A fantastic experience books and stories free download online pdf in Gujarati

એક વિચિત્ર અનુભવ

એક તો આખે શરીરે રંગે કાળું, એક ધોળો વાળ મળે નહિ ને સમ ખાવા, એમાં પાછું એક આંખે કાણું અને બાંડિયું, એક કાને બૂચું એ કૂતરું જ્યારે જ્યારે ‘સુપ્રભાતમ્‌’ કરતું ફળીમાં આવીને ઊભું રહેતું, ત્યારે મને અનુભવ છે કે કાંઈક પણ નવાજૂની થાતી. એટલે આજ એનાં દર્શન થયાં અને મારાં તો ઘરણ જ મળી ગયાં. હું તો ચા પીને ‘બસ’ પકડવા દોડી રહ્યો હતો, ત્યાં ભાઈસા’બ પોતાનું રૂપાળું મોં દેખાડતા ત્યાં પગથિયા પાસે જ ઊભા હતા ! જાણે કહેતા હોય કે ‘હું આવ્યું છું, મને વધાવી લ્યો.’ ‘અરે હડ ! હડ !’ મેં એને હડકાર્યું. પણ એ સઘળી માનાપમાનની ફિલસૂફીને તો એ ક્યારનું ઘોળીને પી ગયેલ ! એટલે કાળિયું તો જરાક જ પાછું હઠીને ત્યાં ને ત્યાં ઊભું રહ્યું !

‘થઈ રહ્યું !’ મેં મનમાં કીધું. ‘આજ કોણ જાણે ક્યાંથી અત્યારમાં મર્યું છે તે, કાં તો દી આખો બગડવાનો છે !’ તે પહેલાં એનાં દર્શનથી થયેલા લાભ સાંભરી આવ્યા. એક વખત આવ્યું ત્યારે મેં એક ચંપલ ખોયું હતું ! બીજી વખત એનાં દર્શને ‘ઈંડીપેન’ ગઈ હતી ! આજ થાય તે ખરી ! અને એની શરૂઆત જ હોય તેમ, ‘આસ્તે ! આસ્તે ! એ... આસ્તે !’ એમ ત્રણચાર વખતની બૂમને ગણકાર્યા વિના રસ્તે નીકળેલી ‘બસ’ પણ ભોંભોં કરતી દોડતી જ ગઈ ! જાણે કેમ ક્યાંક આગ લાગી હોય ! હું તો મોં વકાસીને ઊભો જ રહ્યો ! ગાડીનો ટાઈમ તો થવા આવ્યો હતો.

ખિસ્સામાં એક રૂપાળું કલાત્મક આમંત્રણ પડ્યું હતું. કોઈક સભાના પ્રભુખ તરીકે એક કસબાતી ગામમાં જવાનું હતું. ત્યાં મુખ્ય વક્તા જ હું હતો. અનેક જણ બીજા આવવાના હતા. એટલે મેં તૈયારી પણ જેવીતેવી કરી ન હતી. પણ ત્યાં તો આ પ્રથમ ગ્રાસે મક્ષિકા જેમ, પહેલાં કાળવું મળ્યું ને પછી આ ‘બસ’ ચૂક્યો, અથવા ‘બસ’ મને ચૂકી ગઈ !’

ચાલો, એ તો ગાડી કરી લઈશું - કહીને, મન વાળીને હું તો બગલથેલી લઈને તરત ચાલી નીકળ્યો. પણ જ્યાં દસ ડગલાં ગયો-ન ગયો, ત્યાં પડખેની જ ગલીમાંથી ‘રામ બોલો, ભાઈ રામ !’ સંભળાયું. માર્યા ! આ તો અત્યારમાં આ શુકન થયાં - ને જાવું છે ત્યાં ભાષણ કરવા ! ચાલો, પણ કાંઈ નહિ. આ તો ખરી રીતે સામું નથી મળ્યું, પડખેથી નીકળ્યું કહેવાય !’

ને હું તો એકદમ ઊપડ્યો. બેપાંચ ડગલાં દૂર જતાં ગાડીવાળાને દીઠો એટલે આનંદ થઈ ગયો. શંકા-કુશંકા પણ ટળી ગઈ. ગાડીવાળો મળી ગયો એ જ ભારે કામ થઈ ગયું ને !

ઊપડ્યો. થોડીક વાર ગાડીવળાએ પણ ઠીક જોર કર્યું. મેં પણ રકઝક ભાવમાં કરી જ નહોતી ને ! મારા મનને નિરાંત થઈ કે હમણાં પહોંચી જઈશું, હજી વખત છે.

પણ પેલું વીજળીઘર આવ્યું ને કોણ જાણે શું થયું ગાડીવાળાને, તે નિરાંતે ઝપાટાબંધ દોડતા ટટ્ટુને તેણે એક ચાબુક લગાવી. ને એ અન્યાયી મારની સામે સત્યાગ્રહ માંડવો હોય તેમ ટટ્ટુશ્રીએ પગ વડે એનો બરાબર જવાબ વાળ્યો. બીજો ચાબુક ને બીજો જવાબ. ત્રીજો ચાબુક ને પીછેહઠ. ચોથા ચાબુકે તો સરહદનો ભય ઊભો થયો. માણસ ને ઘોડો બન્ને હઠાગ્રહે ચઢ્યા ! અંતે માણસને નમવું પડ્યું ને નીચે ઊતરવું પડ્યું. ઘોડાને દોરવાનો યત્ન કરવા માંડ્યો. મેં અંદર બેઠાં જ કહ્યું : ‘અરે યાર ! તમે પણ - વખત તો આંહીં જ થઈ ગયો છે. જરાક ઉતાવળ કરો...’

