Red Ahmedabad - 15 books and stories free download online pdf in Gujarati

રેડ અમદાવાદ - 15

‘તું...! તો તું છે... હત્યારો...!’, સોનલે રવિનો હાથ કસીને પકડ્યો.

‘ના...ના...! હું તો અહીં ચોપડી ખરીદવા આવ્યો છું. રવિવારી તો હું અવારનવાર આવું છું. એમાં નવું કંઇ જ નથી.’, રવિએ હાથ છોડાવવાનો પ્રયાસ કર્યો.

‘તું ડાબોડી છે?’, મેઘાવીએ રવિની આંખોમાં આંખો પરોવી.

‘ના... આ તો આ ચોપડી આ તરફ હતી, તો મેં ડાબા હાથનો ઉપયોગ કર્યો... બસ...’, રવિએ ચોપડીની જગા હાથના કિનાયથી દર્શાવી.

‘ઓહ...! તો આપણે જેને શોધીએ છીએ, તે આ નથી... અને…’, જયે માથા પર હાથ મૂક્યો.

‘અને આના લીધે, તે વ્યક્તિને આપણી યોજના ખબર પડી ગઇ હશે.’, સોનલે જયનું વાક્ય પૂરૂ કર્યું.

સોનલની ટુકડી ચૂપચાપ એકબીજાની સામે તાકી રહી. પ્રત્યેકની આંખો રવિ માટે શંકાના વાદળોથી ઘેરાયેલી, તો રવિ સિવાય અન્ય હત્યારો જો કોઇ હતો તો કોણ?, તે વિચારે હરેકના મનમાં સવાલ ઊભો કરેલો. સોનલે રવિનો હાથ છોડ્યો. રવિએ ભાગવાનો અથવા છટકવાનો કોઇ પ્રયત્ન કર્યો નહિ. આથી સોનલને થોડો વિશ્વાસ બેઠો કે રવિ હત્યારો ન હોઇ શકે. નહીતર હાથ છુટતાની સાથે જ તે તુરત જ ભાગવા માટેના રસ્તા શોધવા લાગે. પરંતુ રવિ તો તેમની સામે થાંભલાની માફક જમીન સાથે જડાઇને ઊભો હતો. સોનલે મેઘાવીને ઇશારો કરી તેની તરફ બોલાવી.

‘મને લાગે છે, જે કોઇ પણ હત્યારો છે, તેણે આપણને જોયા તો હશે જ રવિને પકડતા...’, સોનલે જમણા હાથની પહેલી આંગણી ભ્રમર પર ફેરવી.

‘મને પણ...’, મેઘાવીએ સાથ પૂરાવ્યો.

‘જો રવિ નથી... તો કોણ છે? અને આજે જ, આ સમયે રવિ અહીં શું કરે છે? શું તેનો કોઇ સંબંધ છે હત્યારા સાથે? અથવા તે આપણે ગેરમાર્ગે દોરી રહ્યો છે...’, સોનલે તેના વિચારો મેઘાવી સમક્ષ મૂક્યા.

‘કંઇ કહેવું અથવા અંદાજો લગાવવો અઘરો છે... હું તો કહું છું આને ઉપાડી લઇએ, સ્ટેશનમાં બે-ચાર ડંડા પડશે ને તો આપોઆપ આખી રામાયણ જાતે જ ગાવા લાગશે...’, મેઘાવીએ રવિની સામે જોયું.

‘ના...કોઇ કારણ વગર તેને ઉપાડવો અયોગ્ય રહેશે, અને આ હાઇ પ્રોફાઇલ મર્ડર કેસમાં આપણા બંને ઉપર બધું ઢોળી દેવામાં આવશે.’, સોનલે તેનું અનુમાન જણાવ્યું.

‘તો શું કરીશું?’

‘આને જવા દઇએ... પણ આપણો એક માણસ તેની પાછળ ગોઠવી દો... અને જે વ્યક્તિએ આપણને તે ઉખાણું પૂછીને અહીં આમંત્ર્યા છે, તેની પ્રતીક્ષા કરીએ...’, સોનલે રવિની સામે જોયું અને મેઘાવીને તેના મનની વાત કરી.

