Zilly books and stories free download online pdf in Gujarati

ઝીલી

- "Zilly "-

By : I I Shaikh

વર્ષ આશરે 1997-2003

એક દીવાલથી જોડાયેલા બે મકાન હતા અને આ બંને મકાનોના કમ્પાઉન્ડને વિભાજિત કરતી અન્ય એક દિવાલ હતી. એક દિવાલ બે મકાનોને જોડનારી હતી તો અન્ય દિવાલ બંને મકાનોને વિભાજિત કરનારી હતી. બંને મકાનને વિભાજિત કરનારી દિવાલ ન હોત તો બંને મકાનના પ્રવેશ દ્વારો વચ્ચેનું અંતર કદાચ બે ફૂટ કરતાં પણ ઓછું હોત પરંતુ આ વિભાજન કરનારી દિવાલ બન્ને મકાનોમાં રહેનારા સ્વજનો માટે સ્વતંત્ર જીવનની ગોપનીયતા તથા મર્યાદાઓ માટે જરૂરી આધારશીલા હતી, વાસ્તવમાં કમ્પાઉન્ડ વિભાજન કરનારી દિવાલ વિવાદનો કોઈ કારણ ન હતી. બંને મકાનોના પ્રવેશ દ્વારો ના મધ્ય ભાગેથી શરૂ થતી અને કમ્પાઉન્ડને વિભાજન કરનારી આ દીવાલ માં એક તિરાડ હતી. સામાન્ય રીતે તિરાડ શબ્દ નો કાનમાં પ્રવેશ થતા તોડનારી અથવા તો વિભાજનકારી ગુણધર્મો ધરાવતી સ્થિતિનો વિચાર આવે છે પરંતુ સદનસીબે આ તિરાડ સંબંધોને જોડનારી અને લાગણીઓના પ્રવાહને ક્ષિતિજના પેલે પાર લઈ જનારી સાબિત થયેલ હતી. આ તિરાડ વહાલ નો દરીયો લાવનારી હતી, આ તિરાડ લાગણીઓના પુલ બાંધનારી હતી, આ તિરાડ નિસ્વાર્થ પ્રેમને પરાકાષ્ઠા લઈ જનારી હતી, આ તિરાડ ઘણું બધું આપનારી પણ હતી અને આપ્યા પછી યાદો ની દુનિયામાં વિલાપ કરતા ત્યજી દેનારી પણ હતી.


દીવાલને આ પાર ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાના જાણકાર સ્થાનિક લોકોનું વસવાટ હતો તો દિવાલને પેલે પાર સ્થાનિક ગુજરાતી ભાષા થી અજાણ, તથા નામ માત્રનો હિન્દી અને અંગ્રેજી ભાષા સમજનાર મૂળ રૂપે પર પ્રાંતિય ઉડિયા ભાષા બોલનારાઓ નવદંપતી નો વસવાટ હતો કે જેઓ થોડાક દિવસ પહેલા જ ઓરિસ્સા રાજ્ય થી બદલી થઈ પડોશમાં રહેવા આવેલ હતા.


ધર્મ અલગ, જાતિ અલગ, રંગ અલગ, ભાષા અલગ, સંસ્કૃતિ અલગ, જીવન શૈલી અલગ. અલગ ન હતું તો ફક્ત બંને મકાનો ને જોડનારી એક સંયુક્ત દિવાલ અને આ મકાનો ના કમ્પાઉન્ડ વિભાજિત કરનારી વિભાજનકારી દિવાલ તથા વિભાજન કરનારી દિવાલ માં પડેલી તિરાડ.


થોડા સમય બાદ પાડોશમાં રહેનાર નવદંપતીને ત્યાં બાળકનો જન્મ થયો જેનું નામ હતું "ઝીલી". આ નામ કોણે રાખેલ તે યાદ નથી પરંતુ "ઝીલી" બરાબર યાદ છે અને તેને ભૂલવું તે તેના પછી જીવનમાં આવનાર અન્ય બાળકોને ભુલવા બરાબર હશે કારણકે જીવનકાળના માનવીય સ્વભાવ મા બાળકો પ્રત્યે લાગણી, આત્મીયતા, આકર્ષણ તથા પ્રેમનો પાયો આ "ઝીલી" એ નાખેલ હતો.


