Prayshchit - 20 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 20

પ્રાયશ્ચિત પ્રકરણ - 20

" પપ્પા ફોટો જોઈને હું શું કરું ? જો કેતન જામનગરમાં જ સેટલ થવાનો હોય તો મને એનામાં કોઈ જ રસ નથી. લગ્ન એ મારી અંગત બાબત છે અને આખી જિંદગીનો સવાલ છે. તમે પ્લીઝ બિઝનેસના સંબંધોને વચ્ચે ના લાવશો. મુંબઈ છોડીને કાયમ માટે જામનગર જાઉં ? નો વે ... પપ્પા !! " નિધી બોલી.

સુનિલભાઈએ જ્યારે રાત્રે ઘરમાં નિધીની કેતન સાથેની સગાઈની ચર્ચા કાઢી અને એનો ફોટો બતાવ્યો ત્યારે એમની દીકરી નિધીએ પોતાનો વિરોધ જાહેર કર્યો.

સુનિલભાઈએ કેતન માટે નિધીનું માગુ નાખ્યું હતું અને આજે જ નિધીના કેટલાક ફોટા સિદ્ધાર્થભાઈના મોબાઇલમાં ફોરવર્ડ કર્યા હતા. સામે કેતનનો ફોટો માગ્યો હતો જે સિદ્ધાર્થે મોકલ્યો હતો.

" અરે પણ બેટા તને પ્રોબ્લેમ શું છે ? ત્યાં તું કેટલી બધી સ્વતંત્ર હોઈશ એનું તને ભાન છે ? કેતન જામનગરમાં એકલો જ રહેવાનો છે અને કરોડો રૂપિયા નો વારસદાર છે. શેઠાણી બનીને રહીશ તું !! તું સમજતી કેમ નથી ? અને જામનગર કંઈ ગામડું નથી. મુંબઈની વાત જવા દઈએ પણ જામનગર પણ રળિયામણું શહેર છે. "

" નહીં પપ્પા.. આ વાત પ્લીઝ આગળ ના વધારશો " નિધીએ કહ્યું.

" તમે આને સમજાવો. તમે જ એને મોંએ ચડાવી છે. એને અક્કલ નથી કે જિંદગીમાં પૈસા નું કેટલું મહત્વ છે !! બસો ત્રણસો કરોડનો વારસદાર છે. " સુનિલભાઈએ એમની પત્ની ધારિણીબેન ને સહેજ ગુસ્સે થઈને કહ્યું.

" નિધી બેટા... મારી વાત સાંભળ. તારે કંઈ કાલ ને કાલ લગન કરવાનાં નથી. તારા પપ્પાએ વાત નાખી જ છે તો એકવાર મળી લેવામાં શું વાંધો છે ? કેતનને મળ્યા પછી છોકરો ના ગમે તો આપણી પાસે હજાર બહાનાં છે. પણ આપણે જ આગળ વધ્યા અને આપણે જ ના પાડી દઈએ તો સંબંધ ખરાબ થાય બેટા " ધારિણીબેને નિધીને સમજાવી.

" ઠીક છે ચાલો મળી લઈશું એકવાર " કહીને નિધી મોઢું ચડાવીને પોતાના રૂમમાં ચાલી ગઈ.

સુનિલભાઈ શાહ પોતે પણ એક શ્રીમંત વ્યક્તિ હતા. ભલે બસો ત્રણસો કરોડની પાર્ટી નહોતા તો પણ વીસ પચીસ કરોડના આસામી હતા. કાંદિવલીના મહાવીરનગર વિસ્તારમાં એમનો આલિશાન ફ્લેટ હતો. નિધી એમની એકની એક દીકરી હતી અને ખૂબ જ લાડકોડમાં ઉછેરી હતી એટલે થોડીક આઝાદ મિજાજની હતી. એને મોડેલિંગનો શોખ હતો. બે-ત્રણ બોયફ્રેન્ડ પણ હતા. પારલાની મીઠીબાઈ કોલેજમાં કોમર્સના છેલ્લા વર્ષમાં હતી.

