Lilo Ujas – Chapter – 16 – Sonal Paryushan and Beijing – Divyesh Trivedi books and stories free download online pdf in Gujarati

લીલો ઉજાસ - પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ! – દિવ્યેશ ત્રિવેદી

સોનલને સવારે વહેલું નીકળવું હતું. પરંતુ રાત્રે મોડાં સૂતાં હતાં એથી સવારે ઊઠવાનું મન નહોતું થતું. એને નવ વાગ્યા સુધીમાં મલાડ પરમજિતને ત્યાં પહોંચવાનું હતું. પરમજિતને ત્યાં દિલ્હીથી રીમા સેન નામનાં એક બહેન આવવાનાં હતાં. એ બહેન દિલ્હીના મંત્રાલયમાં ઊંચા હોદ્દા પર હતાં. એ બહેનના પતિ પણ લશ્કરમાં હતા અને પરમજિતના પતિના મિત્ર હતા. એ સંબંધ ઉપરાંત રીમા સેનનો આવવાનો હેતુ એ હતો કે સરકાર ફેશન ટેક્નોલૉજી ક્ષેત્રનું એક પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાતે મોકલવા માગતી હતી અને એમાં રીમા સેન પરમજિતનો પણ સમાવેશ કરવા માગતી હતી. આમ તો આ પ્રતિનિધિ મંડળ માટે ચીનની સરકારે જ આમંત્રણ આપ્યું હતું. એટલે પરમજિત કોઈ મોટી સંસ્થા ન ચલાવતી હોય તો પણ એનો સમાવેશ કરવાનું અઘરું નહોતું. રીમા સેન બે દિવસ રોકાવાનાં હતાં અને પરમજિતની ઈચ્છા એવી હતી કે બે દિવસ સોનલ પણ સાથે રહે.

સોનલ તો સાડા સાતે ઊઠી ગઈ હતી અને ઝડપથી પરવારી ગઈ હતી. નાહીને કપડાં પણ બદલી નાંખ્યાં હતાં. એણે એની હેન્ડ બેગમાંથી ટી-શર્ટ કાઢ્યું એટલે વિનોદિનીબહેને એને પૂછયું, “તું ક૫ડાંનું શું કરે છે! જબરી તારી વ્યવસ્થા છે!”

સોનલે હસીને કહ્યું, “આન્ટી, મેં આ ડ્રેસ બહુ વિચારીને પસંદ કર્યો છે. જીન્સ અઠવાડિયા સુધી પહેરીએ તો પણ વાંધો નહિ. મારી ઈન્સ્ટિટ્યૂટની સામે જ લૉન્ડ્રી છે. ઑફિસના એક કબાટમાં મેં એક ખાનું મારા માટે અલગ રાખ્યું છે. હું કાજળ, ચાંલ્લો, પાવડર, નેલપોલિશ કે એવું કંઈ વાપરતી નથી. એટલે આ બધી વસ્તુઓનો મારા માટે સવાલ નથી. આન્ટી, મને એક વાત સમજાઈ છે કે જો આપણી જરૂરિયાતો ઓછી હોય તો આપણે સ્વતંત્ર રહી શકીએ અને કોઈની ગુલામી સહન ન કરવી પડે. મારી જરૂરિયાતો મેં બહુ જ ઓછી રાખી છે!”

“તને જે છોકરો મળશે એ નસીબદાર હશે!” વિનોદિનીબહેને આંખો ઉલાળતાં કહ્યું.

“મને કોઈ છોકરો મળવાનો નથી... મળીશ તો હું જ એને મળીશ.” સોનલે ખભા ઉલાળતાં કહ્યું.

“તો મળ ને! શેની રાહ જુએ છે?” વિનોદિનીબહેને ઉત્સુકતાના ભાવ સાથે કહ્યું.

“આન્ટી, ટાઈમ જ ક્યાં છે? કામની વાતો જ અધૂરી રહી જાય છે ત્યાં...” સોનલ બોલવા જતી હતી ત્યાં વિનોદિનીબહેન વચ્ચે બોલી ઊઠયાં, “અરે હા, કાલે રાત્રે તમે બન્ને બહુ મોડા સુધી જાગતાં હતાં. પછી મોનુ કંઈ બોલી કે નહિ?"

