Dried ink ... books and stories free download online pdf in Gujarati

સુકાય ગયેલી સાહી...

સુકાય ગયેલી સાહી....વાર્તા...દિનેશ પરમાર 'નજર'
*****************************************
અબ કે હમ બિછડે તો શાયદ કભી ખ્વાબો મેં મીલે
જિસ તરહ સુખે હુએ ફુલ કિતાબો સે મીલે
-એહમદ ફરાઝ

*****************************************
રાત્રે મોડે સુધી, ઓન લાઇન ઓફીસ કામ કરી કંટાળેલા પાર્થ જોશીને કોફી પીવાની ઈચ્છા થઈ. મણિનગર, રામબાગ જેવા પોશ વિસ્તારમાં માઉન્ટન હાઈટ્સ જેવા હાઈરાઈઝ ટાવરના દશમાં માળે રહેતો પાર્થ ઉભો થયો અને ડ્રોઇંગ રૂમની બાલ્કનીમાં આવ્યો.
નીચે રોડ પર નજર નાખી હાથ ઉંચા કરી આળસ મરડી. રોડ સાવ સુમસામ જણાતો હતો.
તે કિચનમાં ગયો. કોફી બનાવીને બેડરૂમમાં આવી, એક ઘૂંટ લઈ બાજુની ટીપોય પર મૂકી લેપટોપમાં નજર નાખી. નવો કોઈ મેસેજ કે મેઇલ નથી તે ચકાસી, પેજ મીનીમાઈઝ કરી કેટલાય દિવસોથી કામના ભારણને લઈ કંટાળેલ પાર્થે, એકાદ મહિનાથી જોઈ ન શકેલા ફેસબુકના પેજને ઓપન કર્યું.
અચાનક પાર્થનું ધ્યાન " ફ્રેન્ડ રીક્વેસ્ટ " પર જતા જ પાર્થ ફક્ત ચમક્યો જ નહીં પરંતુ અંદરથી હલી ઉઠયો. એક ઠંડી શીત લહેરનું મોજું તેના આરપાર ફરી વળ્યું.

