Shu kahu aa Premne ? - 1 books and stories free download online pdf in Gujarati

શું કહું આ પ્રેમને? - 1

પ્રકરણ - ૧

કેમ છો વાચકમિત્રો?

નમસ્કાર,

લાંબી નવલકથાઓ બાદ આજે માતૃભારતી પર મોન્સુન સ્ટોરી ચેલેન્જ સ્પર્ધા અંતર્ગત એક નાનકડી ફિક્શન સ્ટોરી આપ સહુ સમજ રજું કરી રહી છું. નાનકડી એક અદભૂત પણ અસામાન્ય પ્રેમકથાને એકદમ સુંદર રીતે બધાં પાસાઓ સાથે આવરી લેવામાં આવી છે. આપ સહુને મારી બધી નવલકથાઓની જેમ આ પણ ચોક્કસ ગમશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. બસ આપનો સાથ સહકાર મળ્યો છે અને હંમેશા મળતો રહેશે એવી જ આશા રાખું છું.

***********

વાતાવરણમાં અચાનક પલટો આવતાં અષાઢી મેઘ ચોમેર ઘેરાઈ ગયાં છે. સવારમાં સ્વચ્છ લાગતું એ વાતાવરણ અચાનક પવન અને વીજળીના કડાકા સાથે વાદળોથી ઘેરાઈ ગયું અને જાણે પછી તો મિનિટોમાં જ અશ્રુબંધ તુટી પડ્યો હોય એમ અનરાધાર ધોધમાર વરસાદ શરું થઈ ગયો છે.

લગભગ પોણા નવનો સમય છે, ગુરુવારનો દિવસ. આ સમય એવો છે નોકરી ધંધા માટે જવાનો મોટા ભાગનાં લોકોનો સમય હોય, રસ્તાઓ પણ પેક હોય, એમાં પણ જો આ બધામાં વરસાદને કારણે ક્યાંક એકાદ ભૂવો પડી જાય તો પછી ટ્રાફિક ચક્કાજામ કારણ કે આ અમદાવાદનો ટ્રાફિક જ ને?

એ ટ્રાફિકની વચ્ચે જ ફસાઈને ઊભેલા લોકોમાં એક મિડીયમ બાંધો અને ઘઉંવર્ણો ચહેરો ધરાવતો લગભગ પચ્ચીસેક વર્ષનો યુવાન માથામાં હેલ્મેટ અને રેઈનકોટ પહેરીને બાઈક પર ટ્રાફિક  ખુલવાની રાહ જોઈ રહ્યો છે. થોડી થોડી વારે મોબાઈલ કાઢીને સમય જોવો અને ચહેરા પરનો તણાવ એ કદાચ કોઈ જગ્યાએ સમયસર પહોચવાનું હોય એ તરફ ઈશારો કરી રહ્યો છે.

ત્યાં જ ટ્રાફિક ખુલતાં જ એ પણ બાઈક ભગાવવાની તૈયારીમાં જ છે ત્યાં જ એક એકદમ ગોરેવાન, છુટ્ટા અડધા નીતરતા વાળ, અને શર્ટ અને નીચે પેન્ટમાં એક પ્રોફેશનલ જોબ માટેના લુકમાં એક છોકરી ઓટોને રોકવા માટે વારેવારે પ્રયાસ કરી રહી છે, પણ ક્યાંક ભરેલી ઓટો ઉભી રહેવા તૈયાર નથી તો કોઈ ઉભું રહીને તરત જ જતું રહે છે, એનાં ચહેરા પર એક ટેન્શન દેખાઈ રહ્યું છે. રડમસ ચહેરે શું કરું એની સમજ ન પડતી હોય એમ દેખાઈ રહ્યું છે.

એ યુવાન અજાણતાં જ રોકાઈ ગયો, જવાની ઉતાવળ વચ્ચે ટ્રાફિક ખાલી થઈ ગયો પણ એ ત્યાં જ ઉભો રહ્યો. પાછળથી હોર્ન વાગતાં એ બાઈક લઈને સાઈડમાં જઈને ઉભો રહ્યો પણ કોણ જાણે એ આગળ નીકળી ન શક્યો.

