The answer is no! books and stories free download online pdf in Gujarati

જેનો જવાબ નથી !

કોઈએ જવાબ આપ્યો છે, કે નારંગી જેવી એક સામાન્ય જ્ઞાન ધરાવતી બાઈ એનો જવાબ આપી શકે ?

એનો જવાબ કોઈની પાસે નથી. ભૂખ ને જાતીય લાગણી - એ બન્ને માણસને ક્યાંથી વળગ્યાં હશે ? એનો જવાબ કોઈ આપી શકે તેમ નથી. નારંગીએ તો પોતાના દિવસો નીકળી જાય માટે આ મંદિરે, તે મંદિરે, આ ભજનમંડળી, પેલી ભજનમંડળી, આ કથાવાર્તા, પેલી કથાવાર્તા, એમ ઠેકાણે ઠેકાણે ફરવાની ટેવ પાડી હતી. એમાંથી એને પોતાને પણ ખબર ન પડે તેમ એકાદ વખત એનો પગ લપસી પડ્યો. થઈ રહ્યું. કુદરતે કુદરતનું કામ કર્યું. એ બિચારી વિવશ થઈ ગઈ. ગભરાઈ ગઈ. એને પોતાની આબરૂની, લોકનિંદાની વાત થાય તેની, સૌ આંગળી ચીંધશે એની, બીક લાગી. હજારો ચિંતાનો ભાર એની ડોકમાં આવી પડ્યો. આજ દિવસ સુધી એ કેટલી સુખી હતી ! પોતાનો રોટલો પોતે ઘડી લેતી. પાણી ભરી લેવી. ફળી વાળી કાઢતી. રસોઈ કરી લેતી. કામકાજ પતાવીને ઘણુંખરું ફરવા નીકળી જતી. એને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે બધે જ માણસની નબળાઈઓ સાથે ફરતી રહે છે ! ને ગમે તે વખતે એ પ્રગટી નીકળે છે !

અને આ કુદરતે જ આપેલી અત્યંત બળવાન વૃત્તિને નબળાઈ પણ કેમ કહેવાય ?

એની એ વસ્તુ વળી અમુક સ્થળે દોષમાં ખપતી પણ નથી !

પણ એ બધી ફિલસૂફીનો નારંગીને માટે કાંઈ જ અર્થ ન હતો.

એ વિધવા હતી ને એણે પોતાની આ પરિસ્થિતિનો ઉકેલ શોધવો જ રહ્યો. જે સમાજનું એ અંગ હતી તે સમાજમાં એણે રહેવું હોય તો એણે ગમે તે પ્રકારે, કુનેહથી, છળથી, ચોરીથી, ગમે તે રીતે આનો રસ્તો કાઢવો જ રહ્યો.

એક દિવસ એ વહેલી ઊઠી. માને ઘેર તો કોઈ ન હતું. પણ તાળું દીધેલું એક અવાવરું ઘર ગામડામાં હતું. અત્યારે એને એ એક ઘર જ સુરક્ષિત કિલ્લા સમું જણાયું. ત્યાં થોડાંક એનાં ભલાં પાડોશીઓ પણ એને ઓળખનારાં નીકળવાનાં ! કદાચ એમાંથી કોઈ એને માર્ગ બતાવે !

એ ભયની મારી પોતાને ગામડે જવા માટે નીકળી.

એણે તક સાધી ને વહેલી પરોઢમાં કોઈની અવરજવર થાય તે પહેલાં પોતાના ઘરમાં સાફસૂફી માંડી !

કોઈ દિવસ ન ઊઘડતા ઘરને આમ ઊઘડેલું જોઈને કોઈએ બારણાની તરડમાંથી નજર કરી. કોઈએ વંડીએથી અંદર જોયું. કોઈએ બંધ બારીની ચીરાડમાંથી ચોરનજર કરી. પણ બપોર પહેલાં જ એક ચણચણાટ શરૂ થઈ ગયો !

નારંગની પાડોશણ એક ડોશી મોડી સાંજે એને ઘર આવી.

નારંગી રોવા જેવી થઈ ગઈ હતી. એને મોટામાં મોટો ભય પોતાની જાત પ્રગટ થઈ જવાનો હતો. પણ એ તો આવડા નાનકડા ગામમાં ક્યારનો ચર્ચાનો વિષય થઈ પડ્યો હતો !

‘આજ તારી મા જીવતી હોત !’ ડોશી બોલ્યાં. એમાં ઉપાલંભ હતો કે અફસોસ તે જાણવું મુશ્કેલ હતું.

નારંગી કાંઈ બોલી નહિ !