“શરૂઆત થઈ છે. એને મને વચન આપ્યું છે કે એ મને બધી જ વાત કરશે. પણ ક્યારે કરશે એ વિષે મારે એને પૂછવાનું નથી...” સોનલ હસતાં હસતાં કહેતી હતી.

ચા-નાસ્તો કરી લઈને સોનલ તૈયાર થઈને બેસી ગઈ. એને જવાની તો ઉતાવળ હતી, પરંતુ મનીષાને મળીને જવાની ઈચ્છા હતી, કારણ કે ઓછામાં ઓછા બાર દિવસ એણે બંધાઈ જવાનું હતું. એટલે પણ મનીષાને મળીને જવું જરૂરી હતું. દરમ્યાન મનીષા જાગી ગઈ અને સોનલને બાજુમાં સૂતેલી ન જોતાં સફાળી બેઠી થઈ ગઈ અને બૂમ પાડીને બોલી, “મમ્મી... સોનુ ગઈ?”

સોનલ તરત અંદર ગઈ. મનીષા રૂમમાંથી બહાર નીકળવા જ જતી હતી. સોનલને જોઈને એણે છાતી પર અનાયાસ હાથ મૂકી દીધો અને બોલી, મને તો એમ કે તું જતી રહી. સવારે વહેલા નીકળવાનું કહેતી હતી ને?"

“વહેલા એટલે કે સવારે ચાર વાગ્યે નહિ. તો તો હું સૂઈ જ ન ગઈ હોત વહેલા એટલે રોજની જેમ અગિયાર વાગ્યે નહિ, આઠ વાગ્યે!” સોનલે ચોખવટ કરી.

“તો આઠ તો ક્યારના વાગી ગયા...” મનીષાએ આશ્ચર્યના ભાવ સાથે કહ્યું.

“હું નીકળું જ છું. તને મળવા માટે જ બેઠી હતી. એનું કારણ એ છે કે, હવે બાર દિવસ સુધી આપણું ઠેકાણું પડવાનું નથી... તને તો એ ગમશે! આ સોનુડી જાન ખાતી મટી!” સોનલે મોં બગાડીને કહ્યું.

“કેમ? કેમ?" મનીષાએ સહેજ રોફથી પૂછયું.

“એટલા માટે કે હું આવું નહિ તો તને રાહત... આમેય તું મારા સવાલોનો જવાબ ટાળવા જ માગે છે ને?” સોનલે મર્મભેદી ઘા કર્યો.

“હું તને એમ પૂછું છું કે તું બાર દિવસ સુધી કેમ આવવાની નથી?” મનીષાએ મૂળ વાત કરી.

સોનલે રીમા સેનની વાત કરી અને બે દિવસ એણે પરમજિત સાથે જ રહેવું પડશે એ કહ્યું. એ આગળ બોલે એ પહેલાં મનીષા બોલી પડી. “આ તો બે જ દિવસની વાત છે! બાકીના દસ દિવસ ક્યાં જવાની છું?”

“તને કદાચ ખબર નહિ હોય કે બે દિવસ પછી પર્યુષણ આવે છે. મારી મમ્મીએ મને આગ્રહ કર્યો છે કે મારે પર્યુષણના આઠ-દસ દિવસ ઘરે જ રહેવું. આ વખતે કદાચ મમ્મી ભાઈને ભૂખે મારવાનું વિચારી રહી છે!” સોનલે રહસ્યમય ચહેરો કરીને કહ્યું.

“એટલે?" મનીષાને કંઈ સમજાયું નહિ.

“એટલે ભાઈને પર્યુષણમાં અઠ્ઠાઈ કરાવવાની છે.” સોનલે ફોડ પાડ્યો.

“તો તો તારે ઘરે રહેવું જ જોઈએ. એમનો આગ્રહ કંઈ ખોટો તો નથી જ ને!” મનીષાએ એની વ્યવહારુ બુદ્ધિથી કહ્યું.

“તું ક્યાં મારી મમ્મીને ઓળખે છે? એ મને ઘેર રહેવાનો આગ્રહ એટલા માટે કરે છે કે સગાં-સંબંધીઓ અને બીજા ઓળખીતા લોકો મળવા આવે અને મારા વિષે પૂછે તો ‘એ રહી રસોડામાં’ એમ કહેવાથી એનો અહમ સંતોષાયને એટલે!” સોનલે અભિનય સાથે કહ્યું.

