Anamica - 2 in Gujarati Social Stories by Parul books and stories PDF | અનામિકા - 2

અનામિકા - 2

ભાગ - 2

રાત્રે ઘણી વાર સુધી જાગવાને કારણે રેવાને બીજે દિવસે સવારે ઉઠવામાં જરા મોડું થઈ ગયું હતું પણ છતાં ઉઠીને રેવાએ ફટાફટ પોતાનું કામ સંભાળી લીધું હતું. દૂધ - બ્રેકફાસ્ટ કરતી વખતે રીધમે મમ્મી - પપ્પાને યાદ કરાવ્યું,

"પપ્પા…, તમને યાદ છે ને કે કાલે મારી સ્કૂલમાં પેરેન્ટ્સ - ટીચર મીટિંગ છે. તમારે અને મમ્મીએ કમ્પલસરી ટીચરને મળવા આવવાનું છે."

"હા…, બેટા યાદ છે મને કે કાલે તારી સ્કૂલમાં મીટિંગ છે ને મેં એટલે જ મેં પહેલેથી જ મારી ઓફિસમાં અડધા દિવસની રજા પણ મૂકી દીધી છે."

"ઓ.કે. પપ્પા..ફાઈન.., હું જાઉં છું ..મારી સ્કૂલ બસ આવવાનો સમય થઈ ગયો છે, બાય.."

"બાય…બેટા.. "

"ચાલ…, મમ્મી…"

"હા…, આવી..બેટા.."

"બાય..દાદા - દાદી…"

"બાય...દીકરા….બાય…"

બધાંને જ બાય કરીને રીધમ સ્કૂલ જવા માટે નીકળી ગયો. રેવા એને બસ સ્ટેન્ડ સુધી મૂકવા ગઈ ને ધર્મેશ પણ ઓફિસ જવાની  તૈયારી કરવા લાગ્યો. રીધમને મૂકીને આવ્યા પછી  રેવા અંદર કિચનમાં જઈ રહી હતી ત્યારે સાસુજીએ એને કંઈક કહેવા માટે રોકી,

"રેવા….."

"શું...મમ્મીજી…?"

"હું અને ધર્મેશનાં પપ્પા આજે સાંજે મારાં મહિલા મંડળ તરફથી ગોઠવેલ જાત્રા માટે ત્રણ દિવસ શીરડી જઈ રહ્યા છે, એ યાદ છે ને તને.."

"હા..મમ્મીજી.."

"તો..મંગુ આવે ને એટલે એની પાસે પેલી મિડિયમ સાઈઝની બેગ ઉતારાવી લેજે, ને થોડાંક નાશ્તા બનાવી લેજે."

"નાશ્તાની બધી જ તૈયારી થઈ ગઈ છે, ને  મંગુ આવે એટલે એને બેગ ઉતારવા માટે પણ કહી દઉં."

"ભલે...ભલે.."

"મમ્મી - પપ્પા સાચવીને જજો, તમારું ધ્યાન રાખજો ને અમારાં વતી પણ દર્શન કરી લેજો. હું ઓફિસ જાઉં છું. તમારાં બંન્નેનાં મોબાઈલ ફુલ ચાર્જ કરી લેજો." ધર્મેશ ઑફિસ જતાં - જતાં બોલ્યો.

"હા..બેટા..હા.."

બીજાં દિવસે ધર્મેશ અને રેવા રીધમ સાથે એની શાળાએ પહોંચ્યા. રીધમનાં ક્લાસ ટીચરે એમને અલગથી મળવા માટે કહ્યું ને એટલે બધાં પેરેન્ટ્સ જતાં રહે ત્યાં સુધી રાહ જોવા કહ્યું.

સ્કૂલ ટીચરે પર્સનલી મળવા માટે કીધું એટલે બંનન્ને લાગ્યું કે નક્કી ભણવા બાબત રીધમની કોઈ ફરિયાદ હશે. બંન્ને જરા નર્વસ થઈ ગયાં. બધાં પેરેન્ટ્સનાં ગયાં પછી સ્કૂલ ટીચરે એમને વાત કરવા માટે બોલાવ્યા..

"ગુડ મોર્નિંગ મિ. એન્ડ મિસિસ. મહેતા."

"ગુડ મોર્નિંગ મે'મ."

"મિ. એન્ડ મિસિસ મહેતા મે આઈ નો, હુ ઈઝ ટેકિંગ ધ સ્ટડી ઑફ રીધમ એટ હોમ?"

"વાય...મે'મ..એની પ્રોબ્લેમ રીગાર્ડીંગ હીઝ સ્ટડીઝ..?" ધર્મેશે સામે સવાલ કર્યો.

"ધીસ ઈઝ નોટ માય આન્સર મિ. મહેતા.."