‘હવે મૂઈ ! હું તને રસ્તો બતાવું. વહેલે મળસ્કે ઊઠીને પાદરને ઉકરડે નાખી દેજે ને ! કોણ નાડ પકડીને બેઠું છું ? ને ત્યાં કૂતરાં બલાડાં ડાઘા જેવાં આ વાતને ટેવાઈ પડ્યાં છે. આ ગામ છે જ એવું પાપિયું ! પણ પોતાનું પાપ કોઈ જાણે નહિ, ને બીજાના પાપને પીપળે ચડીને પોકારે એવું નગણું ગામ છે ! તું તારે નિરાંતે આંહીં થોડા દિ કાઢી નાખ. ત્યાં બધું થાળે પડી જાશે !’

ડોશીએ કહ્યું તેમ બધું થાળે તો પડી ગયું. ને નારંગીનો શ્વાસ હેઠો બેઠો. પણ એ હેઠો બેઠો ન બેઠો ત્યાં ગામ આખું બીજી વાતે ચડ્યું ! ‘એલા! એને આંહીંથી કાઢો, નકર સપાઈડાં આપણને હેરાન કર્યા કરશે !’

એટલે નિત્ય દિવસ ઊગ્યે બે-ચાર જણા દેખાય.

કહેશે પાંચ પંદર દી તું આઘી પાછી થઈ જા. પછી તારું ગામ છે. તું તારે આવીને રહેજે. પણ હમણાં જા. જાત્રા કરવા જાવું હોય તો જા ! જાત્રાના જેવું પુણ્ય નહિ; ને ત્યાં વાત રોળીરોળી નાખીશું. પણ તું જા !’

હમેશના આવા કકળાટથી થાકીને એક દી નારંગી પાછી શહેરમાં ભાગી !

શહેરમાં તો એનું કોણ હતું ? કોઈ જ નહિ ! ઘર પણ એનું ન હતું. પણ ત્યાં કાંઈક સારું હતું. ત્યાં એટલી ભીડ હતી ને એટલી ઉપાધિ હતી કે કોઈ કોઈની બહુ પૂછપરછ તો ન કરે ! આંહીં જે માણસ એના ઘરઆંગણેથી નીકળે એ જાણે ધર્મનો અવતાર હોય ને પુણ્યનો સાગર હોય તેમ તપાસ કરવા માંડે કે ગામમાંથી ક્યારે જવાનાં છો !

એટલે નારંગી પાછી શહેરમાં ભાગી. એનો પાડોશની મમતાનો મોહ હતો તે પૂરો થયો.

આ વખતે તો એ ગુપચુપ જઈને પોતાને મેડે જ બેસી ગઈ ! પાછળ શિકારીઓ પડ્યા હોય ને જેમ જાનવાર ત્રાસીને લપાઈ-છુપાઈ જાય તેમ એ છુપાઈ જ ગઈ !

એને મોટામાં મોટી બીક હતી કે વળી ગામડેથી સમાચાર મેળવીને કોઈક ખોળતું આંહીં એને ખોળી કાઢશે ! એ તો આખો દિવસ બહાર તાળું લટકાવી રાખે. રાત પડ્યે જ બહાર નીકળે. ને પા-અરધા કલાકમાં તો પાછી પોતાની ગુફા ભેગી થઈ જાય !

પણ આ વાતની ખબર નારંગીનાં સગાંને પડી. સગાં પણ છેટેનાં, કોઈ દિવસ એને આંગણે ફરકેલાં પણ નહિ. પરંતુ નારંગીની આ સ્થિતિ છે એની જરા જેટલી સનસા મળતાં બધાંને જ આમાં રસ જાગ્યો. એક પછી એક સૌ આવવા માંડ્યા, પૂછતા મંડ્યાં. ક્યાં હતાં એ જાણવાની આતુરતા બતાવી રહ્યાં. શું થયું છે એ જાણવા અનેક આડા અવળા મશ્કરીભરેલા, ક્રૂરતાભરેલા, વ્યંગભરેલા, ભયંકર આશ્વાસનભરેલા પ્રશ્નો કરવા લાગ્યા !

એકલી બાઈ માણસ ! આ મારા સામે ક્યાંથી ટકે ?

સૌ જાય એટલે નારંગી રોવા બેસે ! એને હરપળે વિચાર આવે કે એને જીવતાં તો હવે સૌ હાડહાડ જ કરશે. એનો આરો મરવામાં જ રહ્યો છે. એને મરવાનું ગમે નહિ !

પણ એક દિવસ તો આ ત્રાસે માઝા મૂકી. કોઈએ કહ્યું કે આંહીં હું પોલીસ ઑફિસમાં છું. તમારા નામની તપાસ તો ચાલી રહી છે ! હજી સુધી તો મેં પત્તો ખાવા દીધો નથી ! પણ એ કેટલા દી ?

