Red Ahmedabad - 24 books and stories free download online pdf in Gujarati

રેડ અમદાવાદ - 24

૨૦૨૦, ૨૧ જાન્યુઆરી, સવારના ૧૦:૪૫ કલાકે

સોનલ, મેઘાવી અને ચિરાગ સમીરાના ઘરે આવ્યા હતા. જય અને વિશાલ તો પહેલેથી જ હાજર હતા. સોનલે તે જ જગા પર સ્થાન ગ્રહણ કર્યું જ્યાં મનહર બિરાજતો હતો. તેની બરોબર સામે સમીરા બેઠેલી. મેઘાવી અને ચિરાગે પણ સ્થાન ગ્રહણ કર્યું. જય અને વિશાલ સમીરાની પાછળ ઊભેલા. રવિને સોનલની બાજુમાં બેસાડ્યો હતો. સોનલે પોલીસની ટોપી ટિપોઇ પર મૂકી, અને મલકાઇ. સમીરા સોનલના વર્તનથી અચંબિત હતી. મેઘાવી અને ચિરાગ પણ ઝરાક મલકાયા.

‘તો... સમીરાબેન... તમારા તે છુપા વ્યક્તિનો પત્તો મળી ગયો છે.’, સોનલે સમીરાની આંખોમાં જોયું.

સમીરાની આંખો સ્થિર નહોતી. તેની આંગળીઓ દુપટ્ટાને ફેરવી રહી હતી. પગ ધ્રુજી રહ્યા હતા. તેણે રવિ સામે જોયું. સોનલ સામે જોયું. નીચી નજર કરી, ‘તો તેને પકડી પણ લો.’

મેઘાવી તુરત જ બોલી, ‘તે ગાયબ છે, તેનો ફોન બંદ છે, અને તેનું ઠેકાણું તમારા સિવાય કોને ખબર હોય...’

સમીરા મૌન રહી. રવિ પણ મૌન રહ્યો. થોડીક ક્ષણો માટે દિવાનખંડ શાંતિની ચાદરથી ઢંકાઇ ગયો. શાંતિ તૂટી સમીરાના અવાજ સાથે. તેણે સ્વીકાર્યું કે પોલીસ અને રેડ જે અનુમાનથી આવ્યા હતા તે સાચું હતું. તેણે સ્વીકાર્યું કે હત્યાઓની હારમાળા પાછળ જસવંત હતો. તેણે સ્વીકાર્યું કે કુલવંતનો ભાઇ જસવંત જ હતો. તેણે તે પણ સ્વીકાર્યું કે આ બધી હત્યાઓમાં તે, ક્યાંકને ક્યાંક રવિ અને દિપલની માતા પણ જોડાયેલ હતા. જવાબદાર હતા. રવિ સાથેની જસવંતની મુલાકાત એક સાહજીક મુલાકાત નહોતી, તે તો આગળની યોજના બાબતની હતી. રવિ જસવંત સાથેની પહેલી મુલાકાત, એટલે ઓશ્વાલની મુલાકાતથી જ જસવંતથી પ્રભાવિત થયેલો. જ્યારે રોહન વિષે તેણે જાણ્યું, તો જસવંતનો સાથ આપવાનું નક્કી કર્યું. જસવંત જ આયોજન કરતો, અને બાકી બધા તેને અનુસરતા.

‘તો પછી રવિવારીમાં તે કોણ હતું? જેના પર સોનલે ગોળી ચલાવેલી’, મેઘાવીએ રવિ સામે જોયું.

‘તે મારો મિત્ર હતો. એક લાખ રૂપિયામાં તે રવિવારી આવવા તૈયાર થયો, અને તે સ્વીમીંગ ચેમ્પિયન છે, માટે તમે તેને સાબરમતીમાં શોધી શક્યા નહીં. તમને એ પણ કહીં દઉં કે તે મારો મિત્ર બીજો કોઇ નહિ પરંતુ વિક્રાંત ઝાલાનો જ પુત્ર’, રવિનો અવાજ ઢીલો પડ્યો.

‘એટલે અમારી વચ્ચે જ જસવંત હતો. અમને જ ચેલેન્જ કરીને, અમારી જ મજાક ઉડાવી ગયો’, ચિરાગ થોડો અકળાયો.

