Shu kahu aa Premne ? - 3 - Last Part in Gujarati Love Stories by Dr Riddhi Mehta books and stories PDF | શું કહું આ પ્રેમને? - 3 - છેલ્લો ભાગ

શું કહું આ પ્રેમને? - 3 - છેલ્લો ભાગ

પ્રકરણ - ૩

થોડાં દિવસો એમ જ નીકળી ગયાં. અદિતી અને અક્ષત બંને એ ફોન કે મેસેજ પર નોર્મલ વાતચીત કરી રહ્યાં છે. અદિતીની જોબ પણ શરું થઈ ગઈ હોવાથી એ થોડી ખુશ રહેવા લાગી છે.

આમને આમ અદિતી અને અક્ષત નોર્મલ વાતચીત કરતાં કરતાં એકબીજાને પોતાની બધી જ વાત કરતાં કે લાગણીઓ ઠાલવતાં કયારે કહેતાં થઈ ગયાં એ ખબર જ ન પડી. જાણે એકબીજાની આદત પડી ગઈ એમ સવારથી રાત સુધી મેસેજમાં વાત થતી રહેતી હોય છે. બંનેને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો તરત જ એકબીજાને ફોન કરીને કહી પણ દે છે. અદિતીના મનમાં એ વરસાદી વાતાવરણમાં પહેલીવાર અક્ષતની એનાં કટોકટીના સમયમાં પહેલી મુલાકાત હજુ પણ જાણે એને મનમાં એક ખુશી આપી રહી છે.

અક્ષતને થયું કે જાણે મનોમન હવે એ અદિતીને પસંદ કરવા લાગ્યો છે, એની દરેક વાત દરેક વસ્તુઓ એનાં દિલની નજીક આવી ગઇ છે પણ એ અદિતી સાથે સંબંધ આગળ વધારવા વિચારી પણ ન શકવાની હિંમત કરી શકતો નથી કારણે બંને પરિવારો વચ્ચે પૈસા અને વિચારોનો ખાઈ જેવડો મોટો ડિફરન્સ વિચારીને એણે પોતાની લાગણીને રોકી દીધી. બે વાર એ લોકો બહાર મળ્યાં પણ ખરાં પણ હવે અક્ષતે જાણે મનોમન અદિતીને ન મળવાનું વિચારી દીધું કારણ કે અદિતીથી દૂર જવાના વિચાર માત્રથી એ થથરી જાય છે.

આ પહેલી મુલાકાતના ચાર મહિના પછી એક દિવસ રવિવારે સવાર સવારમાં અદિતીનો ફોન આવ્યો. અક્ષત તો આરામથી સૂતો હતો. સવાર સવારમાં ફોન જોઈને એણે અડધી ઉંઘમાં જ ફોન ઉપાડ્યો. ફોન ઉપાડતાં જ અદિતી ગભરાઇને બોલી,"અક્ષત કાલે મને મારાં પરિવારજનોએ એક છોકરો કંઈ કહ્યાં વિના જ સાજે ઓફિસથી આવી કે બતાવી દીધો. પૈસાદાર પરિવારનો એકનો એક દીકરો છે, એમબીએ થયેલો છે પણ પોતાની ફેક્ટરીઓ સંભાળે છે, દેખાવડો પણ છે એટલે ઘરવાળાઓને બરાબર ગમી ગયું છે એ લોકો તો આજે જ સગાઈ ગોઠવવાનું કહેતાં હતાં પણ મેં બહાનું કરીને આજે ના પાડી દીધી."

અક્ષતની તો અચાનક આ સાંભળીને ઉઘ ઉડી ગઈ. અદિતી બીજાં કોઈની થઈ જશે એ વિચારે જ બિચારો એકદમ રડમસ બની ગયો પણ પછી પોતાની જાતને સ્વસ્થ કરીને બોલ્યો,"હા તો બધું સારું હોય તો શું વાંધો છે બકા?"

