Aage bhi jaane na tu - 42 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 42

પ્રકરણ - ૪૨/બેતાલીસ

ગતાંકમાં વાંચ્યું.....

રતન અને રાજીવ આઝમગઢ પહોંચી જાય છે અને એક મંદિરમાં પહોંચે છે જ્યાં શિવલિંગ ફરતે રહેલા નાગને જોતાં જ એમને તરાનાનો કમરપટ્ટો સાંભરે છે તો મનીષ અને માયા પણ ત્યાં પહોંચી રહ્યા છે. વડોદરામાં જમનાબેનના મનમાં ઉઠેલો વંટોળ એમના હૈયાના રસ્તે હોઠો પર આવે છે. કેશવપરથી ફોન દ્વારા માયાના પિતાની વાત જોરવરસિંહ સાથે થાય છે.....

હવે આગળ.....

"રતનની માડી એ જ કહેતી હતી કે આ ફેરે તો માયા પિયર જઈને અમને ભૂલી ગઈ. બે દા'ડાથી એનો ફોન નથી આવ્યો. અમને ચિંતા થતી હતી. સાંજે ફોન કરવાનું વિચાર્યું ત્યાં તમારો જ ફોન આવી ગયો."

"પ....ણ.... માયા તો કેશવપર આવી જ નથી અને બે દિવસથી ન તો એનો ફોન આવ્યો છે કે નથી એનો ફોન લાગતો. અમનેય ચિંતા થાતી'તી એટલે તમને ફોન લગાડ્યો." નટવરસિંહના અવાજમાં ચિંતા ભળી હતી.

"શું........ માયા કેશવપર આવી જ નથી. તો પછી માયા ગઈ ક્યાં." જોરવરસિંહના હાથમાંથી મોબાઈલ પડતાં પડતાં રહી ગયો....

અને સામે છેડે નટવરસિંહની આંખે અંધારા છવાઈ ગયા એમણે રીસીવર છોડી દીધું અને બેય હાથે માથું પકડી સોફા પર બેસી ગયા.

"મા.......યા......." નટવરસિંહ ચીસ સાંભળી એમની પત્ની પ્રભાવતી બધું કામ પડતું મૂકી દોડતી આવી.

"શું થયું માયાના બાપુ?" પોતાની સાડીના છેડેથી નટવરસિંહના કપાળે વળેલો પરસેવો લુછવા માંડી.

"આ...પ...ણી.... મા....યા....., બે દિવસથી ગાયબ થઈ ગઈ છે." કહી એમણે ટૂંકમાં હકીકત બયાન કરી જોરવરસિંહ સાથે થયેલો વાર્તાલાપ કહી સંભળાવ્યો.

"આ લ્યો.. પહેલાં પાણી પી લ્યો. હું હમણાં જ માયાને ફોન જોડું છું." પ્રભાવતીએ માયાનો નંબર ડાયલ કર્યો પણ નોટ રિચેબલની કેસેટ સતત વાગતી રહી એટલે થાકી-કંટાળીને એણે ફોન મૂકી દીધો. બે-ત્રણ વખત એણે કોશિશ કરી પણ દરેક વખતે નાકામ રહી અને પોક મૂકી રડવા લાગી.

*** *** ***

"ક....ન....ક" જોરવરસિંહે ત્રાડ પાડી એટલે કનકબા મેડીએથી નીચે ઉતરી બને એટલી ત્વરાથી બહાર આવ્યા અને જોયું તો જોરવરસિંહ તૈયાર થઈ, પાઘડી અને મોજડી પહેરી, હાથમાં બંદૂક લઈ બહાર જવાની પેરવીમાં હતા.

"આ..... આ....શું કરો છો રતનના બાપુ? અટાણે શીદ હાલ્યા તમે અને આ ભડકાળી કેમ હાર્યે લીધી છે?"

"કનક, હું માયાને ગોતવા જાઉં છું. કોની હિંમત થઈ કે એ જોરવરસિંહની પુત્રવધૂને હાથ લગાડવાની? હું આકાશ-પાતાળ એક કરી નાખીશ પણ માયાને શોધીને લઈને જ આવીશ." ગુસ્સાથી થરથર કાંપતા જોરવરસિંહને જોઈ કનકબા પણ થથરી ગયા.