સમીરાના મત મુજબ જસવંતે ચારેય દિશામાં ફેલાતા અધર્મને ત્રણ દિશામાં તો અટકાવી દીધો હતો. એક દિશા બાકી હતી. જેનો ન્યાય પણ ટૂંક સમયમાં થવાનો જ હતો. ચાર સિંહોની પ્રતિમામાં દેખાય નહિ તેવો સિંહ એટલે રાજપૂત, અને સમય આવી ગયો હતો આ સિંહના શિકારનો. પટેલ, ભટ્ટ અને બારોટના કાળા કર્મો પર શ્વેત પડદો ચડાવનાર એટલે રાજપૂત. પડદો પાડવા માટેની તૈયારીઓ થઇ ચૂકેલી. બન્ને હાથ અને પગ પર ચાકુના ઘાવ પણ ચાર સિંહોની વાત જ પુનરાવર્તીત કરતા હતા. ચારનો અર્થ, ચાર વ્યક્તિઓ, ચાર સિંહો અને ચાર હત્યાઓ-ભાવિન, હાર્દિક, દિપલ અને રોહન... કુલવંતની યાદમાં જ જસવંત દરેકના ક્રમ મુજબ આંગળીઓ કાપતો હતો. કારણ કે પિસ્તોલનું ટ્રીગર દબાવવા આંગળી જોઇએ.

સોનલના દબાવ આપવા છતાં સમીરા કે રવિ, બેમાંથી કોઇ પણ જસવંતનો પત્તો જણાવતા નહોતા. રમીલા દિપલની માતાની પાસે હતી. તેણે પણ રમીલાને કંઇ જ જણાવ્યું નહીં. જસવંતની ભાળ મેળવવી, હવે પોલીસ માટે મુશ્કેલ બની રહ્યું હતું.

‘ઠીક છે... તો રાજપૂતને મારવા માટે તો જસવંતે બહાર આવવું જ પડશે ને?’, સોનલે ટોપી ટીપોઇ પરથી લીધી અને સમીરા સામે જોયું.

‘હા... કેમ નહીં... તારીખ ૨૪ ફેબ્રુઆરી... છુપા સિંહની હત્યા, રાક્ષસનો અંત ભોળી પ્રજાની સામે જ થશે. તેના માટે થાંભલામાં છુપાયેલ નરસિંહરૂપી જસવંત બહાર આવશે જ...’, સમીરાએ પણ સોનલની આંખોમાં આંખો પરોવી.

ઘરની બહાર આવતાંની સાથે જ સોનલ અને ચિરાગે ૨૪ ફેબ્રુઆરીની પ્રતીક્ષા કરવાનું નક્કી કર્યું. તેઓ જાણતા હતા કે ત્યાં સુધી કંઇ થવાનું નથી. ના કોઇ હત્યા. ના કોઇ અપહરણ કે ના જસવંતના ઠેકાણાની ભાળ. છતાં પણ સોનલે રમીલાને ફોન કરી ખબરી નેટવર્કને સક્રીય કરવા જણાવ્યું.

