વાંસળી.... વાર્તા... દિનેશ પરમાર નજર
**********************************************
શબ્દની સાથે સુતેલાં આપણે,
અર્થનાં દર્પણ ફૂટેલા આપણે.
ભરવસંતે કોઈ લીલી ડાળથી,
પાન લીલાંછમ તૂટેલા આપણે.
- ધૂની માંડલિયા
**********************************************
ચંદનનગરમાં, વર્ષો જુની ભવ્ય હવેલીમાં ત્રિદિવસીય સંગીતના ભવ્ય કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
ચંદ્રભાગા નદીના તટ પર આવેલ ચંદનનગરની આ'વેણુ નિવાસ ' હવેલી જે સમગ્ર દેશમાં ગુરુજી પંડિત શંકરપ્રસાદ બંસીવાલાના નામથી પ્રખ્યાત હતા તેમની હતી.
આ સંગીત સમારોહનું આયોજન, તેમની એકની એક દીકરી શર્વરી દ્વારા કરવામાં આવેલ. પંડિત શંકરપ્રસાદનું આજથી પાંચ વર્ષ પહેલા અવશાન થયું હતું.
પંડિત શ્રી શંકરપ્રસાદની જન્મતિથિ નિમિત્તે અને તેઓને પંચોતેર વર્ષ પણ પૂર્ણ થતાં હોઈ પુણ્યતિથિને ધ્યાનમાં રાખીને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દેશના જુદા જુદા રાજ્યોના ખ્યાતનામ હસ્તીઓ અને શ્રોતાઓ આવી ગયા હતા.
છેલ્લે દિવસે ગુરુજી ના માનીતા અને વર્ષો પહેલાં અમેરિકા જઈ કાયમ માટે સેટ્લ્ડ થયેલા સિધ્ધાર્થ ને બંસરીવાદન માટે, શર્વરી દ્વારા ત્રણ મહિના પહેલા આમંત્રણ આપી કન્ફરમેશન મેળવી લેવામાં આવેલ.
કાર્યક્રમ શરૂ થવાને ઘણી વાર હતી....
શર્વરી ગુરુજી જે ખંડમાં શિષ્યોને રીયાઝ કરાવતા હતા તે રુમમાં ગઈ અને વર્ષો અગાઉ જે વાંસળી સિધ્ધાર્થ વગાડતો હતો અને જ્યારે તે અહીંથી ગયો ત્યારે શર્વરીને આપતો ગયો હતો. તે વાંસળી પાસે ગઈ અને તેને સ્પર્શ કરતા જ તેના રોમ રોમમાં ઝણઝણાટી વ્યાપી ગઈ.
તે ભુતકાળમાં સરી પડી..............
************
વર્ષો અગાઉ ગુરુજી જ્યારે હયાત હતા ત્યારે તેમના કાર્યક્રમ દેશભરમાં થતા. વાંસળીમાં તેમનો જોટો જડે તેમ નહતો.
ઘણાં બધા એવોર્ડ, પ્રસસ્તિપત્રો, ઇનામ વિગેરે તેઓ મેળવી ચુકયા હતા. સાથે સાથે ગુરુજી ચંદનનગરમાં સંગીત એકેડમી ચલાવતા હતા.
ગુરુજીના લગ્ન , પ્રખ્યાત ઘરાનાના સિતાર વાદક જે, ગુરુજીના ખાસ મિત્ર હતા તેમની બહેન ચિત્રાંગદા સાથે થયા હતા.
બંને વચ્ચે મધુર દામ્પત્ય જીવન દરમ્યાન શર્વરીના જન્મ પછી, તે સાતેક વર્ષની થઈ ત્યાં ચિત્રાંગદા ગંભીર બિમારીમાં સપડાઈ પડ્યા અને યોગ્ય ઈલાજ અંગે હજુ ખ્યાલ આવે તે પહેલાં તેમને મ્રુત્યુ ભરખી ગયું.
ગુરુજી વર્ષ દા'ડો તો આ આઘાતમાં એકાંતમા રહ્યા.