" જુઓ... તમે એને લગ્ન માટે સમજાવો. કેતનને હું સારી રીતે ઓળખું છું. આપણી ઓફિસે પહેલાં ઘણી વાર આવી ચૂક્યો છે. ખૂબ જ સંસ્કારી છોકરો છે. માણસો પણ સરસ છે. એનો આટલો સરસ ફોટો જોયા પછી પણ તમારી આ છોકરી કેટલાં નખરાં કરે છે ? " સુનિલભાઈ પોતાની પત્ની ધારિણીને આ બધું કહી રહ્યા હતા.
*************************
" પપ્પા હું ગઈ કાલે પટેલ કોલોનીમાં કેતનના ઘરે જઈ આવી." સવારે ચા પીતાં પીતાં વેદિકાએ પપ્પાને વાત કરી.

" શું વાત કરે છે !! તેં તો અમને રાત્રે કંઇ કહ્યું જ નહીં. " પ્રતાપભાઈ બોલ્યા.

" હા પપ્પા... મકાન તો બહુ જ સરસ છે. રસોઈ માટે એક બહેન રાખ્યાં છે અને કામવાળી બાઈ પણ રાખેલી છે. નવી સિયાઝ ગાડી માટે ડ્રાઇવર પણ રાખી લીધો છે." વેદિકા બોલી.

" એ બધું તો ઠીક છે પણ તમારી બન્નેની મુલાકાત કેમ રહી એ કહે ને ? ત્રણસો કરોડ ની પાર્ટી છે એટલે ઘણા કુટુંબોની નજર તેના ઉપર હોય. આપણા સિવાય બીજા લોકોએ પણ એમની દીકરીયું માટે વાત નાખી જ હોય !! છોકરો હાથમાંથી જવો ન જોઈએ બેટા !! "

પ્રતાપભાઈ બદીયાણી બહુ હોશિયાર માણસ હતા. એમણે જમાનો જોયેલો હતો. પોલિટિકલ વ્યક્તિ હતા. એટલે એ ઘણું બધું વિચારી લેતા. સુરતમાં ડાયમંડ માર્કેટમાં જગદીશભાઈનું મોટું નામ હતું. અને એમના પટેલ સમાજમાં છોકરીઓ કંઈ ઓછી ન હતી છતાં મિત્રતાના સંબંધે એમણે વેદિકાની વાત નાખી હતી.

કેતન જેવો જમાઈ મળે તો પોતાની દીકરી ખૂબ સુખી થઈ જાય એ વાત એ બહુ જ સારી રીતે જાણતા હતા છતાં કેતન સાથે વેદિકાનાં લગ્ન બાબતે એમના મનમાં થોડો ડર હતો. વેદિકા જો કેતનને હળતી મળતી રહે તો કદાચ આ સંબંધ શક્ય બને.

" જો બેટા તારે આ જ રીતે કેતનને મળતા રહેવાનું. ક્યારેક સાથે પિક્ચર જોવા પણ જવાનું. કોઈક વાર એને લઈને હોટેલમાં જમવા જવાનું તો એકાદ વાર એને ઘરે પણ જમવાનું આમંત્રણ આપવાનું. હવે તો એ કાયમ માટે જામનગરમાં જ રહેવાનો છે એટલે તારા માટે એની નજીક આવવાના ચાન્સ વધારે છે. " પ્રતાપભાઈએ દીકરીને શિખામણો આપી.
*************************
" હાય ... મારી લાગણીઓ હું તમને વ્યક્ત નથી કરી શકતી ! તમે આજે ફરીવાર મારા હીરો બની ગયા છો !! થેન્ક્સ ...નીતા ."

નીતા મિસ્ત્રીએ કેતનને વોટ્સએપ મેસેજ કરતાં તો કરી દીધો. પણ પછી એ શરમાઈ ગઈ. કેતન સર પોતાના વિશે શું વિચારશે ? ના ના મારે આટલી બધી ઉતાવળ કરવાની જરૂર નહોતી !! એણે તરત જ મેસેજને 'ડીલેટ ફોર ઓલ' કરી દીધો.

શું પોતે કેતન સરના પ્રેમમાં પડી હતી ? દિલ પર કોઈનો કાબુ નથી હોતો. કોઈના પ્રેમમાં પડી ગયા પછી દિલ એ યોગ્ય છે કે અયોગ્ય એનો વિચાર નથી કરતું !! લાગણીઓ ધસમસતી નદી જેવી હોય છે. એને કોઈ રોકી શકતું નથી.