********

પાર્થના માતા પિતા અગાઉ, મણિનગર પૂર્વ તરફ મણિયાસા વિસ્તારમાં રહેતા હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ તે વિસ્તારની સરસ્વતી વિદ્યા મંદિર સ્કુલમાં પાર્થે લીધેલું.
જ્યારે બારમાં ધોરણમાં અભ્યાસની વાત આવી ત્યારે, પાલડી વિસ્તારની પ્રખ્યાત સ્કુલમાં પ્રવેશ મળતો હોઈ તે ત્યાં ભણવા તૈયાર થઈ ગયેલો. ત્યાં સ્કુલની ઈતર પ્રવૃત્તિના કાર્યક્રમ યોજાતા રહેતા.
પાર્થના પપ્પાને ગીત ગઝલ લખવાનો શોખ હતો. અવાર નવાર તેઓ કવિ સંમેલનમાં પણ જતા હતા. આ શોખ પાર્થને પણ વારસામાં મળ્યો અને તે પણ આઠમા ધોરણમાં આવ્યો ત્યારથી કવિતા લખતો થયો હતો.
પ્રથમ સત્ર પહેલાં સ્કુલના એક કાર્યક્રમમાં તેણે એક ગઝલ રજુ કરી. એની ગઝલ સાંભળીને વિદ્યાર્થીઓ અને શિક્ષકો તથા આમંત્રિત મહેમાન ખુશ થઈ ગયા અને તેને તાળીઓથી વધાવી લીધો.
આ દરમિયાન, બીજી સ્કુલમાંથી અહીં પ્રવેશ મેળવી ભણવા આવેલી મીનાક્ષી, પાર્થના વ્યક્તિત્વ અને તેની કવિતા કહેવાની છટા જોઈ તેના તરફ સહજતાથી શરૂઆતમાં આકર્ષાઈ અને પછી, એકજ ક્લાસમાં હોઈ, અવાર નવાર આંખો મળતા અને પાર્થને પણ મીનાક્ષીની ટગર ટગર જોયા કરતી આંખોમાં એક ન સમજી શકાય તેવું ગમતીલું ખેંચાણ દેખાતા બંનેએ કોમન મિત્ર દ્વારા પ્રેમનો એકરાર કરી હોટલ, ગાર્ડન જેવા સ્થળોએ ક્યારેક ક્યારેક મળવા લાગ્યા.
આમ કરતાં વાર્ષિક પરીક્ષા ક્યારે નજીક આવી ગઈ તે ખબર જ ના પડી!
પરીક્ષા પહેલા સ્કુલ તરફથી યોજવામાં આવેલા વિદાય સમારંભ પત્યા પછી, પાર્થ સ્કુલની પાછળના ભાગે લાઈબ્રેરીમાં ગયો. મીનાક્ષી પણ ત્યાં ગઈ. બંને બેઠા, છુટા પડવાની ઉદાસી તેઓની આંખોમાં ઉતરી આવી હતી.
પાર્થે ધીરે રહીને ફોલ્ડરમાંથી એક આછા ગુલાબી રંગનો કાગળ કાઢ્યો. જેની પરથી ગુલાબની હલ્કી હલ્કી મહેક પ્રસરી રહી હતી.
તે કાગળ પર પાર્થ દ્વારા સ્વયં રચેલી અને ખુબ મરોડદાર સુંદર અક્ષરોથી , મીનાક્ષીને ઉદ્દેશી ગઝલ લખી હતી.
તેણે તે આપતા પહેલા ફોલ્ડરમાંથી ખુબ જ ગમતી અને જેના થકી ખુબ સારી રચનાઓ લખી હતી તે, સીસમની સુંદર ઝીણા નકશી કામ વાળી ફાઉન્ટન પેન કાઢી અને...
મારી પ્રિય મીનુ ને......
લખી નીચે 'તારો પાર્થ' લખી સહી કરી અને ભારે હ્રદયથી તે ગુલાબી રંગનો કાગળ મીનાક્ષી તરફ ધર્યો.
મીનાક્ષીએ કાગળતો લીધો પરંતુ સાથે સાથે તે બોલી, " પાર્થ, આ પેન પણ મારે જોઈએ... કે જેમાંથી તારા હ્રદયની અસ્ખલિત લાગણીઓ સરવાણી રુપે વહી અને કાગળ પર અક્ષર થઈ અવતરી તે યાદગીરી રૂપે મારે જોઈએ."
" કેમ આમ બોલે છે...? પરીક્ષા પહેલા આપણે મળીશું અને ત્યારબાદ આગળ એકજ કોલેજમાં જ પ્રવેશ લઈશું." પાર્થ દ્રઢતાથી બોલ્યો.
" હા એ ખરું...! હું ક્યાં તે વાતે અસહમત છું. પણ આપણી પરીક્ષા હવે પંદર દિવસ પછી શરૂ થશે.. ત્યાં સુધી આ મને તારી પેન, તુ મારી પાસે હોવાની હૂંફ આપશે. "
બોલતા બોલતા મીનાક્ષીને ડૂમો વળ્યો.
પાર્થ કશું જ ના બોલ્યો તરત જ એ પેનને છેલ્લી વાર આંખે લગાડી અને મીનાક્ષીના કોમળ હાથમાં મૂકી દીધી.
ત્યાં બીજા ગ્રુપના મિત્રો આવી ચઢતાં વાત ત્યાં અટકી અને તેઓ છેલ્લે છેલ્લે સાથે ચા નાસ્તો કરવા છુટા પડ્યા.

