાવેલ પોતાની,પરિવારની તથા લોકોની ભયંકર પીડા,આપવિતી તથા અન્ય પ્રસંગો,ઘટનાઓ આ વાર્તાનું મૂળ છે.વાર્તા હકિકત સહ અને સ્પસ્ટ છે.દેશના એક રાજય અને પ્રજાની બેહાલી અને તેના ઉપર ઉપર દેખાતા કારણો રજુ કરવાનો ઇરાદો છે સાથે સાથે દેશની આજની પેઢીને ઇતિહાસથી અવગત કરાવવાનો પણ છે. આશા છે સંચાલક અને વાચકો મારી વાત અને વાર્તાનો સ્વીકાર કરશે. આભારસહ

ટકરૂ કી હવેલી

ભાગ-1 મુકેશ પંડયા

ભારતના મુગુટ સમાન કાશ્મીર(જમ્મુ-કાશ્મીર) દેશનું સુંદરતમ સ્થળોમાનું એક મહત્વનું સ્થળ છે અને રહેશે.વર્ષ1980-85 સુધી અહીંની પ્રજા પ્રેમ,લાગણી અને ભાઇચારા સાથે જીવનારી પ્રજા હતી.કાશ્મીર ખીણમાં સમગ્ર ભારતની માફક હિંદુ,મુસલમાન,શીખ,ખ્રિસ્તી જેવા ભેદભાવ ખાસ જોવા મળતા ન હતા.સૌ એકમેક સાથે સૌહાર્દ જાળવીને એકબીજાના ધર્મ,રીતરીવાજ,તહેવારોનું સન્માન જાળવાતા અને ઉજવણી પણ કરતા.જોકે ભારત પાકિસ્તાન વચ્ચે જમ્મુ-કાશ્મીર દેશના ભાગલા સમયથીજ એક મોટો રાજકીય મુદ્દો હતો અને આજે પણ મોટો મુદ્દો છે. ખેર વાર્તાના વિષય પર આવીએ.

કાશ્મીરના અનંતનાગ શહેરના પંડિતબાડા વિસ્તારમાં દરેક કોમ,ધર્મના લોકો વર્ષોથી નિવાસ કરતા હતા.પંડિતબાડા વિસ્તાર અનંતનાગ શહેરમાં ભાઇચારા અને સૌહાર્દનું ઉત્તમ ઉદાહરણ ગણાતુ હતુ. પંડિતબાડાની મોટી મોટી હવેલીઓ સહિતના મોટા મોટા ભવનો શહેરની શાન ગણાતા.બાડાના દરેક કોમ અને ધર્મના લોકો એકબીજાના તહેવારોમાં સામેલ થતા અને ધૂમધામથી તેની ઉજવણી કરતા.બાડાના નિવાસીઓ ખાસ કરીને વેપારીઓ હોવાથી તેઓ સૌમ્ય પ્રકૃતિના,સમૃધ્ધ,શાંતિપ્રિય અને મિલનસાર સ્વભાવના હતા.

બાડાની એક ગલીમાં રહેતા જગમોહન ટકરૂ અને ફારૂક મીર પરિવાર વચ્ચે ખુબજ આત્મીયતા હતી.બંને પરિવારને સંતાનમાં માત્ર એક એક પુત્ર સત્તર-અઢાર વર્ષના રણવીર અને ગુલશન હતા અને તેમની વચ્ચે પણ જીગરજાન દોસ્તી હતી.બંને પરિવાર સમય સમય પર હોટલમા ખાવા-પીવા તથા દેશમાં ગમે ત્યાં ફરવા નીકળી જતા,નાની મોટી પાર્ટીઓ કરતા અને ખુશહાલ જીંદગી જીવતા હતા.જગમોહન ખાવા-પીવાના તથા સંગીતના શોખીન હતા એટલે મોટાભાગે તેમની હવેલીમા જલસા ગોઠવાતા. ગલીના ઘણા લોકો જલસામા શીરકત કરતા. ફારૂક મીર પરિવારની હાથ વણાટના ગાલીચાની સામાન્ય દુકાન હતી જયારે ટકરૂ પરિવારનો સુકામેવાનો મોટો વેપાર હતો.ટકરૂ હવેલી અને ટકરૂ પરિવાર આસપાસના વિસ્તારમાં પ્રખ્યાત હતા.મીરનો પરિવાર બે માળના મકાનમા મધ્યમવર્ગનું જીવન જીવતો હતો પરંતુ ટકરૂ અને મીરની મિત્રતામાં ટકરૂની અમીરાઇ કે કશુંજ આડે આવતુ ન હતુ.

*******

વાર્તાને આગળ વધારવા માટે અહીં પાછલા વર્ષોની ઘટનાઓને કુરેદવી એટલે કે ઉવેખવી જરૂરી બની જાય છે.વર્ષ 1977 મા પાકિસ્તાનનાં લશ્કરી જનરલ જીયા-ઉલ-હકે પાકિસ્તાનની સત્તા પોતાના હાથમાં લઇ લીધી. લોકશાહી દેશનાં પોતાનાજ પ્રધાનમંત્રી ઝુલ્ફીકાર અલી ભુટ્ટોને એક ખૂન કેસના બહાને જેલવાસ આપ્યા બાદ ફાંસી પર લટકાવી દીધા અને પાકિસ્તાન ફરી એકવાર જીયાના લશ્કરની એડી નીચે આવી ગયુ.જોકે ખુદ ભુટ્ટોએ અન્ય સિનીયર અધિકારીઓને ઉવેખીને જીયાની લશ્કરી જનરલ તરીકે વરણી કરી હતી.ભુટ્ટોના મોત બાદ જનરલ જીયાની કટ્ટરવાદી નીતિ,દોરવણી અને આર્થિક તથા લશ્કરી સહાયથી ભારતની સામે મોરચો માંડયો અને કાશ્મીરની સ્થિતી ધીરે ધીરે અંગડાઇ લઇ રહી હતી.

