Aage bhi jaane na tu - 46 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 46









પ્રકરણ -૪૬/છેતાલીસ

ગતાંકમાં વાંચ્યું....

આ બાજુ જોરવરસિંહ કેશવપરથી નટવરસિંહ સાથે આઝમગઢ જવા નીકળી પડે છે તો બીજી બાજુ વડોદરાથી અનંતરાય અને અનન્યાએ પણ આ ગુત્થી સુલઝાવવા દોટ મૂકી હતી.. પણ કિસ્મતનો ખેલ બધાને દોડાવતો દોડાવતો એકમેકને હાથતાળી આપતો અને છતાંય સામસામે લઈ આવતો, સુલઝાવવાને બદલે વધુ ઉલઝાવતો ચાલી રહ્યો છે....

હવે આગળ.....

અનન્યા, બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ.."

અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરવરસિંહની સામે આવી ઉભી રહી ત્યારે જોરવરસિંહના ફાટી આંખે એને જોઈ મનોમન વિચારી રહ્યા, " આ અનન્યા જ છે કે પછી તરાના...!!??"

અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર રહસ્યમય સ્મિત રેલાઈ ગયું....

"ખીમજી પટેલ પાસેથી લઈ આવેલા ભૂંગળાનુમા તસવીરમાં ચિત્રિત કરાયેલો તરાનાના ચહેરા અને અનન્યાના ચહેરામાં આટલું સામ્ય કઈ રીતે?" જોરવરસિંહ હજીસુધી એ જ વિચારોમાં અટવાયેલા ઉભા હતા.

"જોરાવર, તું પણ છેતરાઈ ગયો ને, જ્યારે મેં પણ પહેલીવાર તરાનાની તસવીર જોઈ અને અનન્યાને જોઈ ત્યારે હું પણ આવી જ રીતે છક થઈ ગયો હતો. ઘણા પ્રયત્નો કરી જોયા આ રહસ્ય સુધી પહોંચવાના પણ બધીજ મહેનત એળે ગઈ અને સૌથી વાત તો એ છે કે અનન્યા પોતે આ ભ્રમ-સ્વપ્નમાં અટવાયેલી છે. એને પણ સપનામાં તરાનાનો કમરપટ્ટો દેખાય છે. સારું થયું કે તું મળી ગયો. એક કરતાં બે ભલા, આપણે સાથે મળીને આ રહસ્યના કુવાના તળિયે પહોંચવાનું છે. પ.....ણ.....અમારી પાસે ઊંટ નથી, નથી બીજી કોઈ તૈયારી, આઝમગઢ કેવી રીતે પહોંચવું?? ન રસ્તો ખબર છે કે ન તો કોઈ સાધન હાથવગું છે."

"કેવી વાત કરો છો ભાઈ? આ નટવર હાજર છે ત્યાં સુધી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. થોડીવારમાં જ ઊંટ આવી જશે. પેલા ભાઈ હજી બહુ દૂર નહિ પહોંચ્યા હોય, હું ફોન કરી જોઉં છું અને જોરુભાના ભાઈબંધ એ મારાય ભાઈબંધ." નટુભા ફોન બહાર કાઢી નંબર જોડવા લાગ્યા અને સદનસીબે ફોન લાગી ગયો એમની સાથે નટવરસિંહે વાત કરી અને એ ભાઈ અડધા કલાકમાં બીજા બે ઊંટ લઈ આવ્યા અને અનંતરાયની ગાડી પોતાની સાથે લેતા ગયા.

ચાર પગાળા ચારેય ઊંટ પર બે પગાળા ચાર માનવીઓ ગોઠવાયા, અનન્યા અને અનંતરાય માટે તો આ નવીનતમ, રોમાંચક અનુભવ હતો જ્યારે જોરુભા અને નટુભા તો અહીંના આસપાસના જ વાતાવરણમાં ઉછરીને મોટા થયા હતા એટલે એમના માટે આ સહજ હતું.