“તારો ભાઈ અઠ્ઠાઈ કરે તો બધા લોકો મળવા તો આવે જ ને!” મનીષાએ તર્ક કર્યો.

“તું પણ ઈડિયટ જ છે! ઉપવાસ કરવા એ તો કંઈ પ્રદર્શનની ચીજ છે? ઉપવાસ કરવા હોય તો ઘરના એક ખૂણામાં બેસીને કરી લેવા જોઈએ. આવો બધો તાયફો શા માટે? પણ ના, લોકોને, જણાવવું પડે કે અમે તો તપસ્વી છીએ અને અમારાં છોકરા પણ કેટલાં ધાર્મિક છે!” સોનલના ચહેરા પર તિરસ્કારના ભાવ હતા.

“કંઈ નહિ, એમનું માન રાખવા પણ તારે ઘેર રહેવું જોઈએ... અને પાછી જે આવે એની ફીરકી ના ઉતારતી!" મનીષાએ ઠપકાના સૂરમાં કહ્યું.

“કંઈ બોલે કે કંઈ પૂછે તો આપણાથી ચૂપ ન રહેવાય. પછી ખોટું લાગે તો લાગે! પરવા નહિ કરવાની...” સોનલે બેફિકરાઈથી કહ્યું.

“અને હવે મૂળ વાત... તારી વાત મને સમજાઈ છે અને હું પણ બધી વાત તને કહીને મારા મન પરનો ભાર હળવો કરવા માગું છું... પણ એ વાત કલાક - બે કલાકમાં થાય એવી નથી...” મનીષાએ ગંભીર થતાં કહ્યું.

“તો...?"

“એને માટે આપણે આખી રાત અને કદાચ આખો દિવસ પણ બેસવું પડે. તારી પાસે એટલો સમય હોય ત્યારે મને કહેજે. ત્યાં સુધી મને ફોન તો કરતી રહેજે...” મનીષાએ વિનંતીના સૂરમાં કહ્યું.

મનીષાએ હજુ સુધી તો સોનલને કશી જ વાત કરી નહોતી. છતાં એની સાથે ખુલ્લા દિલે બધી જ વાત કરવાનું મનોમન નક્કી કરી લીધું એથી જ એને હળવાશ અનુભવાતી હતી. એને થયું કે હજુ વાત કરતાં પહેલાં જ આટલી હળવાશ અનુભવાય છે તો વાત કર્યા પછી કેટલી હળવાશ અનુભવાશે? ઊંડે ઊંડે હવે તો એ જ સોનલ સમય લઈને આવે એવી રાહ જોતી હતી.

રાત્રે લગભગ સાડા નવે સોનલનો ફોન આવ્યો. મનીષાએ જ ફોન ઉપાડયો, “મોનુ, શું કરે છે?" સોનલે પૂછયું.

“કંઈ નહિ, બસ બેઠી છું. તારી રાહ જોઉં છું. ” મનીષાએ નટખટ અવાજે કહ્યું.

“ઓહ... બાર દિવસ હું આવવાની નથી. એટલે મારી રાહ જોવાનો અર્થ નથી." સોનલે અવાજમાં રૂક્ષતા લાવીને કહ્યું.

“તારા જ શબ્દોમાં તને જવાબ આપું? નહિ આવવું એ તારો સવાલ છે અને તારી રાહ જોવી એ મારો સવાલ છે! એમ આઈ રાઈટ?"

સોનલ હસી પડી અને બોલી, “એબ્સોલ્યુટલી રાઈટ, માય ડિયર મોનુ મેડમ! હવે જો એક અગત્યની વાત સાંભળ.”

“પણ બોલ તો ખરી!” મનીષાએ એને ખીજવવા કહ્યું.