"અ..અ..હીઝ મધર, માય વાઈફ ઈઝ ટેકિંગ હીઝ સ્ટડીઝ એટ હોમ."

"આર યૂ સ્યોર.."

"યસ..મે'મ.."

"હેવ યૂ કેપ્ટ એની ટ્યૂશન ટીચર ફોર હીઝ સ્ટડીઝ?"

"નો.."

"અનબીલીવેબલ…"

"વૉટ…?"

"યસ…, ઈટ્સ અનબીલીવેબલ.."

"ઈઝ એવરીથિંગ ઓ.કે.., મે'મ…,?"

"નો…, એવરીથિંગ ઈઝ નોટ ઓ.કે…, મિ. મહેતા..બટ ઈટ્સ સુપર ઓ.કે."

આ સાંભળી ધર્મેશે અને રેવાએ એક - બીજાં સામે જોયું. તેઓને કંઈ સમજ નહોતી પડી રહી એટલે…ધર્મેશે કહ્યું.

"વી આર નોટ અંડરસ્ટેન્ડિંગ ધ એક્ઝેટ્લી યોર ઈન્ટેન્શન."

"આઈ મસ્ટ ટેલ યૂ, યોર સન ઈઝ અ વેરી બ્રીલિયન્ટ સ્ટુડન્ટ ઈન ઑલ ધ સબ્જેક્ટ્સ. હી ઈઝ અલ્વેયઝ રેડી ફોર ઑલ ધ આન્સર્સ. હીઝ પર્ફોમન્સ ઈઝ એક્સીલન્ટ. હી વન મેની કોમ્પિટિશન્સ. ધીઝ આર ધ સર્ટિફિકેટ્સ. હીઝ ઈન્ટરેસ્ટ ફોર ધ સ્ટડી ઈઝ અમેઝિંગ. હી ઈઝ વેરી ગુડ ઈન અધર એક્ટિવિટીઝ, આર્ટ્સ એન્ડ કલ્ચર ટૂ.

આ સાંભળી ધર્મેશ અને રેવા એક - બીજાં સામે પ્રસન્ન ચહેરે જોવાં લાગ્યા. હવે એમનો શ્વાસ હેઠે બેઠો હતો.

"ઓહ..! ધેટ ઈઝ ધ ઈન્ટેન્શન. વી થોટ ધેર ઈઝ અ બીગ કમ્પ્લેઇન ફોર હીઝ સ્ટડીઝ. "

આ સાંભળી રીધમનાં સ્કૂલ ટીચર હસવા લાગ્યા ને બોલ્યા, "નો...નો..નોટ એટ ઑલ."

"થેન્ક યૂ, મે'મ. કેન વી ગો, નાઉ?"

"ઓહ.., યસ.."

"ઓ.કે."

"જસ્ટ અ મિનિટ.., મિસિસ મહેતા.."

"યસ..મે'મ..?"

"વાય આર યૂ નોટ ટ્રાયીંગ ફોર ટેકિંગ ટ્યૂશન્સ? યૂ હેવ અ વેરી ગુડ ટીચિંગ સ્કીલ."

"થેન્ક યૂ, મે'મ ફોર યોર એડમાયરેશન એન્ડ હમ્બલ સજેશન. આઈ ડેફિનેટ્લી થિંક અબાઉટ ઈટ." રેવા ખુશ થઈને બોલી.

સ્કૂલ ટીચર સાથે થોડીક વાત કરી એ લોકો ત્યાંથી ઊભા થયાં ને ઘરે આવ્યાં. રેવા અને રીધમને ઘરે ડ્રોપ કરી ધર્મેશ ઑફિસ ગયો. સાંજે ઘરે આવ્યો ત્યારે જમતાં - જમતાં રેવાએ સ્કૂલ ટીચરે કહેલી વાત કાઢી,

"ધર્મેશ...સ્કૂલ ટીચરનાં કહેવા પ્રમાણે મને લાગે છે કે મારે  ટ્યૂશન લેવાનું શરૂ કરવું જોઈએ. તમારો શું અભિપ્રાય છે?"

"જરાય નહિ."

"શું..?"

"ટ્યૂશન લેવાનું શરૂ ન કરવું જોઈએ એમ. "

"કેમ..?"

"તારી પાસે એક્સ્ટ્રા સમય ક્યાં છે…?"

"એ તો સમય ને હું થોડો એક્સ્ટ્રા બનાવી દઈશ. "

"સ્કૂલ ટીચરે કીધું એટલે આપણે માની નહિ લેવાનું. રીધમનું સારું ભણતર જોઈને એ બોલ્યા પણ એમને ક્યાં ખબર છે કે તારાં પર ઑલ રેડી બહુ જવાબદારી છે. પોતાનો એક છોકરો ભણાવવો તો ઠીક છે પણ બીજાનાં છોકરાં ભણાવવા સહેલું નથી. "

"ટ્રાય કરવામાં શું જાય છે..?"

