Sneh nitarati sanj - 1 books and stories free download online pdf in Gujarati

સ્નેહ નીતરતી સાંજ - 1

નમસ્કાર વાચક મિત્રો 🙏

વર્ષા ઋતુ એટલે સૌને ગમતી ઋતુ. વર્ષાઋતુને અનુલક્ષીને માતૃભારતી પર એક હરિફાઈ મોનસૂન વાર્તા સ્પર્ધા યોજવામાં આવી હતી. આ મોનસૂન વાર્તા સ્પર્ધામાં " સ્નેહ નીતરતી સાંજ " ત્રણ ભાગની એક નવલિકા મેં મૂકી હતી. જે વાર્તાએ આ હરિફાઈમાં ત્રીજો નંબર મેળવ્યો છે. જેને માટે હું માતૃભારતી ટીમ તેમજ મારા તમામ વાચકોની ખૂબ ખૂબ આભારી 🙏 છું.

મારી અગાઉની રચનાની જેમ જ આ રચના પણ સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.

અનરાધાર વરસાદની હેલીમાં બે યુવાન હૈયાનું મિલન અને પ્રેમની આ એક દિલચસ્પ કહાની છે. તો ચાલો રહસ્ય અને રોમાંચ તથા રોમાંસથી ભરપૂર વાર્તાની સફર માણીએ.મારી અગાઉની રચનાઓની જેમ આ રચનાને પણ પસંદ કરશો તેવી આશા રાખું છું. આપના અમુલ્ય પ્રતિભાવ અને રેટિંગ્સ જરૂર આપજો.
~ જસ્મીના શાહ

" સ્નેહ નીતરતી સાંજ "ભાગ-1

વરસાદ અનરાધાર વરસે જતો હતો, આજે તે રોકાવાનું નામ લેતો ન હતો જરા તોફાની બનીને જ આવ્યો હતો અને પાણી ભરેલાં કાળા ડિબાંગ વાદળો પંજરીના જીવનમાંથી હટીને આજે આકાશમાં સ્થિર થઈ ગયા હતાં. વરસાદને કારણે અંધારું પણ વહેલું થઈ ગયું હતું.

પણ પંજરીને આજે જે તક મળી હતી તે તકને તે ગુમાવવા માંગતી ન હતી. આજે તેણે ઘર છોડવાના પોતાના નિર્ણયને અમલમાં લાવી દીધો હતો. પરંતુ આ વરસાદી માહોલમાં ક્યાં જવું? પોતાની સૌંદર્ય સભર યુવાનીને ક્યાં અને કઈ રીતે સંતાડવી? તે એક સળગતો પ્રશ્ન તેનાં સળગેલા મનને સતત સતાવી રહ્યો હતો.

જેટલી તીવ્રતાથી સાંજ રાત્રીના ઘોર અંધકારમાં ફેરવાતી જતી હતી તેટલી જ તીવ્રતાથી પંજરીના દિલના ધબકારા પણ વધતાં જતાં હતાં.

કાલુભા જેવો ખતરનાક માણસ ગમે તે રીતે શામ,દામ, દંડ ભેદ કરીને પણ તેને શોધી કાઢે તેમ હતો અને પછી એ જ કારાવાસસમી જિંદગી....અને તે યાદ આવતાં જ પંજરી ધ્રુજી ઉઠતી હતી.

જુનું શીવજીનું મંદિર હતું ત્યાં સુધી પંજરી વરસતાં વરસાદમાં પલળતી પલળતી પોતાની પાછળ કોઈ આવી તો રહ્યું નથીને..! તેની ખાતરી કરતી કરતી પહોંચી ગઈ હતી. હવે વધુ આગળ ભાગવાની તેનામાં કોઈ તાકાત રહી ન હતી અને મંદિરના પુજારી પાસે આશરો લેવાની ઈચ્છાથી તે અહીં અટકી ગઈ હતી.

પંજરીએ મંદિરના પરિસરમાં નજર કરી પરંતુ કોઈ પુજારી કે કોઈ પણ માણસ તેને નજરે પડ્યું નહીં તેથી તે મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશી પણ ત્યાં પણ કોઈ તેને નજરે પડ્યું નહીં મંદિરની હાલત જોતાં તેને લાગ્યું કે આ મંદિરમાં તો ઘણાં સમયથી કોઈએ પૂજા જ કરી નથી.