‘પણ કાકા ! તમે જુઓ છો કે તમને વહેલા પહોંચાડવા માટે તો હું આને દોડાવું છું.’

‘ઠીક, પણ હવે... જલદી ઉપાડો ભાઈ !...’

‘અરે ! આ ઉપાડ્યું, લ્યો ને !’ ગાડીવાળાએ ખરેખર ટટ્ટુને દોડતું કરીને પોતે ગાડી ઉપર બેસીને ચાબુક મારતાં જ કહ્યું : ‘રાંડનું અડિયલ છે. ખરે વખતે જ રખડાવે એવું છે ! આ ભમરાળું છે હો, કાકા ! કાઢવું છે, પણ કોઈ બેટો હાથ જ લગાડતો નથી ને !’

‘કેમ ? એ બિચારું શું ભમરાળું હોય ?’ મનમાં તો છક્કાપંચા થતા હતા, વખત વહી જતો હતો, પણ હવે માથે પડ્યું ત્યારે વાત કરી લેવા દે, એમ ધારીને કહ્યું.

‘અરે ! એમ હોય, કાકા ! ઘોડે ઘોડે ફેર છે. આ તો જ્યાં જાય ત્યાં નિકંદન કાઢે એમ છે ! આના પાપમાં પહેલાં મેં બૈરી ખોઈ, પછી છોકરો ખોયો, ઘર વેચવું પડ્યું. હવે હમણાં એક નવું બૈરું લાવ્યો છું. સોનાની પૂતળી જોઈ લ્યો, પણ કરમબૂંદિયાળ આ છે ત્યાં સુધી ઠેકાણું પડે નહિ તો ! ત્રણ દી થ્યાં એ પડી ખાટલે !’

‘શું થયું છે ?’

‘કોણ જાણે ? સંભાળજો...કાકા !’ ગાડીવાળાએ આગળ કાંઈક ખાડા જેવું દીઠું ને બોલ્યો. પણ એના બોલની સાથે જ એક કડાક કરતું પણ કાંઈક થયું, ને ગડીનું પૈડું જ ધબાય નમઃ થઈ ગયું લાગ્યું. હું તો ઊંચોનીચો અથડાતોકૂટાતો માંડ બચ્યો... પણ બહાર નીકળીને ઊભું રહેવું પડ્યું ને હવે આ ગાડી કાંઈ આગળ ચાલે એમ જ મળે નહિ !

‘કૂતરું કાળવું’ એક આંખ કાણી રાખીને, જાણે મશ્કરી કરતું હોય એવું મને લાગ્યું. પણ હવે એને અત્યારે સંભારવાથી કાંઈ વળે તેમ ન હતું.

‘એ રિ...ક્ષા !’ કરીને બૂમ પાડી. ને તરત રિક્ષાવાળો એ બાજુથી પાછો ફર્યો.

‘કાકા ! આપણું ભાડું આવી જાય હો !’

એક તો ખોટી કર્યો, અધવચાળે રખડાવ્યો, અને પાછો ‘કાકા ! આપણું ભાડું અવી જાય હો !’ એવા આજ્ઞાવાહક અવાજમાં વાતચીત ! બીજે વખતે તો એને બે સંભળાવત અને સાંભળત, પણ અત્યારે તો બાપ ! પેલી સભામાં, અસંખ્ય તૃષાતુર આત્માઓ રાહ જોતા બેઠા હશે, મારે એમનો વિચાર કરવાનો હતો. નાણાંનો વિચાર અત્યારે ન હોય ! એટલે એના હાથમાં પૂરેપૂરું ભાડું મૂકીને ચાલતી જ પકડી. રિક્ષામાં બેસી ગયો. ઝપાટાબંધ લેવાનું એને કહ્યુું.

છેવટે નસીબે યારી આપી હતી. રિક્ષાવાળો શરીરે મજબૂત હતો, ને રસ્તામાં ભીડ ન હતી. ઝપાટાબંધ જઈ રહ્યા હતા !

‘પણ...પણ થોડી વાર પછી અચાનક ‘ચેઈન’ નીકળી પડી !

‘કાળવું !’ મારા મનમાં વગર તેડાવ્યો જ એ વિચાર હવે તો આવી ગયો. ‘પણ હોય હવે. ‘ચેઈન’ તો સાઈકલવાળાની હાલતાં ને ચાલતાં નીકળે છે. ગમે તેમ પણ છેવટે સ્ટેશને આવ્યા તો ખરા !’

‘સાહેબ ! તમારે ઊતરવું પડશે - ચડાવ છે !’

‘અલ્યા, પણ મારે પહોંચવું છે !’