"મારે નથી કરવું અક્ષત. મને એ પસંદ નથી પડ્યો. મારે આ સગાઈ નથી કરવી." અદિતી બોલી.

"પણ કેમ? શું થયું?" અક્ષત ટેન્શનમાં બોલ્યો.

"એ છોકરો એકદમ કેરેક્ટરલેસ છે, મારી એક ફ્રેન્ડનો બોયફ્રેન્ડ હતો, આ તો મને એકવાર એની સાથે એનો ફોટો જોયેલો એટલે ડાઉટ ગયો એટલે મેં એને સીધો ફોન કર્યો. તો એ એનો બોયફ્રેન્ડ તો નીકળ્યો એ તો કદાચ સમય અને પરિસ્થિતિ અનુસાર હોઈ શકે, પણ એ લોકોનું એનાં છોકરીઓ ફેરવવાના રંગીન મિજાજને કારણે જ બ્રેક અપ થયેલું અને એ પછી એ કેટલીય છોકરીઓ ગર્લફ્રેન્ડ બનાવી ચૂક્યો છે, અત્યારે પણ કેટલી જોડે ફરતો હશે એની કંઈ જ ખબર નથી. મેં બીજાં એક બે જણા સાથે પણ તપાસ કરાવી એવાં જ રિવ્યુ મળ્યાં છે." અદિતી બોલી.

"તો તું ઘરે વાત કરને? એવું હોય તો તારાં ભાભીને વાત કરને? તો એ કદાચ ભાઈને વાત કરી શકે." અક્ષત બોલ્યો.

"મેં સીધું જ કહ્યું પણ એ લોકો માનવા જ તૈયાર નથી અને ભાઈએ તો કહ્યું કદાચ એવું એકાદવાર હોય તો એ તો આ જમાનામાં સામાન્ય છે, એવું બહું ન વિચારવાનું હોય,એ કહે છે કે તું દર વખતે કંઈને કંઈ ખામીઓ શોધતી રહે છે તો ઉપરથી રાજકુમાર થોડો આવશે તને પરણવા? એ તો લગ્ન થાય એટલે સુધરી જાય પણ મને નથી લાગતું કે આવાં લોકો ક્યારેય સુધરી શકે. પહેલા મને સપોર્ટ કરતી બંને ભાભીઓ પણ હવે તો કદાચ એમનાં પક્ષમાં આવી ગઈ હોય એવું મને કાલે લાગ્યું. કદાચ એમને એવું થયું હોય કે હું મેરેજ તો નહી કરું તો આખી જિંદગી એમની પાસે જ રહીશ.

કાશ! મમ્મી હોત અત્યારે. મમ્મીને કારણે જ આ એન્જિનિયરિંગ સુધી ભણી શકી પણ એ ગઇ અને જાણે મારી જિંદગી છીનવાઈ ગઈ. એ પોતે આ સોનાની કેદનું દર્દ જાણતી હતી એટલે જ એ હું એનાં જેમ જિંદગી ન જીવું એમ ઈચ્છતી હતી, તું નહીં માને પણ એને બંને ભાભીને પણ જોબ કરવા માટે એ સપોર્ટ કરશે એટલું એણે એમને અંદરખાને કહ્યું હતું પણ કદાચ એમને એ ઘરની એશોઆરામવાળી જિંદગી જીવવી હશે કે શું પણ એ લોકોએ કંઈ કર્યું જ નહીં." કહેતાં જ અદિતી રીતસરની રડી પડી.

અક્ષતને શું કહેવું એ સમજાયું નહીં. એ બોલ્યો,"પણ હવે શું કરીશ અદિતી? આમાં તો હું પણ તને કંઈ મદદ કરી શકું એમ નથી. તને એવું લાગતું હોય કે હું કંઈ કરી શકું તો મને કહે, હું બેશક કરીશ એ ગમે તેટલું અઘરું હશે."