*** *** ***

અનંતરાયના બહાર નીકળતાં જ જમનાબેન બધાયની નજર ચૂકવી અનંતરાયના સ્ટડીરૂમમાં દાખલ થયા. અત્યાર સુધી અનંતરાય સિવાય કોઈએ અહીં પ્રવેશ કર્યો નહોતો. કોઈનેય જાણ નહોતી કે અંદર શું છે, એટલે સુધી કે સુજાતાએ પણ એકાદ બે વાર કોઈ કારણસર અનંતરાયને બોલાવવા ગઈ હશે ત્યારે પણ એ દરવાજામાંથી જ પાછી ફરી હતી અને ત્યારે એણે સ્ટડીરૂમની અલપઝલપ ઝલક જોઈ હશે. અંદર ગયા પછી જમનાબેને દરવાજાને અંદરથી લોક કરી દીધો પછી ત્યાં જ ઉભા રહી ઓરડાનું નિરીક્ષણ કરવા લાગ્યા. દરવાજાની ડાબી તરફ એક લાકડાનું મોટું કાચના દરવાજાવાળું કબાટ હતું જેમાં સેંકડો પુસ્તકો ઉપરથી નીચે સુધી વ્યવસ્થિત ગોઠવેલા હતા અને જમણી બાજુએ સ્ટડી ટેબલ હતું જેના પર જવેલરીને લગતા કેટલાક મેગેઝીન હતા અને કેટલીક આકર્ષક ડિઝાઇનના ઘરેણાના સ્કેચ ગોઠવેલા હતા. એની બાજુમાં ફ્લોરલેન્થ વિન્ડો હતી અને એના પર મોતીઓની દોરીથી ઉપરનીચે કરી શકાય એવા લાઈટ ક્રીમ રંગના પરદા લાગેલ હતા. એ વિન્ડોની બાજુમાં એક આદમકદ તિજોરી હતી જેની ચાવી હજી એમાં જ લટકી રહી હતી, ઉતાવળમાં કદાચ અનંતરાય ચાવી કાઢવાનું ભૂલી ગયા હતા. જમનાબેનને તો જાણે 'ભાવતું'તું ને વૈદે કહ્યું', એમણે તરત જ ચાવી ફેરવી એટલે તિજોરીનો દરવાજો ખુલી ગયો. એમની નજર સામે કેટલાય મરૂન અને બ્લુ રંગના નાના-મોટા બોક્સ ગોઠવેલા ડ્રોઅર નજરે પડ્યા. ગ્રાહકના ઓર્ડર મુજબ બનાવેલા અનેક ઘરેણાંના દરેક બોક્સ ઉપર એ ગ્રાહકનું નામ તેમ જ એક કોડનંબર લખેલા સ્ટીકર લાગેલા હતા અને દરેક બોક્સ ડિજિટલ લોકથી બંધ કરેલા હતા. જમનાબેને ઉપરથી નીચે બધે નજર ફેરવી પણ જે બોક્સ એમને જોઈતું હતું એ ક્યાંય દેખાતું નહોતું. એમણે દરેક ડ્રોઅરમાંથી કેટલાક બોક્સ હટાવી, તિજોરી ફંફોસવાનું શરૂ કર્યું. નીચેથી ઉપર તરફ ત્રીજું ખાનું ફંફોસતાં એમને ખાનગી કહી શકાય એવી છુપી તિજોરીનો નાનકડો દરવાજો નજરે પડ્યો. ઘણી શોધખોળ કરી પણ એમને ક્યાંય એની ચાવી ન જડી. બધું પાછું ગોઠવી એમણે સ્ટડીરૂમની દરેક વસ્તુઓની જડતી લેવી શરૂ કરી. બધા પુસ્તકો, સ્ટડી ટેબલના દરેક ખાનાં, દીવાલો પર લાગેલી ફ્રેમની પાછળ, ટેબલલેમ્પ, બધું જોઈ વળ્યા પણ ક્યાંય કશુંય જડ્યું નહિ એટલે મનમાં નિરાશા લઈ સ્ટડીરૂમમાંથી બહાર નીકળ્યા અને લોક કરી ચાવી બ્લાઉઝમાં સરકાવી, પાછા કામે લાગી ગયા પણ એમને એ ખબર નહોતી કે અનંતરાયે એમના સ્ટડીરૂમમાં એવી સિક્યોરિટી સિસ્ટમ ફિટ કરાવી હતી કે એમની તિજોરીને કોઈ ફક્ત આંગળી પણ અડાડે તોય એમના મોબાઈલમાં તરત જ નોટિફિકેશન આવી જાય પણ અત્યારે એમના કમનસીબે આઝમગઢના વેરાન રણમાં નેટવર્ક ન હોવાથી જમનાબેનની આ કરતુતથી એ બેખબર હતા અને જમનાબેને પણ જો હજી થોડી વધુ મહેનત કરી હોત એમને છુપી તિજોરીની ચાવી સ્ટડીરૂમમાંથી અચૂક મળી જાત. એ ચાવી જમનાબેનની નજર સામે જ હતી પણ એમનાય બદનસીબ. એ ચાવી નાઈટલેમ્પમાં લાગેલી સ્વીચના પોલાણમાં હતી અને જો એમના હાથમાં ચાવી આવી પણ જાત તો પણ એમને એ તિજોરીમાંથી કશુંય હાથ ન લાગત.