“નો ઈન્ટરપ્શન જસ્ટ લિસન ટુ મી.” સોનલ સહેજ ઊંચા અવાજે બોલી અને પછી ઉમેર્યું. “આજે મેં અને પરમજિતે રીમા સેન સાથે ખૂબ વાતો કરી. બાઈ હોશિયાર તો છે. પણ એની બુધ્ધિ કુંઠિત થઈ ગઈ છે. સરકારી અધિકારી ખરી ને! બપોરે હું ત્રણેક કલાક ઇન્સ્ટિટ્યૂટ પર આવી હતી... એ વખતે હા, મને પેલો પંકજ મળી ગયો. તારો આજીવન આશિક. એણે તારા ખબર પૂછ્યા. એને પણ તારી જાણ થઈ ગઈ છે. એણે મને આજીજી કરીને કહ્યું છે કે તું મનીષાને પૂછી જોજે કે હું એને મળવા આવું? મેં એને કહી દીધું કે હમણાં બાર દિવસ હું મનીષાને મળવાની નથી અને તારે મનીષાનો જવાબ મારી પાસેથી જોઈતો હોય તો પેલા દિવસનું કોફીનું બિલ મને ચૂકવી આપ.... એણે તરત પચાસની નોટ કાઢી. મેં લઈને પેન્ટના ખિસ્સામાં મૂકી દીધી અને ચાલવા માંડયું. એ બાઘાની જેમ જોતો જ રહી ગયો..." સોનલ ખડખડાટ હસી ૫ડી. મનીષા પણ હસી પડી અને પછી પૂછયું. “આ જ અગત્યની વાત હતી?"

“ના રે ના, આ તો વાત કરતાં કરતાં યાદ આવી ગયું. બોલ, એને મોકલું? કહી દઉં કે મનીષાએ હા પાડી છે. મળી આવ?” સોનલે એને ચીડવવા કહ્યું.

“સોનું, હું તને કાચી ને કાચી ખાઈ જઈશ. ચૂપ થઈ જા!” મનીષા રીતસર બરાડી.

“ચલ, બસ! હું પ્રપોઝલ પાછી ખેંચી લઉં છું. હવે મારી વાત સાંભળ. હું બપોરે ઇન્સ્ટિટ્યૂટ પર આવી ત્યારે પરમજિતે રીમા સેનને કહ્યું કે હું ફેશન ટેકનોલૉજીની ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, પણ મને બહુ ગતાગમ હજુય પડતી નથી. બધું કામકાજ સોનલ જ સંભાળે છે. તું ચીનના પ્રવાસમાં સોનલને લઈ જા. એ કંઈક જાણીને આવશે તો મને જ એનો ફાયદો થવાનો છે ને! સાંજે હું ગઈ ત્યારે એણે મને વાત કરી. રીમા સેને કહ્યું કે એ મારો પાસપૉર્ટ પણ ઊભા ઊભા કરાવી આપશે. એ પરમ દિવસે દિલ્હી ગયા પછી મને જાણ કરશે કે ક્યારે જવાનું થશે!” સોનલે પોતાના ઉત્સાહ પર સંયમ રાખતાં કહ્યું.

“ચીન જઈને કોઈ ચીનો ગમી જાય તો ત્યાં રહી પડતી નહિ.” મનીષાએ મજાક કરી.”

“કોઈ ચીનો ત્યાં ગમી જાય અને હું કોઈ ચીનાને ગમી જાઉં એ તો શક્ય છે. પણ હું ત્યાં રહી જાઉં એ શક્ય નથી!” સોનલે ભારપૂર્વક કહ્યું.

“કેમ? પછી તો તારે ત્યાં જ રહેવું પડે ને?" મનીષાએ કહ્યું.

“જરાય નહિ, ચીનાને મારી ગરજ હોય તો મારી સાથે ભારત આવે અને પાર્લામાં ન રહે તો કફ્પરેડ પર ઘર શોધી કાઢે!” સોનલે ગૌરવાન્વિત અવાજે કહ્યું.

“પછી પર્યુષણ..." મનીષાએ મમરો મૂક્યો.

“પછી આપણું પર્યુષણ બૈજિંગમાં... હજુ તો તારીખ નક્કી થતાં વાર લાગશે... અને આ તો સરકારી કામ!” સોનલે એની કાયમની અદાથી કહ્યું.

