Red Ahmedabad - 18 in Gujarati Novel Episodes by Chintan Madhu books and stories PDF | રેડ અમદાવાદ - 18

રેડ અમદાવાદ - 18

૨૦૨૦, જાન્યુઆરી ૧૫, સવારના ૦૭:૦૦ કલાકે

સુજલામ ફ્લેટમાં સોનલનો ફોન રણકી રહ્યો હતો. પોલીસ કંટ્રોલ રૂમમાંથી ફોન આવેલો. સોનલને ૧૪ જાન્યુઆરીની રાતે થયેલ હત્યા વિષે જણાવવામાં આવ્યું. સોનલ તુરત જ તેની ટુકડીને જણાવી, હત્યાના સ્થળ પર જવા નીકળી. એકદમ ઢીલા ટ્રેક અને ટી-શર્ટમાં સોનલ હાજા પટેલની પોળના નાકા પર બિપીન સાથે પહોંચી. હવાલદારે સુમોનો દરવાજો ખોલ્યો અને સોનલને દિશાસંચાર કર્યો. સોનલ હત્યા થઇ હતી તે ઘરના દરવાજાની સામે ઊભી હતી. દરવાજાની જમણી તરફ “વિજય બારોટ” લખેલું હતું. એટલામાં જ મેઘાવી અને ચિરાગ પણ આવી પહોંચ્યા.

‘લાગે છે, અમદાવાદના પ્રતિષ્ઠીત વ્યક્તિઓની પાછળ કોઇ હાથ થોઇને પડ્યું છે...’, મેઘાવીએ નામ લખેલ તક્તિ પર હાથ ફેરવ્યો.

‘હા... સાચે જ!’, ચિરાગ મેઘાવીની નજીક આવ્યો.

‘અંદર તપાસ કરીએ...’, સોનલ ઘરમાં દાખલ થઇ.

દરવાજાની બરોબર જમણી તરફ દાદરાઓ પહેલા માળ તરફ જતા હતા. હવાલદારે હાથના ઇશારાથી સોનલને ઉપર જવા જણાવ્યું. સોનલ અને મેઘાવી દાદરા ચડવા લાગ્યા. ચિરાગ રસોડા તરફ ગયો. ઉપર આવતાંની સાથે જ સામે જ મૃતદેહ હતો. સોનલ અને મેઘાવી એકબીજાની સામે જોવા લાગ્યા. બિલકુલ મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટની માફક જ હત્યા થઇ હતી. લાકડાની ખુરશી પર હાથ અને પગ બાંધેલા હતા. હાથ અને પગના પંજા પાસે ધારદાર ચાકુના નિશાન. ડાબા હાથની બે આંગળીઓ કાપેલી.

‘આબેહૂબ… પદ્ધતિ…! આખરે કોણ છે અને શું કરવા માંગે છે?’, મેઘાવી વિજયના હાથ પરના કાપા ચકાસી રહેલી.

‘કોઇ મોટી બાબતનો બદલો જ છે... આટલી નફરત તો માણસમાં તો જ આવે ને...’, ચિરાગ નિસરણી ચડીને રૂમમાં આવતા જ બોલ્યો.

‘સાચી વાત છે... આવું તો કોઇ ત્યારે જ કરે, જો શરીરમાં રક્તની જગાએ નફરત દોડતી હોય. જેનું લોહી ઝેર બની ગયું હોય.’, સોનલ રૂમની બારી તરફ ગઇ.

ચિરાગ મૃતદેહની નજીક આવ્યો, ‘પણ ગઇ કાલે તો ઉત્તરાયણ હતી, અને પોળમાં તો કેટલી બધી વસ્તી હોય છે. આવી સ્થિતિમાં હત્યા કરવી મુશ્કેલ છે. મુશ્કેલ જ નહિ અશક્ય છે.’

‘તારી વાત સાચી છે. આસપાસના ઘરોમાં રમીલા અને જયને તપાસ અર્થે મોકલો. કોઇએ કંઇ જોયું છે કે નહિ?’, સોનલે બારીની ધાર પર હાથ મૂક્યો.