*****

સમય પસાર થઇ ગયો

૨૦૨૦, ૨૪ ફેબ્રુઆરી, સવારના ૦૯:૦૦ કલાકે

સોનલ મોટેરા સ્ટેડિયમના ગાંધીનગર તરફના ગેટ નંબર ૧ પાસે હતી. મેઘાવીની ફરજ સોંપણીની જગા સ્ટેડિયમની અંદર હતી. ચિરાગ ખાસ મહેમાન તરીકેના ગેટપાસની મદદથી સ્ટેડિયમમાં પ્રવેશ્યો હતો. જય અને વિશાલ સ્ટેડિયમની બહાર બન્ને તરફના માર્ગ પર નજર રાખી રહેલા. એક માર્ગ ઇંદિરાબ્રીજ પછી આવતા ડાબી તરફ વળાંક પર હતો તે, અને બીજો શહેરમાં ખુલતો હતો તે. અમેરીકાના રાષ્ટ્રપતિ અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમની મુલાકાત લીધા પછી સ્ટેડિયમમાં વિશાળ જનમેદની સંબોધવાના હતા. સ્ટેડિયમમાં સવારથી જ માનવ મહેરામણ ઉમટી ચૂકેલું. સ્ટેડિયમથી આશરે પોણો કિલોમીટરના અંતરે મેદાનમાં બસ પાર્કીંગની સુવિધા હતી. જીલ્લાની વિવિધ શાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓને તેમના શિક્ષકો સાથે આમંત્રિત કરવામાં આવેલા. પ્રત્યેકને પાર્કીંગથી સ્ટેડિયમ સુધી પગપાળા જવાનું હતું. પરંતુ તેમની શાળા કે કોલેજથી દરેક બસ દ્વારા જ પાક્રીંગ સુધી આવેલા. મેદાનમાં આશરે ૨૫૦ જેટલી બસો પાર્ક થઇ ચૂકેલી. સ્ટેડિયમમાં માનવોનું કીડીયારૂ ઉભરાઇ ચૂક્યું હતું. સોનલને ચિંતા હતી રાજપૂતની, માટે જ રાજપૂતને સ્ટેડિયમના પાર્કીંગમાં બુલેટ-પ્રુફ કાચ ધરાવતી કારમાં બેસાડ્યા હતા. સ્ટેડિયમમાં અંદર જવા માટે દરેક નિસરણીને ક્રમાંક આપવામાં આવ્યા હતા. રંગ આપવામાં આવ્યા હતા. આટલા બધા માનવોની તરસની તકલીફને પહોંચી વળવા, પાણી, છાશ અને લસ્સીની વ્યવસ્થા પણ હતી. સ્ટેડિયમના ગેટથી દાખલ થતાં જ ચેકીંગ ચાલુ થઇ જતું. પેન જેવી વસ્તુ પણ લઇ જવાની મંજૂરી નહોતી. એક પડાવ પસાર કર્યા પછી, બીજા પડાવમાં ચેકીંગ થતું હતું. જેને ડબલ સિક્યોરીટી ચેક કહેવામાં આવતું. ચેકીંગ બાદ સહાયકો પ્રત્યેક આગંતુકને સફેદ ટોપી આપતા, જેના પર “નમસ્તે ટ્રમ્પ”નું લખાણ હતું. જે ખરેખર કાર્યક્રમનું મથાળું હતું.

આશરે ૧૦:૩૦ કલાકે, વિવિધ મનોરંજનના કાર્યક્રમ શરૂ થઇ ગયા. હિન્દી સિનેમાજગતના ગાયક, ગુજરાતી સિનેમાજગતના ગાયક, હાસ્ય કલાકારનું વક્તવ્ય, ગરબાની રમઝટ, શાસ્ત્રીય નૃત્ય, ચાલતું જ રહ્યું. યુવાનોના કોલાહલથી સ્ટેડિયમ જીવંત બન્યું હતું. દરેક નિસરણીના છેડા પર બે પોલીસકર્મીઓ હતા. લીલાછમ મેદાનમાં બરોબર કેન્દ્રમાં સફેદ રંગના કાપડથી સુશોભિત ખુરશીઓ ગોઠવેલી હતી. તેની બરોબર સામે જ મંચ પર બે ભવ્ય ખુરશીઓ, અને તે પણ બુલેટ-પ્રુફ કાચની પાછળ ગોઠવવામાં આવેલી. સમય પસાર થતો ગયો, કંઇ પણ અજુગતું બન્યું નહોતું. સોનલ, ચિરાગ અને મેઘાવી સ્ટેડિયમની હિલચાલ પર ધ્યાન આપી રહેલા. જય અને વિશાલ, રમીલા સાથે બસ પાર્કીંગ તરફ જઇ રહેલા.

સમય થઇ ગયો હતો. ભારતના પ્રધાનમંત્રી અને અમેરીકાના રાષ્ટ્રપતિ મંચની બન્ને તરફના પ્રવેશદ્વારમાંથી સ્ટેડિયમમાં પ્રવેશ્યા. સ્ટેડિયમ હર્ષનાદથી ગુંજી ઉઠ્યું. ભારતના પ્રધાનમંત્રી અને તેમના પછી અમેરીકાના રાસ્ટ્રપતિએ પોતપોતાના મંતવ્યો રજુ કર્યા. દોઢેક કલાકના સમયમાં કાર્યક્રમ પૂર્ણ થયો. તેઓ સ્ટેડિયમમાંથી રવાના થયા. બીજી તરફ પ્રજા પણ સ્ટેડિયમમાંથી રવાના થવાની હતી. આશરે એક લાખ જેટલા માણસો અને બહાર નીકળવા એક જ માર્ગ. નીકળ્યા બાદ ચાલીને પાર્કીંગ સુધી જવાનું.