********

પરીક્ષા અગાઉ બંનેએ વી એસ હોસ્પિટલ પાસેની રેસ્ટોરન્ટમાં એકાદવાર મળવાનું નક્કી કર્યું હતું. પરંતુ ઘણી વાર રાહ જોવા છતાં, મીનાક્ષી નહોતી આવી.
પાર્થ વિચારમાં અને ચિંતામાં પણ પડી ગયો.
પરંતુ... દસ દિવસ પછી પરીક્ષા હોઈ, ખરાબ વિચારો ખંખેરી પરીક્ષા આપી.
બંનેનો નંબર જુદી જુદી શાળામાં આવેલો, એટલે પરીક્ષા દરમિયાન પણ તેઓ એકબીજાને મળી નહોતા શક્યા.
પરીક્ષા પત્યા પછી...મીનાક્ષી ને મળવાની તીવ્ર ઈચ્છા થઈ આવતા, તેના સમાચાર જાણવા અને તેનું
સરનામું મેળવવા, તેની ખાસ બહેનપણી ઈશિતા જે સ્કુલની નજીક રહેતી હતી. તે સોસાયટીની બહાર આવતા તેની જ રાહ જોઈ રહેલા, પાર્થે ધીરે રહીને બુમ પાડી બોલાવી.
" ઈશિતા, મીનાક્ષી ના કંઈ સમાચાર? મેં તો છેલ્લે સ્કૂલમાં વિદાય સમારંભ પછી જોઈ જ નથી." ચિંતા વ્યક્ત કરતા પાર્થ બોલ્યો.
ઈશિતા બોલી, " પાર્થ ભાઈ, એચ્યુઅલી મેં પણ તે દિવસ પછી નથી જોઈ, અરે! અમારો નંબર એક જ સ્કુલમાં આવેલો, પરંતુ.. મને ખ્યાલ છે ત્યાં સુધી તેણે પરીક્ષા પણ નથી આપી. "
" ઓહ માય ગોડ ! મને તેનું સરનામું હોય તો આપીશ? "ચિંતાતુર અવાજમાં પાર્થ બોલી ઉઠ્યો.
સેટેલાઈટ વિસ્તારમાં વિમાનગરની સામેની તરફ આવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી મીનાક્ષીનું સરનામું ઈશિતાને યાદ હોઈ તેણે પાર્થને કહ્યું.
પાર્થ ત્યાંથી સીધો જ પહોંચી ગયો. પણ દુરથી જોયું તો કમ્પાઉન્ડના ગેટ પર તાળું લટકતું હતું.
બે દિવસ પછી ફરી તપાસ કરી ત્યારે પણ તાળું લટકતું જોયું.
છેવટે ન રહેવાતા, સોસાયટીમાં દાખલ થતા એક યુવાનને હિંમત કરી પૂછી જ નાખ્યું.
" તમે કોણ છો?" પેલા યુવાને પ્રશ્નાર્થ નજરે જોયું.
" હું તેમના મિત્રનો પુત્ર છું.. આતો કેટલાય સમયથી તેમનો સંપર્ક નથી થયો એટલે હું નહેરુ સર્કલ પાસે કામથી આવતો હતો તો પપ્પા એ મને તપાસ કરી આવવા જણાવ્યું હતું." પાર્થે મનમાં ડરતા ડરતા ગપ્પું માર્યું.
પેલા યુવકને થોડો સંશય થયો એટલે તેણે મોઘમ જવાબ આપ્યો, " ખબર નથી પણ, તેઓ ઘર બંધ કરી છેલ્લા એકાદ મહિનાથી ક્યાંય ચાલ્યા ગયા છે. "
એ પછી પણ એક બે વાર તેણે તપાસ કરી પણ લટકતા તાળા પર નિરાશા અથડાઈને પરત ફરતી રહી.
આ સમય દરમ્યાન તેના પપ્પા જે સર્વે ઓફ ઇન્ડિયામાં નોકરી કરતા હતા તેઓની બદલી રાજસ્થાન, જયપુર ખાતે થતા, તેઓએ ઘર ખાલી કરી જયપુર જવાનું થયું. કોલેજ ત્યાં કરી અને ત્યાંજ એક પ્રાઈવેટ કંપનીમાં નોકરી લાગ્યો.
સમય પસાર થતો રહ્યો, પિતાજી નિવૃત થયા પછી, થોડા વર્ષ બાદ તેઓને સિવિયર એટેક આવતા ગુજરી ગયા. બા તો તેના બે વર્ષ અગાઉ ગુજરી ગયા હતા.
એકલો પડેલ પાર્થ કંટાળીને બધું વેચી કરીને અમદાવાદ પરત આવી ગયો અને રામ બાગમાં ફ્લેટ ખરીદી લીધો.
તેનાં દિલમાં મીનાક્ષીનું સ્થાન અકબંધ હતું, તેણે લગ્ન કર્યા ન હતા. એક બે વાર તપાસ કરી ત્યારે, કોઈ બીજું ત્યાં રહેવા આવી ગયું હતું.