*** *** ***

રેતીમાંથી પસાર થઈ રહેલા કતારબંધ ચાલતા ચારેય ઊંટ જાણે કોઈ જંગ લડવા જઈ રહ્યા હોય એવા ભાસી રહ્યા હતા. સૌથી આગળ જોરુભા, પછી અનન્યા, અનંતરાય અને સૌથી છેલ્લે નટુભા. અસ્તાચળ થતો સૂરજ, આકાશમાં પ્રસરી રહેલી સંધ્યાની લાલિમા, ક્યાંક ક્યાંક, દૂર ઊંચે ઉડી રહેલા, વળાંકો લઈ રહેલા નજરે પડતા પક્ષીઓના સમૂહ, વહેતા પવનની લહેરોથી રેતીમાં સર્જાયેલા અવનવા આકારો, અનન્યાને તો એકદમ કલ્પનાની દુનિયા લાગતી હતી. વારેઘડીએ પોતાની અલકલટોને સવારતી, દુપટ્ટાથી માથું ઢાંકતી, ચારેતરફ જોઈ રહેલી અનન્યા વચ્ચે વચ્ચે પર્સમાંથી મોબાઈલ કાઢી નેટવર્ક ચેક કરી લેતી હતી. ધીરે ધીરે અંધારું છવાઈ રહ્યું હતું. ચારેય ઊંટ રેતીના નાના-મોટા ઢુવાઓ પાર કરી ચુક્યા હતા. શાંત વાતાવરણમાં ઊંટના પગે બાંધેલી ઘૂઘરીઓનો રણઝણાટ હવાને ચીરતો, હવામાં ભળતો અને હવામાં પસરતો હતો. ટમટમતા તારલાઓનું ચાંદરણા પાડતું અજવાળું રેતીમાં જાણે ચમકતા આભલાની ભાત પાડી રહ્યા હતા.

વચ્ચે વચ્ચે, ઘડીક ઝોકું ખાઈ લેતા ચારેય ઊંટસવારો પોતાના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યા હતાં. આ સમયે બધું જ ભૂલી જઈને પ્રયાણ પંથને કેન્દ્રમાં રાખી ચારેય એકમેકથી અજાણ્યા છતાંય જાણીતા બની આ અવિરત યાત્રાના હમસફર બની ગયા હતા. મંઝિલ હવે ફક્ત કેટલાક મીટર જ છેટે હતી. ઊડતી ધૂળની ડમરીઓ અને તારલાઓના આછા અજવાસમાં ભેંકાર અને ખંડેરિયા ભાસતા આઝમગઢના પરિસરમાં પહોંચવાની તાલાવેલીમાં ચારેય મુસાફરોની ઊંઘે હવે આંખમાંથી વિદાય લીધી હતી. એકબીજાથી અંતર ઘટાડતા ચારેય ઊંટ લગભગ લગોલગ જ ચાલી રહ્યા હતા.

"નટુભા, હવે હાથવેંતમાં જ દૂર રહ્યું છે આઝમગઢ, પલક ઝપકતા જ પહોંચી જઈશું. આજુબાજુ નજર ફેરવતા રહેજો. હવે ખાસ ચેતવા જેવું છે. અહીંનું વાતાવરણ ભય ઉપજાવે એવું છે." જોરુભાએ ખોંખારો ખાધો.

"કાચાપોચાના તો રામ રમી જાય, અંધારામાં ઠુંઠા ઝાડના આકારો નાચતી ભુતાવળો જેવા દેખાય છે. આપણે તો ઠીક ગામડે આવા અનુભવોની બારાખડી ઘૂંટીને જ મોટા થયા છીએ પણ આ અનંતરાય અને એથીય વધુ અનન્યાની ચિંતા મૂંજવે છે મને." જોરુભાની લગોલગ પોતાના ઊંટને લાવી નટુભાએ કહ્યું.

