Satya - 2 books and stories free download online pdf in Gujarati

સત્યા - 2

સત્યા જાણી ચુકી હતી કે, જે ઘરમાં આપણું કોઈ સ્થાન કે માન ન હોય ત્યાં ગમે તેટલું કરો પણ લાગણીનો સેતુ બંધાતો નથી. અને એક તરફી પ્રેમ ખેંચી ને સત્યા કદાચ પોતાનું આખું જીવન પણ વિતાવી દે પણ સત્યાનો અંશ મોટો થઈ ગયો હતો. એ આ ઝઘડા જોઈને ક્યારેક ચિંતામાં પણ આવતો અને ચિડાતો પણ ખરા, આથી સત્યા નહોતી ઈચ્છતી કે અંશ પણ રોજ માતાપિતા વચ્ચે થતા ઝગડા જોવે અને એ પણ પોતાના પિતાની જેમ ઘરમાં રુઆબ જતાવવાનું જ શીખે.... થોડી જ મિનિટમાં તો સત્યાએ કેટલાય વિચારો પોતાના મનમાં ગણગણી લીધા.

સત્યાની મમ્મીએ એને ડિવોર્સના કાગળ હાથમાં રાખેલી અને ગૂંચવાયેલી સત્યાને જોઈને મનોમન દીકરીનું દુઃખ ગળી જતા બોલ્યા, બેટા આજ નહીતો કાલે તારે એક રસ્તો પસંદ કરવો જ પડશે. આજકાલ કરતા તે ૧૦ વર્ષ તારી જિંદગીના ત્યાં ગુજાર્યા પણ છતાં તું તારા લગ્નજીવનમાં ખુશ નહીં, તું જે નિર્ણય લે એ સમજીને લેજે કારણ કે હવે તારે અંશને માટે પણ યોગ્ય વિચારવાનું છે.

સત્યા અંશનું નામ સાંભળીને પોતાના મમ્મીને ભેટીને રડી પડી હતી. એ રડતા રડતા જ બોલી રહી હતી કે, હું મારા કાળજાના કટકા સમાન મારા દીકરા વગર રહી પણ લવ પણ એ મારા વગર ક્યારેય એકલો રહ્યો નહીં એ આવી પહાડ જેવી જિંદગી કેમ મારા વગર જીવશે? મમ્મી મને ૩૬ વર્ષે પણ તમારા સાથની જરૂર પડે તો એ મારુ અણસમજુ બાળક.... સત્યા ખુબ રોવા લાગી... એનું રુદન હવે એનાથી રોકાય એમ જ નહોતું..

સત્યાના રડવાના અવાજ સાંભળીને એના પપ્પા પણ રૂમમાં દોડી આવ્યા.. સત્યાના મમ્મીએ બધી જ વાત એના પપ્પાને કરી. પપ્પાને દીકરીની હાલતથી શરીરમાં કંપારી છૂટી ગઈ, એમણે સત્યાને સુજાવ આપ્યો કે, તું જો કહેતો આપણે કોર્ટ દ્વારા અંશની માંગણી કરી શકીએ.

સત્યાએ તરત જ પ્રતિઉત્તર આપ્યો કે, હું બહુ જ વિચાર્યા બાદ કહું છું, જો અંશ મારી જોડે હંમેશ માટે આવે તો સારું બાકી હું એ ન ઈચ્છું કે મારુ બાળક કોર્ટના દાદરા ચડે. અને પપ્પા આ પણ એક સત્ય જ છેને કે મારી અત્યારે કોઈ નોકરી એવી નહીં કે હું અંશની પરવરીશ સારી રીતે કરી શકું. અને અંશ હશે એના પપ્પાના જ ઘરમાં ને તો ક્યારેય ઓશિયાળી જિંદગી મારે લીધે એને તો ન ભોગવવી પડેને! ભલે આજ બધું સારું હોય પણ ભવિષ્યમાં ક્યારેય એને એમ ન થાય કે મમ્મીની જીદના લીધે હું પપ્પા સાથે ન રહી શક્યો! આખરી નિણઁય અંશનો જ હશે.

પપ્પા બોલ્યા કે, બેટા તું આવી ત્યારથી તારી અંશની એકબીજા સાથે વાત પણ એ લોકો નથી કરવા દેતા તો એ ક્યારેય કોર્ટ વગર અંશને તને સોપશે નહીં. એક વાર ફરી શાંતિથી વિચારજે દીકરા એમ કહી તેઓ પોતાના રૂમમાં ઊંઘવા જતા રહ્યા. મમ્મી પણ ઊંઘવા માટે ગયા.