‘તો બેઠા ર્‌યો, લ્યો ચાલો, હું ઊતરીને ખેંચું છું !’

રિક્ષાવાળો હેઠે ઊતરીને ચડાવ ચડાવવા લાગ્યો; ચડાવ ચડી ઊતર્યા ને સ્ટેશન પણ દેખાયું; ગાડી હજી ઊભી હતી.

પણ જેવી ચડાવ ચડી રહી કે રિક્ષા પણ ઊભી રહી ગઈ ! પંકચર!

ઓત્‌તારીની ! મેં હવે તો ખંખેરી મૂકવામાં જ સિદ્ધિની પરાકાષ્ઠા દીઠી. એક પણ શબ્દ બોલ્યા વિના, તરત રિક્ષાવાળાના હાથમાં પૈસા પણ આપી દીધા, ને ચાલતી પકડી !

પ્લેટફોર્મ ઉપર ચડ્યા ત્યાં ગાડીએ છૂ...છૂ કરીને મૂક્યું. ટિકિટ લેવાનો વખત ન હતો. પ્લેટફોર્મ પાસ જ લઈ લીધો. ને જોયા વિના ગાડીમાં જ ચડી બેઠો !

હાશ ! છેવટે જે મહત્ત્વના કામ માટે જવાનું હતું - એક અદ્‌ભુત ભાષણ આપવા તે વિષે ચિંતન કરવાનો વખત મળ્યો, એમ ધારીને ‘નોટ’ કાઢી, છૂ...છૂ ને કૂ કૂ એ બધાંમાંથી મનને ખેંચી લઈ, પ્રેમાનંદ, દયારામ, શામળ, દલપતમાં ચિત્તને પરાોવવાનો મોકો પકડી લીધો. નોંધ ધ્યાનપૂર્વક વાંચવા માંડ્યો. ગાડી પણ નિયમ પ્રમાણે ઊપડી. આપણા રામે તો નોંધપોથીમાં ઝુકાવી જ દીધું. કહ્યું છે ને પહેલું ભાષણ, પહેલો પગાર, પહેલી વાર્તા ને પહેલી બૈરી - શરૂઆતથી છાપ પડી ઈ પડી !

પાએક કલાક થઈ હશે ત્યાં સામેની આઘેરી પાટલીએથી કોઈનો અવાજ આવ્યો, ‘કેમ સા’બ ! આ બાજુ ક્યાં કૃપા કરી ?’

‘કોણ ?’

‘એ તો હું - આ બાજુ ક્યાં ભાવનગર ઊપડ્યા ?’

‘અરે !’ મારા પેટમાં ધ્રાસ્કો પડ્યો. મારે તો જવું’તું મહેસાણા તરફ!’

‘કહું છું ! ક્યાં કાઠિયાવાડ તરફ ઊપડ્યા ?’

‘ના, ના,’ વાતને રોળીટોળી નાખવામાં જ વિજય જોયો, ‘આંહીં આ પહેલે સ્ટેશને ઊતરવું છે !’

‘એમ ?’

આ ખબર વહેલી પડી ગઈ એટલું ભાગ્ય માન્યું - નહિતર ભીમનાથ સ્ટેશને કલોલનું પાટિયું વાંચવાની કલ્પનાકરતો હોત ! ચાલો, સારું થયું. સાબરમતી આવતાં જ નીચે ઊતરી પડ્યો. થોડી વાર ત્યાં આંટા માર્યા. ચાની હોટલ શોધી, પણ એણે ખાંડની ચાની સ્પષ્ટ જ ના પાડી. એટલામાં પાછું છૂકછૂક સાંભળ્યું. એટલે પેટમાં જરાક શાંતિ વળી.

એમ કરતાં કરતાં ગાડીએ ગાડીનું કામ કર્યું ને વગર વિઘ્ને પહોંચ્યા તો ખરા ! ઊતરવાનો સમય આવ્યો ત્યારે, કદાચ ઉતારે વખત મળ્યો-ન મળ્યો કરીને, હું મારી નોંધપોથી ઉપર છેલ્લી નજર નાખી જતો બેઠો હતો, અને કવિતા વિશેનાં તમામનાં મંતવ્યો ઉપરનું આડુંઅવળું આલોચન વાંચી રહ્યો હતો, એવામાં સ્ટેશનનું પ્લેટફોર્મ નારીવૃંદના અવાજે ગાજતું જોઈ, આ શું છે - એમ કુતૂહલથી બહાર દૃષ્ટિ કાઢી, ત્યાં તો, ‘એ ઈચ્છારામભાઈ ! આ તો આંહીં જ છે !’ કરતાં’કને એક ગૃહસ્થ ફૂલની માળા ધરતા મારી સામે આવી પડ્યા ! એમની પાછળ જ ડોસીડોસલાનું વૃંદ ઓખાહરણ ગજવતું ત્યાં ઊભું હતું !

