Prayshchit - 15 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 15

પ્રાયશ્ચિત પ્રકરણ - 15

દ્વારકાધીશનાં દર્શન કરીને લગભગ સાડા દસ વાગે કેતન લોકો જામનગર જવા માટે નીકળી ગયા. ઘરે પહોંચતા પહોંચતા બપોરનો એક વાગી ગયો. જો કે નાસ્તો કરી લીધો હતો એટલે ખાસ ભૂખ લાગી ન હતી. ઘરે પહોંચતા જ દક્ષાબેન ની રસોઈ તૈયાર જ હતી !!

" મનસુખભાઈ તમે ગાડી લઈને જાવ અને ઘરે જમીને આવી જાવ. તમે હવે જલ્દી થી નવું બાઈક પણ છોડાવી લો. તમારે ક્યાંય પણ જવું હોય તો તકલીફ ના પડે " કેતને કહ્યું.

" હા સાહેબ આવતીકાલે બાઈક છોડાવાનો વિચાર છે. આજે તમારે ક્યાંય જવાનો પ્રોગ્રામ છે ? તો હું એ પ્રમાણે આવી જાઉં " મનસુખે પૂછ્યું.

" હા આજે આપણે સાંજે પાંચ વાગ્યે કલેકટર સાતા સાહેબને મળી લઈએ. હોસ્પિટલ માટે જે જમીન લેવાની છે એના માટે થોડી ચર્ચા કરી લઉં. તમે પોણા પાંચ વાગે આવી જજો" કેતને સૂચના આપી.

આજે દક્ષાબેને ઘઉં ની સેવ ઓસાઈ હતી. ખાંડ અને ઘી મિક્સ કરીને બંનેની થાળીમાં પીરસી. સાથે ગવાર બટાકા નું લસણથી વઘારેલું શાક અને કઢી ભાત હતા. બંનેને જમવાની ખરેખર મજા આવી.

" તમને બેન... કંઈ ખાસ જમવાની ઇચ્છા હોય તો પણ કહેજો. બનાવી દઈશ. " દક્ષાબેને જાનકીને પૂછ્યું.

" ના માસી.. તમે દરેક આઈટમ એટલી સરસ બનાવો છો કે અમારે કંઈ કહેવા જેવું રહેતું જ નથી. " જાનકી બોલી.

" સાંજે શુ બનાવુ ? " દક્ષાબેને બંનેની સામે જોઇને પૂછ્યું.

" તમને જે યોગ્ય લાગે તે માસી. મને તો બધું જ ભાવે છે. "

" મારી ઈચ્છા આજે સાંજે હાંડવો બનાવવાની છે. ચા સાથે હાંડવો ફાવશે ને ? "

" હા.. હા.. માસી. બિલકુલ ફાવશે. "

જમીને કેતન અને જાનકી ડ્રોઈંગરૂમ માં આવીને બેઠા.

" કેતન હું હવે આજે રાતની ટ્રેનમાં મુંબઈ જવા નીકળી જાઉં. ટિકિટ તો મળી જશે ને ? " જાનકીએ કેતનને પૂછ્યું.

" તારે ટ્રેનમાં જવાની ક્યાં જરૂર છે ? કાલે બપોરે 1:30 વાગે મુંબઈનું ફ્લાઇટ ઉપડે છે. ઓનલાઇન ટિકિટ બુક કરાવી દઉં છું. કલાક-દોઢ કલાકમાં મુંબઈ. " કેતન બોલ્યો.

" હા એ સારું રહેશે. ટ્રેન નો રન બહુ લાંબો છે. " જાનકી બોલી.

" આજે હું હોસ્પિટલની જમીન માટે સાંજે કલેકટરને મળવા જવાનો છું. મને આવતા કલાક-દોઢ કલાક જેવું તો થઈ જ જશે. તું ઘરે જ આરામ કરજે. "

" યા યા સ્યોર !! મારી ચિંતા ના કરતા. "

પોણા પાંચ વાગે મનસુખ માલવિયા હાજર થઈ ગયો. જામનગર ખાસ એટલું મોટું નથી. પંદર મિનિટમાં તો એ લોકો કલેકટર ઓફિસ પહોંચી ગયા. સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલે સાતા સાહેબને વાત કરી દીધી હતી એટલે કલેક્ટરે કેતનનું ખૂબ ઉષ્માભર્યું સ્વાગત કર્યું.

