Pratyancha - 12 books and stories free download online pdf in Gujarati

પ્રત્યંચા - 12

પ્રહર, એક વાત પૂછું ? મને એ તો સમજાય છે પ્રત્યંચાએ હિયાનના ડરથી તમારા લગ્ન વિશે ક્યારેય કશુ કહયું નહી. પરંતુ તને કોનો ડર હતો ? સૌથી મોટી વાત તો મારા મગજમા બેસતી જ નથી કે તે ના કહયું કોઈને. પણ તું મહેતા કુટુંબ નો એકનો એક દીકરો છે. તારા લગ્ન માટે તારા પેરેન્ટ્સે તને ક્યારેક ફોર્સ તો કર્યો હશે ને ! ડૉક્ટર તરીકે તારી એક આગવી ઓળખ છે તો કોઈક તો હશે ને જે તને લગ્ન વિશે પૂછતું હશે ? એકાદ વર્ષ ઠીક છે પણ દસ વર્ષથી તું પ્રત્યંચા સાથે લગ્ન બંધનમા રહે છે. એ પણ એક જ શહેરમા. મને બહુ નવાઈ લાગે છે ને માનવું પણ અઘરું લાગે છે આવું કેવી રીતે થઈ શકે ? અને પ્રત્યંચાને પણ તો ક્યારેક તો એના પેરેન્ટ્સે લગ્ન માટે કહયું હશે ને ? પ્રહર થોડું મંદ મંદ હસ્યો. પાખી તારા સવાલો એકદમ બરાબર છે. તારા જેવું કોઈ પણ અમારા વિશે જાણે તો આ પ્રશ્નો થવા સ્વાભાવિક છે. પાખી તું મારી અને પ્રત્યંચા વિષે ઘણું જાણે છે. જે કોઈ નથી જાણતું. પણ તું મારા વિશે કશુ નથી જાણતી. હા, પાખી મારૂં એક સત્ય જે મને તને કહેવાનો ક્યારેય મોકો જ નથી મળ્યો. આજે જયારે તે પૂછી લીધું છે તો ચાલ એ મારી કિતાબ પણ ખોલી દઉં તારી સામે.
પાખી, મયુર મહેતા અને માયા મહેતા મારા મમ્મી પાપા નહી કાકા કાકી છે. વ્હોટ પ્રહર ? હા પાખી, મારી મમ્મી હું લગભગ છ વર્ષનો હોઈશને એ કેન્સરની બીમારી નો ભોગ બનેલી. અને થોડા સમય પછી એ મને અને આ દુનિયા છોડીને જતી રહી હતી. મારા પાપાએ બીજા લગ્ન ના કર્યા. એટલે મારા માયા કાકી જ મને સંભાળવા લાગ્યા. એમનો દીકરો વિક્રાંત એ મારા કરતા એક વર્ષ નાનો હતો જે એમને મમ્મી કહી બોલાવતો. હું પણ કાકીને મમ્મી કહી બોલાવા લાગ્યો. મારા કાકા અને મારા પપ્પા બન્ને હોસ્પિટલ ચલાવતા. કાકાને હોસ્પિટલ મતલબ પૈસા કમાવાનું સાધન હતુ. અને પપ્પા હંમેશા પેશન્ટ માટે હોસ્પિટલને આગળ લઈ જતા. મહેનત બંને કરતા હતા. ઈરાદા બંનેના અલગ હતા. હું બારમા ધોરણમા હતો. એક દિવસ હું સ્કૂલથી ઘરે આવ્યો ત્યારે પપ્પા મને છોડીને જતા રહયા હતા. એમને હાર્ટ એટેક આવ્યો હતો. ઓહ, આઈ એમ સોરી પ્રહર. પ્રહર તે તારા