‘આપણે સા’બ ! પે’લેથી છેલ્લે સુધી કવિતાઓ ગાવાનો બધો કાર્યક્રમ ગોઠવ્યો છે હો !’ એમ કહેતા પેલા ગૃહસ્થ, ત્યાં મારી સામે જ ઊભા રહ્યા. ગાડી થોભી. પણ મારા તો ટાંટિયા ભાંગી ગયા. આ ઈચ્છારામાદિ ગૃહસ્થોએ ભલેને વેદવારાથી આજ દિવસ સુધીની કવિતા ગાવાનો ક્રમ ગોઠવી કાઢ્યો હોય-એનો તો મને કંઈ વાંધો ન હતો - પણ સભાસ્થાનમાં અ જ બધી ડોસીઓ જો શ્રોતૃવર્ગમાં હશે, તો હું બોલીશ શું ? દુહો તો મને એક પણ આવડતો નથી. અને કવિતા વિષે ‘શેલી’નું મંતવ્ય તો આંહીં ચાલે તેમ નથી! ને રાજદ્વારી કોઈ ‘પ્રોપેગેન્ડા’ - અમે આમ કરવાના છીએ ને અમે તેમ કરવાના છીએ એવો તો કોઈ - મારી પાસે છે નહિ ! હું આંહીં બોલીશ શું? મારી એ ચિંતામાં જાણે વધારો કરવો હોય તેમ હમણાં જ આવી ચડેલા ઈચ્છારામ બોલ્યા : ‘અમે તો ત્યાં ‘સેકંડ’માં શોધતા’તા. ત્યાં પરમાણંદભાઈએ કહ્યું કે : ‘જમાનો તો ઓળખો ! આ ગાંધીજીના જમાનામાં તે કોઈ ‘સેકન્ડ’માં આવે ખરું ? અને એમાં પાછા ભાઈ જવા સાદા ! ગાંધીજી પોતે થર્ડમાં ફરે ને !

ગાંધીજીનો થર્ડ ક્લાસ જે જાણતો હોય ને જે હોય તે ! પણ આ એક ‘ન્ીખ્તીહઙ્ઘ’ પુરાણ ઊભું થયું છે, ને મારા જેવા બિચારા રાંકને, કોઈક વખત આવે પારકે નાણે ‘સેકંડ’ મળતો, એય ટળ્યો !

પણ આ ઈચ્છારામભાઈએ મારા આ અબ્રહ્મણ્ય વિચારને આગળ વધવા દીધો નહિ તો ! એમણે મારી ચિંતાને બે વધારાનાં વાક્યે પ્રજ્વલિત કરી મૂકી : ‘સા’બ ! આમ આ બધાં ખડેધડે બૈરાં દેખાય છે, પણ સાઠ વટાવી ગયેલ છે હો ! ગામડામાં હવાપાણી ખરાં કે નહિ ? ને આમ કાવ્યનાં શોખીન ! સાહિત્યમાં રસ, અમારા ગામમાં તો એક પાંચ વરસનું છોકરું પણ લ્યે ! આ ગામનો કાવ્યામૃતનો રસાસ્વાદ પહેલેથી જ એવો !’

મને લાગ્યું કે અ ઈચ્છારામભાઈ કાં તો અહીં માસ્તર જ હશે ! ત્યાં તો એમ જ નીકળ્યું. પણ હવે તો મોટી ચિંતા થઈ પડી ! આ ડોસી, ડોસલાં, નાનકડી ગીત ગાતી છોકરિયું, આ છોકરાંવનાં ટોળાં, એ તમામ ત્યાં સભાસ્થાને આવશે, ત્યાં હું બોલીશ શું ? ને હજી તો હું નીકળતાં વિચાર કરી રહ્યો હતો કે થોડુંક ‘ધ્વન્યાલોક’નું અવલોકન કરી લઉં ! એ કર્યું હોત તો તો કોણ જાણે શું થાત !

પણ એટલામાં તો ઢોલ-ત્રાંસા ને શરણાઈ સાથે સ્ટેશન બહાર લોકટોળાં ગાજવા માંડ્યાં ! કુતૂહલથી માણસો પણ સારી સંખ્યામાં ભેગા થયા હતા. ગાજતેવાજતે માંડવે પધરામણી કરવી હોય તેમ ગાડામાં બેસીને પધરામણી પણ થઈ. ‘સા’બ ! ગાડીને મોડું થયું છે, એમાં પાછી કેટલીક સ્ત્રીઓ બચરવાળ હશે, એટલે પહેલાં આપણે ભાષણનું જ પતાવી દઈએ !’ ઈચ્છારામે કહ્યું.

ઓય માર્યા ! પેટમાં તો, કાલે એકટાણું હતું તે ગલૂડિયાં - કાળવી કૂતરીનાં નહિ હો ! - બોલી રહ્યાં હતાં. મનમાં હતું કે કાંક નાસ્તોપાણી મળશે, જરાક આરામ મળશે, તૈયાર થઈશું, પછી સભાસ્થાને જાવાનું હશે, પણ ત્યાં તો ઈચ્છારામે પરબારું જ સભાસ્થાન પ્રત્યે ગુરુત્વાકર્ષણ ગોઠવી દીધું, ને સૌ એ તરફ ઘસ્યાં.