" મને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ નો ફોન ગઈકાલે જ આવ્યો હતો. તમારા વિશે એમણે ઘણી વાતો કરી. આ ઉંમરે તમે આટલી મોટી હોસ્પિટલનો પ્લાન કરી રહ્યા છો એ જાણી ખરેખર ખૂબ જ ખુશી થઈ. "

" જી સર.. બસ તમારી મદદની જરૂર છે. વીસ પચ્ચીસ એકર જમીન મારે હોસ્પિટલ માટે ખરીદવી છે. ભલે જામનગર સિટીમાં ના મળે પણ શહેરથી દસ-પંદર કિલોમીટર દૂર હશે તો પણ ચાલશે. વિશાળ જગ્યા હોય તો એક સારી હોસ્પિટલ બની શકે. કોઈ સરકારી રિઝર્વ પ્લોટ હોય તો મને અપાવો. " કેતને કહ્યું.

" ચોક્કસ. મને તમે બે દિવસનો સમય આપો. હું ફાઈલ જોવડાવી દઉ. મને બે દિવસ પછી ફોન કરી દેજો. મારાથી બનતો બધો જ પ્રયત્ન કરીશ. " કહીને સાતા સાહેબે કેતન ને પોતાનું કાર્ડ આપ્યું.

" હવે બોલો તમને ચા ફાવશે કે ઠંડુ ? તમને એમનેમ તો ના જવા દેવાય. " કલેકટર બોલ્યા.

" ઠીક છે સાહેબ ઠંડુ જ કંઈ મંગાવી દો "

અને કલેક્ટરે બેલ મારીને પ્યુનને બે કોકાકોલા લાવવાનું કહ્યું.

જમીન ખરીદવા માટે સૌથી પહેલા ટ્રસ્ટ બનાવી લેવાની જરૂર હતી. કલેકટર ઓફીસમાંથી બહાર નીકળીને ગાડીમાં બેસતાં જ કેતને જયેશભાઇ ને ફોન જોડ્યો.

" જયેશભાઈ કેતન બોલું. અર્જન્ટ આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સાથે મીટીંગ કરવી પડશે. કાલે સવારે મારા ઘરે એમને લાવી શકશો ? " કેતને પૂછ્યું.

" હા સાહેબ ટ્રસ્ટનું જ કામ કરનારા એક મોટા સી.એ. સાથે વાત થઈ ગઈ છે. તમે કહો એ ટાઇમે કાલે સવારે લઈ આવું. " જયેશ બોલ્યો.

" તો પછી સવારે દસ વાગે જ રાખો. વાત કરી લઈએ એટલે કામ આગળ ચાલે. " કેતન બોલ્યો.

ઘરે જતા પહેલા રસ્તામાં એક ઝેરોક્ષ સેન્ટર પાસે કેતને ગાડી ઉભી રખાવી અને ઓનલાઇન બુક કરેલી ફ્લાઇટની ટિકિટની પ્રિન્ટ આઉટ કઢાવી લીધી.

બીજા દિવસે સવારે સવા દસ વાગે જયેશભાઈ સી.એ. ને લઈને કેતનના ઘરે આવી ગયા.

" કેતન શેઠ આ છે કિરીટભાઈ નાણાવટી. અહીંના ખૂબ જાણીતા સી.એ. છે અને એમનું મોટાભાગનું કામ ટ્રસ્ટ ને લગતું જ હોય છે. તમારો અને તમારા પ્રોજેક્ટનો પરિચય તો એમને આપી જ દીધો છે. "

કિરીટભાઈ પચાસેક વર્ષની ઉંમરના હતા અને પચીસેક વર્ષથી પ્રેક્ટિસ કરતા હતા.

" નાઈસ ટુ મીટ યુ કિરીટભાઈ. બેસો. " કેતને એમને સોફામાં બેસવાનું કહ્યું.