"મને અત્યારે અગિયાર વાગ્યે મળી શકીશ?"અદિતી બોલી.

અક્ષતને એક જગ્યાએ સંબંધીના ત્યાં જવાનું હોવા છતાં એણે અદિતીને હા કહી દીધી અને એ ઘરે ઓફિસના એક કામ માટે ઈમરજન્સીમાં જવાનું કહીને ઘરેથી નીકળી ગયો.

અક્ષત અદિતીએ કહેલી જગ્યાએ પહોંચી ગયો. એ એક શાંતિવાળી અને મોસ્ટલી કપલ જ આવતાં હોય એવી જગ્યા દેખાઈ. અક્ષતને કંઈ સમજાયું નહીં. એ અદિતી સાથે અંદર ગયો. અંદર બહું ઓછાં લોકો છે, ત્યાં એક સાઈડની જગ્યાએ બંને ગયાં. આજે અદિતી એકદમ હતાશ દેખાઈ રહી છે, એનો ઉદાસ ચહેરો જોઈને અક્ષતને જાણે ન ગમ્યું પણ એની અપેક્ષા વિરૂદ્ધ જ ત્યાં જઈને ઉભાં રહ્યાં કે તરત જ અદિતી અક્ષતને ભેટી પડી.

અક્ષતને તો કંઈ સમજાયું જ નહીં કારણ કે આજસુધી એની નજીક કોઈ છોકરી આવી રીતે આવી નથી અને અદિતી અને એની વચ્ચે કદાચ કહી શકાય કે સારી એવી ફ્રેન્ડશીપ પણ છે અને પોતે પણ અદિતીને પસંદ કરવા લાગ્યો છે પણ અદિતીએ તો ક્યારેય એવી રીતે અક્ષત સામે વાત કે વર્તન કર્યું નથી. એ બંને આ રીતે કોઈ દિવસ એકબીજાની નજીક આવ્યાં નથી.

અક્ષત દ્વિધામાં મૂકાઈ ગયો કે હવે શું કરે? એને સાંત્વના આપતાં પોતાનાં બે હાથ અદિતીના પીઠ પર રાખવાની પણ હિંમત ન ચાલી. એ થોડીવાર એમ જ ઉભો રહ્યો પણ પછી અક્ષતની થોડીવારમાં એની ટીશર્ટ ભીની થઈ હોય એવું લાગતાં એને એ અદિતીનો ડૂસકાં વિનાનો એ અશ્રુબંધ હોય એવું અનુભવાતા અનાયાસે જ અક્ષતના હાથ અદિતીની ફરતે વીંટળાઈ ગયાં અને અક્ષતની આંખો ભીંજાઈ ગઈ.

થોડીવાર સુધી બંને વચ્ચે ચુપકીદી છવાઈ ગઈ પછી અક્ષતે અદિતીને સહેજ દૂર કરીને એનાં ચહેરાની સામે જોયું અને  બોલ્યો,"શું થયું બકા? મને ખબર છે પણ તારી સ્થિતિ પણ"

"આઈ લવ યુ અક્ષત." અદિતીએ સીધું જ કહી દેતાં અક્ષત તો એની સામે એકદમ આઘાત લાગ્યો હોય એમ જોઈ રહ્યો કારણ કે અદિતીએ કોઈ દિવસ એની સામે દોસ્તથી વધારે લાગણી બતાવી જ નથી અને આજે અચાનક આવું કહી દીધું. એ બે મિનિટ કંઈ બોલ્યો નહીં એટલે અદિતી બોલી,"શું થયું અક્ષત? મેં કહ્યું એ સત્ય છે પણ જો તને હું પસંદ ન હોઉં કે આ સંબંધ ન ગમે તો મને કંઈ જ વાધો નથી. હું કંઈ પણ કહીશ પણ નહીં અને એ સાવન સાથે ચૂપચાપ સગાઈ અને લગ્ન કરી દઈશ."

