Daheshat - 13 books and stories free download online pdf in Gujarati

દહેશત - 13

13

સોફિયા સબ ઈન્સ્પેકટર જિમીની પાછળ-પાછળ એનાબેલના ઘરમાં દાખલ થઈ હતી, ત્યાં જ તેની નજર જિમીની પીઠ પર પડી હતી અને એ સાથે જ સોફિયાનો જીવ ગળે આવી ગયો હતો.

-જિમીની પીઠ પર એક ભયાનક વીંછી સળવળી રહ્યો હતો ! !

‘જિમી ! તારી પીઠ પર વીંછી છે ! !’ અત્યારે સોફિયા આવું બોલવા ગઈ, ત્યાં જ તેને તેની પીઠ પાછળથી ‘ઝુઉઉઉઉઉઉ...! એવો અવાજ સંભળાયો. તેણે એકદમથી પાછળ ફરીને જોયું.

-પાછળ કોઈ નહોતું.

તેણે ફરી જિમી તરફ જોયું.

જિમીની પીઠ પર અત્યારે વીંછી નહોતો.

સોફિયાએ જિમીના માથાથી પગ સુધી અને આસપાસમાં ઝડપી નજર દોડાવી.

-વીંછી અદૃશ્ય થઈ ચૂકયો હતો.

‘લાગે છે કે, પાછલા થોડાંક દિવસથી ઘર બંધ છે !’ સોફિયાના કાને જિમીનો અવાજ પડયો, એટલે સોફિયાએ જિમી સામે જોયું.

જિમી ડ્રોઈંગરૂમમાં નજર ફેરવી રહ્યો હતો.

સોફિયાએ પણ રૂમમાં નજર ફેરવી. રૂમની જમીન પર કચરો પડયો હતો. સોફા પર પણ જેમ-તેમ કપડાં પડયાં હતાં. રસોડા પાસે પડેલા ડાઈનિંગ ટેબલ પર પ્લેટોમાં જમવાનું પીરસાયેલું હતું. પ્લેટોમાંનું ખાવાનું સડી ગયું હતું.

‘અહીં રહેતી એનાબેલ જાણે ઉતાવળમાં બહાર ગઈ હોય એમ ઘરની બધી વસ્તુઓ જેમની તેમ પડી છે.’ જિમી બોલ્યો : ‘અને એ ગઈ એ પછી એકેય વાર ઘર ખૂલ્યું નથી, અને એટલે જ આવી વાસ આવી રહી છે.’ બોલતાં જિમી બારી તરફ આગળ વધી ગયો.

સોફિયા રૂમમાંની વસ્તુઓ જોતી રસોડા તરફ આગળ વધી ગઈ.

જિમી બારી પાસે પહોંચ્યો. તેણે બારી ખોલી.

બારી બહાર, થોડેક જ દૂર એક લીમડાનું ઝાડ હતું. જિમીની નજર ઝાડના થડ પર પડી. તે એ ઝાડના થડ પરથી નજર પાછી ખેંચી લેવા જતો હતો, ત્યાં જ તેને થડ પર કંઈક સળવળી રહ્યું હોય એવું લાગ્યું !

તેણે નજર ઝીણી કરીને ધ્યાનથી જોયું.

-ઝાડના થડ પર પાંચ-સાત મોટા-ભયાનક વીંછી આમથી તેમ ફરી રહ્યાં હતાં !

જિમીની પાંપણ ફરકી અને બસ એટલી વારમાં તો એ બધાં વીંછી થડમાંની તિરાડોમાં પેસી ગયાં અને દેખાતાં બંધ થઈ ગયાં.

જિમીએ ઊંડો શ્વાસ લીધો. આ ઘરમાં-ઘરની આસપાસના વાતાવરણમાં કંઈક વિચિત્રતા વર્તાતી હતી ! કંઈક ભયાનક ભાસતું હતું ! !

જિમીએ ઝાડના થડ પરથી નજર પાછી વાળી અને ડાબી બાજુ આવેલા બેડરૂમ તરફ આગળ વધી ગયો.

ત્યારે રસોડામાં પહોંચેલી સોફિયા, રસોડામાં નજર ફેરવી રહી હતી.

રસોડામાં કોઈ વસ્તુ એની જગ્યા પર નહોતી. વાસણો આમથી તેમ વિખરાયેલાં પડયા હતા. ફ્રિજ પણ ખુલ્લું પડયું હતું અને એમાંની વસ્તુઓ પણ વેરણછેરણ પડી હતી. જાણે રસોડામાં ધરતીકંપ આવ્યો હોય, કે પછી કોઈએ ગુસ્સામાં જ બધી વસ્તુઓ વેરણછેરણ કરી હોય એવું લાગતુું હતું.