" હવે મુદ્દાની વાત ઉપર જ આવું છું. જામનગરમાં મારે એક બે મોટા પ્રોજેક્ટ કરવા છે અને કામ એટલું મોટું છે કે હું ટ્રસ્ટ બનાવું તો જ એ શક્ય બને. અને મને થોડા સરકારી લાભ પણ મળે. એટલા માટે જ મેં તમને અહીં બોલાવ્યા છે. મારે કેવી રીતે આગળ વધવું ? " કેતને સીધી વાત શરૂ કરી.

" જુઓ કેતનભાઇ તમે જામનગરમાં એકદમ નવા છો. અત્યારે હાલ તમારી માલિકીનું અહીં કોઈ મકાન નથી. જામનગરમાં ચેરિટી કમિશનરની ઓફિસે ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે અહીંના વતની હોવા જોઈએ. ઓછામાં ઓછા બે ટ્રસ્ટી હોવા જોઈએ. તમારું વતન કયું ? જ્યાં તમારી કે તમારા માતા-પિતાની પ્રોપર્ટી હોય અને તમારો બિઝનેસ ચાલતો હોય !! " કિરીટભાઈ એ માહિતી આપી અને પૂછ્યું.

" જી વતન તો મારું સુરત છે અને બિઝનેસ પણ સુરતમાં જ છે. " કેતને કહ્યું.

" બસ તો પછી સુરત ચેરિટી કમિશનરની ઓફિસ માં તમારા ટ્રસ્ટની નોંધણી થશે. કારણકે તમારું એડ્રેસ પ્રુફ જે હશે અથવા તમારું આધાર કાર્ડ જે એડ્રેસ ઉપર હશે તે જ શહેરમાં રજિસ્ટ્રેશન થઈ શકે. "

" બીજા પણ કોઈ એક ફેમીલી મેમ્બર નું નામ તમારે ટ્રસ્ટી તરીકે લખાવવું પડશે. એકવાર નોંધણી થઈ જાય અને રજીસ્ટ્રેશન નંબર આવી જાય પછી ટ્રસ્ટ નો ઉપયોગ તમે ગમે ત્યાં કરી શકો છો. "

" તમે એક કામ કરો. હું તમને બે ફોર્મ આપું છું. એકવાર તમે તમારી વિગતો ભરીને સહી કરી દો. બીજું ફોર્મ જે બીજા ટ્રસ્ટી બનાવવાના હોય એમને ભરવાનું કહો. તમારું ફોર્મ ભરીને તમે સુરત મોકલાવી દો. તમારા બીજા ટ્રસ્ટીને કહી દો કે તમારા બંનેના ડોક્યુમેન્ટ સાથે સુરતના કોઈ સી.એ. ને મળી લે અને બંને ફોર્મ આપી દે. ટ્રસ્ટનું નામ પણ તમારે નક્કી કરવું પડશે. એ તમને ત્યાંનો સી.એ. સમજાવી દેશે. "

" તમારે જે જે પ્રોજેક્ટો કરવાના હોય એ તમામ પ્રોજેક્ટો નું એક ટ્રસ્ટ ડીડ પણ બનાવવું પડશે. જે હું તમને આજે બનાવી આપીશ. તમારું ટ્રસ્ટી તરીકે નું એક સંમતિ પત્ર પણ હું ટાઈપ કરી આપું છું. ટ્રસ્ટ ડીડ અને સંમતિ પત્ર બંને તમે ફોર્મની સાથે સુરત મોકલજો. બીજા ટ્રસ્ટીનું સંમતિ પત્ર સુરતના સી.એ.ને આપી દેજો " કિરીટભાઈ એ વિગતવાર સમજણ પાડી.