એણે એ છોકરી પાસે જવા માટે બાઈક એ તરફ લીધું કે તરત જ એના મનમાં દાદીના વાક્યો કાનમાં ગુંજવા લાગ્યાં,"અક્ષત આજે બેટા સમય ચૂકતો નહીં. આજે ખાસ જોષીને બતાવીને આજે છોકરી જોવા જવાનું મુહૂર્ત નકકી કર્યું છે, મહેરબાની કરીને આજે તું સમયસર પહોંચી જજે." અક્ષતના પગ થંભી ગયાં પણ પછી તરત જ સામે ફરીવાર એ છોકરીને એમ જ ઉભેલી જોઈ કે અક્ષત કંઈ પણ વિચાર્યા વિના જ એ તરફ બાઈક લઈને ગયો.

અક્ષતે એ છોકરીની એકદમ નજીક બાઈક ઉભું રાખ્યું કે તરત જ એ ખસી ગઈ અને જાણે કોઈ લુખ્ખા લફંગા એને હેરાન કરવા આવ્યાં હોય એમ એણે અક્ષતની સામે ધૃણાભરી નજરે જોઈને એ થોડી દૂર ખસી ગઈ.

અક્ષત કદાચ સમજી ગયો કે એ શું સમજી રહી છે એટલે અક્ષત ધીમેથી બોલ્યો," એક્સક્યુઝ મી, હું અક્ષત મહેતા છું, મિકેનિકલ એન્જિનિયર છું, એક પ્રાઇવેટ સેક્ટરમાં જોબ કરું છું." કહીને એણે પ્લાસ્ટિકની બેગમાં રાખેલું પોતાની કંપનીનું આઈકાર્ડ બતાવ્યું.

આ જોઈને એ છોકરી બોલી,"હા તો હું શું કરું?"

"સોરી તમે જે રીતે મારી સામે કોઈ લફંગાની જેમ વિચિત્ર નજર કરી એ માટે મેં તમને કહ્યું. મને બીજું કંઈ તમારું કામ નથી પણ મારી અચાનક દૂરથી દ્રષ્ટિ તમારાં પર પડી તો ખબર પડી કે તમે ક્યારનાં ઓટોને ઉભી રાખવાનો આવા વરસાદમાં પ્રયત્ન કરી રહ્યાં છો એટલે જ અહીં આવ્યો કે તમારે ક્યાંય જવું છે? મતલબ કોઈ જોબ પર કે એમ જવાની ઉતાવળ હોય એવું લાગે છે. તો કદાચ તમને હેલ્પ જોઈતી હોય તો?" અક્ષત એકદમ મક્કમતાથી બોલ્યો.

એ છોકરીનાં મનની મૂંઝવણને અક્ષત બરાબર જોઈ રહ્યો એટલે એ બોલ્યો,"મારા પર વિશ્વાસ રાખો, તમારે જ્યાં જવું હોય મૂકીને જતો રહીશ. કંઈ પૂછીશ પણ નહીં તમારાં વિશે કે નંબર પણ નહી માગું, એક સંસ્કારી પરિવારનો દીકરો છું." અક્ષતે એ છોકરીની આખોમાં આંખો પરોવીને વિશ્વાસથી કહ્યું.

એ છોકરી હવે અટવાઈ રહી છે એણે મોબાઈલમાં સમય જોયો અને થોડી ખચકાઈને બોલી,"ઠીક છે પણ થોડું દૂર જવાનું છે તમને ફાવશે?"

"હા બસ એડ્રેસ કહો. તમને પહોચાડી દઈશ." કહેતાં જ અક્ષતે બાઈક સ્ટાર્ટ કર્યું.

એ છોકરી બે મિનિટ આવી કહીને ફટાફટ રોડની સાઈડમાં ગઈ ત્યાં સાઈડમાં ઊભેલી એક મોટી વાઈટ કલરની કાર પાસે ગઈ. ચાવીથી ગાડીનો દરવાજો ખોલ્યો અને અંદરથી એક મોટી ફોલ્ડરવાળી ફાઈલ કાઢી અને બીજી એક પ્લાસ્ટિકની બેગમાં મૂકી અને પોતાનું પર્સ પણ લીધું. પછી એ લઈને ગાડી બંધ કરીને ફટાફટ ત્યાં રોડ તરફ આવવા ગઈ ત્યાં જ અક્ષત બાજુમાં બાઈક લઈને આવી ગયો.