તે રાત્રે મધરાતે નારંગી પોતાના મુખ્ય બારણાને એમ ને એમ રહેવા દઈને બારીમાંથી નીચે ઊતરી. ખખડાટ થયો. પોતે પડી ગઈ હતી. લાગ્યું પણ ખરું. પછી તો જાણે ઘસડાતી ઘસડાતી ચાલી. નીચે માણસો રહેતાં હતાં તે જાગ્યાં. એમાંનો કોઈક બોલ્યો પણ ખરો : ‘કાકા ! નારંગીબેન પડી ગયાં છે. ને છતાં ક્યાંક જતાં લાગે છે ! ક્યાં જતાં હશે ?’

કાકાએ જવાબ આપ્યો : ‘તું પણ ગાંડો છે ! જનારને કોઈ રોકે ખરું? જાવા દે જાતાં હોય તો !’

કાકો જમાનાનો ખાધેલ માણસ હતો. પણ ભત્રીજો જરાક પોચો હતો. તે પોતાની સોડમાંથી નારંગીને આછા અંધકારમાં ઘસડાતી ઘસડાતી જતી જોઈ રહ્યો. ઘાયલ થયેલું પ્રાણી જાય તેમ એ જઈ રહી હતી !

‘કાકા ! આ તો કૂવા તરફ ઘસડાતાં જતાં જણાય છે ! ત્યાં શું કરશે?’

‘એ તું ન સમજે. પાણી પીવું હશે !’ કોઈક બીજો પડખેથી જાગ્યો હશે તે બોલી ઊઠ્યો. ને પછી કાકાની સામે બન્ને હસી પડ્યા !

‘કાકા ! આ તો પછડાણાં છે. વાગ્યું છે. ઘસડાતાં ઘસડાતાં જાય છે. ત્યાં પાણી ક્યાં છે ? આપણી માટલીમાંથી લોહી ધોવા પાણી આપું ? બોલાવવા દોડું ?’

‘અરે ! ગાંડિયા ! માથે ઓઢીને સૂઈ જા ને ! કાં તો આટલા બધા તારા દેખાય છે તે ગણવા માંડ ને ! મફતનો કરમ શું કરવા બાંધે છે ?’

એટલામાં એક મોટો ધબાકો થયો. બધા સમજી ગયા. ઘસડાતાં ઘસડાતા નારંગીએ કૂવાને કાંઠેથી અંદર પડતું મૂક્યું હતું !

ધબાકો મોટો થયો, એટલે બીજા પણ જાગ્યા હતા !

સૌ પૂછવા મંડ્યા ‘શું થયું ? શું થયું ?’

ભત્રીજો બોલી નાખવાનો હતો, ત્યાં કાકો પોતે જ બોલવા મંડ્યો : ‘કાંઈક ધબાકો થયો ! કો’કે કૂવામાં પાણો ગબડાવ્યો !’

‘કે પછી માટીનો કોથળો નાખ્યો !’ પેલા કાકાનો પડોશી પણ જાગીને ઊભો થતાં બોલ્યો.

‘તપાસ તો કરો ! શું થયું ?’ એટલામાં કૂવા તરફથી કોઈક આવતું દેખાયું. પડોશના જ વીરમજીભાઈ હતા. ‘વીરમજીભાઈ ! શું થયું કૂવામાં ?’

‘કાંઈ પડ્યું નથી, મારા બાપલા !’ વીરમજીભાઈ જેનો ખાસ અર્થ થાય એવા ભારવાહી શબ્દોમાં બોલ્યા : ‘કાંઈ પડ્યું નથી મારા બાપલા ! કોકનું પાપ પડ્યું છે ! મફતના ઉજાગરો ને સવારની જેની તેની પૂછપરછ શું કરવા માથે લો છો ? એક પછી એક સૂઈ જાવને ! આવી મીઠી અંધારી રાત છે ! કોને ખબર શું થયું ને શું ન થયું ? સૂઈ જાવને !’

‘ત્યારે તો એ જ નાં ?’ કાકા બોલ્યા.

‘અરે, એ તો એ જ હોય નાં કાકા ! મફતના ચોળીને ચીકણું શું કરવા કરો છો ? સૂઈ જાવને ! માંડ સાડસતીને ભગવાન રીદયે આવ્યા એમ જાણો ને ! સવારની વાત સવારે !’

સૌ એક પછી એક ખાટલામાં પડવા મંડ્યા, ને માથે ઓઢી ગયા.

એ તો ઠીક, થોડીવાર પછી ત્યાં નિદ્રાનું ખરેખર, ઘારણ વળી ગયું હતું. ભયંકર તો એ હતું !