"જુઓ... મારી વાત તો સાંભળો.. આપણે શક્તિ અને પ્રતાપને વાત કરીએ. આમ આકળા-ઉતાવળા ન થાઓ. હિંમત અને ધીરજથી કામ લો."

"શેની અને કઈ હિંમત, અ...રે....આપણી પુત્રવધૂ ખતરામાં છે અને આપણે હાથ જોડી બેસી રહેવાનું ના પોસાય. આ જોરવરસિંહ રાજપૂત હાથમાં બંગડી પહેરીને બેસી નો રહે..ભલે ગમે તે થાય હું જાઉં છું."

"ઉભા તો રહો રતનના બાપુ." કનકબા જોરવરસિંહનો હાથ ઝાલી ઉભો રાખવા ગયા ત્યાં જ જોરવરસિંહના મોબાઈલની રિંગ વાગી એટલે બેય ઉભા રહ્યા.

"કોનો ફોન છે અત્યારે?" બબડતાં બબડતાં એમણે ગજવામાંથી મોબાઈલ કાઢી બટન ઓન કરી ફોન કાને માંડ્યો.

"જોરવરસિંહ..." સામે છેડેથી સ્વર સાંભળી જોરવરસિંહ ચોંકી ઉઠ્યા.

"કોણ....કોણ બોલો છો તમે?"

"હું કોણ છું, ક્યાંથી બોલું છું એ બધી પંચાત છોડો અને અત્યારે તમારી લાડકી પુત્રવધૂ માયા ક્યાં છે અને શું કરે છે એના પર ધ્યાન આપો." સામેથી ધીમું પણ માર્મિક હાસ્ય સંભળાયું.

"જુઓ...તમે જે હોવ એ, અત્યારે હું તમારી સાથે દલીલ કરવા નવરો નથી. તમારે જે કહેવું હોય એ સાફ શબ્દોમાં કહી દો, નહિતર હું ફોન મુકું છું."

"ફોન કટ કરવાની ભૂલ પણ નહીં કરતા જોરવરસિંહ, જો તમે ફોન કાપ્યો તો માયા ક્યાં છે એ તમને ક્યારેય ખબર નહિ પડે... હજી સમય છે, મારી વાત પુરી સાંભળી લો પછી નિર્ણય લો."

"તમે....કહેવા શું માંગો છો અને હું કેવી રીતે તમારા પર વિશ્વાસ કરું કે તમે સાચું જ બોલો છો?"

"એના સિવાય તમારી પાસે કોઈ જ રસ્તો નથી. મારી વાત શાંતિથી સાંભળી પછી જ નક્કી કરો કે તમારે શું કરવું જોઈએ અને માયા અત્યારે ક્યાં છે એ મારા સિવાય કોઈને ખબર પણ નથી."

"પ...ણ.... કોણ છો તમે અને તમને કેવી રીતે ખબર છે માયા વિશે?"

"હવે વધુ પ્રશ્ન પૂછશો તો હું જ ફોન મૂકી દઈશ પછી શોધ્યા કરજો માયાને"

"ના....ના...એવું કંઈ નહીં કરતા. હું તમારી વાત સાંભળવા તૈયાર છું. બોલો" જોરવરસિંહ મનોમન અવાજ ઓળખવાની કોશિશ કરવા લાગ્યા.

"તમે મારો અવાજ પણ નહીં ઓળખી શકો જોરવરસિંહ, નકામા હેરાન થઈ રહ્યા છો, હવે આ મારી છેલ્લી ચેતવણી છે તમને જો હવે વધુ પૂછપરછ કે મારા વિશે જાણવાનો પ્રયત્ન પણ કર્યો છે તો માયા જીવતી પાછી આવશે કે નહીં એની પણ ગેરંટી નહિ મળે."