માંડમાંડ સભાસ્થાનની ગાદીએ તો પહોંચ્યો. પણ ત્યાં તો એક બાવાજી બેઠા હતા. એક કોક ટીલાં-પટકાંવાળા શાસ્ત્રી જેવા હતા. એક-બે વેપારી હતા. બાકી સભાસ્થાન હકડેઠઠ ભરાઈ ગયું હતું ! લોકગણ તો ત્યાં - ડોસી, ડોસલાં, છોકરાં, છોકરિયું - કોઈ હાથમાં લોટો લઈને, કોઈ છાશની દોણકી રાખીને, કોઈ છોકરાંને ઢીબતું, કોઈ કહેતું - ‘પીટ્ય, સાંભળને, તારો કાકો હમણાં બોલશે, એનાં બે વેણ તો કાને પડવા દે !’ એમ મોટેથી મારા કાનને પણ પવિત્ર કરી નાખે એવી સરસ્વતી સંભળાવતું. પોતપોતાના વિવિધ વિચિત્ર અનુભવો જણાવતું, તસુએ તસુ જમીનમાં ખડકાઈને ઊભું હતું.

હજી તો, હું ક્યાં આવ્યો છું, શ્રોતૃગણમાં કોઈ પરિચિત ચહેરો દેખાય છે કે નહિ, મારે શી રીતે ને કેમ બોલવું, એનો મન સાથે કાંઈ મેળ મેળવું તે પહેલાં જ ઈચ્છારામે તો ઠેકડો મારીને માઈક પણ ધ્રૂજી ઊઠે એવા મોટા અવાજે શરૂઆત કરી દીધી : ‘ભાઈઓ ! આપણે ત્યાં...’ એટલામાં ઈચ્છારામને સાંભળ્યું કે સંબોધનમાં બહેનો તો રહી ગઈ, એટલે વળી ફરી વાર બોલ્યા : ‘ભાઈઓ અને બહેનો ! આપણે ત્યાં આજે એક મોંઘેરા મહેમાન આવ્યા છે. એમનું નામ તો સૌ જાણો છો. ન જાણતા હો તો...’

ઈચ્છારામને જેમ ઠીક પડે તેમ બોલવા દઈને, મેં આ ઊંડા અગાધ જળમાં કાંઈક માર્ગદર્શન મેળવવાના હેતુથી, મારી પાસે બેઠેલા એકબે ભાઈ પાસે સરવાનું કર્યું. ‘લોકોનો ઉત્સાહ બહુ છે’, મેં બાવાજીને કહ્યું. ત્યાં તો બાવાજીનો જવાબ સાંભળીને જરાક બોલવાનો મેળ મેળવતો હતો, એ પણ ઊડી ગયો !

‘જોણું, ગાણું ને રોણું - એ ત્રણને કોઈનું તેડું જ નહિ ! એની મેળે લોક ભેગું થઈ જ જાય ને !’

એટલામાં ઈચ્છારામનું છેલ્લું વાક્ય આવતું હતું : ‘હવે ભાઈ આપણને ‘કવિતાના રસાસ્વાદ’ વિષે બે બોલ કહે છે, તે તમે સહુ સાંભળજો. બહેનો જો શાંતિ રાખે તો સારું. આવો અમૂલ્ય અવસર ફરી ફરીને નહિ મળે !’

મનમાં કીધું, ‘મનેય બાપલા ! આવો અવસર ફરી ફરીને ક્યાંથી મળવાનો હતો ?’

ઊભો તો થયો. પણ શરૂઆત કેમ કરવી એની જ મૂંઝવણ. એટલામાં ઠીક થયું કે એક બહેને છોકરાને જરાબ ઢીબ્યું, ને એણે રડારડ કરી મૂકી, એટલે સભાસ્થાનમાં જરાક ઊહાપોહ થયો. એટલી વારમાં મેં છાણના દેવ ને કપાસિયાની આંખોવાળું ગોતી કાઢ્યું !

‘ભાઈઓ અને બહેનો ! આ છોકરું કેમ રડે છે એ તમે સમજ્યાં ? કારણ કે એને દુઃખ થાય છે. દુઃખ થાય એટલે માણસ બોલે. બહુ દુઃખ થાય તો ગાવા માંડે. આ એનું નામ કવિતા ! ગાણું, રોણું ને જોણું ત્રણ ભેગાં રહે છે !’

તાળીઓના ગડગડાટથી સભામંડપ ગાજી ઊઠ્યો. મારા મનને એમ અભિમાન આવ્યું કે આ લોકોને પણ ખુશ કરે એવું બોલવાની તાકાત મારામાં છે ખરી. પરંતુ ત્યાં તો ભગવાને એંકારનો ઉતાર ગોઠવી રાખ્યો હોય તેમ, બાવાજી જરાક મોટેથી બોલ્યા એ મારે કાને પડ્યું, ને મારાં ગાત્ર તો ઠંડાંગાર થઈ ગયાં ! ‘આપણું લોક પણ, ઈચ્છારામભાઈ ! તમે પાંચપાંચ મિનિટે તાળી પાડવાનું કર્યું’તું, ત્યાં આ તો મંડ્યા, ત્રણ ત્રણ મિનિટે પાડવા !’

