Raat - 12 - last part in Gujarati Horror Stories by Keval Makvana books and stories PDF | રાત - 12 - છેલ્લો ભાગ

રાત - 12 - છેલ્લો ભાગ




તેઓ દાદાનાં ઘરે પહોંચી ગયાં હતાં. ત્યાં જઈને તેમણે જોયું તો, દાદાનાં ઘરનો દરવાજો બંધ હતો. તેમણે આજુબાજુ નજર કરી. રવિ બોલ્યો, "અરે! આપણે જલદી જલદીમાં અહીં આવી ગયાં. આપણે બધાંને હવેલીમાં તપાસ કરવા જવાનું કહ્યું હતું, તો બધાં ત્યાં હશે. ચાલો ત્યાં!" રવિ અને સ્નેહા બોલ્યાં, "ચાલો!" પછી તેઓ હવેલી તરફ ગયાં.

હવેલી સૂમસાન હતી. ખૂબ અંધારું છવાયેલું હતું. ત્રણેયે પોતાનાં ફોનની ટોર્ચ ચાલું કરી. તેઓ હવેલીની અંદર જવા લાગ્યાં. અચાનક ભાવિનનાં પગમાં કંઇક અથડાતાં તે નીચે પડી ગયો. રવિએ તેને ઊભો કર્યો. રવિએ નીચે તરફ ટોર્ચ કરીને જોયું, તો કોઈ માણસ જમીન પર પડયો હતો, પણ અંધારામાં તેનો ચહેરો દેખાતો ન હતો. રવિએ તેની નજીક જઈ તેનાં મોં પર ટોર્ચ કરી. તે બીજું કોઈ નહિ પણ ધ્રુવ હતો.

તેઓએ ધ્રુવને ભાનમાં લાવ્યો. ભાવિન બોલ્યો, "ધ્રુવ! તું આમ નીચે કેમ પડ્યો હતો?" ધ્રુવ બોલ્યો, "અમે હવેલીમાં તપાસ કરતાં હતાં. અચાનક ઘરની લાઈટ બંધ-ચાલું થવાં લાગી. થોડીવાર પછી લાઈટ સાવ બંધ થઈ ગઈ એટલે બધાં નીચે હૉલમાં આવી ગયાં. અચાનક ઉપરનાં એક રૂમમાંથી ચીસ સંભળાઈ. બધાં જલદીથી તે રૂમમાં ગયાં. તે રૂમ એ જ હતો જે ઘણાં સમયથી બંધ હતો. અમે તે રૂમ તરફ ગયાં, તો તે રૂમ નો દરવાજો તૂટીને નીચે પડ્યો હતો. અમે રૂમમાં ગયાં તો ત્યાં જમીન પર આઇશા મેડમ બેભાન પડ્યાં હતાં. બધાં તેમની પાસે ગયાં અને હું તેમનાં માટે પાણી લેવા નીચે કિચનમાં ગયો. હું પાણી લઈને હોલમાં પહોંચ્યો ત્યારે, કોઈએ પાછળથી મારાં માથામાં કંઇક મારી દીધું. તેથી હું બેભાન થઈને ઢળી પડ્યો." રવિ બોલ્યો, "તો પછી બીજાં બધાં ક્યાં ગયાં?" ભાવિન બોલ્યો, "આત્માનો એક અંશ મુક્ત થઇ ગયો. આઇશા મેડમે ચેકીંગ દરમિયાન સુરેખાનાં રૂમમાં જઇ ભૂલથી આત્માનો એક અંશ મુક્ત કરી નાખ્યો એટલે તેઓ બેભાન થઇ ગયાં. બધાં તેમને અડ્યાં એટલે તે બધાં આત્માનાં અંશનાં વશમાં થઈ ગયાં. તે બધાં આત્માનાં અંશને મુક્ત કરવા ગયાં છે, હવે એક એક કરીને આત્માનાં બધાં અંશ મુક્ત થઇ જશે." રવિ બોલ્યો, "હવે શું કરશું?" ભાવિન બોલ્યો, "કંઇક વિચારીએ?"