********

તે રાત્રીએ પેજ મીનીમાઈઝ કરી કંટાળો દૂર કરવા ફેસબુક ઓપન કર્યું. અને અગાઉ જણાવ્યું તેમ
અચાનક પાર્થનું ધ્યાન " ફ્રેન્ડ રીક્વેસ્ટ " પર જતા જ પાર્થ ફક્ત ચમક્યો જ નહીં પરંતુ અંદરથી હલી ઉઠયો. નામમાં લખ્યું હતું " મીનુ"
તેણે પ્રોફાઇલ જોવા ક્લીક કરી....
પ્રોફાઈલ કવર પર પાર્થે સ્વહસ્તે મીનાક્ષી ને ઉદ્દેશી લખેલી કવિતાની ઇમેજ હતી અને પ્રોફાઈલ ફોટો...? તેની આ કવિતા લખાયા પછી, હઠ કરી તેની પાસેથી, પ્રેમથી છીનવી લીધેલી એ મોટી, જાડી સીસમના લાકડા પર બારીક નકશીકામવાળી ફાઉન્ટન પેન... ની ઇમેજ...... !!!!
પાર્થ આ જોઈ એકદમ મૂડમાં આવી ગયો, અને " સી ધ ઇન્ફર્મેશન ઓફ મીનુ" પર ક્લિક કરીને જોયું...
બધી જ માહિતી માં "નો " લખેલું હતું. આ જોઈ નિરાશ થયેલા પાર્થનું ધ્યાન જેવું અંદર આપેલ મોબાઈલ નંબર પર ગયું કે તેનામાં એક આશાનો સંચાર થયો. તેણે નંબર લખી લીધો.

બીજે દિવસે સવારે તેણે ધડકતા હ્રદયે મોબાઇલ જોડયો. રીંગ વાગ્યા પછી કોઈ વૃદ્ધ પુરુષનો અવાજ સંભળાયો. "કોણ...?"
" એચ્યુલી હું વર્ષો પહેલાં સ્કુલમાં મીનાક્ષી સાથે ભણતો હતો, તેમની સાથે વાત થઈ શકશે?" પાર્થ ધ્રુજારી સાથે બોલ્યો.
"આપનું નામ જાણી શકું?" સામેથી અવાજ આવ્યો.
"હું પાર્થ.....!"
"ઓહ... એક કામ કરો હાલ હું બોપલ રહું છું. જો આવી શકાય તો રૂબરૂ મળીએ, હું મીનાક્ષીના પપ્પા બોલું છું અને આ ફોન હાલ મારી પાસે છે. "