સત્યા એકલી પડી અને ફરી વિચારો એના મનમાં ઘુમવા લાગ્યા. સત્યાને કોઈ એવો રસ્તો નહોતો મળતો કે એ અંશને માટે યોગ્ય હોય. બાળકને તો મમ્મી ને પપ્પા બંને જોઈએ. અને માતાપિતા માંથી એકની જ પસંદગીએ અંશમાટે ક્યાંથી યોગ્ય રહે? કોઈ એકના પ્રેમને તો અંશે ગુમાવવો જ પડે. સત્યા ૧ વર્ષ ઉપર થયું ત્યારથી પિયર જ હતી, આથી અંશ એના પપ્પાની ખુબ નજીક આવી જ ગયો હોય અને હવે હું અહીં લાવું તો ફરી એને બીજા ૧ વર્ષ જેટલો સમય મારી સાથે અહીં એડજેસ્ટ કરવામાં જાય. અને એમાં સ્કૂલ પણ બદલે ને મિત્રો પણ છૂટે... વરી સતત પપ્પા સાથે રહ્યો હોય તો હવે એમની યાદમાં એ પોતાને કેટલી માનસિક પીડા વચ્ચે અનુભવે! આવું વિચારી સત્યા સફાળી પલંગ પર બેઠી થઈ અને પાણી પીને પોતાની જાતને સાચવી રહી. મનમાં જ પ્રભુને પ્રાર્થના કરવા લાગી કે, હે ભગવાન મેં એવા ક્યાં પાપ કર્યાં હશે કે મારી જિંદગી આવી? ક્યારેક સ્વપ્ને મને મેં કરેલ પાપ દેખાડો તો હું મારા દુશ્મનને પણ એ પાપ ન કરવાની સલાહ આપું. સત્યા ખુબ વ્યાકુળ થઈ રહી હતી. આંખ મટકું માર્યા વગર ચોધાર આંસુ સાથે વરસી રહી હતી. મનને ક્યાંય ચેન નહોતો. આખી રાત એમ જ ઉપાધિમાં જ વીતી. સવાર કેમ પડી ગઈ એની એને ભાન જ નહોતી.

દોસ્ત! ક્યારેક અકળાય જવાય છે જિંદગીથી,
જોને ભાગ્યનું મળેલું છીનવાય છે જિંદગીથી.

સત્યા અને એના પુત્રના વિધાતાએ લખ્યા લેખ ચૂકવવાનો વારો આવી જ ગયો. સત્યાના શાંતિથી ડિવોર્સ પતી ગયા અને બાળકની સોંપણી એના પપ્પાના હસ્તક એ શરતે થઈ કે સત્યા ઈચ્છે ત્યારે પોતાના બાળકને મળી શકશે. કોઈ જ રકમ કે ભરણપોષણની માંગ વગર સત્યાએ સ્વમાન ભેર ડિવોર્સ લીધા હતા. એ ઘરમાં બોલી હતી કે હું ત્યાં હતી તો મારી કોઈ જવાબદારી અંશના પપ્પાએ પ્રેમથી નહીં ઉપાડી તો ડિવોર્સ પછી શું મારે એના દ્વારા મળતા ભરણપોષણનું કામ? હું એટલી તો કાબિલિયત ધરાવું જ છું કે હું મારુ તો કરી જ લઈશ...

દોસ્ત! વર્ષો વીતી ગયા છતાં પણ હું ત્યાં જ છું;
ભુલભુલામણી સમી યાદમાં તને જ ખોળું છું.

આ વાતને આજ ૫ વર્ષ થઈ ગયા છતાં હજુ સત્યા એના અંશને મળી નહીં કે એનો અવાજ પણ સાંભળ્યો નહીં. એવું નહોતું કે એને અંશને મળવાનું મન નહોતું થતું પણ મળ્યા બાદ અંશની શું હાલત થાય? વળી અંશ પોતાના ભૂતકાળને વાગોળે અને અંશનું વર્તમાન બગડે એ વિચારે સત્યા પોતાની માતૃત્વની લાગણી એક ખૂણામાં દબાવીને જ પોતાની જિંદગી જીવી રહી છે. હા, સત્યાએ પોતાના માતૃત્વની ખેવના માટે એવા ઘરમાં પુનઃલગ્ન કર્યા કે જ્યાં એક બાળક પોતાની માતાના મૃત્યુના કારણે માતાવિહોણો હતો. આમ સત્યાની અને પેલા બાળકની એમ બે જણાની ખેવના સંતોષાણી..

જતી રહેતી દરેક વેળા એક જ આસમાં વીતે છે,
મળીશ ક્યારેક તો તને એ વિચારે જ દિલ જીવે છે.

સત્યાની જિંદગી તો સરસ પસાર થઈ રહી હતી પણ સત્યાના મનમાં એક પ્રશ્ચાતાપ તો રહી જ ગયો કે, અંશને જન્મતો આપ્યો પણ એની સાથે જીવનભર રહી ન શકી.... કદાચ બંનેના ભાગ્યમાં જ નહોતું...

તારું અને મારુ સાથે રહેવાનું ભાગ્ય એ આપણા ભાગ્યમાં નથી,
પણ તારા રક્તમાં રહેલ મારા અંશને દૂર કરી શકે એવી કોઈની ઔકાત નથી..

આ વાર્તા લખવાનો મારો ઉદેશ્ય એ જ હતો કે, સમયથી પહેલા ને નસીબથી વધુ કોઈને કઈ જ મળતું નહીં આથી કોઈ પણ વ્યક્તિની પરિસ્થિતિ જોઈ એના પર ક્યારેય હસવું નહીં કારણકે હુકમનો એક્કો કુદરત જ ચલાવે છે.