-ટન્‌...! સોફિયાના કાને આ અવાજ પડયો અને તેની નજર જમણી બાજુ દોડી ગઈ.

-થોડાંક પગલાં દૂર જ સિંક હતી અને એ સિંકમાંથી અવાજ આવી રહ્યો હતો. -ટન્‌ !

સોફિયા સિંક તરફ બે પગલાં આગળ વધી, એટલે હવે તેને સિંકનો અંદરનો ભાગ બરાબર દેખાયો.

સિંકમાં એક મોટો સ્ટીલનો વાટકો ઊંધો પડયો હતો ને એ વાટકા નીચે કંઈક હતું, જે વાટકાને સિંકમાં આમથી તેમ સરકાવી રહ્યું હતું.

ટન્‌ ! અને આ વખતે વાટકો એકદમથી ઊછળ્યો.

સોફિયાના મોઢેથી એક હળવી ચીસ નીકળી ગઈ, અને એ જ પળે વાટકો ઊછાળનાર એક મોટો ઉંદર તેેની નજરે પડયો. એે ઉંદર સિંકની બહાર નીકળીને પ્લેટફોર્મ પર પડેલા વાસણો પાછળ દોડી ગયો અને દેખાતો બંધ થઈ ગયો.

‘શું થયું ? !’ સવાલ પૂછતાં જિમી દોડી આવ્યો.

‘કંઈ નહિ !’ સોફિયાએ રૂમાલથી ચહેરા પરનો પરસેવો લુંછયો : ‘એ તો ઉંદર ઊછળ્યો ને હું ડરી ગઈ.’

જિમી કંઈ બોલ્યો નહિ. તે પાછો રસોડાના દરવાજાની બહાર નીક્ળ્યો અને ડાબી બાજુ આવેલા બેડરૂમ તરફ આગળ વધી ગયો.

સોફિયા પણ રસોડાની બહાર નીકળી અને જમણી બાજુના બેડરૂમ તરફ આગળ વધી ગઈ.

તો ડાબી બાજુના બેડરૂમમાં દાખલ થયેલા જિમીએ બેડરૂમમાં નજર ફેરવી. બેડરૂમનું ફર્નિચર તેમજ એમાંની વસ્તુઓ પરથી ખ્યાલ આવી જતો હતો કે, એ બાળકનો રૂમ હતો. જોકે, એ રૂમમાંની બધી વસ્તુઓ પણ વેર-વિખેર પડી હતી. ફકત એક ઢીંગલી હતી, જે ટેબલ પર ઊભી હતી. દોઢેક ફૂટ જેટલી મોટી એ ઢીંગલીની આંખો ફૂટેલી હતી !

જિમી રૂમમાં નજર ફેરવી રહ્યો,

તો બાજુના રૂમમાં પહોંચેલી સોફિયા રૂમમાં નજર ફેરવી રહી હતી. બહારનો ડ્રોઈંગરૂમ અને રસોડું જેટલું વેર-વિખેર અને ગંદુ હતું, એટલો જ આ રૂમ વ્યવસ્થિત અને સ્વચ્છ હતો. રૂમમાંની દરેક વસ્તુ એની જગ્યાએ બરાબર પડી હતી. પલંગ પર જાણે હમણાં જ ઈસ્ત્રી કરીને મૂકેલું હોય એવું સફેદ ગાઉન પડયું હતું.

સોફિયાએ આગળ નજર ફેરવી. તેની નજર નજીકમાં જ પડેલા ટેબલ પર પડી.

એ ટેબલ પર પડેલા કૉમ્પ્યુટરની પાસે જ એક ફોટો પડયોે હતો.

સોફિયાએ એ ફોટો હાથમાં લીધો ત્યારે જ તેને ખ્યાલ આવ્યો કે, એ ફોટોના ચાર ટુકડાં થયેલા હતાં.

સોફિયાએ એ ચારેય ટુકડાંને ગોઠવીને ફોટો જોયો. અને તેના શરીરમાંથી કંપારી પસાર થઈ ગઈ.