હવે શું કરવું? અહીંયા તો કોઈ તેને આશરો આપે તેમ નથી? અને બહાર તોફાની વરસાદે જેટલું ઘમસાણ ચલાવ્યું હતું તેટલું જ એક પછી એક પ્રશ્નનું અને અને વિચારોનું તોફાની ઘમસાણ પંજરીના મનમાં ચાલી રહ્યું હતું.

પરંતુ આજની રાત તો અહીં આ મંદિરમાં જ વિતાવવી તેવું તેણે નક્કી કરી લીધું હતું.

એટલામાં બહારથી કંઈક અવાજ આવ્યો તે ખૂબજ ગભરાઈ ગઈ જોયું તો કાલુભા અને તેનાં માણસો એક જીપમાં ત્યાંથી પસાર થતાં તેને નજરે પડ્યા અને કાલુભા બૂમો પાડી રહ્યો હતો કે, " ભાગીને કેટલે દૂર જશે એ છોકરી, આટલામાં જ હશે શોધી કાઢો તેને" અને ખૂબજ ગભરાયેલી પંજરી ખૂણામાં લપાઈ ગઈ.

થોડી વાર પછી વરસાદ ખૂબજ વધી ગયો, પોતાની સામે નજીકમાં પણ કશુંજ ન દેખાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ અને એટલામાં મંદિરની બહાર એક ઓડી ગાડી આવીને ઉભી રહી અને તેમાંથી એક પાંચ ફૂટ પાંચ ઈંચની ઉંચાઈ ધરાવતો રુષ્ટ-પુષ્ટ, એકદમ હેન્ડસમ, રૂપાળો યુવાન ગાડી પાર્ક કરીને પોતાની છત્રી ખોલીને દોડતો મંદિરમાં પ્રવેશ્યો.

પંજરી ગર્ભગૃહમાં સંતાઈને આ બધું જ જોઈ રહી હતી અને તેના હ્રદયનાં ધબકારા ફૂલ સ્પીડમાં વધી રહ્યા હતાં અને પેલો યુવાન જેવો મંદિરના પરિસરમાં પ્રવેશ્યો કે તરત જ તે ગર્ભગૃહના ખૂણામાં ધકેલાઈ ગઈ‌.

પરંતુ પરિસરમાં પણ આ યુવાનને વરસાદ પલાળી દે તેમ હતો તેથી તે પણ મંદિરમાં આવ્યાની બીજી જ મિનિટે ગર્ભગૃહમાં પ્રવેશ્યો.

ગર્ભગૃહમાં અંધારું ખૂબ હતું તેથી તેની નજર પંજરી ઉપર પડી નહીં પરંતુ ખૂણામાં છૂપાયેલી પંજરી ઠંડી લાગવાને કારણે અને ડરને કારણે ખૂબજ ધ્રુજી રહી હતી અને તેનાથી સિસકારા બોલાઈ ગયા.

પેલા અજાણ્યા યુવાને પોતાની આસપાસ કોઈની હાજરીનો અહેસાસ અનુભવ્યો અને તરતજ પોતાના ખિસ્સામાંથી મોબાઈલ કાઢીને મોબાઈલની ટોર્ચ ચાલુ કરીને જોયું તો તેની નજર પંજરી ઉપર પડી દૂધથી પણ વધારે સફેદ, ખૂબજ સુંદર રૂપાળી, યુવાન નાજુક નમણી ઠંડીથી ધ્રુજી રહેલી અને ડરને કારણે ઢળી ગયેલી આંખોવાળી આ છોકરી આવા વરસાદી માહોલમાં અહીં ક્યાંથી?

એમ આ અજાણ્યો યુવાન વિચારવા લાગ્યો અને તેણે પંજરીને પૂછ્યું, "તું કોણ છે અને બીજું કોણ છે તારી સાથે?"

પંજરી: (ખૂબજ ગભરાયેલી છે અને ડરતાં ડરતાં જવાબ આપે છે.) હું એક છોકરી છું અને એકલી જ છું. બીજું કોઈ નથી મારી સાથે.

અજાણ્યો યુવાન: (ખૂબજ ગુસ્સાથી) હા, એ મને દેખાય છે કે તું એક છોકરી છે પણ એકલી છોકરી આટલા વરસાદમાં અહીં ક્યાંથી?

પંજરી: એ તો હું આગળ જતી હતી પણ વરસાદ વધી ગયો અને અંધારું પણ ખૂબ થઈ ગયું એટલે અહીંજ રોકાઈ ગઈ.