પણ શર્વરીનો વિચાર કરી પુનઃ તેમણે કાર્યક્રમો અને એકેડમીમાં મન પરોવ્યુ.
પંડિત શંકરપ્રસાદ ઉર્ફે ગુરુજી તેમના દરેક શિષ્યને અંગત કાળજી લઈ શીખવતાં. પણ દેશના પૂર્વ પ્રદેશ તરફથી વાંસળી શીખવાની ગાંડી ધૂન લઈ આવી ચઢેલો દેખાવમાં સુંદર અને સુશીલ જણાતો સિધ્ધાર્થ ગુરુજી દ્વારા શીખવાડવામાં આવતી ઝીણામાં ઝીણી બાબતને ધ્યાનમાં લઈને અભ્યાસ કરતો.
આના કારણે સ્વાભાવિક રીતે ગુરુજીના હ્રદયમાં સિધ્ધાર્થ માટે વિશેષ સ્થાન હતું.
ઘણીવાર રાત્રીના અંતિમ પ્રહરની પૂર્ણતાને સમયે શર્વરી, હવેલીના ઝરુખેથી, પાછળ ચંદ્રભાગા નદીના ઢોળાવ ને છેડે પાકા આરાની ઉપર આવેલ ઘેઘૂર વડલાના ઓટલા તરફથી વાંસળીમાં રેલાતા રાગ આહિર ભૈરવ કે લલિતના સૂરો સાંભળી મંત્રમુગ્ધ થઈ કોઈ ઐલોકિક દુનિયામાં ખોવાઈ જતી.
ધીરે ધીરે મુગ્ધ ઉઘડતી સવારના સાવ ઝાંખા પ્રકાશમાં એ અનિમેષ નજરે સિધ્ધાર્થને ઝરૂખેથી ક્યાંય સુધી જોયા કરતી.
જ્યારે ગુરુજી શિષ્યોને શીખવે ત્યારે ચાલુ વર્ગમાં તેમના ખંડમાં કોઈ જવાની હિંમત ન કરતું. સિવાય શર્વરી.....
શર્વરી કોઈ ને કોઈ બહાને ખંડમાં જતી, ગુરુજી શંકરપ્રસાદ પોતાની દીકરીને ખુબ વ્હાલ કરતા હોઈ તેની પર બનાવટી ગુસ્સો કરવા સિવાય કશું કરી શકતા નહી.
શર્વરી પણ અછડતી નજર સિધ્ધાર્થ પર ફેરવી લેતી.
સિધ્ધાર્થતો આંખો બંધ કરીને ગુરુજી દ્વારા જે અલંકારો બતાવે તે વગાડવામાં લીન રહેતો.
પણ....... શર્વરી ધીરે ધીરે સિધ્ધાર્થ તરફ એક ન સમજી શકાય પરંતુ અનુભવાય તેવી મીઠી લાગણીમાં ખેંચાઈ રહી હતી.
પણ સિધ્ધાર્થ તો પોતાની વાંસળી અને ગુરુજીના તરફથી મળતા જ્ઞાન તરફ રત હોવાથી તેનું ધ્યાન તે તરફ નહોતું ગયુ.
પરંતુ...
સિધ્ધાર્થ અને તેના જુથના અન્ય શિષ્યો ચંદનનગરમાં ગુરુજી પાસે શીખવા આવતા તે અઠવાડિયુ રોકાઈ શીખતા અને તેઓને આપવામાં આવેલ જ્ઞાનનો અભ્યાસ તેઓ પોતાના ઘરે જઈ, બે મહીના રીયાઝ કરી, ફરી આગળનો અભ્યાસ કરવા આવતા.
આ બે મહિનાનો વિરહ શર્વરીને સતત ડંખ્યા કરતો.
પરંતુ તેની પણ એક છોકરી હોવાના નાતે મર્યાદા હતી.
છેલ્લે....
ગુરુજીના કાર્યક્રમ દેશમાં લાંબો સમય ચાલ્યા એટલે સિધ્ધાર્થ અને તેના ગુરુ ભાઈઓ લગભગ પાંચ મહિના સુધી ચંદનનગર આવી ન શક્યા.