"તમે માનો છો એમ કાંઈ હું ને પપ્પા બીકણ નથી, મારો રાજીવ પ્રત્યેનો પ્રેમ અને પપ્પાની માતાજી પ્રત્યેની અખૂટ આસ્થા જ અમને અહીં સુધી ખેંચી લાવ્યાં છે. વરસોથી ધરબાયેલા રહસ્યના તાળાની ચાવી મળી જાય એ વિશ્વાસથી આપણે સૌ અનાયસે જ આ અજાણી સફરના સહપ્રવાસી બનીને એકમેકને મળ્યા છીએ. આશા રાખું છું કે અત્યાર સુધીનો સ્નેહસાથ છેવટ સુધી અકબંધ રહે અને રાજીવ અને રતન સાથે આપણે હેમખેમ ઘરે જલ્દી પાછા ફરીએ." અનન્યાની આતુર નજરો રાજીવને શોધી રહી હતી.

"હવે કાંઈ પણ થાય, યા હોમ કરીને પડવાનું જ છે, હિંમતે મર્દા તો મદદે ખુદા.." અનંતરાયે પણ હામી ભરતો સુર પુરાવ્યો.

આમ જ ધીમી ગતિએ ચાલતાં-ચાલતાં ચારેય ઊંટ મંદિરની નજીક આવી રહ્યા હતા ત્યારે મળસ્કું થઈ રહ્યું હતું. આકાશના આછા અજવાળામાં ધૂંધળી દેખાતી ફરકતી ધજા ધીમે-ધીમે અસ્પષ્ટતાના આવરણ દૂર કરતી સ્પષ્ટ દેખાઈ રહી હતી. આસપાસ આડા-ઉભા, કાળની ગર્તામાંથી ડોકાઈ રહેલા સ્તંભો આઝમગઢના અવિસ્મરણીય ઇતિહાસની ચાડી ખાતા પડ્યા હતા. ભૂતકાળની ભવ્યતા વર્તમાનના વાઘા ધરવા આતુર હતી પણ.... એક ડગલું આગળ ચાલતા નસીબની બલિહારી કઈક જુદા જ પરિણામની પરિભાષાના પગથિયે રાહ જોતી ઉભી હતી.

મંદિરના પટાંગણમાં પ્રવેશતા ચારેય સવારો સચેત અને સાવધાન બની ગયા હતા. પરિસરમાં ચક્કર લગાવી ચારેય ઊંટ મંદિરના મુખ્ય દરવાજા પાસે ઉભા રહ્યા. જોરુભા, નટુભા અને અનંતરાય સાવચેતીથી ઊંટ પરથી નીચે ઉતર્યા અને અનન્યા હજી ઊંટ પર જ બેઠી હતી.

"અનન્યા, આપણે અહીં આવી પહોંચ્યા છીએ, ચાલ હવે હળવેથી નીચે ઉતર." ઊંટને બુચકારો દઈ હળવેથી બેસાડતાં જોરુભાએ એક હાથમાં દોરડું પકડી રાખ્યું હતું અને બીજા હાથે ઊંટની પીઠ પસવારી રહ્યા હતા.

નટુભા અને અનંતરાય આળસ મરડતા પોતાના અકળાયેલા શરીરને સ્વસ્થ કરી રહ્યા હતા. અવિરત યાત્રા અને અપૂરતી ઊંઘનો થાક આંખોમાં ડોકાઈ રહ્યો હતો. અનન્યા હળવેથી નીચે ઉતરી, આળસ મરડી, આંખો ચોળતી અને દુપટ્ટો સરખો કરતી ઉભી રહી ત્યાં જ... ધ.....ડા.....મ.....કરતો મંદિરનો દરવાજો ખુલ્યો અને એક માનવાકૃતિ રૂપે આંધી બહાર આવી એની પાછળ-પાછળ ગભરાટ અને ગૂંગળામણથી બેચેન મનીષ અને માયા પગથિયાં ઉતરતા નજરે ચડ્યા અને આ મંદિરના દરવાજાનો અવાજ સાંભળી રાજીવ અને રતન પણ મંદિરના પાછળના ભાગેથી દોડતા-હાંફતા પટાંગણમાં આવી પહોંચ્યા. ક્ષણભરમાં આઠેય જણની સોળ આંખો સામસામે ટકરાઈ....

વધુ આવતા અંકે....

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.