અજાણ્યો યુવાન: આગળ ક્યાં જતી હતી અને એ પણ એકલી ! મને ખબર છે ત્યાં સુધી હું આ રસ્તા ઉપરથી ઘણી વખત પસાર થાઉં છું આ રસ્તો સૂમસામ છે અને આવા નિર્જન રસ્તા ઉપરથી સાંજના સમયે કોઈ છોકરી એકલી નીકળે અને તેના માતા-પિતા નીકળવા દે તેવું હું માનતો નથી. ઘરેથી ભાગીને આવી છે કે શું?

પંજરી: ખૂબજ ડર લાગે છે પણ સાચું જણાવ્યા વગર છૂટકો પણ નહોતો એટલે હકારમાં માથું ધુણાવે છે.

એટલામાં વરસાદ થોડો ધીમો પડે છે એટલે પેલો અજાણ્યો યુવાન પોતાના ઘરે જવા માટે નીકળે છે અને પંજરીને કહે છે, "સાંભળ, મારું નામ માધવ છે મારી અહીં આગળ જી. આઈ. ડી. સી.માં પ્લાસ્ટિકની ફેક્ટરી છે તેથી હું અવાર-નવાર આ રસ્તેથી પસાર થવુ છું. ચાલ તને તારા ઘરે મૂકી જવું"

માધવ અને પંજરી બંને એક જ છત્રીમાં મંદિરની બહાર નીકળ્યા અને પંજરી કંઈપણ બોલ્યા વગર માધવની ગાડીમાં ગોઠવાઈ ગઈ.

ગાડીમાં બેઠા પછી પંજરી બોલી કે, "મારે મારા ઘરે નથી જવું તમે મને ક્યાંક બીજે મૂકી જાવ"

માધવ: અત્યારે રાત્રે આટલા બધા વરસાદમાં હું તમને બીજે ક્યાં મૂકી જવું? અને મારે પણ ઘરે પહોંચવું છે. હું આખો પલળી ગયો છું.

પંજરી: તો તમે મને અહીં જ ઉતારી દો. હું મારી રીતે ચાલી જઈશ.

માધવ: અહીં રસ્તામાં? અને તમે ઘરે પાછા કેમ જવા નથી ઈચ્છતા?

પંજરી: કાલુભા મને ફરીથી પેલા રૂમમાં પૂરી દેશે.

માધવ: કોણ છે આ કાલુભા?

પંજરી: કાલુભા અમારું ઘર અને જમીનના રખેવાળ છે. હું બાર વર્ષની હતી ત્યારે મારા મમ્મી-પપ્પાનું એક એક્સિડન્ટમાં મૃત્યુ થયું હતું ત્યારથી કાલુભા જ અમારી જમીન જાયદાદનો વહીવટ સંભાળે છે હવે હું અઢાર વર્ષની થઈ ચૂકી છું એટલે તમામ મિલકત મારા નામે થઈ ગઈ છે. કાલુભા મારી બધીજ મિલકત મારી પાસેથી પડાવી લેવા માંગે છે. તેથી તેના પાગલ દીકરા અંકિત સાથે મારા લગ્ન કરાવીને બધીજ મિલકત તેનાં નામે કરાવીને પછી મને મારી નાખવાના પેંતરામાં છે. આ વાત મેં મારા કાને સાંભળેલી છે. આ વાત સાંભળ્યા પછી મેં પહેલા પણ એકવાર ભાગવાની કોશિશ કરી હતી ત્યારથી કાલુભાએ મને એક રૂમમાં પૂરી દીધી છે.

માધવ: સાચું કહે છે તું કે પછી ખોટું બોલે છે.

પંજરી: ના ના, સાચું કહું છું. તમારા સમ બસ.

માધવ: એ, મારા સમ કેમ ખાય છે? મારે તારી સાથે શું સંબંધ છે?

પંજરી: અરે, સોરી સોરી મારા સમ બસ.

માધવ: જો તને વાંધો ન હોય તો આપણે એક કામ કરીએ અત્યારે તું મારી સાથે મારા ઘરે જ ચાલ પછી હું તને પોલીસને સોંપી દઈશ‌.

પંજરી: ના, મારે પોલીસ સ્ટેશને નથી જવું એક કામ કરો તમે મને અહીંયા જ ઉતારી દો.

માધવ પંજરીને પોતાના ઘરે લઈ જાય છે કે પોલીસ સ્ટેશને લઈ જાય છે કે ત્યાં જ રસ્તામાં ઉતારી દે છે?

જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
26/9/2021