ફોટામાં એક પચાસેક વરસની સ્ત્રી સોફા પર બેઠી હતી. સોફિયાએ આ સ્ત્રીને અગાઉ પણ જોઈ હતી ! આ સ્ત્રી તેને તેજલ ત્રીજા માળ પરના ફલેટ પરથી નીચે પડી હતી, ત્યારે તેને જોવા મળી હતી. એ વખતે તેજલની લાશની પેલી તરફની ફૂટપાથ પર તેને આ સ્ત્રી જોવા મળી હતી. તેની નજર આ સ્ત્રી પર પડી હતી, એની બીજી જ પળે આ સ્ત્રીના શરીર પર આગ ભડકી હતી અને આ સ્ત્રી સળગી ઊઠી હતી. અને પછી ત્રીજી મિનિટે તો આ સ્ત્રી ગાયબ થઈ ગઈ હતી.

સોફિયા પળવાર ફોટામાં એ સ્ત્રીને જોઈ રહી, પછી તેણે ફોટામાં એ સ્ત્રીની આજુબાજુ બેઠેલી છોકરીઓ સામે જોયું. જમણી બાજુ બેઠી હતી એ છોકરી બારેક વરસની લાગતી હતી તો ડાબી બાજુ બેઠેલી છોકરી દસેક વરસની લાગતી હતી. વચ્ચે બેઠેલી સ્ત્રીની ઉપર ‘એનાબેલ’ નામ લખ્યું હતું, જ્યારે કે, જમણી બાજુની બારેક વરસની છોકરી પર ‘રેબેકા’ અને ડાબી બાજુની દસેક વરસની છોકરી પર ‘મેલિસા’ નામ લખાયેલું હતું.

‘તો આ બન્ને છોકરીઓ એનાબેલની દીકરીઓ હોવી જોઈએ.’ વિચારતાં સોફિયાએ એ ફોટા પરથી નજર હટાવી, ત્યાં જ તેના કાને ડાબી બાજુથી અવાજ સંભળાયો, ઠક્‌ !

સોફિયાએ ચોંકીને જોયું.

-આ અવાજ ડાબી બાજુ-નજીકમાં જ પડેલા કબાટમાંથી આવ્યો હતો ! કબાટ સહેજ ખુલ્લું હતું.

‘કબાટમાંથી શાનો અવાજ આવ્યો હતો ? !’ એવા સવાલ સાથે સોફિયા હિંમતભેર કબાટ નજીક પહોંચી. તેણે કબાટ ખોલ્યું અને એ સાથે જ કબાટમાંથી કોઈ વસ્તુ બહાર-તેના પગ પાસે આવી પડી. સોફિયાએ એક ચીસ સાથે પાછળ હટી જતાં જમીન પર પડેલી એ વસ્તુ તરફ જોયું.

-એ દોઢેક ફૂટ જેટલો મોટો ઢીંગલો હતો ! એ ઢીંગલાની આંખો ફૂટેલી હતી ! !

‘તું ઠીક તો છે, ને ? !’ રૂમમાં દોડી આવતાં જિમીએ પૂછયું : ‘તેં પાછી ચીસ કેમ પાડી ? !’

‘કંઈ નહિ !’ સોફિયાએ કહ્યું : ‘મને જાણે કબાટમાંથી કંઈક અવાજ સંભળાયો. મેં કબાટ ખોલ્યું તો આ ઢીંગલો બહાર આવી પડયો અને એટલે મારા મોઢેથી ચીસ નીકળી ગઈ.’

‘હં !’ કહેતાં જિમીએ હાથમાંની વીડિયો સીડી સોફિયાને બતાવી : ‘મને બાજુના રૂમમાંથી આ સીડી મળી.’ કહેતાં જિમી બાજુના ટેબલ તરફ વળ્યો. તેણે ટેબલ પર પડેલું કૉમ્પ્યુટર ચાલુ કર્યું, અને એમાં એ વીડિયો સીડી લગાવી. તેણે કૉમ્પ્યુટરના સ્ક્રીન તરફ જોયું.

સોફિયા પણ કૉમ્પ્યુટરના સ્ક્રીન તરફ જોઈ રહી.

કૉમ્પ્યુટરના સ્ક્રીન પર એક રૂમ દેખાયો. રૂમમાં એક છોકરી જમીન પર પેટભેર પડી હતી અને પુસ્તક વાંચી રહી હતી. જ્યારે સામેના ખૂણામાં ખુરશી પર બીજી છોકરી હાથમાં ઢીંગલી લઈને બેઠી હતી.

સોફિયાએ ટેબલ પર પડેલો પેલો ફોટો જોયો હતો, એટલે તે એ બન્ને છોકરીઓને ઓળખી ગઈ.