ફોરેંસીક ટુકટી પણ આવી પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. સોનલ અને મેઘાવી ઘરના અન્ય ઓરડાઓની ચકાસણી કરવા લાગ્યા. ચિરાગ સંપૂર્ણ ઘટના કેવી રીતે બની હશે? તે બાબતે વિચારી રહ્યો હતો.

‘મેડમ...! પોળમાં અંદર દાખલ થતા પહેલાં રીલીફ રોડ પર આવેલ ખૂણા પરની દુકાનના સીસીટીવીમાં આપણા કામની માહિતી છે.’, રમીલાએ દરવાજા પરથી જ અવાજ લગાવ્યો. સોનલ સડસડાટ દાદરા ઉતરી ગઇ. સોનલે રમીલાને તે સીસીટીવીની ફૂટેજ લેવા માટે જણાવ્યું. મેઘાવી પણ નીચે ઉતરી. ચિરાગ તેની પાછળ જ હતો.

‘આ ઘરના ખૂણેખૂણાને કેમેરામાં કેદ કરી લો. એક પણ જગા છુટવી ના જોઇએ. ભલે ને ત્યાંથી માખી પણ આવી ન શકતી હોય.’, સોનલે વિશાલ સામે જોયું. વિશાલ ઇશારો સમજી ફોટા પાડવામાં વ્યસ્ત બન્યો.

‘હાથની બે આંગળીઓ કાપવાનો અર્થ એ થયો કે હજી એક વ્યક્તિ બાકી છે.’, મેઘાવીએ માથું ખંજવાળ્યું.

‘એ તો ખબર જ છે. પરંતુ મને તે માસ્ક દેખાયું નહિ... જે હત્યારાએ પટેલ અને ભટ્ટના મૃતદેહ પાસે મૂકેલ હતું. એનો અર્થ કે આ હત્યારો આપણે શોધીએ છીએ તે નથી. તેણે હત્યા કરવાની પદ્ધતિની નકલ કરી છે.’, ચિરાગે મેઘાવીની સામે જોયું.

‘માસ્ક છે... અને સિંહનું જ છે... એટલે આ એ જ હત્યારો છે...’, સોનલના હાથમાં માસ્ક હતું.

‘ક્યાં હતું?’, ચિરાગે સોનલ પાસેથી માસ્ક લીધું.

‘બારોટના સ્ટડી રૂમમાં, અને તેમની પત્નીએ એ પણ જણાવ્યું કે તેમની પાસે આવા ચાર માસ્ક હતા. જે ચારેક વર્ષ પહેલા ગોવાની મુલાકાત સમયે, તેમણે તેમના ત્રણ મિત્રો અને તેમને મળીને કુલ ચાર ખરીદ્યા હતા. પરંતુ તેમના એક મિત્રનું માસ્ક તેમની પાસે જ હતું. એટલે કે બારોટ પાસે બે માસ્ક હતા.’, સોનલે કરેલ તપાસ મેઘાવી અને ચિરાગ સમક્ષ મૂકી.

‘આ તો એક જ છે, તો બીજું ક્યાં છે?’, ચિરાગે તેના હાથમાં રહેલ માસ્ક ઊંચું કર્યું.

‘હું પણ એ જ વિચારૂ છું કે બીજું માસ્ક ક્યાં છે?’, સોનલે જમણો હાથ માથા પર મૂક્યો.

‘હત્યારો લઇ ગયો હશે...’, મેઘાવી બોલી.

‘બની શકે.’, સોનલના પગ વાત પૂરી કરતા સુમો તરફ જવા લાગ્યા,’૧૧:૦૦ કલાકે મળીએ... પોલીસ સ્ટેશન પર...’, બિપીને ગાડી હંકારી.

મેઘાવી અને ચિરાગ પણ તેમના વાહન હંકારી હાજા પટેલની પોળમાંથી રવાના થયા.

*****

તે જ દિવસે, ૧૧:૦૦ કલાકે

વિશાલના કોમ્પ્યુટર સ્ક્રીન પર પોળના નાકાની દુકાનના સીસીટીવીની ફૂટેજ ચાલી રહેલી. રાતના ૧૨:૦૦ કલાકે સ્ક્રીન પર શ્વેત વસ્ત્રધારી વ્યક્તિ નજરે ચડી. તે નાકા તરફથી રીલીફ રોડ પર આવી. વિશાલે સોનલનો હાથ તેના ખભા પર મૂકાતા જ ફૂટેજને રોકી.