‘સારૂં, તું જેમ કહે તેમ?’, મેઘાવીએ જયને રવિને છોડી દેવા માટે ઇશારો કર્યો.

‘થેંક યુ...!’, રવિએ સોનલ સામે જોયું અને ઝડપથી રવાના થયો.

‘તેને કેમ જવા દીધો?’, જય ગુસ્સે થયો.

‘કારણ કે તે આપણો સંદિગ્ધ નથી...’, ચિરાગે જયના ખભા પર હાથ મૂક્યો.

‘તો કોણ છે?’, બધી જ રમઝટ નિહાળ્યા બાદ જાસવંત બોલ્યો.

‘તે આવશે... આપણે રાહ જોવી પડશે.’, સોનલ ચોપડીઓ સરખી ગોઠવવા લાગી.

‘કદાચ, તેણે આપણને જોઇ લીધા હોય રવિને પકડતા... ના પણ આવે... બની શકે...કેમ?’, જસવંતે ચિરાગ સામે જોયું.

‘ના... એવું નહિ બને... કેમ કે, હત્યારો આપણને પડકારી રહ્યો છે કે તમારા હાથોમાં તાકાત હોય અને મગજમાં લોહી બરોબર ઝડપથી દોડતું હોય તો મને પકડી બતાવો...’, ચિરાગ શરબતની હાટડી તરફ જવા લાગ્યો.

‘અને ના પકડી શક્યા તો...?’, જસવંત પાણીપૂરીની લારી તરફ પગ ઉપાડતા બોલ્યો.

‘તો... ત્રીજી લાશ જોવા માટે તૈયાર થઇ જાવ...’, રમીલા પાણીપૂરીની લારી તરફ જતા જસવંત પાસેથી પસાર થતા બોલી.

*****

તે જ દિવસે, બપોરના ૦૩:૦૦ કલાકે

‘સારૂ છે... શિયાળો છે... ઉનાળામાં તો ગરમીમાં આપણે શેકાઇ જાત...’, જયનો અવાજ બધાને સંભળાયો.

‘સાવ સાચી વાત છે, જયની...’, વિશાલનો અવાજ પણ આવ્યો.

‘આપણું કામ જ આ છે... તો શું ઠંડી અને શું ગરમી...?’, આ વખતે મેઘાવીનો અવાજ આવ્યો.

‘અને શું ચોમાસું?... રહી ગયું ને એટલે મેં પૂરૂ કર્યું...’, રમીલા બોલી અને સાંભળી બધા હસવા લાગ્યા.

બપોરનો સમય હોવાને કારણે બજારમાં ભીડ પણ વધી ગયેલી. શરબત અને પાણીપૂરીની હાટડી પાસે અવરજવર વધી ગઇ હતી, જેના કારણે ચિરાગ અને જસવંત માટે નજર રાખવું મુશ્કેલ બન્યું હતું. મુલાકાતીઓની સંખ્યા વધતી જતી હતી... ભીડમાં હવે તે હત્યારાને શોધવો એટલે રાઇના ઢગલામાંથી કાળા રંગનો જ નાનો પથ્થર શોધવા બરાબર બનવા લાગેલું. એટલામાં જ સોનલનો ફોન રણક્યો. વળી પહેલાની જેમ જ અજાણ્યો નંબર સ્ક્રીન પર દેખાયો.

‘હેલો મેડમ...!’, પુરૂષનો અવાજ સોનલના કાને ફોન ઉપાડતાની સાથે જ અથડાયો.

‘કોણ...?’

‘એ જ જેના માટે તમે વેશપલટો કરીને ગુર્જરીમાં ઉતર્યા છો. અને મારી પ્રતીક્ષામાં છો.’