" ચાલો ઠીક છે. તમે મને બંને ફોર્મ આપી દો. સંમતિપત્ર અને ટ્રસ્ટ ડીડ બને એટલું વહેલું આ જયેશભાઈ ને આપી દેજો કારણકે આજે મારી ફ્રેન્ડ જાનકી બપોરે દોઢ ના ફ્લાઇટ માં મુંબઈ જાય છે તેની સાથે બધું મોકલાવી દઉં. એ સુરત આપી આવશે. "

" અને હા .... અમારા અહીંના તમામ પ્રોજેક્ટ માટે મારે કાયમી સી.એ. ની જરૂર તો પડશે જ. કારણકે પ્રોજેક્ટો બહુ મોટા છે. " કેતને હસીને કહ્યું.

" હા.. હા.. એના માટે મારી ક્યાં ના છે ? મારી આખી ફર્મ તમારી સેવામાં છે. મારી ઓફિસ નો એક કાયમી એકાઉન્ટન્ટ પણ હું તમને આપી દઈશ." કહીને કિરીટભાઈ એ બેગમાંથી બે ફોર્મ કાઢીને કેતનને આપ્યાં.

" એક ફોર્મ ભરીને સહી કરી દેજો. બીજું ફોર્મ બીજા ટ્રસ્ટી માટે કોરું રાખજો. " કહીને કિરીટભાઈ ઊભા થયા.

" ચાલો હું જાઉં. કારણ કે તમારા બે ડોક્યુમેન્ટ પણ મારે તાત્કાલિક તૈયાર કરવા પડશે." કિરીટભાઈ બોલ્યા.

એ લોકો ગયા પછી કેતને એક ફોર્મ ભરી દીધું. અને જાનકીને બૂમ પાડી.

આ બધી વાતચીત ચાલતી હતી ત્યાં સુધી જાનકી બેડરૂમમાં જ હતી. બધા ગયા પછી કેતને એને બહાર બોલાવી.

" જાનકી તારે એક કામ કરવાનું છે. આજે સી.એ. સાથે ટ્રસ્ટ અંગેની બધી વાતચીત થઈ ગઈ છે. હમણાં દોઢ બે કલાકમાં બે ડોક્યુમેન્ટ મને મોકલાવશે. એક ફોર્મ મેં ભરી દીધું છે. આ ત્રણે ત્રણ ડોક્યુમેન્ટ તું કાલે સુરત જઈને મોટાભાઈને આપી આવજે. બાકી ચર્ચા હું ફોન ઉપર કરી લઈશ "

" હા.. હા.. ચોક્કસ. કાલે જ હું સુરત જઈશ. " જાનકીએ જવાબ આપ્યો.

કિરીટભાઈ નું કામ બહુ જ પાકું હતું. એકાદ કલાકમાં જ ટાઈપ થયેલા બન્ને ડોક્યુમેન્ટ જયેશભાઈ આપી ગયા.

એરપોર્ટ ઉપર એક વાગ્યા પહેલા પહોંચી જવાનું હતું એટલે બંને જણા બાર વાગે જમવા માટે બેસી ગયા. કેતને ફોન કરીને મનસુખ ને બોલાવી લીધો.

સાડા બાર વાગે કેતન જાનકીને લઈને એરપોર્ટ જવા નીકળી ગયો. ફલાઈટ જામનગરથી જ ઉપડતું હતું એટલે સમયસર હતું.

" ચાલો કેતન.. આવી તો હતી તમને લેવા માટે પરંતુ હવે કોઈ આગ્રહ કરતી નથી. તમારી સાથે ગાળેલી મીઠી યાદો ને લઈને જઈ રહી છું. વહેલી તકે તમારો નિર્ણય મને જણાવજો. જઈ તો રહી છું પણ દિલ તો જામનગરમાં જ રહેશે. !! " કહેતાં કહેતાં જાનકીનું હૃદય ભરાઈ આવ્યું.

" ટેન્શન નહીં કર જાનકી. મારો નવો મોબાઈલ નંબર તો હવે તારી પાસે છે જ. આપણે ફોન ઉપર વાતચીત કરતા રહીશું. ડોન્ટ બી ઈમોશનલ !! " કેતન બોલ્યો.

" ઓકે.. બાય " કહીને ભારે હૈયે જાનકી સડસડાટ બોર્ડિંગ પાસ લેવા માટે આગળ વધી ગઈ. કેતનથી દૂર થવાનું એને જરા પણ ગમતું ન હતું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)