એટલે સિધ્ધાર્થના વિરહમાં પાગલ બનેલી શર્વરી જ્યારે પાંચ મહિના બાદ આવ્યો, ત્યારે તો તેણે જાત પર કાબૂ રાખ્યો.
પણ.....
આખી રાત તે, સવારથી સાંજ સુધી સિધ્ધાર્થને જોયાની ઘટનાઓને યાદ કરી પથારીમાં પડખા ઘસતી રહી.
વહેલી સવારે નદી તરફથી વહેતા વાંસળીના સૂર તેની તરફ ઝરુખો ઓળંગી વહેવા લાગ્યા...
તે પથારીમાં બેઠી થઈ ગઈ અને ઝડપથી ઝરૂખે ગઈ...
હજુ ધરા પર અજવાળું ફેલાયું નહોતુ. પણ આ સૂર સિધ્ધાર્થની વાંસળીના જ છે...એ વિશ્વાસ સાથે કશું પણ આગળ વિચાર્યા વગર તે ધીરે રહીને હવેલીમાંથી ઉતરી નદી તરફ ચાલવા લાગી.
તે જ્યારે ઘેઘૂર વડલાની પાસે પહોંચી ત્યારે સિધ્ધાર્થ આંખ બંધ કરી વાંસળીના સૂરમાં લીન હતો.
શર્વરી તેની નજીક જઈને અડોઅડ બેઠી અને તે પણ વાંસળીના સૂરમાં લીન થઈ ગઈ.
અજવાળું થવાની તૈયારી હતી ત્યાં જ સૂર સમાધિમાંથી બહાર આવેલા સિધ્ધાર્થનું ધ્યાન, પોતાના પડખામાં બેઠેલી શર્વરી તરફ ગયુ.
આ....હા...હા...
તેનુ માથુ સિધ્ધાર્થના ખભા પર હતુ. તેનો સુંદર ગૌરવર્ણ ચહેરો, ઘટ્ટ કાળી ઝુલ્ફો વચ્ચે, ઘનશ્યામ વાદળ વચ્ચેથી બહાર નિકળતા ચંદ્ર જેવો લાગતો હતો. આછા આછા કંપનમાં ધ્રુજારીથી હલતા તેના રતુંબડા અધરદ્વય તેના માસુમ રુપમાં વધારો કરતા હતા. તેની આંખો બંધ હતી.
ગુરુજીની વ્હાલી પુત્રીને આ અવસ્થામાં જોઈ, ગભરાઈ ગયેલ અને અજવાળું થતા લોકો જોઈ જશે તો... એ ડરથી ઉઠાડવાની ઈચ્છા થઈ આવી..
પણ આ ઈચ્છા અમલમાં મૂકે તે પહેલા જ સૂરનિંદ્રામાંથી બહાર આવતાજ શર્વરી ભાનમાં આવતા જ શરમાઈને સ્હેજ બાજુમાં ખસી ગઈ.
"કેટલા મહિને તમને જોયા?" નજર નીચી રાખી શર્વરી બોલી.
સિધ્ધાર્થ હજુ દ્વિધામાં હોઈ શું બોલવું તે સુઝતુ નહતુ.
સિધ્ધાર્થ ગુરુજીના પ્રભાવ હેઠળ કંઈ બોલશે નહીં એ વિચારે શર્વરી આગળ બોલી, " હું તમારી વાંસળી ના સૂરને સાંભળી સાંભળીને તમારા તરફ એક ચોક્કસ લાગણીમાં ક્યારે વહેવા લાગી... મને ખબર જ ના પડી." નીચી નજરે શર્વરી બોલી.
સિદ્ધાર્થ તો અવાચક બનીને શર્વરીને સંભાળતો રહ્યો.
"હું તમારા વગર રહી શકીશ નહીં." આટલું બોલી સિદ્ધાર્થના જવાબની રાહ જોયા વગર હવેલી તરફ ચાલવા લાગી.