‘તો સામે આવી જા.’, સોનલના અવાજમાં પડકાર દેખાયો. સાથે સાથે સોનલે જેનો ફોન તેના પર આવ્યો હતો તે નંબર ચકાસવા માટે મેઘાવીને ઇશારો કર્યો, અને મેઘાવીએ વિશાલને જાણ કરી.

‘આવીશ... હું તમને અહીં બજારમાં જ મળીશ... મેડમ...! બસ થોડી ક્ષણોમાં જ...’, અને ફોન કપાઇ ગયો.

‘કંઇ મળ્યું?’, સોનલે મેઘાવીને પાસે બોલાવી પૂછ્યું.

‘વિશાલને કહ્યું છે?.’, મેઘાવીએ સોનલને જાણ કરી.

‘વિશાલ...! શું ખબર પડી...?’, સોનલનો અવાજ વિશાલના પ્લગમાં આવ્યો.

ચિરાગ, જસવંત અને રમીલા, સોનલ અને વિશાલ તેમજ મેઘાવી વચ્ચેની બધી વાતચીત સાંભળી રહ્યા હતા.

‘હા... નંબર તો તેણે સ્વીચ ઓફ કરી દીધો લાગે છે... પરંતુ છેલ્લે તે ગુર્જરી બજારમાં જ એક્ટિવ હતો.’, વિશાલે જાણકારી આપી.

‘તેનો અર્થ તે અહીં જ છે.’, ચિરાગે અનુમાન લગાવ્યું.

‘હા... બધા સાવધાન અને સાવચેત રહો, આપણો ભેટો તેની સાથે ગમે ત્યારે થઇ શકે તેમ છે.’, સોનલે બધાને ચેતવ્યા.

*****

સોનલના ફોન પર અજાણ્યા નંબરથી ફોન આવ્યાના બરબાર અર્ધા કલાક પછી.

સોનલ ચોપડીઓ પાસે જ ઓટલા પર બેઠી હતી. મેઘાવી રવિવારીના વિક્રેતાની માફક તેની પાસે આવીને બેઠી. બન્ને ચોપડીઓ સરખી કરવાનો ડોળ કરી રહેલા. બે વ્યક્તિઓ ચોપડીઓ ફેંદી રહ્યા હતા. ત્રીજો વ્યક્તિ આવીને સોનલની બરોબર પાસે જ પડેલી ચોપડી ઉપાડી. તેણે ચોપડી લેવા માટે જમણા હાથનો ઉપયોગ કર્યો, જેના કારણે સોનલે તેના પર બહુ ધ્યાન આપ્યું નહીં.

તે ત્રીજા વ્યક્તિએ ચોપડીઓના પાના ફેરવ્યા, ‘કેમ છો, મેડમ?’

અવાજ સોનલના કાન સાથે અથડાતા જ તેણે ઝડપથી અવાજની દિશા તરફ નજર ફેરવી. સામે એક વ્યક્તિ સાવ ઘસાઇ ગયેલા આછા વાદળી રંગના ડેનીમ અને સફેદ ટી-શર્ટમાં હતી. તેણે ચહેરા પર કાળા રંગનો રૂમાલ બાંધેલો હતો. વાળ પવનના જોર સામે ટકી ન શકવાના કારણે હવા સાથે તાલનો મેળ કરીને ઉડી રહ્યા હતા. ઘેરા કથ્થાઇ રંગની, પરંતુ જોનારને યાદ રહી જાય તેવી તેજ અને ધારદાર આંખો સાથે ઘેરો અવાજ ધરાવતી તે વ્યક્તિને જોઇ મેઘાવી પણ તેની જગા પરથી ઊભી થઇ ગઇ.

‘તો તું જ છે અમારી શોધ?’, સોનલે તીખા અવાજમાં કહ્યું.

‘હા...! મેડમ... હું જ છું.’

‘તો, ચહેરો કેમ છુપાવે છે? દુનિયાને બતાવને કે તું કોણ છે, અને આ હત્યાઓ કેમ કરે છે?’, સોનલ ઓટલા પરથી ઉતરીને તે વ્યક્તિની નજીક આવી. મેઘાવી પહેલેથી જ તે વ્યક્તિની પાછળ ગોઠવાઇ ચૂકેલી, અને એકબીજાની સાથે સંપર્કમાં હોવાને કારણે જય, ચિરાગ અને જસવંત, રમીલા સાથે સોનલની નજીક પહોંચી રહ્યા હતા.