મમ્મી પપ્પાનું નામ કહયું નહી. હા પાખી, મારી મમ્મીનું નામ પ્રીતિ મહેતા. અને પપ્પાનું પ્રકાશ મહેતા. પાખી એ પછી હું કાકીને તો મમ્મી કહેતો હતો પણ કાકા ને કાકા જ કહેતો. જે કાકીને અમે જયારે બહાર જતા ત્યારે ગમતું નહી. કાકીએ જ મને કહયું હું કાકાને પપ્પા કહી ને બોલાવું. બસ ત્યારથી હું કાકાને પપ્પા કહીને બોલાવા લાગ્યો. વિક્રાંત બારમા ધોરણ પછી કેનેડા સ્ટડી કરવા જતો રહયો. એટલે અહીં હું જ કાકા કાકી જોડે રહેતો. મે મારૂં મેડિકલ અહીં સિવિલમાંથી જ પૂરું કર્યુ. એટલે હું હંમેશા મમ્મી પપ્પા જોડે જ રહયો. આઈ મીન કાકા કાકી જોડે. હવે તારા પ્રશ્નનો જવાબ કે કોઈએ મને લગ્ન માટે કહયું નહી ? હા, સમાજમા ઘણા લોકો હતા જે મને પૂછ્યા કરતા કે લગ્ન કેમ નથી કરતો. પણ મે હંમેશા હસી ને ચૂપ જ રહી ને કોઈ જવાબ કોઈને આપ્યો નહી. મામા, માસી, બીજા સગાઓ લગ્ન માટે વાતો પણ લઈને આવ્યા. હું હોસ્પિટલમા બીઝી છુ એમ કહી વાત ટાળ્યા કરી. અમુક સમય પછી એ લોકો લગ્નની વાત કરવાનું બંધ કરી દીધુ. પણ પ્રહર, તારા પેરેન્ટ્સ તો એમ માને નહી ને, એમને તો તને ફોર્સ કર્યો જ હશે. પ્રહરે સહેજ હસી નિઃશાસો નાખ્યો. એમને ક્યાં ફર્ક જ પડતો હતો હું શુ કરૂં છુ ! પપ્પાએ એક વાર મને લગ્ન માટે કહેલું. ત્યારે હું પ્રત્યંચાને મળ્યો નહોતો. મે ત્યારે હા નહોતું કહયું, પણ ના મે પાડી નહોતી. અને મને બરાબર યાદ છે, એ દિવસે મમ્મીએ પપ્પા સાથે ઝગડો કરેલો. ઝગડો ?? કેમ પ્રહર ?. પાખી, મહેતા હોસ્પિટલ મારા પપ્પાના દાદાએ બનાવેલી. એમને બહુ મોટું નામ કર્યુ હોસ્પિટલનું, અને દિવસ જતા હોસ્પિટલમા ઘણા ફેરફાર થયા કર્યા. મારા પરદાદાએ વસિયત બનાવી એમાં બધી વસિયતના સરખા ભાગ કરેલા. સિવાય હોસ્પિટલ. એમને નક્કી કરેલું કે હોસ્પિટલ વારસમા એને જ મળશે જે ડૉક્ટર હશે. જે વખતે પેઢીમા કોઈ ડૉક્ટર નહી બને ત્યારે આ હોસ્પિટલને કોઈ જાણીતા ડૉક્ટરને સોંપી દેવી. અને હોસ્પિટલના પૈસા અને હોસ્પિટલનું માલિક એજ ગણાશે જે એક મુખ્ય ડૉક્ટર તરીકે ત્યાં ફરઝ નિભાવતું હશે.મમ્મી પપ્પા ઇચ્છતા હતા કે વિક્રાંત ડોક્ટર બને. પણ એ ડૉક્ટર બન્યો નહી. એ મમ્મી પપ્પાના લાખ સમજાવ્યા છતા કેનેડા ગયો. ત્યાં જ એ સેટલ થયો અને લગ્ન કરી લીધા.