"એવું નથી અદિતી પણ આપણો સંબંધ કેવી રીતે શક્ય છે?" અક્ષત બોલ્યો.

"કેમ શક્ય નથી? હું પણ માણસ જ છું." અદિતી સહેજ ગુસ્સામાં બોલી.

"આઈ લવ યુ ટુ..પણ તારો પરિવાર કેટલો અમીર અને એ કરતાં પણ એમની વિચારસરણી જે પ્રકારની છે એ મને સ્વીકારશે ખરાં? અને તું મારા વિશે જાણે છે મારાં પરિવાર વિશે પણ તે મારું ઘર જોયું છે? તું કદાચ જે બંગલામાં રહે છે એનાં ચોથા ભાગ જેટલું પણ મારું ઘર નથી અત્યારે અને એમાં અમે ત્રણથી ચાર જણા રહીએ છીએ. તું જે રીતે ઉછરેલી અને મોટી થઈ છે તું એ પ્રમાણે નહીં રહી શકે, અને હું નથી ઈચ્છતો કે એકવાર હું તને મારી જિંદગીમાં જીવનસાથી તરીકે અપનાવુ અને તું કોઈ પણ રીતે દુઃખી થાય. હા, ભવિષ્યમાં બધું સારું હશે તો મોટું ઘર પણ લઈશ ને બધું જ કરીશ પણ અત્યારે પાંચેક વર્ષ પૂરતું તો એ શક્ય નથી જ કારણ કે હું કોઈ તને હવામાં સ્વપ્નમહેલ દેખાડવા ઈચ્છતો નથી, જે હકીકત છે એ જ કહું છું કારણ કે આ કારણોને લીધે જ મને આગળ ઘણીબધી છોકરીઓએ તો મને જોયાં વિના જ ના કહી દીધી છે." અક્ષતે અદિતીને શાંતિથી સમજાવ્યું.

"હા હું જે પણ છે એમાં જેમાં તારી સાથે તારાં પરિવાર સાથે ખુશ રહીશ. અને આપણે બંને જોબ કરીશું તો થોડા સમયમાં બધું સેટ થઈ જશે. મને તું ગમે છે, તારો નેચર ગમે છે, ટૂકમાં કહું તો તું મને જેવો છે એવો જ ગમે છે. મને તારી હકીકતથી કોઈ તકલીફ નથી. હું થોડાં સમયથી અનુભવતી હતી કે મારાં મનમાં તારાં માટે કોઈ અલગ ફીલિંગ થઈ રહી છે પણ મને એવું હતું કે કદાચ તું મને પસંદ કરતો હોઈશ કે નહીં એટલે હું તારી સામે એવું કંઈ વર્તાવા નહોતી દેતી.

પણ ગઈ કાલે મને ખરેખર અહેસાસ થયો કે એ સાવનને મળી પણ મારું દિલ એ એકેક પળે તને જ શોધી રહ્યું હતું, એ સાવન તો આમ પણ એવો જ છે પણ એ પછી મેં રાતે નક્કી કરી દીધું કે આ લોકો મને પરાણે એની સાથે પરણાવી દેશે કે પછી કોઈ નવો છોકરો લાવશે એ પહેલાં મારે મારાં જીવનનો નિર્ણય કરવો જ પડશે. બસ મેં નક્કી કરી દીધું છે કે જો તને વાંધો ન હોય, તું અને તારો પરિવાર મને પસંદ કરતાં હોય તો કોઈ પણ સ્થિતિ હોય હું તારી સાથે લગ્ન કરવા માનસિક રીતે તૈયાર છું. આર્થિક સગવડો તો સમય જતાં થશે પણ એકવાર જો કેદમાં પુરાઈ જઈશ તો જીવનભર તરફડતી રહીશ. નહીં મરી શકું કે નહીં જીવી શકું. અક્ષત તું બોલને કંઈ?" અદિતી એકીશ્વાસે બોલી ગઈ.

