Letter - 2 books and stories free download online pdf in Gujarati

કાગળ - 2

મને તારા કાકા એ (હાથ માં રહેલા ટચ સ્ક્રીન મોબાઇલ ને બતાવે છે) ઓમો ફોન લગાડતાં શીખડાયુ તું પણ હું જાર- જાર ફોન જોડું સુ તાર-તાર એક બુન જ ઉપાડેશે ને પસી કોરોના માં ધ્યાન રાખો ને , હાથ ધોવો , બે ગજ નું અંતર રાખો , ઘરમાં રો ને રસી લો કાયમ એવું જ બોલે છે. ખબર નહીં જેટલી વાર ફોન કરું એટલી વાર એ જ બોલે છે ને મૂઇ હેમંત ને તો ફોન દેતી જ નથી. શહેર જાતા હંધાય ને કઉશુ મારા હેમંત ની ભાળ લેતા આવજો કો'તો મને ભેળી લેતા જાઓ પણ કોઈ મને નથ લઈ જાતું કે નથી પોતે કોઈ જાતું બધા એમ જ કેશે કે આ કોરોના માં દર્દી જોડે કોઇને ના જવાય . મેં કીધું કે મુ હેમંત ને અડે નઇ , આ મુઢે કપડું તો આખો દી' રાખીએ જ સીએ અને જે દી'ના હેમંત ને અસ્પતાલ લઇ ગયાશે તે દી'નું તો હું દાડા માં દશવાર હાથે ધોઉંશુ મનેય ખબર પડેશે કે આ કોરોના માં કોઇને અડાય નઇ, જોડે ના જવાય પણ શું કરું મા છુંને મા નો જીવ ક્યાં સુધી રે? જેને હેમંત ના ભાળ પૂછું છું હંધાય એમ જ કે છે કે સારું થઇ જાશે પણ મને કોઈ એને દૂરથીય એકવાર જોવા નથી લઇ જાતું.

" સારું બા , હું તમને હેમંત કાકા ને કાગળ લખી આપું છું . શું લખવું છે એ કો?" અર્જુને કંચનબા ને કીધું." હા , હું બોલું ને તું લખ." સારું બા તમે બોલો ( એમ કહી ને જેમ જેમ કંચનબા બોલે છે તેમ તેમ અર્જુન લખે છે)

" વ્હાલા દીકરા હેમંત, તને જોયા વગર મારાથી હવે નથી રેવાતુ. મારે તને એકવાર સખેથી જોવા આવું છે પણ ગામ માંથી કોઈ મને આવા નથી દેતું.મે એવું હોભળ્યુ તું કે આ કોરોના માં જેને ઓછી તકલીફ હોય એને અઠવાડિયા માં રજા આલીદે છે ને બાકીના ને ચૌદ દાડા દવાખાનામાં દાખલ રેવુ પડે છે પણ તને તો દવાખાને જ્યાને આજ સોળમો દી' થઇ ગયો છે પણ હજીયે તું ઘેર આયો નથી એટલે હવે મારી ધીરજ ની કસોટી નો અંત આયોશે. આમતો મને મારા હરિ પર પૂરો ભરોસો છે કે તું હેમખેમ ઘરે પાછો આઇશ જ છતાંય હવે મારાથી નથી રહેવાતું. તને ફોન જોડું છું તો એક બુન જ કાયમ ઉપાડેશે ને કોરોના માં સાવચેતી રાખવાનું કે છે તે હું હંધીય સાવચેતી રાખું જ છું તોય તું હજુ ઘેર નથી આયો એટલે મારું મન મૂંઝાય છે.
પેલી મગનની છોડી છે ને નર્સ નું ભણેશે એ પરમ દી' મારા કો'ક રિપોર્ટ કરવા આઇતી નાકમાં કોઈ સળી નાખી પછી કોક કરતી તી મને તો સારું છે એવું કે તી તી.તે મેં એને પૂછ્યું તું કે એ તારા દવાખાને જાય તો તારી હાટું ગોળ ઘી અને રોટલાનું ચૂરમુ લેતી જાય એ ખઇને તું ઝટ સાજો થઈ જાય પણ મૂઇએ તો સેધા મોઢે ના પાડી દીધી કે બા કોરોના માં ખાલી મગ , સંતરા-મોસંબી નો રસ ને નારિયેળ પાણી એવો હળવો ખોરાક જ લેવાય. આ સાંભળી ને તો મને તારી બઉ ચિંતા થાવા લાગી શકે તને તો એવું કોય ભાવતું નથી અને અમથુંય તને નોનપણ થી દવા લેતા ખૂબ જોર આવેશે તે ભૂખ્યા પેટે દવા કેમની લેતો હોઇશ?? ને મારી હારે ખાવા માટે જેવી જીદ કરે છે એવી જીદ ત્યાં કરતો હોઈશ તો કેમનો સાજો થઇ?

મારે બસ તને એટલું જ કહેવું છે કે તું દાક્તર જે કેે એ બધું ટેમસર ખાજે ને દવાઓ લેજે ખર્ચા ની કોઈ ચિંતા ના કરજે જીવ હશે તો હંધુય પાછું મળી રહેશે.હવે આ પંચોતેર વરસ ની મા તારી વાટ જોઈ જોઈને થાકી છે. તું એક જ તો મારો સથવારો છે આ બૂઢી મા માટે કરીને બેટા ઝટ સાજો થઈ ને પાછો આવ અને મારી જરાય ચિંતા ના કરતો હું બધું ટેમસર ખઇ લઉશુ ને ચંપા વહુ મારું ધ્યાન રાખેશે. મારી ઇશ્વર ને પ્રાર્થનાઓ ચાલુ જ છે બસ તું તારું ધ્યાન રાખજે ને પૂરી કાળજી લેજે.

કરશન ના અરજણ જોડ આ કાગળ લખાઉ શુ કરશન માસ્તર ને કઇને તને દવાખાને કાગળ પોચાડશે તને કાગળ મળે એટલે મને ફોન કરજે મુ ફોન જોડું તો તને જોડાતો જ નથી.

‌‌‌‌‌ લિ.
ડેલી એ નજરો માંડી ને બેઠેલી તારી મા કંચન.
લખાઇ ગયું બા અર્જુને કંચનબા ને પૂછ્યું. " લે હવે આ કાગળ સરખી ઘડી કરીને કરશન ને ધમાય ને એને કે જે કાગળ સરખો નવા પરબીડિયામાં મેલી સરનામું બરાબર લખાઈને તરત માસ્તર ને આલી આવે ને માસ્તર ને કે કે આજ ને આજ પેલ્લો કાગળ હેમંત ને દેવા જાય."

" હા બા" અર્જુન કાગળ લઇને કરશનભાઈ ને આપેછે અને કંચનબા એ કીધેલી ભલામણ પણ કરે છે. કરશનભાઈ સૂરજ ઉગતાની સાથે જ કાગળ પરબીડિયામાં મૂકી પૉસ્ટ માસ્તર ના ઘરે જઈને વહેલા માં વહેલી તકે કાગળ હેમંત ને પહોંચતો કરવાનું કઇ પરબીડિયું પૉસ્ટ માસ્તર ના હાથ માં ધરી પોતાનો બીજો હાથ માસ્તર ના હાથ માં રહેલા પરબીડિયા પર મૂકે છે ને આંખોથી લાગણીવશ ભલામણ કરી ત્યાં થી રવાના થાય છે.