‘ફોટો થોડો મોટો કર તો...’, મેઘાવી વિશાલની ખુરશીની બરોબર પાસે જ ઊભેલી.

‘હા... મેડમ...’, વિશાલે તુરત જે તેમ કર્યું.

‘કંઇ સ્પષ્ટ દેખાતું નથી.’, સોનલ સ્ક્રીનની થોડી નજીક આવી, ‘હા... પણ વ્યક્તિ મારા અંદાજા મુજબ આશરે ૨૫થી ૨૭ વર્ષની લાગે છે.’, સોનલે મેઘાવી સામે જોયું.

‘મને પણ એવું જ લાગે છે...’, મેઘાવી હામી ભરી.

‘મેડમ... જાણવા જેવી વાત એ છે કે, ફૂટેજનો આ ભાગ નિશ્ચિત કરે છે કે તે જમણા હાથનો ઉપયોગ વધુ કરે છે.’, વિશાલે ફૂટેજનો તે ચોક્કસ ભાગ ત્રણેક વાર ચલાવ્યો.

‘ચોક્કસ... જમણા હાથમાં ચાવી રમાડવી, જમણા હાથથી જ રૂમાલ કાઢવો. અને પાછો તે જાણે છે કે સીસીટીવી છે, માટે જ છેક સુધી તેણે વાંદરાટોપી પહેરી છે.’, સોનલે વિશાલની વાતને સમર્થન આપ્યું.

‘એટલે તે બન્ને હાથ પાસેથી એકસરખું કામ લઇ શકે છે... એમ જ ને…’, મેઘાવીએ તેનું અવલોકન શબ્દોમાં વર્ણવ્યું.

‘હા, તારૂ અનુમાન સાચું છે, અને અવલોકન પણ...’, ચિરાગ કાર્યાલયમાં દાખલ થયો, ‘બન્ને હાથ એક સાથે એકસમાન રીતે વાપરી શકવા... એ એક ચમત્કાર જ છે. વિશ્વમાં આશરે એક ટકા લોકો જ આવા હોય છે. વળી, સ્કિઝોફ્રેનિયાનો દર્દી પણ આવું કરી શકે છે.’, ચિરાગ ખુરશી પર બિરાજ્યો.

‘એટલે તું એવું કહેવા માંગે છે કે, આ વ્યક્તિ લાંબા ગાળાનો માનસિક વિકાર ધરાવે છે, અને જેનું કારણ વિચાર, લાગણી અને વર્તન વચ્ચેના સંબંધમાં ભંગાણ હોઇ શકે.’, સોનલ તેની ખુરશી પર બિરાજી, ‘ જ્યારે વાસ્તવિકતામાં કલ્પના અને ભ્રાંતિમાં વ્યક્તિગત સંબંધો ખંડિત થવાથી પણ બન્યું હોય.’

‘હા... પરંતુ આ કિસ્સામાં મને એવું લાગે છે કે તેણે તેની ખૂબ જ નજીક હોય તેવું કંઇક ગુમાવ્યું હશે.’, ચિરાગે સોનલને સમર્થન આપ્યું અને અનુમાન પણ જણાવ્યું.

‘એ છોડ, આપણે આગળ તપાસ કઇ રીતે કરીશું?’, મેઘાવી સોનલના ટેબલની નજીક આવી.

સોનલે પેન હાથમાં લીધી, ‘મેં વિશાલને જૂના કેસોની તપાસ કરવાનું કહ્યું હતું. રીવરફ્રન્ટ, રવિવારીમાં તે વ્યક્તિએ આપણને સીસ્ટમના પાના ઉથલાવવાનું જણાવ્યું હતું, અને વિશાલે ચોક્કસપણે પાના ઉથલાવ્યા જ હશે.’

‘હા...’, વિશાલ એક ફાઇલ સાથે ટેબલની નજીક આવ્યો, ‘તમે મને મનહર અને ઇંદ્રવદનને સાંકળતો કોઇ કેસ હોય તો તેની તપાસ કરવાનું કહેલું, અને આ રહ્યું પરિણામ.’, વિશાલે ફાઇલ ટેબલ પર મૂકી.