ધીમે ધીમે "ઝીલી" ઘૂંટણિયે અને બાદમા આજુબાજુના ટેકાઓથી અને દિવાલના સહારાથી ઢસડાતી ચાલવા લાગી. "ઝીલી" હવે ઘરના પ્રવેશ દ્વાર ના બહારની દુનિયા જોવા ઉત્સુક હતી અને તેને આ ઉત્સુકતા તેને ઘરના પ્રવેશ દ્વારની બહાર આવેલ કમ્પાઉન્ડ વિભાજન કરનારી દીવાલની તિરાડ પાસે લઈ આવી. "ઝીલી" દીવાલની તિરાડમાંથી પેલે પારની દુનિયા થતી ચહેલ પહેલ જોવાનો પ્રયત્ન કરતી હતી. "ઝીલી" ની આંખો મા અજાણ્યા લોકો વિશે જાણવાની જિજ્ઞાસા હતી, "ઝીલી" ની આંખો મા અજાણ્યા લોકોને આકર્ષિત કરવાની ચમક પણ હતી. "ઝીલી" માટે દીવાલની તિરાડ અને તિરાડ માથી જોઈ શકાતા દ્રશ્યો આજના યુગના બાળકના પસંદગીના શ્રેષ્ઠ રમકડાઓ કરતાં પણ વધારે આનંદ આપનારા તથા ચહેરા ઉપર સ્મિત લાવનારા હતા. "ઝીલી" નું આ રીતે દીવાલની તિરાડમાંથી કુતૂહલ પૂર્વક જોવું અમારા ઘરના સભ્યો માટે પણ આશ્ચર્ય જગાડનારુ હતું.


થોડા સમય બાદ"ઝીલી" અને તેના માતા-પિતાનું નું આવન-જાવન અમારા ઘરે થવા લાગ્યુ, બાદમા "ઝીલી" ને અમારા પરિવારના સભ્યોએ તેના ઘરેથી લાવવાનું શરૂ કર્યું, બાદમા "ઝીલી" એ ક્યારેક ક્યારેક એકલા આવવાનું શરૂ કર્યું, બાદમા "ઝીલી" એ ઘરમા પગપસેરો કર્યો, બાદમાં "ઝીલી" એ ક્યારેક-ક્યારેક તેના ઘરે જવાનું શરૂ કર્યું, બાદમાં "ઝીલી" ની દાદાગીરીઓ અને જીદ વધતી ગઈ, બાદમા "ઝીલી" ક્યારેય ન ભુસી શકાનારી યાદો ની અમિટ છાપ છોડી અચાનક અજાણી દુનિયામા રહેવા જતી રહી.


"ઝીલી" ની યાદો પૈકીની મારી શ્રેષ્ઠ યાદો એ છે કે,


જે તે વખતે અમે ભાઈ- બહેનો કોલેજના અલગ-અલગ વર્ષોમાં અભ્યાસ કરતા હતા અને રાત્રે પોત પોતાના ગાદલા ઉપર સુતા હતા ત્યારે વહેલી સવારે આંખ ખુલતી હતી ત્યારે આ "ઝીલી" કોઈપણ એક ભાઈ-બહેનના ગાદલામા બ્લેન્કેટ ઓડી સુતી મળતી હતી અને આ "ઝીલી" ને જે તે આ વખતે પોતાના ગાદલામા ચોંટી ને સુતી મેળવવુ તેનો આનંદ અનેરો હતો. આ "ઝીલી" વહેલી સવારે ક્યારે પોતાના મકાને થી અમારા મકાને આવી ગાદલામા સુઈ જતી હતી તેનો અંદેશો પણ કોઈને થવા દેતી ન હતી.