‘જેમણે સાચા ચહેરાઓ છુપાવી ખોટા ચહેરાઓ સાથે દુનિયાને છેતરી હોય, તેમની સામે મારો સાચો ચહેરો શું લાવવાનો? મારો ચહેરો તે લોકો માટે તો સપના બરાબર છે...’, વ્યક્તિએ ઓટલા પરથી બીજી બે ચોપડીઓ ઉપાડી, અને તેમાંથી એકના પાનાઓને ઉથલાવ્યા.

‘તો પછી તે આજે, અહીં, અમારી વચ્ચે આવીને ભૂલ કરી... હવે સત્યનો અરીસો તારો ચહેરો જોઇને જ રહેશે.’, સોનલના ઇશારાથી મેઘાવી અને તેમની પાસે આવી પહોંચેલા ચિરાગે પાછળની તરફથી તે વ્યક્તિને ઘેરી લીધો હતો. તેઓ પિસ્તોલ સાથે તૈયાર જ હતા.

‘મેડમ...મારૂ કામ હજી પત્યું નથી. આ તો મારી ઇચ્છા થઇ કે તમને મળું, એટલે આ સંદેશ મૂક્યો અને હું ખરેખર આપનાથી પ્રસન્ન છું, સાથે સાથે પ્રભાવિત થયો છું કે આપ જેવા વ્યક્તિઓ હજુ સિસ્ટમમાં છે. બાકી મને તો સરકારી સિસ્ટમ પરથી જ વિશ્વાસ જ ઉઠી ગયો હતો. એની વે... ચાલો તો હવે મુલાકાતનો સમય પૂર્ણ થયો. એક મેસેજ તમને મારે આપવો છે, સિસ્ટમના પાના ઉથલાવો, ચકાસો... કદાચ તમને કંઇક મળી જાય... ચાલો... બાય...’