શર્વરી જેવી અતિ સુંદર અને ગુરુજીની લાડકી પુત્રી જો પોતાના જીવનમાં આવે તો પોતે સુંદર અને સુશીલ પત્ની પામીને ધન્ય થઈ જાય અને સતત ગુરુજીનું સાનિધ્ય પ્રાપ્ત થાય તે આશયથી સિદ્ધાર્થે શર્વરીની પીઠ પર પોતાના શબ્દો મટકી પર ફેંકાતી કાંકરીની જેમ ફેંક્યા " ગુરુજી સહમત થાય તો હું તમને પામીને મારી જાતને ધન્ય માનીશ."
શર્વરીના ચરણ અટકી ગયા. તે ડોક ફેરવી બોલી, "મને વિશ્વાસ છે તે મારી ઈચ્છા ને પૂરી કરશે જ."
અને તે ઝડપથી હવેલી તરફ ચાલવા લાગી. તે હવેલીનો નદી તરફનો નાનો વિકેટ ગેટ ખોલી અંદર પ્રવેશી ત્યારે હવેલી પર રોજ સવારે આવતો મોર ટહુકતો હતો. હવેલીના આંગણામાં પડેલા મોર પીચ્છને ઉઠાવી શર્વરી અંદરની તરફ ચાલી ગઈ.
**********
યોગ્ય સમયે ગુરુજીને વાત કરવાનું બંને એ નક્કી કરેલું.. પરંતુ કોઈ ઈર્ષાખોર શિષ્યએ ગુરુજીના કાનમાં વધારી ચઢાવીને વાત કરતા ગુરુજી સિદ્ધાર્થથી ખુબ ગુસ્સે થયા અને એકાંતમાં બોલાવી ખુબ ખખડાવી અને કાયમ માટે ચાલ્યા જવા જણાવ્યું.
સિદ્ધાર્થ જે દિવસે નીકળી ગયો તેની આગલી રાત્રે શર્વરીને મળી ગુરુજીવાળી વાત કહી, ત્યારે દુઃખી શર્વરી તેને બાઝી પડી અને ખુબ રોઈ તથા તેણે કહ્યું, "હું આજીવન લગ્ન નહીં કરું અને કરીશ તો તમારી સાથેજ, જ્યારે તેમને પોતાની ભૂલ સમજાશે ત્યારે જરૂર માની જશે."
જતા જતા શર્વરીએ સિદ્ધાર્થ પાસેથી તેની વાંસળી લઈ લેતા કહ્યું, " હવે આ, આજથી મારી પાસે યાદગીરી રૂપે રહેશે અને તમારી આંગળીના તેમજ હોઠના જ્યાં સ્પર્શ થયા છે તેને પંપાળી પંપાળીને હું જીવીશ. "
તે હવેલીપર ધૂંધળી આંખોથી સિધ્ધાર્થને દૂર દૂર ક્ષિતિજમાં ઓગળી જતા, અને દેખાતા બંધ ન થયા ત્યાં સુધી જોતી રહી.........
**********
ગુરુજીએ ઘણું સમજાવ્યા છતાં શર્વરી કોઈ પણ રીતે પરણવા રાજી થઈ નહોતી. અને તેમનો એક ધનાઢય શિષ્ય જે શર્વરી સાથે લગ્ન કરવાની વાત વાયા વાયા રજુ કરાવી રહ્યો હતો તેનાથી ગુરુજીને ખ્યાલ આવી ગયો હતો કે પોતાના પ્રિય શિષ્ય સિદ્ધાર્થ અને તેમની વચ્ચે તિરાડ પડાવી કોણ લાભ લેવા માંગતો હતો?
ગુરુજી ને પસ્તાવો થતો હતો એક પ્રિય અને સારો શિષ્ય ગુમાવવાનો.
છેવટે પોતાની દીકરીનું દર્દ તેમને દિવસે દિવસે કોરી ખાવા લાગ્યું અને તેઓ ધીરેધીરે એકલતામાં ખોવાતા ગયા.