"ઝીલી" ઉઠ્યા પછી સવારનો નાસ્તો પણ અમારા ઘરે જ કરતી હતી અને એમા પણ જે નાસ્તો અમને પીરસવામા આવતો હતો તે નાસ્તો જો તે ન મળે તો તે નાસ્તો મેળવવા માટે જીદ કરી ફરીથી તે નાસ્તો તેના માટે બનાવડાવતી હતી. સવારના નાસ્તા અથવા તો બપોરના ભોજન પૈકીની તેની જે શ્રેષ્ઠ યાદો મારા દિમાગમા આજે પણ તાજી છે તે પૈકીની શ્રેષ્ઠ યાદ એ છે કે મેં તેને કેટલી વખત એ રીતે જોઈ છે કે હું અને "ઝીલી" નાસ્તો અથવા ભોજન કરવા તો એક સાથે બેસતા હતા પરંતુ જ્યારે હું મારું નાસ્તો અથવા ભોજન સમાપ્ત કરી હાથ ધોવા બાથરૂમમાં જઈ નાસ્તા અથવા ભોજન વાળી જગ્યાએ પરત આવતો હતો ત્યારે તેજ જગ્યાએ "ઝીલી" જમવાની જગ્યાએ ભર નીંદ મા સુવા જોવા મળતી હતી . થોડાક ક્ષણો પહેલા એને સાથે જમતી જોઈ થોડાજ ક્ષણોમા એને એજ જગ્યાએ ભર નીંદ મા સૂતી જોઈ તેની નિર્દોષતતા પ્રત્યે પ્રેમ ઉભરાઈ આવતો હતો. તેની આ રીતે જમતા જમતા ક્ષણભરમા સુઈ જવાની અદા મે આજદિવસ સુધી કોઈ બાળકમા જોઈ નથી.


"ઝીલી" નુ વધુમાં વધુ જન્મથી લઈ 5 વર્ષ ની ઉંમર સુધીનું જીવન અમારી સાથે પસાર થયુ હશે અને ત્યારબાદ અચાનક તે તેના માતા-પિતા સાથે ફરીથી પોતાના વતન ઓરિસ્સા કે અન્ય રાજયમા જતી રહેલ. આજે "ઝીલી" ઉમર કમ સે કમ 23 થી 24 વર્ષ ની હશે. આજે એ પોતાનું જીવન કઈ દુનિયામા કઈ સ્થિતિમા પસાર કરી રહી હશે એ વાતથી અમે તદ્દન અજાણ છીએ. "ઝીલી" ને શ્રેષ્ઠ અભ્યાસ પણ મળ્યો હશે કે કેમ તે વાતથી પણ અજાણ છીએ. "ઝીલી" લગ્ન થયા છે કે કેમ એ વાતથી પણ અજાણ છીએ અને જો લગ્ન થઈ ચૂકેલ હશે સુખી હશે કે દુઃખી હશે તે વાતથી પણ અજાણ છીએ.


"ઝીલી" ઓરિસ્સામા અથવા તો કયા રાજ્યમા રહેવા જતી રહેલ તે વાતથી અમારો પરિવાર તદ્દન અજાણ છે, પરંતુ તેના બાળપણ દરમિયાન તેના પિતાશ્રીની નોકરી કયા હતી તે વાત જાણવી અને તે શહેર શોધી નાખવું તે આજના ઇન્ફોર્મેશન ટેકનોલોજી ના યુગમા તેના માટે તદ્દન સહેલું હશે.


શુ કારણ હશે કે "ઝીલી" એ જેમની સાથે તેની નાનપણની શ્રેષ્ઠ યાદો પસાર થઈ તેમને આજ દિન સુધી સમ્પર્ક કરવાનો પ્રયત્ન નથી કર્યો.


શુ "ઝીલી" જીવનકાળમા એક દિવસ ફરી અમારા પરિવારમે જોવા મળશે કે કેમ ?


મારા જીવનની જૂજ ઈચ્છાઓ પૈકી ની એક ઈચ્છા ફરી એકવાર "ઝીલી" ને મળવાની છે, કારણકે મારુ પ્રથમ email id પણ "mylovezilly@......com" હતું.


ફરીથી તેને એજ મકાને લઈ જવાની છે તથા તેને દીવાલની એ તિરાડવાળી જગ્યા બતાવાની છે કેમકે કેટલીક તિરાડો હમ્મેશ તોડનારી નહિ પણ જોડનારી પણ હોય છે.-Zilly-


By : I I Shaikh