એટલામાં હાથીને જેમ ગરુડ દેખાણો’તો, એમ મને છેક સભાસ્થાનને ખૂણે ઊભેલા બાબરીવાળા, ઉઘાડમાથા ચારપાંચ કૉલેજિયન દેખાણા ! એટલે ‘કવિતાના રસાસ્વાદ’ વિષે કાંઈક બોલવાનું મળી આવ્યું : ‘શેલીએ કહ્યું છે કે કવિતા તો ત્યાં વસી રહી છે જ્યાં...’

તાલીઓના ગડગડાટ !

‘એ એમ મિનિટે મિનિટે તાલિયું પાડો મા છોકરાંવ ! પાંચ પાંચ મિનિટે એક વખત પાડવી !’ બાવાજીએ તાલીઓ પાડવાના વિધિ-નિષેધનું પારાયણ કર્યું.

પણ મારો પારો બોલવાનો ચડતો હતો, ને શૂન્ય ઉપર આવી ગયો. હવે તો ગજેન્દ્રમોક્ષની છેલ્લી પંક્તિઓ શી હશે એની કલ્પનામાં પડી ગયો !

એટલામાં તારણહાર ભગવાને અરજ સાંભળી. એક ગાય ને એની પાછળ દોડતો ધણખૂંટ, ઉઘાડા રહેલા દરવાજામાંથી, એ બે નવા સભ્યોએ ત્યાં દોડતાં જ પ્રવેશ કર્યો ને સભામાં દોડાદોડ થઈ પડી ! પછી તો બાપુ ! જૂનાગઢી હિંદુઓની હિજરત ! એમાં કાંઈ કહેવાપણું હોય ? જેને જેમ ફાવ્યું તેમ અથડાવા, કૂટાવા, દોડવા, ભટકાવા લાગ્યાં ! બાવાજી ઘણા ઊભા થઈ થઈને, ‘એ સાંભળો ! સાંભળો !’ કરે, પણ આંહીં જ્યાં ધણખૂંટ ઢીંકે ચડાવવાનો ભય ઊભો હતો, ત્યાં કોણ સાંભળવા ઊભું રહે ? જેમ જેને ઠીક પડ્યું તેમ ભાગવા જ માંડ્યા ને !

‘કવિતાના રસાસ્વાદ’ની ભાષણાવલિ તો ઠીક, એ તો ભલે ને અધૂરી રહી, પણ પેલા મારા બેચાર ગોઠિયાઓ આંહીં આવવાના હતા, એમનું શું થયું ? કોઈ ફરક્યા જ નહિ !

ઈચ્છારામે ફોડ પાડી ત્યારે ખબર પડી કે એ તો ગાડી જ ચૂકી ગયા હતા.

સભાસ્થાન ખાલી થઈ ગયું, એટલે મનમાં ટાઢક વળી કે હવે બેચાર મિત્રો આવશે, તો વાતોચીતો થાશે ને જરાક કાંક આરામ, ચાપાણી મળશે, ત્યાં તો પાછા બાવાજી બોલ્યા : ‘આ લોક એમ ભાગ્યું છે સાહેબ ! કે, પાછી આપણે ઠાકરમંદિરે સભા રાખી છે. પાછું ન્યાં મોડું થાય, તો જગ્યા જ મળે નહિ ને, એટલે ભાગ્યું ! અને ન્યાં તો ચારેકોરથી મનખો આવવાનો ! કેમ ઈચ્છારામભાઈ ! આપણે ઊપડવું છે નાં હવે ?’

માર્યા ! આ તો વળી બીજી સભા છે ! આ કામ છે કોક ધમાલિયા રાજદ્વારી વકીલ-ડૉક્ટરનું. ને વચમાં સપડાણો છું હું !

પણ ચાલો, એ તો ભગવાન ! ભગવાન ! ઠાકરમંદિરે પરસાદબરસાદ તો મળશે. પણ કૂતરું કાળવું, આજ તો અનાજ મોંમાં પડવા દે એવું લાગ્યું નહિ. કારણ કે તરત બાવાજી બોલ્યા : ‘ત્યાંય ચોંપ રાખજો હો, ઈચ્છારામભાઈ ! નહિતર પછી પાછું, તમારી નિશાળે ત્યાં તો બાર બાપની વેજા ભેગી થઈ હશે !’

‘રામ બોલો ભાઈ રામ !’ મળ્યું’તું એ કાંઈ અમથું હશે ? ઠાકરમંદિરે ચાપાણી મળવાનાં તો એક બાજુએ રહ્યાં, પણ ત્યાં પાછળ આ ઈચ્છારામભાઈ નિશાળે તેડી જવાના લાગે છે ! પાંચ વરસનાં ટીંડોરિયાં પણ ‘કવિતાના રસાસ્વાદ’ વિનાનાં રહી જાય નહિ, એવી ઈચ્છારામની ઈચ્છાને મનમાં ને મનમાં એક હજાર વાર ભાંડી, પણ એમ ભાંડ્યે કાંઈ ગજેન્દ્રમોક્ષ સિદ્ધ થવાનો હતો ? એ તો હવે રાતના દસ વાગે ઘેર પહોંચો ત્યારે જ તો !