માણસો નદીના પ્રવાહની જેમ બહાર આવવા પ્રયત્ન કરી રહ્યા હતા. સ્ટેડિયમનું નાનું દ્વાર પ્રવાહને બંધ બની રોકી રહેલું. ચોતરફ કાળા માથા જ દેખાઇ રહેલા. કાર્યક્રમનું સમાપન થઇ ચૂક્યું હતું, પરંતુ અફડાતફડી હવે ચાલુ થઇ હતી. દરેક વ્યક્તિને બને તેટલું વહેલું બહાર નીકળવું હતું. પ્રવેશદ્વારની બરોબર અડીને જ એક ટાંકી હતી, જેની પર ઓટલો બનાવેલો હતો. ત્યાંથી પાંચેક પોલીસકર્મીઓ સ્પીકરમાં ચેતવણી આપી રહેલા. સોનલને પ્રવેશદ્વાર વિષે જાણ થઇ. તે, મેઘાવી અને ચિરાગ દ્વાર તરફ આવ્યા. આ જ સમય દરમ્યાન રાજપૂત, જે સવારથી ગાડીમાં બેસીને કંટાળી ગયા હતા, તે પણ બહાર નીકળ્યા. તેઓ ઝડપથી તે ટાંકી પર જ ચડ્યા, જ્યાં પોલીસકર્મીઓ સ્પીકર સાથે હતા. સોનલે આ દ્રશ્ય જોયું, કેમ વરિષ્ઠ અધિકારીઓ તેમના અવર અધિકારીનું સાંભળતા નહિ હોય? શા માટે રાજપૂત ગાડી છોડી અહીં આવ્યા? શા માટે તેઓ મુશ્કેલીને આમત્રંણ આપી રહ્યા હતા? રાજપૂતે સ્પીકર હાથમાં લીધું અને ચેતવણી આપવાનું શરૂ કર્યું. તેઓએ સોંપવામાં આવેલી ખાસ જવાબદારી હતી, કાર્યક્રમનો બંદોબસ્ત. આથી તે પોતાની જાતને રોકી શક્યા નહીં. ચેતવણી આપતો તેમનો અવાજ જેવો ગુંજ્યો, વિજળીવેગે એક ગોળી તેના જમણા પગમાં ઘુસી ગઇ. સોનલ પામી ગઇ કે જસવંત આસપાસ જ હતો.

રાજપૂતે આમતેમ નજર ફેરવી, ચારેબાજુ કાળા માથા સિવાય કંઇ દેખાતું નહોતું. હજુ તે પોતાની જાતને સંભાળે ત્યાં તો બીજી ગોળી તેના ડાબા પગમાં ઘુસી ગઇ, રાજપૂત ફસડાઇ પડ્યો. ચિરાગે સોનલને સાદ લગાવી ગોળી જે તરફ આવી તે તરફ ઇશારો કર્યો. સોનલથી પાંચેક મીટરના અંતરે જ જસવંત ઊભો હતો. માનવોની ભીડમાં સોનલ માટે ગોળી ચલાવવું મુશ્કેલ હતું. સાયલેન્સર લગાવેલ હોવાને કારણે ગોળી ચાલવાનો અવાજ થયો નહીં. જેથી માનવોના ટોળાની ગતિમાં કોઇ ફરક પડ્યો નહીં. જસવંતની નજર સોનલની નજર સાથે મળી. સોનલ માટે પાંચ મીટરનું અંતર કાપવું પાંચ કિલોમીટર બરાબર હતું. માર્ગમાં ઊભેલો એક પણ વ્યક્તિ તેની જગા પરથી ડગલું માત્ર પણ ખસતો નહોતો. જસવંત ત્રીજી ગોળી ચલાવા જઇ રહ્યો હતો, પરંતુ ચિરાગે તેના તરફ હવાલદાર પાસેથી છીનવેલી લાકડીથી પ્રહાર કર્યો. અચાનક હવામાંથી આવેલી લાકડી સાથેના અથડામણથી જસવંતના હાથમાંથી પિસ્તોલ પડી ગઇ. પિસ્તોલ પડતાંની સાથે જ ટોળાના પગરૂપી યંત્રો નીચે આવી ગઇ. હવે તે પાછી મેળવવી શક્ય નહોતી.