બે દિવસ પછી નયનનો ફોન આવ્યો. એણે મનીષા સાથે પણ વાત કરી. એને સોનલ સાથે વાત કરવી હતી. પરંતુ મનીષાએ કહ્યું કે, અઠવાડિયા સુધી એની સાથે વાત કરવાનો મેળ નહિ પડે. છતાં મનીષાએ સોનલના ઘરનો નંબર આપ્યો. નયન કહેતો હતો કે જનાર્દનભાઈ ઉદયનું સ્કૂટર વેચી દેવાનું કહેતા હતા અને મનીષાને પૂછી જોવા કહ્યું હતું. મનીષાએ કહ્યું કે જનાર્દનભાઈને ઠીક લાગે એમ કરે. નયને એમ પણ કહ્યું કે વારસાઈના સંદર્ભમાં મનીષાની એક એફિડેવિટ કરાવવાની છે અને એ સંદર્ભમાં જરૂર લાગશે તો એ આવી જશે.

રવિવારે મનહરભાઈની ઑફિસમાંથી ત્રણ-ચાર જણા મળવા આવ્યા. એમાં એક ગુજરાતી યુવાન સંદીપ હતો. એ છેલ્લા એક વર્ષથી જ કંપનીમાં જોડાયો હતો. ખૂબ મહેનતુ અને નિષ્ઠાવાન હતો. બીજા એક સિંધી સજજન ટેકવાણી નાગપાલના નજીકના સંબંધી હતા. ત્રીજા એક પરાંજપેદાદા હતા. મનહરભાઈએ પરાંજપેદાદાની ઓળખાણ આપતાં કહ્યું, “આ પરાંજપેદાદા નાગપાલસાહેબના એકદમ વિશ્વાસુ માણસ છે. એ નાગપાલસાહેબ સાથે ત્રીસ વર્ષથી કામ કરે છે. નાગપાલસાહેબને એમના માટે ખૂબ જ પ્રેમ અને આદર છે. એમના અનુભવનો લાભ મને પણ મળે છે.” પરાંજપેદાદા હાથ જોડીને ઊભા હતા અને મનીષાને જોઈ રહ્યા હતા. ચોથો લક્ષ્મણ કેદાર ઑફિસનો પટાવાળો કમ ચોકીદાર હતો. એ ત્યાં ફેક્ટરી પર જ રહેતો હતો.

એ સાંજે સોનલે પણ આવી. રોજ નિયમિત ઘેર જવું પડતું હતું અને દસ દિવસથી સાંજે ક્યાંય બહાર નહોતી ગઈ. એટલે અકળાઈ ગઈ હતી. એણે આવતાંની સાથે જ કહ્યું, “આજે દસ દિવસનો કારાવાસ પૂરો થયો છે. મોનુ, ચાલ આજે ક્યાંક બહાર જમીએ... રોજ ખાખરા અને કાંદા-લસણ વગરનું ખાધા પછી ચેન્જ હોય તો ઠીક રહે. અંકલ, આન્ટી, તમે પણ ચલો!”

મનહરભાઈ તરત બોલ્યા, “તું જા અને મનીષાને લઈ જા. અમે તો ઘેર જ ખાઈશું. બહારનું ખાવાનું મને સદતું નથી. હું નહિ આવું એટલે તારી આન્ટી પણ નહિ આવે. એટલે તમે બંને જાવ!”

સોનલે મોં વાંકું કર્યું. એટલામાં ફોનની ઘંટડી વાગી. મનહરભાઈએ ફોન ઉપાડયો. સામેથી પરમજિત બોલતી હતી. એણે પૂછયું, “યે મનીષા કા નંબર હૈ? સોનલ વહાં આયી હૈ?" મનહરભાઈએ હા કહીને, તરત સોનલને ફોન આપ્યો. પરમજિતે એને કહ્યું કે દિલ્હીથી રીમા સેનનો ફોન આવ્યો હતો અને બે જ દિવસમાં બધી તૈયારી સાથે દિલ્હી પહોંચી જવાનું કહ્યું છે. સોનલ કદાચ પહેલી જ વાર મૂંઝવણમાં મુકાઈ ગઈ હોય એમ બોલી, “દો દિન મેં? ક્યા ઊડ કે જાના હૈ?"

“નહીં! ઉસને યહાં કોન્સ્યુલેટ મેં ખબર કર દી હૈ... તુમ્હેં કલ બારાહ બજે વહાં સે સબ પેપર્સ ઈકઠ્ઠે કર લેના હૈ... ઔર કલ હી દિલ્હી કે લિયે નિકલ જાના હે...”