એ છોકરી કંઈ પણ કહ્યાં વિના બાઈકની પાછળ એનાથી સહેજ પાછળ બેસી ગઈ. અક્ષતને થોડું સમજાયું કે છે તો કોઈ સારાં ઘરની દીકરી અને કાર પણ પોતાની જ લાગે છે અને આ ફોલ્ડર જોતાં કદાચ ઈન્ટર્વ્યુ માટે જતી હોય એવું લાગ્યું પણ એને થયું કે વધારે પૂછપરછ કરશે તો એ એને ખોટું સમજશે એટલે એ કંઈ બોલ્યો નહીં ફક્ત એડ્રેસ પૂછીને બાઈક એ તરફના રસ્તે કંઈ જઈને શરું કરી દીધું. એ છોકરી મનોમન જાણે ગભરાહટ સાથે અટવાતી વારેવારે મોબાઈલ તરફ જોવા લાગી.

એને જોઈને અક્ષત ફક્ત એટલું જ બોલ્યો,"તમારે કેટલા વાગે પહોચવાનું છે?"

"સાડા નવ પછી ગેટ બંધ થઈ જશે." એકદમ ગભરાહટમા બોલી.

અક્ષતે કહ્યું, "ઠીક છે હજુ વીસ મિનિટ છે, હું તમને પહોચાડી દઈશ પણ એક વાત પૂછું? ખરાબ ન લગાડતાં પણ તમે ઈન્ટર્વ્યુ માટે જાવ છો?"

"હા ઈન્ટર્વ્યુ માટે જ પણ હવે મને નથી લાગતું કે મને આ હાલતમાં જોઈને કોઈ મને ઈન્ટર્વ્યુમા પાસે કરે. એક આશા હતી એ પણ છીનવાઈ ગઈ." એ છોકરી હતાશા સાથે બોલી.

"પણ ઈન્ટર્વ્યુમા સિલેક્શન તો નોલેજથી જ થાય ને? એમાં શું ચિંતા કરવાની." અક્ષતે શાંતિથી કહ્યું.

"પણ આવી વરસાદમાં લથબથ થયેલી હું અંદર જ કેવી રીતે જઈશ? કદાચ ત્યાં મોટી મલ્ટીનેશનલ કંપની છે કંઈ ડ્રાયર જેવું હોય તો કદાચ થોડી અંદર બેસવા લાયક થઈ શકીશ. એકવાર પહોંચી જાઉં પછી જે થાય તે." એ છોકરી ફરીવાર અટવાતી બોલી.

અક્ષતને સમજાયું નહીં કે પોતાની કાર લઈને આવતી છોકરી પાસે કદાચ કોઈ બીજી કાર કે વ્હીકલનો ઓપ્શન તો હોય ને? ગાડી લઈને આવનાર અમીર પરીવારની દીકરી તો હશે જ! તો આટલી કેમ ગભરાય છે એ સમજાતું નથી પણ એ કંઈ બોલ્યો નહીં.

એટલામાં જ એનાં મોબાઈલમાં ફોન આવતાં એણે બ્લુટુથથી વાત શરું કરી. વાતચીત દરમિયાન એ કંઈ ખાસ ન બોલ્યો," એણે છેલ્લે હા પહોચું જ છું" કહીને ફોન મુકી દીધો એટલે એ છોકરી બોલી,"તમારે પણ ક્યાંક જવાનું લાગે છે?"

"હા, વાંધો નહીં તમને મૂકીને જાઉ છું." કહેતાં એણે સડસડાટ બાઈક કોઈ સાઈડના નાના રસ્તે લીધું અને થોડાં આગળ જતાં જ એક કંઈ નાની હોટેલ જેવું દેખાતા ત્યાં બાઈક ઉભું રાખ્યું.

આ જોઈને એ છોકરી ગભરાઈ કે મારે તો પહોચવાનું છે અને બાઈક અહીં કેમ ઉભું રાખ્યું હશે? આનો કંઈ ખરાબ ઈરાદો તો નહિ હોય ને? પણ એ કંઈ કહે એ પહેલાં અક્ષત ભાગતો ભાગતો અંદર ગયો અને બે જ મિનિટમાં પાછો આવ્યો અને પોતાનાં બાઈકની સાઈડમાં લગાડેલા એક થેલાને હાથમાં લઈને બોલ્યો,"અહીં અંદર જઈને કપડાં ચેન્જ કરી લો. સેફ જગ્યા છે મેં જોઈ લીધું છે. મને એમ હતું કે તમારાં કહેવા મુજબ કપડાં ચાલશે પણ હવે તો તમે અહીં વરસાદ વધતાં એકદમ ભીજાઈ ગયાં છો, આવી સ્થિતિમાં તો કોઈ પણ કંપનીમાં ઈન્ટર્વ્યુ માટે ન જઈ શકાય."