‘વેરી ગુડ...જોયું આને કહેવાય કામ કરવું.’, મેઘાવીએ ચિરાગ સામે તીણી નજર કરી.

‘હા... હા... હવે, આજ કામ જયે પણ પાર પાડ્યું છે. આવતો જ હશે માહિતી સાથે...’, ચિરાગ પણ સોનલ જેટલી ઝડપથી જ કેસમાં આગળ વધી રહેલો.

‘લાવો જોઇએ... વિશાલનો અભ્યાસ શું કહે છે?’, મેઘાવીએ ફાઇલ ટેબલ પરથી ઉપાડી અને પાના ફેરવવા લાગી, ‘અહીં તો...’

‘હા... મનહર પટેલ અને ઇંદ્રવદન ભટ્ટની સાથે વિજય બારોટ પણ જોડાયેલ છે.’, વિશાલે મેઘાવીની વાત પૂરી કરી.

‘આ કેસ કઇ બાબતે હતો...?’, ચિરાગે વિશાલ તરફ જોયું.

સોનલ પેન હાથમાં રમાડતા બોલી, ‘કેસ છે, ભાવિન નામના કોઇ વિદ્યાર્થીનો... કેસ દાખલ કરનાર છે, કોઇ દિપલ નામની છોકરી... જેણે ભાવિનના ખોવાઇ જવાની ફરિયાદ કરેલ છે, અને જેમની સામે તેણે શંકા દર્શાવી છે, તે વ્યક્તિઓ છે... શ્રીમાન પટેલ, શ્રીમાન ભટ્ટ અને શ્રીમાન બારોટ...’, સોનલે મેઘાવીને ફાઇલ ચિરાગને આપવાનો ઇશારો કર્યો, ‘વધુમાં, દિપલ બારોટની જ દિકરી છે... જેનો ફોટો આપણે આજે સવારે બારોટના ઘરે જોયો. તેની માતાની વાત મુજબ તે વિદેશમાં અભ્યાસ કરે છે. સમીરાએ આપેલ માહિતી મુજબ શ્રીમાન પટેલનો દિકરો રોહન પણ વિદેશમાં અભ્યાસ કરે છે. પાછું રોહને પટેલની ઇચ્છા વિરૂદ્ધ લગ્ન કર્યા.’

‘એટલે રોહને દિપલ સાથે લગ્ન કર્યા...?’, મેઘાવી સોનલ સામે જોઇ જ રહી.

‘ના... આ કેસ ૨૦૧૭નો છે, એનો અર્થ એવો થાય કે દિપલ ૨૦૧૭માં તો અમદાવાદમાં જ હતી. જ્યારે સમીરાએ આપણને રોહન ૨૦૧૫થી કેનેડા છે, તેવું કહેલું.’, સોનલે પેન રમાડવાનું ચાલુ રાખ્યું, અને આંખો બંદ કરી, ‘રોહન અને દિપલ તો નહિ, પણ મને બારોટ અને મનહર વચ્ચે કંઇક રંધાયું હશે તેવું લાગે છે, અને વળી એમાં આ ભટ્ટનો વઘાર ક્યાંથી આવ્યો, તે મને મૂંઝવી રહ્યું છે.’

‘હું કહું...’, જય કાર્યાલયમાં દાખલ થયો, ‘ભટ્ટ પટેલનો ભાગીદાર હતો... ગ્લોબલ સમીટ વખતે એવોર્ડ લેવામાં, અને પટેલના બધા જ કેસ ભટ્ટ જ લડતો હતો.’

‘પટેલ જેવા શિક્ષણવિદને વકીલનું શું કામ?’, ચિરાગે જયની વાતને અટકાવી.

‘શિક્ષણવિદ સમાજ માટે, પાછળના દરવાજે તો તે જમીનો અને ગેરકાયદેસર બાંધકામનું મોટું કામ કરી રહ્યા હતા. તેમાં ભટ્ટ એમનો ભાગીદાર હતો. બારોટ ભટ્ટના કારણે જ પટેલના સંપર્કમાં આવેલ...’, જયે બારોટ અને ભટ્ટના એકબીજાની સાથે પડાવેલ ફોટાઓ ટેબલ પર મૂક્યા.