અક્ષત અદિતીના એ ગોરા અને મુલાયમ હાથને પોતાનાં હાથમાં લેતાં બોલ્યો,"ધારો કે આપણે બંને તૈયાર છીએ પણ તારાં ઘરે? એ લોકો હા કહેશે ખરાં? એ લોકોના તે કહ્યાં એ મુજબ સ્વભાવ પ્રમાણે એવું કંઈ કરે અને એમાં હું તો ઠીક પણ મારાં પરિવારજનો મુશ્કેલીમાં મૂકાય તો? એ લોકો બહું સીધાં સાદાં માણસો છે એ લોકો એવું કંઈ સહન નહીં કરી શકે."

"એવું હું કંઈ નહીં થવા દઉં અને આપણે બંને મેચ્યોર અને એડલ્ટ છીએ એટલે એ લોકો તને બીક છે એવું નહીં કરી શકે પણ એક કામ કરવું પડશે, આપણે કોર્ટ મેરેજ કરવા પડશે." અદિતી બોલી.

"કોર્ટ મેરેજ?" અક્ષત ચમકીને બોલ્યો.

"હા, અત્યારે તો એ જ વિકલ્પ છે બાકી બે દિવસમાં જ હું એ સાવન નામનાં જંગલી અને વિકરાળ પ્રાણીની કેદમાં ફસાઈ જઈશ હંમેશાં માટે. તું જેમ કહે એમ કોઈ જ ફોર્સ નથી તને. તારી જવાબની રાહ જોઈશ." કહીને અદિતી આંસુભરી આંખોએ ચાલવા લાગી.

અક્ષત તો જાણે એકદમ ગભરાઈ ગયો. એણે અદિતીનો હાથ પકડીને કહ્યું,"એક મિનિટ ઉભી રહે, મારી સાથે ચાલ."

અદિતી કંઈ પણ પુછ્યા કે વિરોધ વિના જ અક્ષતની સાથે ચાલવા લાગી. અક્ષત એને પોતાનાં બાઈક પર જ સીધો એનાં ઘરે લઈ આવ્યો.

અક્ષતે એનાં મમ્મી પપ્પા અને દાદી સામે એ અને અદિતી એકબીજાને પસંદ કરે છે અને અદિતીના પરિવાર વિશેની સચ્ચાઇ પણ જણાવી. અક્ષતના મમ્મી પપ્પા તો કંઈ બોલ્યાં નહીં. એનાં પપ્પાએ કહ્યું,"બેટા અમને કંઈ વાધો નથી તમે બંને ખુશ હોવ તો પણ અમારી પાસે જે છે એ આજ છે. તું આમાં ખુશ રહી શકે તો અમે તમારાં સંબંધને રાજીખુશીથી અપનાવવા તૈયાર છીએ."

"અદિતી બેટા, તમારાં સંબંધથી અમને કંઈ વાંધો નથી પણ તારાં પરિવારજનો મારાં દીકરાને કોઈ તકલીફ તો નહીં પહોંચાડે ને? એના મમ્મી પપ્પા તો તે જોયાં એમ સીધાસાદા છે, અક્ષત એમનો એક જ દીકરો છે જો એ લોકો એને કંઈ નુકસાન પહોચાડવાની કોશિશ કરશે તો? જો તને એવું લાગતું હોય તો અમે સામેથી તારાં ઘરે પૂછાવીએ પણ સંબંધ બંને પરિવારોની સહમતિથી થાય એ સારું."અક્ષતના દાદી બોલ્યાં