પાખી, મમ્મી પપ્પા માટે આ હોસ્પિટલ એટલે રૂપિયાની ખાણ છે. બીજી બધી પ્રોપર્ટી ભાગમા છે. આ એક જ હોસ્પિટલ છે જે એમની એકલાની થઈ શકે. મમ્મી એ દિવસે પપ્પા જોડે ઝગડો કર્યો કે હું લગ્ન ના કરવા માંગુ તો મને ફોર્સ ના કરે. એને પપ્પા ને કહયું કે જો મારા લગ્ન થશે તો મારૂં સંતાન આ હોસ્પિટલનું માલિક બની શકે. વિક્રાંત તો ડૉક્ટર બન્યો નહી પણ એનો છોકરો યુગ હોશિયાર છે એ ડૉક્ટર બની શકે. મા તરીકે મમ્મી એજ ઇચ્છતા હતા કે એમના છોકરાને બધું મળે. એવું નહોતું કે એમને મારો ઉછેર ખરાબ કર્યો. મને પૂરતી સગવડ આપી. હા પ્રેમ..., પ્રેમ એમને વિક્રાંતને વધારે કર્યો. ચિંતા એની વધારે કરી. એ દિવસે મે સાંભળ્યું પછી મે નક્કી કર્યુ કે લગ્ન કરીશ અને જો મારૂં સંતાન ડૉક્ટર બને અને વિક્રાંતનો યુગ પણ ડૉક્ટર બને તો હું યુગ ને આ હોસ્પિટલ આપી દઈશ. થોડા સમય પછી પ્રત્યંચા મારી લાઈફમા આવી. પહેલી જ વારમા એને મને હોસ્પિટલની સાચી હકીકત બતાવી. એ દિવસે ઘરે આવીને મે મમ્મી પપ્પા સાથે એ વિશે વાત કરી. ગરીબ અમીર સાથે આવા ભેદભાવ કેમ ? અને બસ જ્યારથી એમને ખબર પડી કે હું બધું જાણી ગયો છુ અને હવે બધું બદલી દઈશ. ત્યારથી મમ્મી પપ્પાનું વર્તન બદલાઈ ગયું. હું ક્યાં જાઉં છુ શુ કરૂં છુ એ કોઈ મતલબ જ ના રહયો એમને. પ્રત્યંચા મારી લાઈફમા આવી. અને હું એના પ્રેમમા પડ્યો. એ પછી મારૂં સર્વસ્વ એજ બની ગઈ. પ્રત્યંચા જયારે મારી પાસે હોતી, એ મને પ્રેમ કરતી ત્યારે વર્ષોથી કોઈના પ્રેમની તૃષ્ણા જાણે તૃપ્ત થતી હોય એમ મને લાગતું. પ્રત્યંચા જેમ કહે એમ હું બધું જ કરવા તૈયાર હતો બસ બદલામાં મને પ્રેમ જોઈતો હતો. પૈસા, નામ, હોદ્દો બધું મને નાની ઉંમરમા જ મળી ગયેલું. નહોતું તો કોઈ ચિંતા કરવાવાળું, કોઈ જમ્યા છે કે નહી એ પૂછનારું. રાત પડેને સુઈ જાઓ એમ કહેનારું. અને પ્રત્યંચા મારી આ બધી નાની નાની વાતોનું ધ્યાન રાખતી. મારી દુનિયા પ્રત્યંચાની આસપાસ જ જોડાયેલી હતી.
પ્રત્યંચાને તારી આ બધી હકીકતને ખબર હતી ? હા, પાખી લગ્નના બીજા જ દિવસે જયારે પ્રત્યંચા અને હું મળ્યા. ત્યારે જ મે એને બધું જ કહી દીધેલું. અને મે એને વચન પણ આપેલું કે, આ લગ્ન વિશે હું ત્યારે જ જાહેર કરીશ જયારે તું ઈચ્છીશ. હજી પ્રહર, મારૂં મન મુંજાય છે. ચાલ તારા પેરેન્ટ્સને તારા લગ્નમા કોઈ ઇન્ટરેસ્ટ નહોતો. પણ પ્રત્યંચાનું શુ ? શુ એના ઘરમા કોઈએ પૂછ્યું નહી હોય એને. તારી પાસે તો હોસ્પિટલ હતી એટલે તું બહાર રહેતો. તે તારું અલગ ઘર લીધું એનું કારણ પણ હું સમજી. પણ પ્રત્યંચા ઘરની બહાર લગ્ન વગર આટલા વર્ષો કઈ રીતે રહી ? એના ઘરના લોકો માટે તો પ્રત્યંચાના લગ્ન થયા જ નથી ને તો એ કઈ રીતે હૅન્ડલ કરી શકી આ બધું ?
પ્રત્યંચાના સમાજની નજરમા લગ્ન થયા નહોતા, છતાં એ પ્રહર સાથે કઈ રીતે રહી ?.. જાણો આવતા અંકે.....