પણ છેવટે ભગવાને ઈચ્છારામને એટલી સદ્‌બુદ્ધિ સુઝાડી કે ઠાકરમંદિરેથી કોરાધાક નિશાળે ન લઈ જતાં, એણે એક હોટલવાળાને કહ્યું કે ‘સ્પેશ્યલ હો ! બે કોપ. ત્યાં નિશાળે આવે !’

નિશાળે પહોંચ્યા તો ત્યાં પણ ગામના લોકને તો જોણું થયેલું. ટોળે વળ્યા’તા. સારું થાય ઈચ્છારામનું કે એણે સૌને પછી તો બહાર કાઢ્યા. મારા મનને એમ કે હવે જરાક આરામ મળશે.

પણ ભગવાને ઈચ્છારામને ને આરામને હજાર ગાઉનું છેટું રાખેલું તો! નિશાળના એક ઓરડામાં ખુરશી ઉપર બેઠો ન બેઠો, ત્યાં તો, પાંચ પાંચ વરસનાં ટીંડોરિયાં, કોઈને મોં ઉપર માંખો બબણે, કોઈને નાડી છૂટી પડેલી, કોઈએ પહેરણ હાથમાં રાખેલું, કોઈ છે તે માથામાં ખંજવાળ્યા જ કરે, કોકને પગે ગૂમડું તે માખીઓ ત્યાં ચટક્યા કરે, એટલે એ પગ પછાડ્યા કરે - એવી એક ચાલીસપચાસની સેના, ઈચ્છારામે સામે ખડી કરી દીધી ! ‘ભાઈઓ !’ ઈચ્છારામે તો તરત શરૂ કર્યું, પણ મને મનમાં થયું કે, જો ઈચ્છારામ આને મારી ઓળખાણ આપીને ઊંઘાડી દેશે, તો મારે એમને જગાડવા ભારે પડશે. એટલે વધસ્થાને દોરાઈ રહેલા બકરાના જેટલી સરલતાથી હું ઊભો થઈ ગયોઃ ‘ઈચ્છારામ ! એમને હું જ મારું ઓળખાણ આપી દઉં છું !’

‘આહા ! સા’બ ! તો તો સાહિત્યનો એક અજબ બનાવ થઈ રહેશે!’

મનમાં કીધું. ભાઈ ! આ બનાવ પોતે જ અજબ છે - જો હવે સાજાનરવા ઘેર ભેગા થઈએ તો !

પણ ભગવાને વળી લાજ રાખવાની હશે તે, હું મારું ઓળખાણ આપવાનું કરુણ કાવ્ય શરૂ કરું છું ત્યાં, એક છોકરે કૂદાકૂદ કરી મૂકી ને હસાહસ ને દોડાદોડ થઈ ગઈ !

નીચે ભોંમાંથી એક નાનકડી ઉંદરડી નીકળીને એક છોકરાના લેંઘામાં ચડી ગઈ હતી !

એટલામાં પેલા ‘સ્પેશ્યલ કોપ’ પણ આવી ચડ્યા !

‘ઈચ્છારામ ! હવે આમને જવા દઈએ. પાછું આપણે સ્ટેશને મોડું થઈ જાશે !’

‘હા, સા’બ ! મને પણ એમ લાગે છે. એટલે આટલો લાભ મળ્યો એ જ મોટી વાત છે. આપનાં દર્શન થયાં... વળી સ્ટેશને એક સભા ગોઠવી છે !’

‘ત્યાં ?’ મારા પેટમાં હવે તો ધ્રાસકો પડ્યો, ‘ત્યાં હવે શું છે ?’

‘એ તો, સા’બ ! ગામને તો એમ થાય નાં કે ભાઈનો પૂરેપૂરો લાભ લઈએ. એટલે ત્યાં પણ એક રાખી છે !’

ઠીક, એમ તો એમ. પણ એમ કરતાં આ ઈચ્છારામ પાછા સ્ટેશન ભેગા થવા દે છે એ જ ઘણું છે, એમ મન વાળ્યું !

એટલામાં તો ‘સ્પેશ્યલ કોપ’ના બે કોપ ભરીને પેલો લાવ્યો. એનો કોપ હાથમાં તો લીધો, પણ બાપલ્યા ! કાળવું - કાળવું તો ગજબનું નીકળ્યું! એક કોપમાં તો માખી ઉપર જ તરતી હતી ! બીજા કોપમાં પછી તો કરોળિયો નીચે હશે એ અનુમાન કરીને જ ઈચ્છારામને કહ્યું : ‘હું તમને કહેતાં ભૂલી ગયો, તમને તસ્દી પડી, પણ હું ચા પીતો જ નથી !’

‘મનેય એ લાગ્યું’તું, સા’બ હો !’ ઈચ્છારામે એના ખોખરા અવાજે કહ્યું, ‘મેં કીધું, સા’બ ચા પીતા નહિ હોય ચોક્કસ, પણ પછી પૂછ્યું નહિ. કાંઈ વાંધો નહિ... અલ્યા ! આ એક કોપ પાછો લઈ લે !’