સોનલ જસવંતની નજીક જેમતેમ કરીને પહોંચવા આવી હતી. જસવંત ત્યાંથી ભાગ્યો. સોનલે ઝડપ પકડી, કેમ કે આ તક ફરી નહોતી મળવાની. જસવંત બસ પાર્કીંગ તરફ ભાગ્યો. સોનલ તેની પાછળ હતી. મેઘાવીએ બીજા રસ્તેથી સોનલને આગળ મળે તે રીતે નીકળી. ચિરાગ પણ સોનલની પાછળ જ હતો. જસવંતની ઝડપ વધુ હતી. પાર્કીંગ તરફ ચાલતા માણસોને ધક્કા મારતો, અથડાતો, પછડાતો તે તીવ્ર ગતિથી આગળ ધપી રહેલો. સોનલ તેની પાછળ જ ભાગી રહેલી. ડામરના બનેલા કાળા માર્ગ પર જસવંતના પગ અથડાઇ રહેલા, તો તેની પાછળ જ સોનલના પગ તે જ ઝડપે માર્ગને પાછળ ધકેલી આગળ વધી રહેલા. માર્ગમાં આવતી દુકાનો જે સવારે બંદ હતી, તે ખુલી ગયેલી. માણસો ત્યાં રોકાઇને નાસ્તો કરી રહ્યા હતા. ચાની મજા માણી રહેલા. કોઇ પાન મસાલા ગાયની માફક ચાવી રહેલા. દરેકનું ધ્યાન જસવંત અને સોનલ પર જતું હતું. ચિરાગે જય અને વિશાલને ફોનથી જણાવ્યું કે જસવંત પાર્કીંગ તરફ આવી રહ્યો હતો. પણ કઇ તરફ્થી? પાર્કીંગની જગા જ અત્યંત વિશાળ હતી, અને એટલી જ મોટી સંખ્યામાં માણસો... જસવંતને કેવી રીતે શોધવો કે પકડવો?

સીધો માર્ગ પૂરો થતાં જ પાર્કીંગ માટે ડાબી તરફ વળવાનું હતું. અહીં સુધી હજુ વધુ માનવો પહોંચ્યા નહોતા. આથી માર્ગ થોડો ખુલ્યો. સોનલને તક મળી ગોળી ચલાવવાની. ભાગતા ભાગતા સોનલે જસવંતને થોભી જવા માટે ચેતવણી આપી અને હવામાં એક ગોળીબાર કર્યો. તેમ છતાં જસવંત ભાગતો જ રહ્યો. તેના પગ થોભતા જ નહોતા. ડાબી તરફ વળતાંની સાથે જ સોનલે જસવંતના પગને નિશાનો બનાવ્યો. ચીલ ઝડપે ગોળી જસવંતના ડાબા પગમાં ઘર કરી ગઇ. તે પછડાયો, ઊભો થયો, લંગડાતા લંગડાતા બસ પાર્કીંગના મેદાનમાં પ્રવેશ્યો. માર્ગની બીજી તરફથી મેઘાવી આવી. તેણે સોનલ અને તેના હાથમાં પિસ્તોલ નિહાળી. પાછળ જ ચિરાગ આવ્યો. ત્રણે એક સાથે મેદાન તરફ નજર રાખી ઊભા રહ્યા.

ત્રણેની સામે બસોનું ઝુંડ હતું. વિશાળ મેદાનમાં ડાબી તરફથી બહાર નીકળતી બસોની કતાર હતી, તો જમણી તરફ મેદાનના પાછળના ભાગમાંથી બહાર આવતી બસોની હારમાળા સર્જાયેલી હતી. વચ્ચેના વિભાગમાં બસો એકબીજાની અડોઅડ પાર્ક થયેલી હતી. બસોની ભુલભુલામણીમાંથી જસવંતને શોધવો અશક્ય હતું. અકલ્પનીય હતું. અસાધ્ય હતું. તેમ છતાં દરેકે સંપૂર્ણ મેદાનને ચાણી નાંખ્યું. એક એક બસ, બસની આસપાસ... દરેક બસની અંદર બેઠેલા વ્યક્તિઓ... આગળ નીકળી ગયેલી બસોને પણ ડિવાઇન સર્કલ પાસે ઊભી રખાવી ચકાસવા જણાવી દીધેલું. પરંતુ કંઇ હાથ લાગ્યું નહિ. સોનલે ગુસ્સામાં તેની બાજુમાં પાર્ક કરેલ બસ પર હાથ પછાડ્યો.

ચિરાગ ખાલી હાથે હતો.

મેઘાવી ખાલી હાથે હતી.

સોનલ ખાલી હાથે હતી.

*****