Takroo ki Haveli - 2 books and stories free download online pdf in Gujarati

ટકરૂ કી હવેલી - 2

1996મા મારી કાશ્મીરની મુલાકાત સમય દરમ્યાન થયેલ અનુભવો.ઘટનાઓ સહિત થોડા સમય પહેલા એક કાશ્મીરી નિર્વાસિત સાથે થયેલ મુલાકાત દરમ્યાન થયેલ વાતચીત અને આપવિતિ કથાનું મુળ છે.

આગળ જોયુ કે કાશ્મીર જેવો શાંત પ્રદેશ કેવી રીતે અરાજકતામા ઘકેલાઇ ગયો અને કોણે કોણે કેવો દુષ્ટ ભાગ ભજવ્યો.દેશ,રાજયની બદલાઇ રહેલી સ્થિતીમા પણ ટકરૂ અને મીર પરિવાર સહિત બાડાના લોકો પોતાની જીંદગીમા ખુશહાલ હતા.બંને પરિવાર વેપારી તથા સાલસ વ્યકિત હોવાના કારણે આ સ્થિતીને સામાન્ય મુદ્દાઓ ગણી તેમના પર ખાસ વિચારતા નહીં.‘ માણસ પોતાનું સંપૂર્ણ ભવિષ્ય કયારેય જોઇ શકતો નથી ’ એટલે બંને પરિવાર સહિત પંડિતબાડાના નિવાસીઓ દસ-બાર વર્ષ બાદ આવનારી વિભિષિકાથી અજાણ હતા. જનરલ જીયાની પોલિસી ભારતમા ધીમે ધીમે રંગ લાવી રહી હતી,રાજયનાં અન્ય શહેરો, કસબાઓમા મુસ્લિમોમા ધાર્મિક કટ્ટરતા વધી રહી હતી.પોલિસની અને સરકારની નિષ્ક્રિયતાને કારણે ધીમેધીમે કટ્ટરવાદીઓની હિંમત ખુલી રહી હતી.તેઓ ભારતથી આઝાદી સહિત જાતજાતની માગણીઓ કરવા સાથે અનેક સ્થાનો પર  તોફાનો,હડતાલ, દેખાવો, સભા સરઘસો કરવા લાગ્યા અને રાજય સાથે ભારત સરકારને પણ તકલીફમાં મુકવા લાગ્યા.ધીમેધીમે આ આંદોલનો હિંસક બનવા લાગ્યા અને તેઓ મારકાટ પણ કરવા લાગ્યા.કેટલાક સ્થાનો પર તેઓ  હિંદુઓને કહેવા લાગ્યા “એક દિન તો તુમકો યહાં સે ઘર-બાડી સબકુછ છોડ કર જાના હી પડેગા.” કેટલાક લોકો મકાનો ખાલી કરાવવા,હપ્તા વસુલી જેવા કામ બેખૌફ કરવા લાગ્યા હતા.આથી રાજય અને શહેરોમાંથી હિન્દુઓની વસ્તી ધીમે ધીમે પલાયન કરવા લાગી. તેમને પોતાના મહેલ જેવા ઘરો છોડીને જમ્મુ,દિલ્લી તથા અન્ય શહેરોમાં પોતાનાજ દેશમાં તેમને નિર્વાસિત જેવું જીવન જીવવાના દિવસો આવ્યા. જગમોહન ટકરૂને આવી બાબતો વિષે ખાસ ખબર ન હતી,પરંતુ તેઓ શહેરના માર્તંડેશ્વર મહાદેવના મંદિરમાં નિયમિત જતા હોવાથી મંદિરમાં ભકતો, દર્શનાર્થીઓની સંખ્યા દિવસે દિવસે તેમને ઓછી જણાતી હતી,વળી થોડા સમયથી તેમની ગલી તથા બાડામાં અજાણ્યા માણસોની ચહલપહલ ખુબ વધી ગઇ હોય તેમ તેમને જણાતુ હતુ. તેનાથી જગમોહન ટકરૂને ચિંતા થવા લાગી હતી.જગમોહને ફારૂક મીરને આ બાબતે પોતાનો શક દર્શાવ્યો તો તેમને પણ થોડીઘણી ખબર હોવાનું અને ગલીમા આ અજાણ્યાઓની તપાસ કરવાનું તથા ધ્યાન રાખવાનું કહેતા જણાવ્યું “ આ બધી મગજમારી ખાસ કરીને શ્રીનગર,બનીહાલ,સોપિયા જેવા વિસ્તારો સુધી જ છે.” મીરે ટકરૂને ખાસ ચિંતા ન કરવા અને પંડિતબાડામા સૌ સુરક્ષીત હોવાનું કહ્યું જેથી જગમોહન થોડા નિશ્ચિંત થઇ ગયા. પરંતુ દિવસે દિવસે સમગ્ર રાજયનું વાતાવરણ સાવ બદલાઇ રહ્યુ હતુ.સરકાર અને પોલિસની નિષ્ક્રીયતાને લીધે આતંકીઓ બેખૌફ બનીને વિવિધ ગામ,નગર,શહેરોમાં હિંદુ પરિવારની મહિલાઓ,છોકરીઓની છેડતી,અપહરણ કરવા સહિત તેમને પોતાના ઘર,હવેલી,મકાન,દુકાન છોડીને ચાલ્યા જવાની ધમકીઓ આપવા લાગ્યા હતા.તેના કારણે ગલી અને પંડિતબાડાનાં પણ ઘણા મકાનો ધીમે ધીમે ખાલી થઇ રહ્યા હતા.રાજયના અન્ય શહેરો, સ્થળોની સમસ્યા ધીમે પગલે બંને મિત્રોના પરિવાર તરફ પ્રયાણ કરી રહી હતી. આ બંને પરિવારોને સપનામાં પણ ન હોય તેવી ઘટનાનો સામનો કરવાનો હતો. જગમોહન ટકરૂને અન્ય ગામ શહેરના વેપારીઓ પાસેથી હવે થોડા થોડા સમાચાર જાણવા મળી રહ્યા હતા એટલે તેમને પણ પોતાના પરિવાર અને જીંદગીની ચિંતા સતાવી રહી હતી.તેમણે ફારૂક મીરને કશું પણ જણાવ્યા વગર પોતાની હવેલી અને દુકાન વેચાણ કરીને જમ્મુ કે તેની આસપાસના કોઇ ટાઉન કે શહેરમાં જવાનું વિચારવા લાગ્યા.પણ માણસ વિચારે છે કંઇક અને થાય છે કંઇક.ટકરૂ પોતાનો નિર્ણય અમલમાં મુકી શકે તે પહેલાજ આતંકની આગ આંગણે આવી પહોંચી.