બીજા કોઈ વધુ ભાગ્યશાળીને આપવા માટે એણે માખીવાળો કપ પાછો કીટલીમાં રેડી દીધો ! માખી છે એમ બોલું તો વળી ઈચ્છારામ પાછો પોતા માટેનો કપ ફરી વાર ‘સ્પેશ્યલ’ કરીને મગાવે તો ? એટલે મૂંગી જ પકડી !

જેમ તેમ કરીને સ્ટેશને પાછો તો પહોંચ્યો, પણ ગાડી ખાસ્સી દોઢ કલાક ‘લેઈટ’ને સ્ટેશન પાસે ઈચ્છારામે ભેગાં કરેલાં દોઢસો બસો માણસો ! બધાય બાવા, અતીત, લૂલાં, લંગડાં, ભિખારી ને રખડુ ! આ એમનેય બાપા! ‘કવિતાનો રસાસ્વાદ’ કરાવવાનું ભગવાને, ઈચ્છારામની ઈચ્છા દ્વારા, મારે નશીબે નોંધાવેલું !

ઘનઘોર વાદળીમાં પણ રૂપેરી બિજલરેખા હોય તેમ, ઠીક ઠીક કહેવાય એવી, પાછા ફરતાં જગ્યા મળી ગઈ. ઈચ્છારામને બે હાથ જોડીને ત્રણ વખત પ્રણામ કર્યા. ફરી પાછા આવવાનો એણે આગ્રહ કર્યો ને મેં વચન પણ આપ્યું. કારણ કે નહિતર બીક હતી કે વળી એ ક્યાંક ડબામાં સભા ગોઠવવા ભેગો બેસી જાય તો !

અંતે છૂકછૂક છૂકછૂક થયું, ને નિરાંતનો દમ ખેંચ્યો !

પણ એમ તો તમારો દિવસનો થોડો ભાગ પણ સુધરે તો તો કાળવું ન મળ્યું નાં ?

અમદાવાદ સ્ટેશને, થેલી હાથમાં લેવા નજર કરી તો ત્યાં કેવી થેલી ને કેવા રામ ! હવે સાંભળ્યું. વચ્ચે વાઘરાં જેવાં ચારપાંચ માણસ ઊતરી ગયાં, એમણે થેલીને પોતાની ધારી કે પછી થેલીએ એમને પોતાનાં ધાર્યાં, ગમે તેમ પણ એણે સ્થાનબદલી કરી. ઠીક, લોટો ઉપાડીને ઘર ભેગા થાઓ!

પણ નીચે હાથ રાખ્યો તો ત્યાં લોટારામ પણ મળે નહિ ! હવે તો ઈચ્છારામને સંભારતાં સંભારતાં સ્ટેશનમાંથી ભાગવામાં જ સલામતી જોઈ.

બહાર નીકળીએ બસની રાહ જોતો ઊભો રહ્યો. ત્યાં વળી નસીબજોગે ઓળખીતો ગાડીવાળો મળી ગયો. તેણે કહ્યું : ‘સાહેબ ! પગે પાણી ઊતરશે હો ! આ તો ‘આપણી’ બસ છે. આજ હડતાળ ઉપર છે સૌ.’

મનમાં ને મનમાં કાળવા કૂતરાનું સ્મરણ કરતો ગાડીમાં બેસી ગયો કે ઝટ ઘરભેગું તો થઈ જવાય. મોડું તો હતું છતાં બહુ મોડું ન હતું એટલે મનમાં આશા હતી કે ઘેર હજી દૂધ હશે !

પણ ઘરમાં પ્રવેશ કર્યો ત્યાં જ શ્રીમતીએ સમાચાર આપ્યા : ‘બહુ મોડી ગાડી. તમે દરવાજે હશો ને મેં મેળવણ નાખી દીધું. છોકરાંએ કહ્યું કે એમને તો આજ પંદર ઠેકાણે દોડાદોડ હશે. ચાપાણીની, નાસ્તાની, એમાં મફતનું શું કરવા ખોટી થાવું પડે છે ! એમ જ છે નાં ?’

મેં કહ્યું : ‘એમ જ છે - આજ તો એક પળનો વિસામો કોણે લીધો છે !’

‘ગામડાના લોક-હજી આપણા શહેરની પેઠે ભૂખડીબારશ નહિ તો !’

‘તમારી વાત સાચી છે !’ મેં ટૂંકમાં પતાવ્યું, ‘સૌ ઘરમાં નિરાંતે છે નાં ?’

એટલામાં તો પાડોશમાંથી કોકનું છોકરું ગાતું સંભળાયું :

‘કાળવી કૂતરીને આવ્યાં ગલૂડિયાં,

હાલો, ગલૂડિયાં જોવા જી રે !’

ને પથારીમાં પડીને માથે ઓઢતાં કહ્યું : ‘પેલી કાળવી કૂતરી સવારે આવી ચડી’તી, ઈ આંહીં તો ક્યાંક વિયાણી નથી નાં ?’

‘અરે ! શું તમે પણ ? ઈ કૂતરું તો બિચારું કો’ક દી આવે છે !’

બારના ટકોરા થવા માંડ્યા. મનમાં ધરપત થઈ, ‘હાશ ! હવે એક રીતે બીજો દિવસ શરૂ થયો ગણાય નાં ?’