Was Vrinda really Vrinda? books and stories free download online pdf in Gujarati

વૃંદા ખરેખર વૃંદા જ હતીને?

વૃંદા ખરેખર વૃંદા જ હતીને?

મનહર વાળા રસનિધિ."

"હસીને કહેતી હતી ભાઈ તને હસતો જોઈને તો હું હસતી રહું છું."

વૃંદા, વૃંદા નામ બોલતાની સાથે જ દુઃખોના પહાડ વચ્ચે ખડખડાટ હસતી વૃંદા મને હયે ચડી જાય છે. ચડે જ ને? વૃંદા હતી જ એવી ને? ઈશ્વરે એને આભલું ભરીને રૂપ આપ્યું હતું પણ, સુખ? અરે સુખ તો એની કિસ્મતમાં જ નહોતું. એ મને જોઈને ખૂબ હસતી પરંતુ આ હાસ્ય પાછળનું દુઃખ દબાવ્યે દબાવ્યું રહે એમ ક્યાં હતું? એ હસતા હસતા જ ડૂસકું ભરીને બોલી ઉઠતી,
"તમારા ભાઈ."
આ બે શબ્દોમાં જ હું સમજી જતો કે, વૃંદા શુ કહેવા માગે છે. હા જો અમે બન્ને હસતા હસતા વાતોએ ચડી ગયા હોઈએને તો તો, બધા દુઃખો પી જઈને એકબીજાને પેટ છૂટી વાત કરી દેતા. મારી સગી બહેન કરતા પણ, વધારે મારી અંગત વાત હું વૃંદાને શેર કરતો. એ એના દુઃખની વાત કહેતા કહેતા રડી પડે તો હું હસતા હસતા એને મારા દુઃખની વાત કરીને એનું દુઃખ જાણે ઘણું ઓછું છે એવું એને ફિલ કરાવતો. એને મારા ખભે માથું મૂકીને બહુ બધું રડવું હતું ને, હજીયે મારી જાણ બહારના એના દુઃખોની ખબર મને આપવી હતી. અપસોસ કે એ આમ ન કરી શકી. ને વળી કરી શકી હોત તોય શુ? જગતની નજરે બદનામી જ હતીને? કલંકની ટીલીમાંથી વધુ એક દર્દ સાથે દુઃખ જ જાગેત. એ પરણેલી હતી ને હું કુંવારો. કદાચ આ જ કારણોથી એ જીવી ત્યાં સુધી મને સ્પર્શી નહોતી. જોનારાઓએ જોઈને એના વરને વૃંદાને ઘેર હું જાવ છું એની બાતમી પણ આપેલી. આ ઘટના પછી એના વરે મને એના ઘેર આવવાની ના કહી ત્યારથી હું ક્યારેય એના ઘરે ગયો જ નહોતો.

પૈસે ટકે વૃંદાને ઘેર કોઈ કમી નહોતી પણ એના વરને શરાબની ભારે લત હતી. આ લતના કારણે જ વૃંદાનું જીવન સૂકા રણ જેવું થઈ ગયું હતું. એને ખૂબ લાગણીની તરસ હતી પણ, એની આસપાસ રહેલા શુષ્ક પ્રદેશમાં આ શક્ય નહોતું. એના ગોરા ગાલ પર પડી ગયેલા ઉઝરડા જ કહેતા હતા કે, વૃંદાના જીવનમાં આનાથી વધુ ઉઝરડા પડી ગયા છે. એ જ્યારે જ્યારે લંગડાતે પગે ચાલતી ત્યારે ત્યારે મારું મન પણ અપંગ બની જતું. ક્યાંય સુધી શૂન્યમનસ્ક રહ્યા પછી અચાનક થતું કે, :
"એક સ્ત્રીની આ હાલત?"
વધારે દુઃખ તો ત્યારે થતું કે, વૃંદામાં પોતાની સાસુને પણ પોતાના સાચા દર્દ અંગે જાણ કરવાની હિંમત નહોતી. કદાચ હિંમત તો હતી પણ, પોતાના થયેલા પુરુષને એ વગોવવા નહોતી માગતી. બે ત્રણ વખત મેં પણ એવું જોયેલું કે, વૃંદા રસોઈ બનાવવામાં મગ્ન હોય ને એનો વર શરાબ પીને ઘેર આવી વૃંદાને મારવા સિવાય કંઈ ન કરે. આવું જોઈને મને ખુદને વૃંદાના વરને ધોકાવી નાખવાનું મન થતું પણ, જમાનાને જોઈને આવુ કરવાનો મને ડર લાગતો. નામ એનું વૃંદા હતું પણ, એ સમય જતાં વિખેરાઈ ગઈ હતી.