અદિતી અક્ષતના દાદીના પગ પાસે બેસીને બોલી, "બા સાચું કહું તો એવું કરવાનો કોઈ અર્થ નથી એવું કરવાથી કદાચ તમારાં લોકોનું અપમાન થશે અને હું મારાં પોતીકાઓનું અપમાન થાય એવું ઈચ્છતી નથી. જેમ અક્ષત સીધો જ અત્યારે સીધો મને લઈને આવીને આટલી સરળતાથી વાત કરી શક્યો એમ હું એનાં વિશે વાત પણ કરી શકું એમ નથી અને રહી વાત એમનાં સન્માનની તો કદાચ એ લોકોની વિચારસરણીને કારણે જ અક્ષત તરફ ઢળી છું બાકી હું એમનાં બતાવેલાં કોઈ સારાં છોકરાં સાથે લગ્ન માટે હું માનસિક રીતે તૈયાર જ હતી. અક્ષત હવે મારાં માટે પણ મહત્વનો છે મારાં કરતાં વધારે એટલે એને કંઈ પણ નહીં થવા દઉં. એને કંઈ થાય એ પહેલાં હું મારી જિંદગીને દાવ પર લગાવી દઈશ. બસ તમારાં લોકોનાં આશીર્વાદ આપો એ જ મને જોઈએ છે. "

અદિતીની અક્ષત સાથેનાં સંબંધ માટેની મક્કમતા જોઈને એનાં દાદી બોલ્યાં,"ઠીક છે. ખુશ રહો."

અક્ષત અને અદિતીએ વાતચીત કરી અને એનાં દાદીએ જોવડાવ્યા મુજબ એ જ્યોતિષીની વાત સાચી પડી કારણ કે ભલે એ છોકરી એ દિવસે ન મળી પણ અદિતી એને એ દિવસે મળેલી અને જાણે આજે એ ખરેખર સાચું પડી ગયું.

એનાં દાદીએ મુહુર્ત કઢાવીને કહ્યું કે આવતીકાલનું જ દિવસ અને બધું જ સારું છે. અક્ષત અને અદિતીએ લગ્ન કરવાનું નક્કી કરી દીધું.

એ મુજબ જ બીજા દિવસે અદિતી ઓફિસના બહાને જ નીકળી અને પ્લાન મુજબ એ અક્ષતના ઘરે જ તૈયાર થઈને કોર્ટમાં પહોંચી ગઈ. બંને જણાએ લગ્ન કરી દીધાં. અને પછી એ લોકોએ એમના ઘરની નજીકમાં આવેલા મંદિરમાં એનાં દાદીની ઈચ્છા મુજબ હિન્દુ વિધિ મુજબ પણ લગ્ન કરી દીધાં. અક્ષત અને અદિતી બંને ખુશ દેખાઈ રહ્યાં છે. આખો દિવસ બધું પતાવીને અદિતી નોર્મલ બનીને ઘરે ગઈ.

એનાં પહોચતા જ એનાં મોટાભાઈએ કહ્યું," અદિતી પરમદિવસે તારી સાવન સાથે સગાઈ છે, અમે બધી જ તૈયારી કરી દીધી છે કારણ કે તારાં તરફથી સામેથી હા કહે પડવાની અમને કોઈ આશા નહોતી. એટલે તારે હવે જે કહેવાનું હોય એ કહી દેજે અને કંપની છોડવા માટે કહેવાનું હોય તો પણ, પછી તું કહેતી નહીં કે મને અચાનક કહી દીધું કારણ કે સાવન કે એનાં પરિવારને પોતાનાં ઘરની વહુઓ આમ નોકરી કરે એ પસંદ નથી, આમ પણ કોરોડોની કમાણી છે કોઈ જરૂર નથી પૈસાની."