"પણ કપડાં? આમાં? કોનાં કપડાં? કંઈ સમજાતું નથી મને તો." એ છોકરી બોલી.

"અત્યારે આ બધી વાત કરવાનો સમય નથી ફટાફટ અંદર ચલો, આમાં ત્રણેક જોડી કુર્તીને છે, તમને જે કમ્ફોર્ટેબલ લાગે એ પહેરી દેજો. નવા જ પેક છે એટલે એનું ટેન્શન ન કરશો." કહીને અક્ષત એને થેલો હાથમાં આપીને અંદરની તરફ ગયો.

એ છોકરી નાછુટકે પાછળ ગઈ અને અંદર થેલો લઈને હોટેલના એક રૂમમાં અક્ષતે કહ્યાં મુજબ ગઈ. અક્ષત બહાર ઉભો રહ્યો. એણે રૂમમાં જઈને જોયું તો ખરેખર ત્રણ નવાં કુર્તા છે, એમાં એક તો ભારે છે અને બે મિડીયમ. એમાથી એક એણે જોયો તો કદાચ એ એને ઈન્ટર્વ્યુ માટે ચાલે એવો લાગતાં એણે વધારે વિચાર્યા વિના ફટાફટ પહેરી દીધો પણ એને ખરેખર નવાઈ લાગી કે એને સારી રીતે આવી પણ ગયો. એણે ફટાફટ પોતાનાં પર્સમાંથી કોમ્બને કાઢીને તૈયાર થઈ ગઈ અને ઝડપથી બહાર આવી ગઈ. એણે જોયું તો અક્ષત ત્યાં બહાર ઉભો છે એણે ફટાફટ એક નવો રેઈનકોટ એને આપીને કહ્યું,"અહીથી ફટાફટ પહોંચી જશુ પણ કદાચ ફરી પલળી જાવ એનાં કરતાં પહેરી લો."

અક્ષતે કંઈ પણ કહ્યાં વિના જ ફટાફટ ચાલવા માંડયું. એ થેલો અક્ષતે બાઈકની સાઈડમાં લગાડી દીધો અને પૂરવેગે બાઈક ચલાવ્યું. એ સડસડાટ કરતું એ બાઈક સીધું જ કંપનીનાં મેઈન ગેટ પાસે એક્ઝેટ સાડાનવ વાગે લાવીને ઉભી રાખી દીધું.

એ છોકરી ફટાફટ બાઈક પરથી ઉતરી એને અક્ષતને શું કહેવું કંઈ જ સમજાયું નહીં. કોણ જાણે એની આંખો ભીજાઈ ગઈ. એણે કહ્યું,"સોરી, એન્ડ થેન્ક્યુ ફોર હેલ્પ. તમારો નંબર આપો."

અક્ષત નંબર બોલ્યો અને એ જાણે મનમાં એક જ વારમાં યાદ કરતી 'થેન્ક્યુ' કહીને ફટાફટ કંપનીમાં અંદર જતી રહી અને અક્ષત સડસડાટ કરતો બાઈક લઈને ચોક્કસ મંઝિલ પર પહોચવા માટે નીકળી ગયો.

અક્ષત ફટાફટ બાઈક ચલાવીને બાઈક ભગાવવા લાગ્યો પણ વરસાદને કારણે ઠેરઠેર ટ્રાફિક અને થોડું લાબું અંતર હોવાને કારણે એ પોતાને જવાનું હતું ત્યાં એ દસ વાગ્યાને બદલે સાડા દસે પહોચ્યો.

એણે ફટાફટ એડ્રેસ મુજબ એ ઘરની બહાર બાઈક સાઈડમાં ઉભું રાખ્યું અને પછી રેઈનકોટ કાઢીને સાઈડમાં સહેજ કપડાને વાળ સરખા કરીને એ ઘરની બહાર ઊભા રહીને ડોરબેલ વગાડી.