જમીન પર લેટેલી હાલતમાં પુસ્તક વાંચી રહી હતી, એ એનાબેલની મોટી દીકરી રેબેકા હતી, જ્યારે ખુરશી પર ઢીંગલી લઈને બેઠી હતી, એ એનાબેલની નાની દીકરી મેલિસા હતી.

જિમીએ કૉમ્પ્યુટર બંધ કર્યું અને કૉમ્પ્યુટરમાંથી સીડી બહાર કાઢી : ‘ચાલ ! આપણે એ રૂમમાં જઈને જોઈએ.’ ને જિમી બાજુના રૂમ તરફ આગળ વધી ગયો.

સોફિયા પણ તેની સાથે ચાલી.

જિમીએ બાજુના એ રૂમમાં પહોંચીને ખૂણામાં જોયું અને સોફિયાને આંગળી ચીંધીને એ ખૂણાની છત પર લગાવેલો કૅમેરા બતાવ્યો : ‘આ કૅમેરામાંથી રેકોર્ડિંગ કરવામાં આવ્યું છે. છોકરીઓના વાલીઓએ છોકરીઓ પર આ રીતના નજર કેમ રાખવી પડી હશે ? ! એ એક સવાલ છે !’

સોફિયાએ કંઈ ક્હ્યું નહિ, તે રૂમમાં નજર ફેરવવા માંડી.

સોફિયાની નજર રૂમમાં ફરતી-ફરતી દીવાલ પર લાગેલા અરીસા પર પડી. અને એ જ પળે સોફિયાની પીઠ પાછળથી અવાજ સંભળાયો. ‘ઝુઉઉઉઉઉ...!’ અને સોફિયાએ ગભરાઈને એકદમથી પાછળ ફરીને જોયું.

જિમી હાથમાં, અસ્થમાના દરદીઓ શ્વાસ લેવામાં તકલીફ પડે ત્યારે તાત્કાલિક રાહત મળે એ માટેની દવા લેવા જે પમ્પનો ઉપયોગ કરે છે, એ પમ્પ લઈને ઊભો હતો.

‘તું આમ ગભરાઈ કેમ ગઈ, સોફિયા ? !’ જિમીએ પૂછ્યું.

સોફિયાએ કોઈ જવાબ આપ્યો નહિ. તે ચુપચાપ ને ઝડપી પગલે બહારની તરફ આગળ વધી ગઈ.

તે ઘરની બહાર નીકળી અને જિમીની મોટરસાઈકલ પાસે પહોંચીને ઊભી રહી.

થોડીક પળોમાં જ જિમી તેની પાસે આવી પહોંચ્યો : ‘સોફિયા, તું મને પુરી વાત નહિ કરે, મારાથી અમુક વાતો છુપાવીશ તો આપણે આ કેસ કેમ સૉલ્વ કરી શકીશું ? !’ જિમી બોલ્યો : ‘તું મને એ કહે કે, મેં ફકત આ પમ્પ દબાવ્યો અને એનો અવાજ થયો, એ સાંભળીને તું આટલી બધી ડરી-ગભરાઈ કેમ ગઈ ? !’

સોફિયા પળ બે પળ જિમીના હાથમાં રહેલા પમ્પને જોઈ રહી ને પછી બોલી : ‘જિમી ! અગાઉ તેજલ અને માનવનું મોત થયું એ વખતે મને મારી પીઠ પાછળથી આવો જ, પમ્પ જેવો જ અવાજ સંભળાયો હતો. ‘‘મારી પાછળથી કોઈ સડસડાટ પસાર થઈ ગયું છે,’’ એમ માનીને મેં પાછળ ફરીને જોયું હતું તો કોઈ નહોતું. અને...અને થોડી વાર પહેલાં આપણે એનાબેલના ઘરમાં દાખલ થયા, ત્યારે પણ મને જાણે પમ્પનો અવાજ સંભળાયો હતો, અને મેં પાછળ ફરીને જોયું હતું તો કઈ નહોતું.’ સોફિયાએ કહીને જિમીને પૂછયું : ‘આવું કેવી રીતના બની શકે, જિમી ? !’

જિમી પાસે આનો જવાબ નહોતો, એટલે એ ચુપચાપ સોફિયા સામે જોઈ રહ્યો.

‘...અને, હા !’ સોફિયાએ કહ્યું : ‘તેજલનું મોત થયું ત્યારે મને એનાબેલ જોવા મળી હતી, અને પળવાર પછી જ એના શરીર પર આગ ભડકી ઊઠી હતી અને એ સળગી ઊઠી હતી.’