"ના.....ના....એવું કંઈ નહીં કરતા, હાથ જોડું છું, કયો તો તમારા પગે પણ નાક રગડવા તૈયાર છું. મારી દીકરીને ઉની આંચ પણ ન આવવી જોઈએ. એનો જીવ બચાવવા હું મારો જીવ પણ આપી દઈશ. મહેરબાની કરી મને કહી દયો કે માયા ક્યાં છે?" જોરવરસિંહનો અવાજ ગળગળો થઈ ગયો અને એમને જોઈ કનકબા પણ મૂંઝવણમાં મુકાઈ ગયા કે કોનો ફોન આવ્યો છે ને શું ચાલી રહ્યું છે.

"જોરવરસિંહ, માયાનો પત્તો તો હું આપી દઈશ પણ.... એ પહેલાં મારી એક નાનકડી શરત તમારે માનવી પડશે."

"તમે જેમ કયો એમ હું કરવા તૈયાર છું, પણ....મને માયા ક્યાં છે એ કહી દયો."

"અરે.....અરે.... જોરવરસિંહ, આમ ઉતાવળે કાંઈ આંબા ન પાકે.. ખમો જરા.. કહું છું..પણ... પહેલાં મારી શરત તો સાંભળી લો." સામે છેડે રહેલી વ્યક્તિએ મુક્ત હાસ્ય વેર્યું અને પછી એકાએક શાંત થઈ વાત આગળ વધારી અને પોતાની શરત રજૂ કરી જે સાંભળી જોરવરસિંહના હાથમાં રહેલી બંદૂક નીચે પડી ગઈ અને એમના હ્ર્દયપર જાણે ભીંસ આવતી હોય એમ છાતીએ હાથ દાબી ઢોલિયે બેસી ગયા.

*** *** ***

"સુજાતા.... રાજીવ અને અનન્યાની સગાઈ આડે માત્ર ગણતરીના જ કલાકો રહ્યા છે અને કેટલું કામ બાકી પડ્યું છે. ન તો રાજીવ હાજર છે અને અધૂરામાં પૂરું મનીષકુમાર પણ કોઈનેય કીધા વગર ક્યાં જતા રહ્યા છે શી ખબર?" અનંતરાય બેબાકળા બની એમના રૂમમાં આંટા મારી રહ્યા હતા.

"તમે ચિંતા ન કરો, એ બેય જ્યાં પણ હશે સમયસર આવી જશે. મનીષકુમારને કોઈ અગત્યનું કામ આવી પડ્યું હશે એટલે જ ગયા હશે. દવા ખાઈને થોડીવાર આરામ કરો સાંજે બધા મહેમાન આવી જશે પછી તમારું બધું જ ધ્યાન એમના પર હશે. તમારી તબિયત પણ સાચવવાની છે નહિતર રાજીવ પાછો આવશે અને મને ઠપકો આપશે." સુજાતાએ દવા અને પાણીનો ગ્લાસ અનંતરાયના હાથમાં આપ્યો.

દવા લઈને અનંતરાય બેડ પર આડા પડ્યા એટલે સુજાતા એમને આરામ કરવા દઈ પોતે રોશનીના રૂમમાં આવી.

રોશની બેડ પર ઊંધી પડી હતી. એના મનમાં વ્યાપેલો આક્રોશ એના આંસુથી ખરડાયેલા સૂકા ગાલ અને રડેલી સુજેલી આંખોથી છતો થતો હતો. સુજાતા એની પડખે બેઠી અને એના માથે અને પીઠ પર વ્હાલથી હાથ પસવારી રહી.

"મમ્મી...ઇ...ઇ.. ઇ...." રોશની સુજાતાને ગળે વળગીને રડવા લાગી.

"શાંત થઈ જા બેટા અને તું શા માટે નેગેટિવ વિચારે છે. બી બ્રેવ એન્ડ પોઝિટિવ. કદાચ કોઈ કારણસર મનીષકુમારનો ફોન નહિ લાગતો હોય. બની શકે કે નેટવર્ક ઇસ્યુ હોય કે મોબાઈલની બેટરી લો હોય. રડવાનું બંધ કર અને ફ્રેશ થઈ તૈયાર થઈ નીચે આવી જા.. હજી કેટલાય કામ બાકી છે અને સમય પણ ઓછો છે. મનને શાંત કરી વિચારમુક્ત બની જા. ખુશીનો પ્રસંગ આંગણે ઉભો છે એને હસીને આવકારો આપ. ચાલ જોઉં, મારી ડાહી દીકરી...." સુજાતાએ રોશનીનો ગાલ અને કપાળ ચૂમી એને ઉભી કરી.