એકવાર તેઓ ખૂબ બીમાર પડ્યા ત્યારે પોતાની દીકરીને પોતાના ખંડમાં બોલાવી અને બે હાથ જોડીને કહ્યું, "બેટા હું તારો ગુનેગાર છું. હું નાહકનો બીજાની વાતોમાં આવી ગયો અને તારા તથા સિદ્ધાર્થના નિર્દોષ પ્રેમપર શક કરી ના કરવાનું કરી બેઠો."
શર્વરી તેના પિતાને બાઝી પડી અને રોવા લાગી, ગુરુજી પણ ક્યાંય સુધી તેના માથા પર વહાલથી હાથ ફેરવતાં રહ્યા.
"બેટા મને જાણવા મળ્યું છે કે સિદ્ધાર્થ તો બહુ દૂર ચાલ્યો ગયો છે. છતાં તેના સંપર્કમાં હોય તો તું તેની સાથે પ્રભુતામાં પગલાં પાડશે તો હું ખૂબ રાજી થઈશ " ગુરુજી બોલ્યા.
સિદ્ધાર્થ જે ગુરુજીથી છૂટા પડ્યા પછી દેશ વિદેશમાં પોતાના કાર્યક્રમો કરતો હતો અને છેલ્લે, શર્વરીને જાણવા મળેલ કે અમેરિકામાં કાયમ માટે શેટલ થવા મૂળ અહીંની પણ ત્યાં નું નાગરિકત્વ ધરાવતી મધુરિમા સાથે લગ્ન કર્યા છે. આ વાતથી અજાણ ગુરુજીની સામે જોઈ તે મંદ મંદ સ્મિત આપી ખંડ છોડી ગઈ.
ટૂંકી બીમારી બાદ ગુરુજી આ દુનિયામાંથી નશ્વર દેહ છોડી દૂર ચાલ્યા ગયા...
*********
ત્રીજા દિવસે કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો....
કારણ જેનું ત્રણ મહિના પહેલા કન્ફરમેશન લેવામાં આવેલું અને જે કાર્યક્રમ માણવા લોકો બે દિવસથી આતુરતા પૂર્વક રાહ જોઈ રહ્યા હતા તે કાર્યક્રમ હવે થવાનો જ નહોતો...
કાર્યક્રમના દિવસે સવારે એક વ્યક્તિ જેને સિદ્ધાર્થ દ્વારા મોકલવામાં આવેલ તે રૂબરૂ શર્વરીને મળ્યા, તેમણે કહ્યું, " સિદ્ધાર્થ પોતે આ કાર્યક્રમમાં આવવા ખુબ આતુર હતા તેઓ ત્યાંના રોશની ભરેલા ભારેખમ વાતાવરણથી કંટાળી વારંવાર ગુરુજી અને આપને ખુબ યાદ કરતા હતા... પરંતુ..."
"પરંતુ??? શું... થયું..." વ્યાકુળ શર્વરી બોલી ઊઠી.
"આમ તો છેલ્લા કેટલાક સમયથી તેઓને વાંસળી વગાડવામાં તકલીફ પડતી હતી પણ તેઓ આ બધી પરિસ્થિતિને અવગણતા રહ્યા. "
સ્હેજ અટકી આગળ બોલ્યા," મહિના પહેલા તેઓ ઘરે રિયાઝ કરતા હતા ત્યારે અચાનક તેમનો શ્વાસ ફૂલવા લાગ્યો અને તકલીફ પડવા લાગી ત્યારે ના છુટકે હોસ્પિટલાઈઝ કરતા અને બધા રિપોર્ટ કરતા તેમને ' લંગ કેન્સર' ડિટેક્ટ થયું છે. તબીબોના મંતવ્ય પ્રમાણે હવે તેઓ વાંસળી ક્યારેય વગાડી નહીં શકે."
હતપ્રભ થયેલ શર્વરી રિયાઝવાળા રૂમમાં ગઈ અને મોર પીચ્છ પાસે વર્ષો પહેલાં જે વાંસળી સિદ્ધાર્થ પાસેથી લઈ લીધેલી તેને વળગીને ક્યાંય સુધી રડતી રહી....................
***********************************************