‘ખરેખર !’ જિમીએ પૂછયું : ‘પછી એની લાશ...!’

‘એનાબેલ સળગવાની સાથે જ મારી નજર સામેથી અદૃશ્ય થઈ ગઈ હતી !’

જિમી સોફિયા સામે જોઈ રહ્યો.

‘હું સાચું કહું છું, જિમી !’ સોફિયા બોલી : ‘એ વખતે મને ખબર નહોતી કે, એ એનાબેલ છે. પણ અત્યારે અંદર એનાબેલના રૂમમાં મેં એની બન્ને દીકરીઓ રેબેકા અને મેલિસા સાથેનો એનો ફોટો જોયો એના પરથી મને ખબર પડી કે, મેં એને અગાઉ સળગીને ગાયબ થતાં જોઈ છે.’

જિમી વિચારમાં પડયો ને પછી બોલ્યો : ‘સોફિયા ! તું અહીં જ ઊભી રહે. હું પાડોશમાં એનાબેલ વિશે પૂછીને આવું છું.’

‘સારું, પણ જલદી આવજે.’

‘હું તુરત જ પાછો આવું છું.’ કહેતાં જિમી ત્યાંથી સરકી ગયો.

સોફિયાએ નિશ્વાસ નાંખ્યો. તેણે કાંડા ઘડિયાળમાં જોયું. રાતના આઠ વાગ્યા હતા. તે અત્યારે હવે એકલી પડી, એટલે ફરી તેની કૉલેજ ફ્રેન્ડ રીચા માટેની ચિંંતા જાગી ઊઠી.

રીચાના મોબાઈલ ફોન પર મિસ્ડ્‌ કૉલ આવ્યો હતો અને એ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ શનિવારની રાતના, એટલે કે, આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટે રીચાનું મોત થશે, એવું કહ્યું હતું. એટલું જ નહિ, એ વ્યક્તિએ રીચાના મોબાઈલ ફોન પર, રીચાની લાશનો એમ. એમ. એસ. મોકલ્યો હતો. એમાં રીચાની લાશની ફૂટેલી આંખોમાંથી લોહીની ધાર નીકળી રહી હતી. એના હૃદયમાં એક કાચ ખુંપેલો હતો અને એમાંથી પણ લોહીનો રેલો નીકળી રહ્યો.

આ એમ. એમ. એસ. જોઈને રીચા ડરી ગઈ હતી, તો સોફિયાની િંચંતા વધી ગઈ હતી.

સોફિયા એવું ઈચ્છતી હતી કે, એ મિસ્ડ્‌ કૉલવાળી વ્યક્તિએ રીચાની મોતનો આપેલો સમય હેમખેમ નીકળી જાય અને રીચાને કંઈ થાય નહિ. મોતનો એ સમય આવે ત્યારે રીચા એની સાથે જ-એની નજર સામે જ હોય એવું તે ઈચ્છતી હતી અને એટલે જ તેણે રીચાને ગઈકાલથી પોતાની સાથે જ રાખી હતી. પણ આજે સાંજના તે સૂતી હતી એ દરમિયાન રીચા, ‘‘એ એના અંકલ પાસે બરોડા જઈ રહી છે,’’ એવી ચિઠ્ઠી મૂકીને ચાલી ગઈ હતી.

હવે સોફિયા પાસે રીચાના અંકલનો ફોન નંબર હતો નહિ કે, તે રીચાનો સંપર્ક કરી શકે, એની સાથે વાત કરી શકે. અને એટલે જ અત્યારે તેને રીચાની િંચંતા થઈ રહી હતી.

અગાઉ એ મિસ્ડ્‌ કૉલ કરનારી વ્યક્તિએ તેના કૉલેજ ફ્રેન્ડ કાજલ, આનંદ, તેજલ અને માનવના મોતનો જે સમય આપ્યો હતો, બરાબર એ જ સમયે એમનાં મોત થયા હતાં. અને હવે એ વ્યક્તિએ રીચાના મોતનો સમય આજે રાતના દસ વાગ્યા ને દસ મિનિટનો આપ્યો હતો !

દસ વાગ્યા ને દસ મિનિટ થવાને હવે ફકત બે કલાકની જ વાર હતી ! !

અને હજુ સુધી સોફિયા મિસ્ડ્‌ કૉલ કરનારી એ વ્યક્તિ આખરે કોણ હતી ? ! એ શોધી શકી નહોતી, અને રીચાને બચાવવા માટે કંઈ કરી શકી નહોતી ! ! !

( વધુ આવતા અંકે )