બે મીનિટમાં જ દરવાજો ખુલ્યો તો એક પચાસેક વર્ષનાં પુરૂષે દરવાજો ખોલતાં અક્ષતે એક સ્મિત ફરકાવ્યુ અને બોલ્યો, "અંકલ અક્ષત મહેતા. ફોન પર વાત થઈ હતી ને?"

"હા આવો ને." કહીને એમણે અક્ષતને આવકાર આપ્યો. અંદર જતાં જ અક્ષતે આજુબાજુ જોયું તો બીજું કોઈ દેખાયું નહીં. એ ભાઈએ જ એને પાણી આપ્યું. પાણી પીને અક્ષતની નજર ચોમેર ફરવા લાગી કે ઘરમાં તો બીજું કોઈ દેખાતું નથી પણ કંઈ પૂછે એ પહેલાં જ એ ભાઈ બોલ્યાં,"માફ કરશો પણ તમે જેને જોવા આવ્યા છો એ હવે નહીં મળી શકે. આપણે દસ વાગ્યે મળવાની વાત થઈ હતી અને તમને આવતાં સાડા દસ થઈ ગયાં તો મારી દીકરી જતી રહી કારણ કે એને કોઈ સમય કહ્યાં મુજબ સહેજ પણ મોડું કરે તો એ જરા પણ પસંદ ન પડે."

"પણ અંકલ, વરસાદનું વાતાવરણ છે, કેટલો ટ્રાફિક છે તો થોડું લેટ થઈ શકે એમાં એ જતાં રહ્યાં? માફ કરશો પણ એ ક્યાં ગયાં છે તો હું એમને ત્યાં મળી લઉં." અક્ષત શાંતિથી બોલ્યો.

"માફ કરશો પણ મને પણ ખબર છે, એટલે જ અમે વાતાવરણ થોડું સારું થાય એટલે જોવાનું કહેલું પણ તમારાં ઘરેથી જ અત્યારે અને જોવાનો ફોર્સ કરેલો અને વળી નક્કી થયાં પછી આજે બપોરે શાંતિથી મળવાનું કહેલું પણ તમારાં દાદીએ જ દસ વાગ્યાનો સમય કહેલો અને એ બધું અમે હા કહી છતાં છેલ્લે તમે મોડું કર્યું તો એ ગુસ્સામાં જોબ પર જતી રહી." એ ભાઈ બોલ્યાં.

અક્ષતને થયું કે જો હવે એ આજે મળશે નહીં તો દાદી અને ઘરના બધાં એનાં પર તુટી પડશે, આજની સચ્ચાઈની વાત તો ભૂલથી પણ કહેવાશે જ નહીં પણ કંઈક તો કરવું પડશે એમ વિચારતાં એણે સહજતાથી કહ્યું,"અંકલ તો હવે ફરીવાર ક્યારે મળશે એ?"

"હવે પતી ગયું બેટા. એને સમયને ન સાચવે એ માણસો જરાપણ ન ગમે. હવે એનાં મનમાં ફરીવાર તમને મળવાની વાત બેસાડવી અઘરી જ નહીં પણ અશક્ય છે. બસ હવે મારે પણ કોઈ નવો છોકરો એનાં માટે જોવો પડશે." કહેતાં એ ભાઈ પણ અટવાઈ ગયાં.

અક્ષતને હવે વધારે કંઈ કહેવાનું ઠીક ન લાગ્યું એટલે એણે કહ્યું,"અંકલ તમને વાંધો ન હોય તો મને એમનો નંબર આપી શકશો? હું એકવાર વાત કરી જોઉં, કદાચ માને તો!"

એ ભાઈએ અક્ષતને નંબર આપ્યો અને અક્ષત એમનો આભાર માનતો ત્યાંથી નીકળી ગયો.

કોણ હશે એ છોકરી? એ અક્ષતને ફોન કરશે ખરાં? અમીર પરિવારની દીકરી હોવા છતાં એ કેમ આવી રીતે ટેન્શનમાં હશે? અક્ષતને ક્યાં જવાનું હશે? અક્ષત એ છોકરીને ફરીવાર મળશે ખરાં? જાણવા માટે વાચો, શું કહું આ પ્રેમને? - ભાગ - ૨