1947,1965,1971 મા પાકિસ્તાનના ભારત સાથેના યુધ્ધ બાદ લુચ્ચો,દગાબાજ જનરલ જીયા એ વાત બરાબર સમજી ગયો હતો કે ભારત સામે યુધ્ધમાં જીતવુ પાકિસ્તાન માટે અશક્ય છે તેથી તેમણે ભારતને ગૃહયુધ્ધમાં ધકેલવાના,અવ્યવસ્થા સર્જવા જેવા જાલિમ પેંતરા રચ્યા. જેમા તેમણે ભારતનાં મુસ્લિમોની ઉશ્કેરણી કરવાનો દાવ ખેલ્યો.સાથે સાથે સોનુ અને નશીલા પદાર્થોની તસ્કરી કરાવવા સહિત પાકિસ્તાનમાં વિશેષ રીતે તૈયાર કરાયેલ હથિયારધારીઓને પોતાના અન્ય મનસુબા પાર પાડવા સાથે અંધાધુંધી ફેલાવવા કાશ્મીરના રસ્તે ભારતમા ઘુસાડયા અને દુનિયામાં આતંકવાદના મંડાણ થયા. જીયાએ ભારતના મુસ્લિમોને તેમની ભારતીય ઓળખના પ્રતિકોને છોડીને માત્ર મુસ્લિમ બની રહેવાની હાકલ કરતા કહયું તેઓ સાડી,ઘોતી.બંડી જેવા ભારતીય પહેરવેશ છોડીને મુસ્લિમ પહેરવેશ લુંગી,તંગડી લેંઘો,લાંબો ઝભ્ભો અને જાળીદાર છાલીયા ટોપી પહેરે,દાઢી રાખે અને ભારતમા પોતાની અલગ ઓળખ ઉભી કરે.મુસ્લીમ સ્ત્રીઓને સાડી છોડીને બુરખો,હિઝાબ,સલવાર-કમીઝ જેવા કપડા પહેરવા હાકલ કરી.જીયાની ચાલ ધીમે ધીમે કામયાબ થવા લાગી અને ભારતીય મુસ્લિમ સમાજ જે દેશમાં સામાન્ય જનસમાજ તરીકે ભળેલો હતો તે દેશના મુખ્ય પ્રવાહથી થોડો થોડો દૂર થવા લાગ્યો અને કટ્ટરતા તરફ જવા લાગ્યો. વધુમાં ભારતને ભીંસમા રાખવા માટે જીયાએ ભારતના પંજાબ પ્રાંતમા અલગ ખાલીસ્તાનની માગણી કરતા ચળવળકારોને ઉશકેરવા સાથેસાથે કાશ્મીરનો મુદ્દો વધુ સળગાવ્યો જેથી કાશ્મીરમાં હાલત દિવસે દિવસે વધુ ખરાબ થવા લાગ્યા. આ કુકર્મમાં ભારતમાં રાજય અને તે સમયના કેન્દ્રના કેટલાક નેતાઓ સહિત રાજકીય પક્ષોએ પણ જાણે-અજાણે મહત્વનો ભાગ ભજવ્યો.થોડા સમયબાદ તો કાશ્મીરની પ્રજા પાકિસ્તાનનું ખુલેઆમ સમર્થન કરવા લાગી અને ભારત વિરૂધ્ધ ઝેર ઓકવા લાગી.દેશના માહોલને વધારે બગાડવામાં સામાજીક,રાજકીય, શાસકીય કારણો સહિત કેટલાક રાજકીય પરિવારો,ગ્રુપ્સ,જમાત તથા અન્ય દેશોની છુપી સામેલગીરી જેવા અનેક કારણો હતા જેના લીધે કાશ્મીરની સ્થિતી દિવસે દિવસે બગડી રહી હતી.જેના પરિણામ થોડા સમય બાદ સમગ્ર ભારત અને દુનિયાએ આતંકવાદના રૂપમાં ભોગવવાના હતા.કાશ્મીરને વિશેષ દરજજો આપતી દેશનાં બંધારણની 370ની કલમ તથા અન્ય કલમો,કાયદાઓના કારણે ભારત સરકાર જમ્મુ-કાશ્મીરમાં ખાસ પગલા લઇ શકતી ન હતી કે તત્કાલીન સરકારો લેવા ઇચ્છતી ન હતી તે એક અલગ વિષય છે. વળી દર વર્ષે જમ્મુ કાશ્મીરને ભારત સરકારે મોટુ આર્થિક પેકેજ આપવુ પડતુ હતુ.જોકે દેશની આઝાદીના સમયથી દેશમાં બે બંધારણ,બે પ્રધાન અને બે ઝંડા હતા.તે પણ એક કારણ હતું.જનરલ જીયાની રમતથી પછીના દસ-બાર વર્ષોમાં કાશ્મીરનું સમગ્ર ચિત્ર બદલાઇ ગયુ.

********