કેતન સર મારો મેસેજ વાંચીને મારા વિશે શું વિચારતા હશે ? એમણે તો સાચે સાચ એક હીરો બનીને મને બચાવી લીધી છે. રાકેશ વાઘેલાના જે હાલ કર્યા છે. ઓ માય ગોડ !! આવું બીજાના માટે કોણ કરી શકે ? એમણે મારા માટે થઈને આટલું મોટું સાહસ કર્યું ? શું કેતન સર પણ મને ચાહતા હશે ?

ના..ના.. એ શક્ય નથી લાગતું. તે દિવસે મારી સામે મારા બેડ રૂમમાં બેઠા હતા ત્યારે પણ કેટલા સંકોચાતા હતા ? અને મારો એમને પરિચય જ ક્યાં છે કે મારા પ્રેમમાં પડે ? હું પણ કેવી ગાંડી છું !! એ કેટલા મોટા માણસ છે !! ખુદ પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબ એમના ઘરે જમવા આવે છે !!

મેસેજ મોકલ્યા પછી નીતા મિસ્ત્રી પોતે જ ડિસ્ટર્બ થઈ ગઈ હતી !!
***************************
નીતાનો મેસેજ વાંચીને કેતન થોડોક વિચલિત થઈ ગયો. એણે ફરી ફરીને મેસેજ ચારથી પાંચ વખત વાંચ્યો. અને એ બીજું કંઈ વિચારે એ પહેલા તો મેસેજ ડિલીટ પણ થઈ ગયો.

મેસેજ લખતાં તો લખી નાખ્યો હશે પણ પછી બિચારી શરમાઈ ગઈ હશે. એણે ચોખ્ખું લખ્યું હતું કે મારી લાગણીઓ હું વ્યક્ત કરી શકતી નથી એનો મતલબ શું થાય ? શું એ મારા પ્રેમમાં પડી હશે ? એ મને પોતાનો હીરો માને છે પણ પોતે ક્યાં હિરોઈનથી કમ છે ? અને મને પોતાને પણ એ દિલના કોઇ ખુણામાં ગમવા તો લાગી જ છે ને !!

જામનગર આવ્યા પછી અચાનક ચાર ચાર પાત્રો મારા જીવનમાં કેમ આવી ગયાં ? જાનકી તો હતી જ એમાં વેદિકા નિધી અને હવે આ નીતા !! જો કે નિધીનો તો હજુ કોઈ પરિચય છે જ નહીં પણ મમ્મીએ કહ્યું છે એટલે મુંબઈ તો આંટો મારવો જ પડશે !! એનાં પણ દર્શન કરી લઈએ.

ટ્રસ્ટને રજીસ્ટર થઈને આવતા તો હજુ પંદર વીસ દિવસ લાગી જશે. અત્યારે અહીં બીજું કોઈ કામ પણ નથી તો મુંબઈ જવાનો આ જ શ્રેષ્ઠ ટાઈમ છે !! - કેતન વિચારી રહ્યો.

આજે સાંજે કલેકટર સાતાસાહેબને ફોન કરું એમ કેતન વિચારતો હતો ત્યાં બપોરે જ બાર વાગ્યાની આસપાસ સાતાસાહેબ નો સામેથી ફોન આવી ગયો.

" કેતનભાઇ લાલપુર બાયપાસ રોડ ઉપર ચેલા ગામની સીમમાં 18 એકર જમીન રિઝર્વેશનમાં છે. એકદમ રોડ સાઇડ છે. જામનગરથી લગભગ પંદર સોળ કિલોમીટર દૂર થાય. હોસ્પિટલ માટે જો તમને અનુકૂળ લાગે તો જોઈ લો. આમ તો એ જગ્યા મેડિકલ કોલેજ માટે છે પરંતુ હેતુફેર કરી ને હું તમને અપાવી શકું. " સાતાસાહેબ બોલ્યા.

" બહુ સરસ સાહેબ. હું આજે જ એ જગ્યા જાતે જોઈ લઉં છું અને આપને રિપોર્ટ આપું છું. મને આપ સાહેબ એક્ઝેક્ટ લોકેશન સમજાવી દો અને કોઈ લેન્ડમાર્ક આપો અથવા તો કોઈ માણસ મારી સાથે મોકલો. " કેતને કહ્યું.

" તમે જ્યારે પણ જાઓ ત્યારે મારી ઓફિસમાં થઈને જજો. આ ફાઇલ જે સંભાળે છે એ કર્મચારી તમારી સાથે આવશે. " સાતાસાહેબે કહ્યું.

" થેન્ક્યુ સર. એ જ ઠીક રહેશે. " કહીને કેતને ફોન કટ કર્યો અને મનસુખને કોલ કર્યો.