મૈં કલ સુબહ આ કે મિલતી હૂં... મૈં તો ચીન કી સારી બાત હી ભૂલ ગઈ થી. મૈંને સોચા થા કિ રીમા સેન દિલ્હી વાપસ ચલી ગઈ તો ચીન કી બાત ભી અપને સાથ લે કે ગઈ....”

સોનલ ઘડીક વાર માટે પથ્થર જેવી થઈને બેસી ગઈ. પછી મનીષાને ઈશારો કરીને એના રૂમમાં ગઈ. મનીષા પણ પાછળ આવી. મનીષા તરત બોલી, “શું છે? જરા વાત તો કર!” સોનલે બધી જ વાત કરી અને પછી કહ્યું, આજે હું આખી રાત તારી સાથે બેસવાનો ઈરાદો કરીને આવી હતી. હવે છેક ચીન સુધી જવાનું છે એટલે મમ્મી-પપ્પાને પણ કહેવું તો જોઈએ ને!” સોનલે ઠાવકાઈથી કહ્યું.

“કહેવું જ જોઈએ! અને તારે આજની રાતમાં જ બધી તૈયારી પણ કરવી પડે!” મનીષાએ ચિંતા દર્શાવી.

“મારે તૈયારી તો કશી કરવાની નથી. એક બેગમાં ચાર જોડી કપડાં નાંખ્યા એટલે તૈયાર..." સોનલે બેફિકરાઈથી કહ્યું.

“એટલે તું ચીન જઈને પણ આ જ ડ્રેસ..?" મનીષાએ આશ્ચર્યથી પૂછયું.

“કેમ? એમાં વાંધો શું છે? રીમા સેને મારી સાથે કોઈ શરત કરી નથી કે ચીન આવવું હોય તો જીન્સ નહિ પહેરાય. ભૂલેચૂકે એવી શરત કરે તો કહી દઉં કે રહ્યું તારું ચીન, અમારું પાર્લા શું ખોટું છે?” સોનલે તરત જવાબ આપ્યો.

“મારું માને તો મારી બે સાડી લઈ જા. ભારતીય ડ્રેસ તો કહેવાય ને?” મનીષાએ વ્યવહારુ સૂચન કર્યું.

સોનલે કહ્યું, “તારે તો અનાયાસ મુદત પડી ગઈ. હવે હું પાછી આવું પછી વાત..” સોનલે નિશ્વાસ સાથે કહ્યું.

મનીષાએ તરત કહ્યું, “હવે એ વાત તારા મનમાંથી કાઢી નાંખજે. હું તને કંઈ વાત કરવા માગતી નથી. હકીકતમાં તો તારી વાત સાંભળીને મને નિરાશા થઈ છે. મને ખબર છે કે હું તને બધું કહી દઉં તેથી તાત્કાલિક બહુ મોટો તફાવત પડી જવાનો નથી. છતાં મને તો હળવાશ થવાની જ છે!"

“એક કામ કર, હું ઘરે જાઉં. મમ્મી-પપ્પાને વાત કરી દઉં. પછી પૈસાનો થોડો મેળ બેસાડી દઉં અને પછી જો સમય હોય તો આવું છું. આપણે આખી રાત વાત કરીશું. બોલ, બરાબર ને?”

મનીષા ઊંડો શ્વાસ લેતાં બોલી, “સોનુ, સાચું કહું-એક રાતમાં બધી જ વાત થાય તેવી નથી. મેં તને પહેલાં જ કહ્યું હતું કે એક આખી રાત અને એક આખો દિવસ જોઈશે. મારે તને રજેરજ વાત કરવી છે!”

“જોઉં છું. હજુ નક્કી નથી. ઘરે જઈને આવું તો ખરી? પછી વાત!” સોનલે કહ્યું.

“સોનું, મારું માને તો હવે આટલા દિવસ પડયા છે તો પંદર-વીસ દિવસ વધારે. અને આખી રાત તું જાગીશ તો તને કાલે દિવસે દોડાદોડી કરવામાં તકલીફ પડશે!” મનીષાએ ચિંતા દર્શાવતાં કહ્યું.