અદિતીના મનમાં જે શંકા હતી એ મુજબ જ થયું. એને થયું કે સારું થયું એણે યોગ્ય સમયે નિર્ણય કરી દીધો. એ કંઈ બોલી નહીં પણ સવારે જોબ પર જતાં બધાની હાજરીમાં બોલી,"મને સાવન સાથેનો સંબંધ મંજુર નથી. હું બીજાં કોઈને પ્રેમ કરું છું અને લગ્ન પણ એની સાથે જ કરી લીધાં છે. તમે જો આ સંબંધને રાજીખુશીથી અપનાવી લો તો સારું બાકી હું આજે અત્યારે જ આ ઘર છોડીને જાઉં છું. એવું ન સમજતાં કે મારે પહેલેથી આવું કંઈ હતું એટલે હું દરેક સંબંધો માટે ના પાડતી હતી, હું તો હંમેશાં તમે મારાં માટે, મારી ઈચ્છાઓ વિશે કંઈ સારું વિચારશો એ માટે રાહ જોતી હતી પણ મારી મા ગઈ અને મારું સર્વસ્વ ગયું. તમે લોકો હંમેશાં તમારી ઈચ્છાઓને મારાં પર થોપવાનો પ્રયત્ન કર્યો છે કદાચ એ બંધનને કારણે જ હું આ બધું કરવા પર મજબૂર થઈ છું." કહીને એણે પોતાની રિયલ ડાયમંડની બુટ્ટી, ગળાની સોનાની ચેઈન, હાથની ત્રણ વીટીંઓ કાઢીને મૂકી દીધી અને ગાડીની ચાવી પણ મૂકી દીધી.

બધાં અદિતીના આ અચાનક લેવાયેલા નિર્ણયને જોઈ જ રહયાં. બે મિનિટ કોઈ કંઈ બોલ્યું નહીં પણ એનો ભાઈ સીધો આવીને એનો હાથ પકડીને બોલ્યો,"તારી આવી હિંમત અદિતી? તને કંઈ ભાન પણ છે કે તું આ શું બોલે છે? હવે તું જોબ તો શું આ ઘરની બહાર પણ નહીં જઈ શકે પરમદિવસે સીધી સગાઈના સમયે બહાર આવીશ" કહીને એનો ભાઈ એને અંદરની બાજુએ પરાણે લઈ જવા ગયો ત્યાં જ એણે અક્ષત એવી બૂમ પાડતાં જ અક્ષતની સાથે બે પોલીસ પણ દેખાઈ.

આ જોઈને એ લોકો થોડા ગભરાયા. એનાં ભાઈએ અદિતીનો હાથ છોડી દીધો.

પોલીસે કહ્યું,"તમારી બહેન અને એમણે જેની સાથે લગ્ન કર્યા છે એ અક્ષત બંને મેચ્યોર અને એડલ્ટ છે અને એમણે પોતાની મરજીથી લગ્ન કર્યા છે એનો તમે કાયદા પ્રમાણે વિરોધ ન કરી શકો. અને તમારાં લોકોની વર્તણૂક પ્રમાણે મારે એમની સિક્યોરિટી માટે વધારે ધ્યાન આપવાની જરૂર છે."

બે મિનિટ કોઈ કંઈ બોલ્યું નહીં પણ એનો ભાઈ બોલ્યો,"અદિતી તે આ ઠીક નથી કર્યું  પરિવારની ઈજ્જતને દાવ પર લગાવી છે."