" મનસુખભાઈ આપણે લાલપુર રોડ ઉપર એક જગ્યા જોવા જવું છે તો તમે ત્રણ વાગે ઘરે આવી જજો. "

બરાબર ત્રણ વાગે મનસુખ માલવિયા હાજર થઈ ગયો.

" પહેલા આપણે કલેકટર ઓફિસે જવાનું છે અને ત્યાંથી એક કર્મચારીને લઈને ચેલા ગામ પાસે 18 એકર જગ્યા છે એ જોવા જવાનું છે. " ગાડીમાં બેસતાં કેતને સૂચના આપી.

મનસુખે ગાડી કલેકટર ઓફિસ તરફ લીધી. પહોંચીને કેતન કલેકટર સાહેબને મળવા ગયો. સાહેબે બેલ મારીને તરત જ કર્મચારીને બોલાવી લીધો.

" ભણસાલી... તમે આ સાહેબની સાથે એમની ગાડીમાં જાઓ અને ચેલા ગામની સીમમાં મેડીકલ કોલેજની જે રિઝર્વ જગ્યા છે તે એમને બતાવી દો." કલેક્ટરે કર્મચારીને સૂચના આપી.

કર્મચારીને બેસાડીને મનસુખે ગાડી લાલપુર બાયપાસ રોડ ઉપર લઈ લીધી.

કેતનને જગ્યા ખૂબ જ ગમી ગઈ. ફેન્સીંગ કરેલી જગ્યા એકદમ રોડ ટચ હતી. લોકેશન પણ બહુ જ સરસ હતું. જામનગરથી બહુ દૂર પણ ના કહેવાય. જામનગર પૂરું થાય પછી માત્ર 15 મિનિટમાં એ લોકો પહોંચી ગયા હતા.

કેતને સાઈટ ઉપરથી જ કલેકટર સાહેબને ફોન કરીને પોતાનું કન્ફર્મેશન આપી દીધું.

કર્મચારીને કલેકટર ઓફિસ ઉતારીને કેતન સીધો ઘરે આવ્યો. હવે બીજું કંઈ કામ ન હતું એટલે મનસુખને રજા આપી દીધી.

એણે મુંબઈ જવા માટે આવતીકાલની ઓનલાઈન ફ્લાઇટની ટિકિટ બુક કરાવી દીધી. ટિકિટ બુક કરાવ્યા પછી એણે સિદ્ધાર્થભાઈ ને સુરત ફોન લગાવ્યો.

" ભાઈ કેતન બોલું. મમ્મીએ મને વાત કરેલી કે સુનિલ અંકલે એમની દીકરી નિધી માટે પ્રપોઝ કરેલ છે. મમ્મીનો આગ્રહ હતો કે સુનિલ અંકલ સાથે આપણા ધંધાદારી સંબંધો છે એટલે મારે એકવાર મીટીંગ કરવી જોઈએ. "

" એટલે હું આવતીકાલે બપોરે દોઢના ફ્લાઈટમાં મુંબઈ જવા નીકળું છું. ત્યાં એરપોર્ટ પાસે હોટલ હયાતમાં બુકિંગ કરાવી દઉં છું. તમે એ લોકોને સાંજે મિટિંગ માટે જાણ કરી દેજો અને મને તેમના ઘરનું એડ્રેસ પણ વોટ્સએપ કરી દેજો. "

" અને અહીં જામનગરમાં કલેકટરને મળીને હોસ્પિટલ માટે એક સરસ જગ્યા પણ નક્કી કરી દીધી છે. અને ભાઈ તમારે પણ મુંબઈ આવવું હોય તો કાલે સાંજે હયાત ઉપર આવી જજો. એ બહાને મળાશે " કેતને સિદ્ધાર્થભાઈ ને કહ્યું.

" હા.. તું નિધીને મળી લે. એ સારું કામ કર્યું. હું ટ્રાય કરું છું પણ મારું નક્કી નથી. છતાં જે હશે તે કાલ બપોર સુધીમાં તને કહી દઈશ. " સિદ્ધાર્થભાઈ બોલ્યા.

મનસુખ માલવિયા કેતન શેઠને એરપોર્ટ સુધી મૂકી આવ્યો. બરાબર 1:30 વાગે કેતનનું ફ્લાઇટ મુંબઈ તરફ ટેક ઑફ થયું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)