છુટા પડયાના પાંચ વર્ષ પછી એ ફરી વખત મેળામાં મળી ગઈ હતી. એની એક કાખમાં એકાદ વર્ષની છોકરી તેડેલી હતી અને એક હાથની આંગળીએ વળગેલો ત્રણેક વર્ષનો છોકરો પોતાની મા સાથે ડગલાં ભર્યે આવતો હતો. આવે વખતે મેં વૃંદા પર એક નજર કરી હતી. આ નજરને એણે તરત જ પારખી લીધી અને પહેલા જેમ જ હસી પડી હતી. મને પણ આ હાસ્યની ઝલક ઘણા સમયે જોવા મળી એટલે હું પણ, હસી પડ્યો. આ વખતે પણ વૃંદાએ મારી સાથે ઘણી વાતો કરવી હતી પણ, સમયને આ ક્યાં મંજુર હતું. એના વરની દૂરથી આવતી ગાડી જોઈને વૃંદા ફટાફટ પોતાના મોબાઈલ નમ્બરના 10 આંકડા બોલતી ગઈ અને ગાડીની દિશામાં આગળ વધતી ગઈ.

ઘણા વખત પછી વૃંદા મળી હતી. એની આંખો મને કંઈક કહી રહી હતી પણ હું? હા હા હું બધું જ જાણતો હતો પણ, એનો કંઈ ઉકેલ? ના ના કંઈ જ નહીં. ફક્ત બધું જોયા જ કરવાનું હતું. મારા સિવાય આમેય ક્યાં કોઈનેય ખબર હતી કે, વૃંદા મને ખુબ જ વ્હાલી હતી. ખરું કહું તો એ કાંટા પર ચાલતી હતી ને દર્દ મને થતું હતું. એના વરના મોઢેથી નીકળતી ગાળો, છુટ્ટા હાથે વૃંદા પર થતો પ્રહાર, એના ફાટી ગયેલા કપડામાં પડી ગયેલા લોહીના ધાબા અને "એય તમને કવ, રહેવા દ્યોને?" એમ કહી મોટે સાદે રોતી વૃંદાના અવાજો કોણ જાણે મને શું કહી રહ્યા છે?
"અરેરે મારી વૃંદા પાસે હું જઈ નથી શકતો એટલે જ ને?"

ઓહ મારી કલ્પનાઓ જરાયે ખોટી ન સાબિત થઈ. દિ આથમી રહ્યો હતો. ચૈતર વૈશાખના વાયરા વેગીલી ગતિએ વાઈ રહ્યા હતા. વૃંદા મારા મનમાંથી જવાનું નામ જ નહોતી લેતી. આથમતા સૂર્યની રાતાશમાં મને વૃંદાની આથમતી જિંદગી દેખાતી હતી. નય નય ક્યારેય નય. મારી વૃંદા હજી ઘણું જીવશે એવું હું પરાણે વિચારતો અને આથમતા સૂર્ય સામેથી નજર હટાવીને જ્યાંથી ચાંદો ઉગે એ ભણી નજર કરી બેસતો પણ મારી આ ખોટી જીદ ક્યાં સુધી?

વાળું કરવાને પંદરેક મિનિટની વાર હતી. હજીયે મારા મનમાં કંઈક અઘટિત થવાના વિચારો શમ્યા નહોતા. બીજી તરફ મારા ઘરની બાજુમાં રહેતી ઝમકું રોતી રોતી બા પાસે આવીને બોલતી હતી કે :
"ફુય હવે હું એનાથી હાવ ત્રાસી ગઈ સુ પણ, આ નનકા નનકા સોકરા હારુ હું આ નરક ઝેવી ઝનગી ઝીવું સુ પણ, તોય એને હજીય કાંઈ સરમનો સાટો ને. ફુય તમે કાંઈક ક્યોને? નકર મારા સોકરા બશારા રખડી ઝાહે.

ઝમકુને જે દુઃખ હતું એ જ મારી વૃંદાને હતું. ફર્ક એ જ કે, ઝમકું એના મનની વાત જે તે વ્યક્તિને કહી હળવી થઈ જતી હતી ને વૃંદા બધુંયે હૃદયમાં દબાવીને સહન કર્યે જતી હતી. બા જેવી સ્ત્રી એની આસપાસ નહોતી. નહિતર એને સાવ હળવી કરી દેત.