વ્યક્તિની ફરતાંની સાથે જ સામે, મેઘાવી અને ચિરાગ તેની સામે પિસ્તોલ તાકીને ઊભા હતા. પાછળ સોનલ પણ પિસ્તોલ સાથે હતી. જય અને જસવંત પણ આવી પહોંચેલા. રમીલા મેઘાવીની પાસે ઊભી હતી. છ જણા વચ્ચે ઘેરાયેલ તે વ્યક્તિ, જેમાં ત્રણ પાસે પિસ્તોલ અને ત્રણ ખાલી હાથે. વ્યક્તિએ બધાની તરફ નજર ફેરવી, ‘શું મેડમ... તમને શું લાગે છે કે તમે મને પકડી પાડશો...? એ તો ચાર સિંહો પણ નથી કરી શક્યા... તો તમે...’, તે અટક્યો અને તેણે તેના હાથમાં રહેલી ત્રણે ચોપડીઓ વારાફરથી સોનલ, મેઘાવી અને ચિરાગ તરફ પ્રહાર પૂર્વક ફેંકી, જેના કારણે ત્રણેના હાથમાંથી પિસ્તોલ પડી ગઇ. વ્યક્તિને છટકવાની તક મળી, અને તેણે તેનો ભરપૂર ફાયદો ઉઠાવતા, રમીલાને ધક્કો માર્યો, અને તે તરફથી ભાગ્યો. ચોપડીવાળા વિસ્તારમાંથી પાણીપૂરી, લીંબુ શરબત, લાકડાના બનેલા સામાન તરફ પૂર ઝડપથી ભાગ્યો. ભીડ વધુ હોવાને કારણે સોનલ કે તેની ટુકડીમાંથી કોઇ પણ ગોળી ચલાવી શકે તેમ નહોતું. જેનો લાભ તે વ્યક્તિને મળ્યો. પરંતુ સોનલ અને મેઘાવી તેની પાછળ તેટલી જ ઝડપથી હતા જેટલી ઝડપથી તે ભાગી રહેલો. ચિરાગ અને જય બજારની પાછળની તરફથી રીવરફ્રંટ પર આવ્યા. તે વ્યક્તિ પણ પતરામાંથી બનાવેલ ચીજવસ્તુઓનું વેંચાણ થતું હતું ત્યાંથી રીવરફ્રંટ પર આવ્યો. તેની પાછળ જ સોનલ અને મેઘાવી પણ રીવરફ્રંટ પર આવ્યા. માર્ગ પર પૂર ઝડપથી ભાગી રહેલો તે વ્યક્તિ, તેની પાછળ સોનલ અને મેઘાવી. જમાલપુર તરફ ભાગી રહેલા તે વ્યક્તિને સામે ચિરાગ અને જય મળ્યા. આથી તે વ્યક્તિ સાબરમતી નદી તરફ દોડ્યો. તેને રોકવા સોનલે એક ચેતવણી આપી, પહેલી ગોળી હવામાં ચલાવી અને બીજી ગોળી તેના પગમાં મારવા માટે નિશાન તાક્યું. વ્યક્તિ દોડી રહેલો, જેના કારણે ગોળી બરોબર નિશાન સાધે તે મુશ્કેલ હતું. છતાં સોનલે ગોળી ચલાવી અને તે વ્યક્તિએ કૂદકો માર્યો. વ્યક્તિ સાબરમતીમાં ખાબક્યો. સોનલ અને તેની ટુકડી નદીની નજીક પહોંચી. બધાના શ્વાસનો અવાજ એકબીજાને સ્પષ્ટ સંભળાઇ રહ્યો હતો. પાણીમાં વ્યક્તિના પડવાના કારણે બનેલા વલયો તે દરેકની આંખોમાં સમાવા લાગ્યા. સોનલે તે વલયોમાં પણ એક ગોળી ચલાવી. ગોળી ચાલવાના અવાજને સાંભળી રીવરફ્રંટની ખુલ્લી જગામાં રમી રહેલા બાળકો અને હાજર દરેક વ્યક્તિઓ નાસીપાસ થવા લાગ્યા. પાણીમાં ઉઠેલા વમળો શાંત થવા લાગ્યા, પાણી સ્થિર થવા લાગ્યું, પરંતુ સોનલ શાંત નહોતી. તેની આંખોમાં ગુસ્સાને લીધે જ્વાળામુખી ફાટ્યો હતો. તેના હાથ પિસ્તોલને દબોચી રહ્યા હતા. તેનો શ્વાસ સ્થિર થવાનું નામ નહોતો લઇ રહ્યો. આખરે હત્યારો હાથમાં આવીને છટકી ગયો હતો. હવે ફરી આ તક મળશે કે નહિ તે વિચારે સોનલને શુન્યમનસ્ક બનાવી દીધી.

‘સોનલ...સોનલ...’, મેઘાવીએ સોનલનો હાથ પકડી તેને હચમચાવી.

સોનલે મેઘાવી સામે જોયું, ગુસ્સો હજુ જોર પકડી રહેલો, ‘તાત્કાલિક, એ.એમ.સી.નો સંપર્ક કરો અને તરવૈયાઓ બોલાવો... તેને શોધો... મને લાગે છે કે મારી ગોળી તેને વાગી જ નથી. નિશાનો ચૂકી ગઇ છે, અને આટલો બધો સમય થયા પછી પણ તે બહાર નથી આવ્યો, તો તે ગયો ક્યાં? શોધ કરાવો... મારૂં મોંઢુ શું જુઓ છો?’, સોનલ ગુસ્સામાં ત્યાંથી નીકળી. તેની ટુકડીએ પહેલીવાર સોનલના આ સ્વરૂપને જોયું હતું. તેઓ અચંબિત હતા અને સાથે સાથે ચિંતામાં પણ કે હવે શું થવાનું હતું?

*****