એક રાતે “ટકરૂ હવેલી”મા કેટલાક હથિયારધારીઓ ઘુસી આવ્યા અને ટકરૂ પરિવાર સાથે બે-અદબીથી પેશ આવવા સાથે હવેલીની તારીફ કરતા કહેવા લાગ્યા “યા અલ્લાહ,ઐસી હવેલી તો હમારે પાસ હોની ચાહિયે.” તેઓ જગમોહનને પૂછવા લાગ્યા “યહ હવેલી બિકાઉ હૈ ક્યા ? હવેલી કબ ખાલી કર રહે હો? ” આ દરમ્યાન ફારૂક વલી અચાનક ત્યાં આવી ચડયા તેમને સ્થિતીનો અંદાજ આવી ગયો એટલે તેમણે તે લોકોને સમજાવી,પટાવીને ત્યાંથી ચાલી જવા કહીને વાત રફેદફે કરી દીધી.જોકે બદમાશો ટકરૂ પરિવારમાં આતંક ઉભો કરવા જતાજતા કહ્યું.”હવેલી છોડકર ચલે જાના યા ન જાના ઉનકી મરજી હૈ,પરંતુ ઉનકે સાથ કુછ હો જાએ તો મીર સાહેબ આપ જીમ્મેદાર રહોગે” “સમય આને પર દેખા જાયેગા ફિલહાલ આપ લોગ તો  યહાં સે તશરીફ લે જાઇએ” કહી તે બધાને હવેલીની બાહર ધકેલીને દરવાજો બંદ કરી દીધો.જગમોહન અને તેમના પરિવારમાં ડર વ્યાપી ગયો.થોડીક ક્ષણો બાદ ફારૂક મીરે જગમોહનને ખુબ સાંત્વના આપી વળી તેમને વધુ ચિંતા ન કરવાનું કહેતા જગમોહનને કહ્યું “કલ હી હમ એક જાનને વાલે એક પુલિસ વાલે સે જરૂર બાત કરેંગે.” જગમોહનને સંપૂર્ણ આશ્વસ્ત કર્યા બાદ મોડી રાતે ફારૂકે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યુ. પરંતુ બંને જણા કામના ભારણને કારણે પોલિસવાળાને મળી શક્યા નહીં.જોકે થોડા અઠવાડિયા કશુંજ ન થતા જગમોહન અને ફારૂકનો પરિવાર થોડા સ્વસ્થ થઇ ગયા.પણ હવે સમસ્યા મીરના ઘર તરફ ડગ માંડી રહી હતી.