********

ત્યાં ગયા પછી જે જાણવા મળ્યું તેનાથી પાર્થ આખે આખો હલી ગયો.
મીનાક્ષી તે દિવસે એક્ટિવા લઈ બહાર નીકળી અને બસની ટક્કર વાગતા બેહોશ થઈ ગઈ હતી. માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
સરકારી હોસ્પિટલમાં તેની ટ્રીટમેન્ટ ચાલતી હતી, પરંતુ તે કોમામાંથી બહાર ન આવી, આ દરમિયાન તેના પપ્પાનાં મિત્રનો પુત્ર જે, ન્યુરો સર્જન હતો અને બોમ્બેની પ્રાઈવેટ હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતો હતો. ત્યાં ભલામણથી શિફ્ટ કરવામાં આવી.
તે ખૂબ લાંબો સમય કોમામાં રહી. જ્યારે તે ભાનમાં આવી ત્યારે તેનું શરીર નિષ્ક્રિય થઈ ગયું હતું.
આ અવસ્થામાં મા કે બાપ જે ગણો તે તેના પપ્પા હતા.
પછી તો દવાખાનાની ફી અને દવાના ખર્ચામાં, સેટેલાઈટનો બંગલો વેચી મીનાક્ષી અને તેના પપ્પા, એક રૂમ રસોડાની યોજનામાં બોપલ આવી ગયા.
લગભગ બે મહિના પહેલા, મીનાક્ષીના શરીરમાં સંચાર થયો અને ડોક્ટરને બોલાવી ચેક કરાવતા તે આશ્ચર્યમાં પડી ગયા. આવું તો જવલ્લે જ બને, પછી એક આશા સાથે, તેમાં ઇમ્પ્રૂવમેન્ટ માટે દવાઓ ચાલુ કરી.
તે જ્યારે બોલતી થઈ ત્યારે પહેલું જ નામ બોલી તે " પાર્થ"
સામે ખુરશીમાં બેસી ઘરમાં નજર ફેરવી મીનાક્ષીને શોધતા પાર્થની તરફ ફરી મીનાક્ષીના પપ્પા રોહિત ભાઈ બોલ્યા, "મારી દીકરી તમને મળવા માંગતી હતી એટલે બીજો કોઈ સોર્સ ન હોવાથી કદાચ તમે ફેસબુક વાપરતા હોય તે આશાએ, દોઢ મહિના પહેલા મેં, તમે લખેલી કવિતા અને તમે આપેલી પેનનો ફોટો પાડી, મારી દીકરીની આખરી ઈચ્છા પૂરી કરવા, ફેસબુક એકાઉન્ટ ખોલી અને, જેટલા અમદાવાદના પાર્થ જોશી હતા તે બધાને ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી આપી. કદાચ આ રીતે મારી દીકરી, આટલા વર્ષો ઝંખતી રહી તે પાર્થ મળી આવે. " રોહિત ભાઈનું હૈયું ભરાઈ આવ્યું.
રૂમમાં ચકળવકળ ફરી મીનાક્ષીને શોધી રહેલી પ્રાર્થની આંખો તેના પપ્પા પર સ્થિર થઈ," મીનાક્ષી ક્યાં છે? " તેની આંખો વાંચી સમજી ગયેલા રોહિતભાઈ રડતાં રડતાં એટલું બોલ્યા," પાર્થ તમે એક અઠવાડિયું મોડાં પડ્યા, ગયા વીકમાં તે આપણને મૂકી ચાલી ગઈ"
અત્યાર સુધી રોકી રાખેલી વિરહની લાગણીનો ધોધ હૈયુ વીંધીને પાર્થની આંખોમાંથી વહેવા લાગ્યો.
જ્યારે તે શાંત થયો ત્યારે, રોહિત ભાઈ, બાજુની રૂમમાં લઈ ગયા, જ્યાં સામેના કાચના શો-કેસમાં મીનાક્ષીના અંતિમ સમયના, રૂક્ષ ફોટા પાસે, પાર્થના કાવ્યનું ઝાંખુ પડી ગયેલ કાગળ અને મોટી, જાડી સીસમના લાકડા પર બારીક નકશી કામવાળી ફાઉન્ટન પેન....શાંત પડી હતી...
પાર્થ ત્યાં ગયો.. મીનાક્ષીના ફોટાને ટગર ટગર જોઈ રહ્યો. પછી અશ્રુભરી આંખે તેણે પેન ઉઠાવી, કાવ્યના કાગળ પર નીચેની થોડી ખાલી જગ્યામાં, " મીનું મને માફ કરી દે..." લખવાનો પ્રયત્ન કર્યો.
પરંતુ...
વારંવાર પ્રયત્ન કરવા છતાં તે શક્ય ન બન્યું, વર્ષોથી વણવપરાયેલ પેનમાં સુકીભઠ્ઠ સાહી સુકાઈને મરી ચૂકી હતી....................

*****************************************