શુ કરવું? કેમ કરવું? કેવી રીતે કરવું? કંઈ જ સમજાતું નહોતું. બધા વાળું કરવા બેસી ગયા હતા પણ હું એક દૂધનો વાટકો પીને ખેતરમાં આંટો મારવા જતો રહ્યો. બરાબર આ અરસામાં મારા ફોન પર એક અંનોન નમ્બર પરથી કોલ આવ્યો. ક્ષણ બે ક્ષણ તો થયું નથી રિસીવ કરવો પણ, પછી થયું જોવ તો ખરા શુ છે. જેવો કોલ રિસીવ થયો કે તરત વાતની શરૂઆત જ થઈ ગઈ.
"તમે વૃંદાના ભાઈ બોલી રહ્યા છોને? હું એના ઘરની નજીક રહેતી કાવ્યા બોલું છું. મને એ કહેતી હતી કે, મારા ભાઈને કહેજો તમારી સમજાવટથી હું ઘણું હસતા હસતા જીવી છું. હવે મને હસાવનારું કોઈ નથી રહ્યું. એને કહેજો કે ભાઈ તને વૃંદા બોવ યાદ કરે છે. એને તારા શબ્દો સાંભળીને હજીયે હસવું છે પણ હવે આ નથી શક્ય. મારા છોકરાની મને ખુબ દયા આવે છે પણ શું કરવું? દર્દની પણ કંઈક હદ હોય કે નહીં? આટલું કહી એણે ફોન કટ કરી નાખ્યો હતો."" અહીંથી મેં પણ આટલું સાંભળી કોલ કટ કરી નાખ્યો."

ઘણી વખત બા પાસેથી સાંભળ્યું હતું કે, ભેરવનો અવાજ અપશુકનિયાળ હોય છે. અત્યારે પણ આ જ થઈ રહ્યું હતું ને? હવે મારું મન ન રોકાયું. વૃંદા જે દસ આંકડા ફટાફટ બોલી હતી એ જ દસ આંકડા મેં ફટાફટ ડાઈલ કર્યા અને કોલ જોડ્યો. જેવો કોલ રિસીવ થયો કે તરત સામે છેડેથી મને ડૂસકાં સંભળાયા. એના એકેક ડૂસકે એ
"ભાઈ, ભાઈ, મને માફ કરજે ભાઈ."
એમ બોલી રહી હતી. રોજ કરતા આજે વૃંદાનું રુદન કંઈક વધારે જ હતું. મારી આંખો પણ વૃંદાનું રુદન જોઈને રડી પડી પણ વૃંદા સાથે વાત કરવી જરૂરી હતી. મેં એને કહ્યું,
"એય વૃંદા ગાંડી ભાઈ જોડે આમ કંઈ રોવાતું હશે? અરે વાયડી જિંદગી કેટલી અમૂલ્ય છે. એને ખોઈ નાખવાનો વિચાર કરાય?"
મારા છેલ્લા શબ્દો સાંભળીને વૃંદા જે બોલી એ સાંભળીને હું સાવ નિઃસહાય બની ગયો. :
"ભાઈ જે થવાનું હતું એ થઈ ગયું. રહેવાદે ભાઈ હું સમજણની ઘણે પેલેપાર નીકળી ગઈ છું મને માફ કરજે."
આ સાંભળી હું મોટે અવાજે બોલી ઉઠ્યો,
"ઓય વૃંદા તે શું કર્યું બોલ જલ્દી બોલને?"
ગભરાટ સાથે એ બોલી ઉઠી, :
"ભાઈ હવે મારાથી સહેવાય તેમ નહોતું, હું પુરે પુરી ભાંગી ચુકી હતી. મારા અને તારા સબંધ વિશે મારા જ ઘરના બધા અવળું વિચારતા હતા. આ બધું મારાથી ન સહેવાયું એટલે મોત સિવાય કશું જ ન દેખાયું. ભાઈ મેં કપાસની દવા પી લીધી છે. માફ કરજે મને. મેં તારા શબ્દોને ન સમજ્યા એ બદલ."