“તું એની ચિંતા ન કર. તું તારે પછી કાલે આખો દિવસ ઊંઘજે ને! મારી ચિંતા ન કરીશ!” સોનલે કહ્યું.

“કેમ? તું માણસ નથી?” મનીષાએ ચિડાઈને કહ્યું.

“હું પણ માણસ છું. પણ...” સોનલ અટકી ગઈ.

“કેમ અટકી ગઈ? બોલી નાંખ ને!” મનીષાએ આંખો કાઢતાં કહ્યું.

“મારે કહેવાનો મતલબ એ હતો કે હું પણ માણસ છું. પણ મારું મન અને મારું શરીર મારાં માલિક નથી. એ બંને મારાં ગુલામ છે. હું ચલાવું એમ એમણે ચાલવાનું છે, નહિ કે એ ચલાવે એમ મારે ચાલવાનું છે? "સોનલે શબ્દેશબ્દ પર ભાર મૂકતાં કહ્યું.

“ઓફ્ફ....ઓ... હવે તું આ ફિલોસોફી ઝાડવાનું બંધ કર અને જલદી જા, તો કદાચ જલદી પાછી આવે.” મનીષાએ એને હાથ પકડીને ઊભી કરતાં કહ્યું.

“હું મોડી મોડી પણ આવું છું!” એમ કહીને સોનલ સડસડાટ નીકળી ગઈ.

સોનલના ગયા પછી મનીષાએ મનહરભાઈ અને વિનોદિનીબહેનને સોનલના ચીનના પ્રવાસની વાત કરી અને વચ્ચે એક જ રાત હોવા છતાં એના મન પર કોઈ ભાર નથી એ પણ કહ્યું. મનહરભાઈને ક્યારેક સોનલ અદ્ભુત છોકરી લાગતી હતી તો ક્યારે વિચિત્ર છોકરી પણ લાગતી હતી.

સાડા અગિયાર વાગવા આવ્યા. પરંતુ હજુ સોનલ આવી નહિ એટલે મનીષા લાઈટ બંધ કરીને એના રૂમમાં જવા માટે ઊભી થઈ. ત્યાં તો રિક્ષાનો અવાજ આવ્યો. મનીષાએ ગેલેરીમાં જઈને જોયું તો સોનલ જ હતી. એના ખભે સહેજ મોટી હેન્ડબેગ લટકતી હતી.

એ આવીને સીધી જ મનીષાને એના રૂમમાં લઈ ગઈ અને પલંગ પર બેસતાં જ કહ્યું, “અત્યારે પોણા બાર થયા છે. જો વચ્ચે ઊંઘ આવી જાય તો આપણે સળંગ છ થી સાત કલાકે વાત કરીએ. બોલ, તારી જાગવાની તૈયારી છે?”

“મને ખબર નથી. છતાં વાત જ એવી છે કે કદાચ ઊંઘ ઊડી જશે. છતાં સોનુ, મને ચોક્કસ ખાતરી છે કે, પૂરેપૂરી વાત તો આજે નહિ જ થઈ શકે...” મનીષાએ ફરી એ જ વાત કરી.

“જો, એક કામ કર! આજે જેટલી વાત થાય એટલી કર! બાકી રહે એ હું પાછી આવું પછી કરજે!” સોનલે ઉપાય સૂચવ્યો.

“તારી વાત બરાબર, પણ સોનુ, તને કદાચ અધૂરી વાત સાંભળ્યાનો અફસોસ નહિ હોય, મને તો અધૂરી વાત કહેવાનો અફસોસ રહેશે જ...” મનીષાએ ચહેરા પર દયામણા ભાવ લાવીને કહ્યું.

સોનલે કંઈ જવાબ ન આપ્યો. એ મનીષા સામે જોઈ જ રહી. થોડીવાર પછી મનીષાએ એક ઓશીકું સોનલના ખોળામાં મૂક્યું અને બીજું ઓશીકું પોતાના ખોળામાં મૂકીને એ ઓશીકાના સફેદ કવર પર તાકી રહી. થોડીવારમાં એ કવર ફિલ્મના પડદા જેવું બની ગયું અને એ એકાએક છ - સાત મહિના પાછળ જતી રહી.