‘જો એવું હોય તો... આપણા માટે હત્યારાને શોધવું અઘરૂ બનશે... કેમ કે આવા લોકોના દુશ્મન પણ ઘણાં જ હોય છે.’, મેઘાવી જય લાવ્યો હતો તે ફોટા નીરખવા લાગી.

‘આપણા માટે અત્યારે તે જાણવા કરતા, ભાવિન, દિપલ અને રોહન બાબતે તપાસ કરવું યોગ્ય રહેશે.’, ચિરાગે મૂળ વાત તરફ ધ્યાન દોર્યું.

‘અને બારોટના મૃત્યુ બાબતે પણ...’, સોનલે ચિરાગની વાત પૂરી કરી, ‘મને એક વાત વધુ પજવી રહી છે.’

‘એ જ ને કે ત્રણ સિંહ તો મળ્યા... ચોથું કોણ?’, મેઘાવીએ સોનલની સામે જોયું.

‘હા... ચોથો સિંહ તો બારોટના ઘરે જ હતો...અને આજે તે ગાયબ છે, હવે કોણ?’, સોનલે બધાની સામે નજર કરી.

‘૨૦૧૭ના ભાવિનના કેસને ખંખોળીઇ... બધી જ ખબર પડી જશે.’, વિશાલે માથા પર હાથ ફેરવ્યો. ‘મને પણ એમ જ લાગે છે.’, જયે સમર્થન આપ્યું.

‘તો... ચાલો ત્રણ વર્ષ પહેલાનાં પાના ઉથલાવીએ, ઇતિહાસ હંમેશા વર્તમાન અને ભવિષ્યનો આધારસ્તંભ રહ્યો છે... આજે ચકાસી પણ લઇએ.’, સોનલે પણ સમર્થન આપ્યું.

‘મેડમ...! અંદર આવી શકું છું...?’, અવાજ જસવંતનો હતો.

‘અરે... આવ... બે દિવસ તો દેખાયો જ નહિ... ‘, મેઘાવીએ જસવંતની સામે જોયું, ‘અને આંખો કેમ લાલ છે? ઉજાગરા કરે છે કે શું?’

‘ના... ના... મેડમ... બે દિવસ એક સસ્પેક્ટની પાછળ હતો... અને સમાચાર મળ્યા કે બારોટ સાહેબની હત્યા થઇ છે.’, જસવંતે આંખો ચોળી, ‘એટલે મળવા આવ્યો કે મારી કોઇ મદદની જરૂર હોય તો...’

‘હા... તારી જ જરૂર પડશે... કારણ કે તું પોળમાં રહે છે, અને બારોટ પણ. આથી તું ઘણી ખરી તપાસ કરાવી શકીશ.’, સોનલે જસવંતની સામે નજર કરી, ‘તારે તપાસ કરવાની છે... ગઇ કાલ રાતની. તહેવારના વાતાવરણમાં હત્યા થઇ તો કોઇને કંઇ ખબર કેમ પડી નહિ? બારોટના પત્ની તે સમયે ક્યાં હતા? બારોટ જેવો ખડતલ માણસ આમ ફસડાઇ કેમ પડ્યો? બીજું તને જે સુઝે તેની...’

‘ચોક્કસ મેડમ...’, જસવંત સલામ કરીને રવાના થયો.

‘મેડમ... આપના માટે કવર આવ્યું છે.’, હવાલદારે સોનલને કવર આપ્યું.

સોનલે કવર ખોલ્યું. એક જ કાગળ અને કાગળ પર ફક્ત ત્રણ જ શબ્દો લખેલા હતા.

‘શું લખ્યું છે?’, મેઘાવી સોનલની નજીક આવી.

સોનલે કાગળ મેઘાવીને આપ્યો. શબ્દો હતા, “સેવા, સુરક્ષા, શાંતિ”

*****

Rate & Review

ROHIT PRAJAPATI

ROHIT PRAJAPATI 6 months ago

Parash Dhulia

Parash Dhulia 12 months ago

Psalim Patel

Psalim Patel 1 year ago

Pradyumn

Pradyumn 1 year ago

bhavna

bhavna 1 year ago