આટલું સાંભળીને મારા હાથમાં રહેલો મોબાઈલ નીચે પડી ગયો. મને એ જ સમજ ન પડી કે, મારી વૃંદા મારા શબ્દો ન સમજી શકી કે, મારી વૃંદાને કોઈ ન સમજી શક્યું? મેં ફટાફટ હાથમાં મોબાઈલ લઈને કાવ્યાને કોલ કરી વૃંદાને દવાખાને લઈ જવા કહ્યું. આ સમયે મને જાણવા મળ્યું કે, હાલ આસપાસ કોઈ પુરુષો નથી. બધાય આજે બાજુના ગામની વાડીયે દારૂની મહેફિલ છે ત્યાં ગયા છે. આ જાણીને મને ખુદને વૃંદાને ઘેર જવાનું મન થઇ આવ્યું પણ, આમ કરું તો વૃંદા પર વધુ એક કલંક લાગે તેમ હતું. હા પણ મારી વૃંદાને મારે જીવાડવી પણ હતી જ ને? એ મૃત્યુ પામે તો હું પણ ક્યાં જીવતો રહેવાનો હતો? મેં કોઈ વધુ વિચાર કર્યા વગર વૃંદાના ઘરે જવાનું વિચારી લીધું. ઘરેથી બહાર નીકળ્યો ત્યાં જ ફરી મારા પર, કાવ્યાનો કોલ આવ્યો અને કહ્યું, :
"ભાઈ અત્યારે જ મારે ત્યાં આવીને વૃંદાએ આપેલી ચિઠ્ઠી લઈ જાવ. આજે નહિ આવો તો પછી ક્યારે તમને આ ચિઠ્ઠી મળે એનું પણ કંઈ નક્કી નથી. વૃંદા આ ચિઠ્ઠી આપવા આવી ત્યારે એને સખત ઉલટી થઈ રહી હતી. હું એની સાથે જ ઘર સુધી ગઈ. બસ એણે તમને યાદ કર્યા અને એના બેય છોકરા પર હાથ ફેરવ્યા પછી પોતે ઓસ્રીની કોરે જ પડથાર પર આંખો મીંચીને સુઈ ગઈ."

હવે મારે શું કરવું એ જ કંઈ સમજ નહોતી પડતી. મારી વૃંદા? અરે એ, એ, મને મેકીને જતી જ રહી છે એમ જ ને? ખરા જીવનની ફિલસૂફીની મોટી મોટી બળાશ મારતો હું પણ આ સમયે જિંદગીથી હારી ચુક્યો હતો. મારે પણ નહોતું જીવવું. વૃંદાના શ્વાસ સાથે જ મારા શ્વાસ થોભાવી દેવા હતા. એની જેમ જ આ દંભી અને નિષ્ઠુર જગતને અલવિદા કહીને આગમાં બળી, ધૂળમાં ભળી હવામાં ઓગળી જવું હતું.

અડધે રસ્તે પહોંચ્યો ત્યાં ફરી વિચારો બદલાયા, આખરે મરીશ તો પણ મળશે શુ? બદનામી જ ને? અરે લોકો એમ જ કહેશે કે, જગતે બેયને ભેગા ન થવા દીધા તો મરી ગયા. અરે હા જીવીશ તો પણ વળી આ જ મળવાનું છે ને? કાલ સવારે જ જગત રાજીપા સાથે કહેશે,
"એને ઓલાયે જ મારી નાખી છે."
કંઈ નહીં, શુ ફેર પડશે? લોકોને મારી બદનામીમાં આનન્દ આવશે ને મારી વગોવણી થશે એ જ ને?"

આવા વિચારો સાથે હું આગળ વધી રહ્યો હતો એવામાં રસ્તા વચ્ચે જ એક લાજ કાઢેલી સ્ત્રી મને રોકાવા કહેતી હતી. મેં ત્યાં જ રોકાઈ જવાનું પસંદ કર્યું. આ સ્ત્રી બીજું કોઈ નહિ પણ કાવ્યા જ હતી. એણે ફટાફટ મારા હાથમાં ચિઠ્ઠી આપી મને અહીંથી જ પાછા વળવાનો આદેશ કરી દીધો. હું કોઈ આનાકાની કર્યા વગર જ પાછો ફરી ગયો.

ખેતરમાં ખાટલો હતો ત્યાં જઈને હું આ ચિઠ્ઠી વાંચવા લાગ્યો.

"ભાઈ મને તારી જીવવાની રીત ખૂબ પસંદ આવતી. તું જે જે વાત કરતોને એ જ વાત પર હું જીવતી. એય તને યાદ છે તે મને એક વખત કહેલું કે, કોઈ બાજુમાં ન હોયને ત્યારે જ મરી જવાનું મન થાય છે. આ જ મારી સાથે થઈ ગયું. મને તારા આશ્વાસનની જરૂર હતી પણ? "
બસ આટલું જ એ ચિઠ્ઠીમાં લખ્યું હતું. બીજું બધુંય કોરી રહેલી જગ્યામાંથી મારે જ વાંચવાનું અને સમજવાનું હતું.

ઘટનાઓ પર ઘટનાઓ, આંખે ચડતી હતી. આખરે મળ્યું શુ? ને ખોવાયું શુ? આપ્યું શુ? ને લીધું શુ? હૃદય આખરે એટલું જ બોલી શક્યું,
"વૃંદા આખરે વૃંદા જ હતી.ને?"