"ઘરને તો ઠીક છે તું સંભાળી લઈશ પણ પછી વ્યવહારનું શું..? અઠવાડિયામાં બે - ત્રણ દિવસ તો તારાં વ્યવહાર સાચવવામાં જ જતાં રહે છે."

"વ્યવહાર સાચવવાનું ઓછું કરી નાંખીશ."

"બોલવું સહેલું છે હું ઓછું કરી નાંખીશ પણ જ્યાં ફરજિયાત જવું પડે એવું હોય ત્યાં જયા સિવાય છૂટકો નથી રહેતો."

"પણ.."

"તું આપણાં રીધમને સારી રીતે ભણાવ બસ."

"મને નોકરી કરવાની ના પાડી દીધી. હવે ઘરમાં રહીને હું ટ્યૂશન કરાવું તો પણ ના. ઘરે રહીને કામ કરવામાં વાંધો શું છે?"

"વાંધો કંઈ નથી, તારાં જ સારાં માટે જ મેં નોકરી માટે ના પાડી હતી અને ટ્યૂશન કરાવવા માટે પણ ના કીધી. તું મને સાચવે છે, મારાં મમ્મી- પપ્પાને રાખે છે, રીધમને સંભાળે છે, ઘરનાં આટલાં કામ કરે છે, વ્યવહાર સંભાળે છે, પછી તું કેટલું કરીશ? અને આપણે એવી કોઈ પૈસાની જરૂરિયાત પણ નથી કે તું આમ બીજાનાં છોકરાંને ભણાવીને પૈસા કમાય."

"સવાલ પૈસાનો નથી, ધર્મેશ. સવાલ પોતાની ઓળખનો છે. પોતાની અંદર રહેલાં એક વિશિષ્ટ, આંતરિક ગુણ જે ક્યાંક દબાઈને રહી ગયો છે એને બહાર લાવવાનો છે."

"લગ્ન પછી સ્ત્રીઓ ઘર, વર, પરિવારને સારી રીતે રાખે,  સંતાનને સારી ઉછેર એ જ એમનાં માટેનો વિશિષ્ટ ગુણ હોય છે, ને તું એ વાતમાં નિપુણ છે જ, પછી તને હજી ક્યો આંતરિક ગુણ તારે બહાર લાવવો છે? કઈ ઓળખ તારે મેળવવી છે ? તું મારી પત્ની છે, આ ઘરની વહુ છે, મારાં માતા - પિતાની પુત્રવધુ છે, રીધમની માતા છે, એ જ તો તારી સૌથી મોટી ઓળખ છે."

"મારી..સ્વતંત્ર..ઓળખ.."

"ઓહ..! સ્ટોપ ઈટ. મને એક અરજન્ટ કૉલ આવે છે, હું અંદર રૂમમાં વાત કરવા માટે જાઉં છું. તું તારું કામ પતાવી અંદર આવી રૂમમાં આવી જજે. આશા છે કે મારી વાત તું સમજી ગઈ હશે, એટલે હવે ફરીથી આવી વાત ન ઉકેલીશ,

પ્લીઝ. "

આગળ વાત વધે એ પહેલાં ધર્મેશ અંદર રૂમમાં જતો રહ્યો. રીધમને પણ સૂવા માટે લઈ ગયો. આજે તો રેવાને મનમાં એવું જ થયું કે જીદ કરીને પોતાની વાત મનાવી લે, પણ એણે એવું કશું જ કર્યું નહિ. કામ પતાવી અંદર રૂમમાં સૂવા માટે જતી રહી. અંદર જઈને જોયું તો રીધમ અને ધર્મેશ બંન્ને ઘસઘસાટ ઊંઘી રહ્યાં હતાં. એ લોકોને જોઈને રેવા સ્હેજ હસી ને એ લોકોએ ઓઢેલી ચાદર સરખી કરવા લાગી. અચાનક જ એની નજર ધર્મેશની બાજુમાં રહેલી એક નોવેલ પર પડી. એણે હાથમાં એ નોવેલ લીધી ને એક પાનું ખોલીને જોયુ. કંઈક વાંચીને એનાં મોઢાં પર સ્મિત રેલાઈ ગયું. એ નોવેલને એણે ટેબલ પર મૂકી દીધી ને લૅમ્પ બંધ કર્યો. એ અંદર બાથરૂમમાં નાઈટ વેર બદલાવા ગઈ ને પછી લાઈટ બંધ કરી સૂઈ ગઈ.

(ક્રમશ:)

-------------

Rate & Review

Vaishali

Vaishali 1 week ago

Khyati Pathak

Khyati Pathak 2 months ago

Parul

Parul 3 months ago

Manisha Mecwan

Manisha Mecwan 9 months ago

Nayana Shah

Nayana Shah 9 months ago