"હા મમ્મી, આવું છું થોડીવારમાં પણ મારા મનમાં વિચારોના જે ઘોડાપૂર ઉમટ્યા છે એને કેવી રીતે કાબુમાં લેવા? જે શંકા-આશંકાના વાદળો ઘેરાયા છે એની પાછળ આશાનો સૂરજ ઢંકાઈ ગયો છે. કોણ જાણે કેમ પણ મારું મન નેગેટિવ જ વિચારે છે, કેટલીય ટ્રાય કરી જોઈ પણ મન મર્કટ સમાન છે અને આશા-નિરાશાની ડાળીએ ઉછળકુદ કર્યા કરે છે. છતાંય હું હજીપણ પ્રયત્ન કરી જોઉં છું. તું જા... હું તૈયાર થઈને આવું છું."

"હમમમ.... ઓકે બેટા, જલ્દી આવજે હોં..."

"હા મમ્મી, દસ-પંદર મિનિટમાં આવું છું." સુજાતાને હગ કરી એના ગાલે કિસ કરી રોશની બાથરૂમમાં જતી રહી અને સુજાતા કાંઈક યાદ આવતા પોતાના રૂમમાં આવી.

"તમે હજી સુતા નથી, ક્યાં સુધી આમ આકુળ-વ્યાકુળ થયા કરશો? ત્યાં રોશનીની હાલત પણ તમારા જેવી જ છે. બાપ-દીકરી બેય સરખાં. હવે ટેંશન ફ્રી થઈ જાઓ અને તૈયાર થઈ જાઓ." વોર્ડરોબમાંથી અનંતરાય માટે નવો સિવડાવેલો ઓફ વ્હાઇટ અને ગ્રીન જરીભરતનો જયપુરી સુટ કાઢી બેડ પર મુક્યો અને પાછી દરવાજા તરફ વળી ત્યાં એની નજર દરવાજા પાસે અંદરની તરફ પડેલ એક સફેદ પરબીડિયા પર પડી એટલે કુતૂહલવશ થઈ નીચી નમી એણે એ પરબીડિયું ઉપાડ્યું અને દરવાજો લોક કરી પરબીડિયું ઉથલાવી આગળ-પાછળ બંને તરફ જોવા લાગી પણ એની ઉપર કોઈ નામ લખેલું નહોતું એટલે એણે પરબીડિયું ખોલ્યું તો અંદર એક નાનકડી ચબરખી હતી એ એણે બહાર કાઢી અને જોયું તો એમાં લખ્યું હતું કે....
'*રાજીવ અને રતન આઝમગઢ પહોંચી ગયા છે અને એમની પાછળ તમારા વ્હાલા જમાઈ મનીષકુમાર પણ...*.'

"અનંત.....આ જુઓ, આ ચિઠ્ઠી અહીં ક્યાંથી આવી અને આમાં જે લખ્યું છે એ વાંચો.."

અનંતરાયે ચબરખી હાથમાં લીધી અને વાંચતા જ જાણે એમની છાતીના પાટિયા બેસી ગયા. આંખોમાં ભય અને કપાળે કરચલી એમની ચિંતામાં વધારો કરી ગયા.

"ઠક....ઠક....ઠક....." બેડરૂમના દરવાજે ટકોરા પડતા સુજાતા અને અનંતરાય તન અને મનની સ્વસ્થતા જાળવી ચહેરા પર પરાણે સ્મિત લાવી એકબીજા સામે જોઈ રહ્યા.

"રોશની તૈયાર થઈને આવી લાગે છે. જોઉં તો ખરી આપણી દીકરી કેવી શોભે છે..." કહેતા સુજાતાએ નોબ ફેરવી બેડરૂમનો દરવાજો ખોલ્યો તો સામે રોશનીને બદલે અનન્યાને ઉભેલી જોઈ અવાચક બની ગઈ......

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.