હજુ સુધી ચૂપ રહેલાં અદિતીના પપ્પા બોલ્યાં,"વિમલ અદિતીને જવા દે. કદાચ ભૂલ આપણી જ કરતાં પણ વધારે મારી છે, એની મમ્મીના ગયાં પછી મમ્મી પપ્પા બંનેની જવાબદારી મારી હતી પણ મેં તો બસ એને પરણાવા માટે જ વિચાર્યા કર્યું કે જાણે મારી જવાબદારી પૂર્ણ થાય, પણ એની મરજીનુ કંઈ વિચાર્યું જ નહીં. એ એની મમ્મી જેવી જ છે એને તો હું જીવતેજીવ એનાં સપનાઓને ઓળખી ન શક્યો પણ મરતી વખતે એને મને અદિતીને એની મરજી મુજબ રાખવાનું વચન માગેલુ, એ પણ કદાચ હું મારાં અહંકારને કારણે નહોતો આપી શક્યો, એની મમ્મી અમને જોડનાર કડી હતી અને એ જતાં જ મારી દીકરી જાણે બે વર્ષથી મારાથી દૂર થઈ. એ કોઈને કંઈ કહી જ ન શકી. પણ મને આજે સમજાય છે કે જીવનમાં એકલાં પૈસાનું મહત્વ નથી હોતું, જીવનમાં પોતીકા સંબધો જેની સામે દિલ હળવું કરી શકાય એનું કેટલું મહત્વ છે એ મને હવે સમજાય છે કે મૃદુલાના ગયાં પછી મારાં જીવનમાં શું ખોટું પડી છે, આટલાં રૂપિયા વચ્ચે પણ જીવનને ખાલી ખાલી અનુભવી રહ્યો છું. બસ અદિતીને જવા દે." કહેતાં પ્રફુલભાઈ રડી પડ્યાં.

આટલાં વર્ષોમાં પહેલીવાર પોતાનાં કડક અને ગુસ્સાવાળા કહેવાતાં પિતાને આવી રીતે રડતાં જોઈને અદિતી એકદમ નબળી પડી ગઈ અને દોડતી આવીને એનાં પિતાને ભેટી પડી. એનો બધો જ ભાર હળવો થઈ ગયો  કારણ કે એક દીકરીને પોતાનાં પરિવારની છત અને પોતીકાઓને છોડવા એ સરળ હોતું નથી.

બે ભાઈઓ તો કદાચ હજુ ગુસ્સામાં છે પણ પપ્પાની વાત સાંભળીને કોઈ કંઈ બોલી ન શક્યું. અક્ષત એનાં સંસ્કાર પ્રમાણે આવીને એમને પગે લાગ્યો. અક્ષત કે અદિતીને સપનામાં પણ આવી કલ્પના નહોતી કે આટલું જલ્દી આવો કંઈ ચમત્કાર થશે, એટલે જ તો એમણે નકલી પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું હતું.

પણ જે પણ થયું બધું સારું થયું. પ્રફુલભાઇએ બંનેને આશીર્વાદ આપીને અક્ષત જેવો છે એવો જ એનાં પરિવાર સાથે અપવાની લીધો.

નસીબ કોણ જાણે ક્યાં લઈ જતું હોય કે અક્ષતને એક સામાન્ય પરિવારની છોકરીઓ એનાં ઘરની સામાન્ય સ્થિતિને કારણે ના કહેતી હતી અને નસીબની રમત કે એક નાનકડી મદદ અને જાણે એક અમીર પરિવારની એક સુંદર, ભણેલીગણેલી છોકરી જીવનસાથી તરીકે મળી ગઈ જેની એને કોઈ દિવસ સ્વપ્નમાં પણ કલ્પના કરી નહોતી.

અક્ષત અને અદિતી જાણે એ નાનકડાં પણ સ્વતંત્ર રીતે જીવન જીવીને મુક્ત રીતે શ્વાસ લઈ શકાય એવા ઘરમાં ખુશીથી રહેવા લાગ્યાં. બંને જણાનો પ્રેમ એક સમજણ અને ઊડા વિશ્વાસને કારણે આજે એક સુંદર બંધનમાં બંધાઈ ગયો અને અમીરીની એ ખાઈ સંબંધો રચાતાં જાણે પળવારમાં મીટાઈ ગઈ અને સંબંધો સોનેરી આભાથી ચમકી ઉઠ્યાં!

"સંપુર્ણ"

ડૉ. રિધ્ધી મહેતા "અનોખી"

Rate & Review

Heena Suchak

Heena Suchak 3 months ago

Vijay

Vijay 5 months ago

Hinaa Desai

Hinaa Desai 7 months ago

Vimal

Vimal 1 year ago

nice

Bijal Patel

Bijal Patel 1 year ago

Share