તેઓ વાતો કરતાં હતાં ત્યાં, હવેલીમાં કોઈ માણસ દોડીને આવ્યો. અંધારું હતું એટલે દૂરથી તેનો ચહેરો દેખાતો ન હતો. તે માણસ નજીક આવ્યો ત્યારે ભાવિન તેને જોઈને બોલ્યો, "પંડિતજી તમે! તમારે આટલી રાત્રે અહિયાં કેમ આવવાનું થયું?" પંડિતજી ગભરાયેલા હતાં અને તેઓ હાંફી રહ્યાં હતાં. રવિ બોલ્યો, "તમે પહેલાં શ્વાસ લઇ લો. તમે દોડીને આવ્યાં છો એટલે તમને હાંફ ચડી ગઈ છે." પંડિતજી ઊંડો શ્વાસ લઈને બોલ્યાં, "અનર્થ થઈ ગયું!" સ્નેહા બોલી, "શું થયું?" પંડિતજી બોલ્યાં, "હું મારાં ઘરમાં સૂઈ રહ્યો હતો. અચાનક મંદિરમાં કોઈનાં ચાલવાનો અવાજ સંભળાયો એટલે હું મંદિરે ગયો. ત્યાં જઈને જોયું તો એક યુવતીએ માતાજીની મૂર્તિ વચ્ચે જે ત્રિશૂલ ખોંપેલી હતી, તે ઉખેડીને નીચે ફેંકી દીધી. પછી તેની નીચેથી એક દોરો કાઢી, તેની ગાંઠ છોડી દીધી. જેવી તેણે ગાંઠ છોડી કે અચાનક ખૂબ જોરથી પવન ફૂંકાયો. ધૂળની ડમરીઓ ઉડવા લાગી. બધું દેખાતું બંધ થઈ ગયું. થોડીવાર પછી વાતાવરણ શાંત થઈ ગયું. મેં ત્યાં જોયું તો તે યુવતી જમીન પર પડી હતી એટલે હું તેની પાસે ગયો. તેનો ચહેરો જોઈ હું આશ્ચર્ય પામી ગયો, તે તમારી સાથે આવેલી સાક્ષી હતી." ભાવિન બોલ્યો, "હવે આત્માનો બીજો અંશ પણ મુક્ત થઇ ગયો." પંડિતજી બોલ્યાં, "તું શેની વાત કરે છે?" ભાવિને પંડિતજીને બધી વાત જણાવી.

બધું જાણીને પંડિતજી બોલ્યાં, "આપણે આ હવેલીમાં એક હવન કરવો પડશે. જેથી આત્મા અહીં આવશે અને આપણે તેને મુક્તિ અપાવી શકીશું." ભાવિન બોલ્યો, "પંડિતજી, તમે હવનની તૈયારી શરૂ કરો. ધ્રુવ અને સ્નેહા તમારી મદદ કરશે. હું અને રવિ બધાંને અહીંયા લઈ આવીએ. બધાં આત્માનાં અંશને મુક્ત કર્યાં, પછી બેભાન થઈ ગયાં હશે." પંડિતજી ભાવિનને એક બોટલ આપતાં બોલ્યાં, "તમે બધાંને સ્પર્શ કરતાં પહેલાં તેમનાં પર આ ગંગા જળ છાંટજો." ભાવિન બોલ્યો, "જી પંડિતજી." આટલું બોલીને ભાવિન અને રવિ ત્યાંથી નીકળી ગયાં. પંડિતજી, ધ્રુવ તથા સ્નેહા હવનની તૈયારી કરવા લાગ્યાં.

થોડીવાર પછી ભાવિન અને રવિ બધાંને હવેલીમાં લઇને આવી ગયાં હતાં. તેઓ ભક્તિ અને વિશાલની સાથે પોલીસને પણ ત્યાં લઈ આવ્યાં હતાં. જેથી તેઓ ભક્તિને નિર્દોષ સાબિત કરી શકે.

પંડિતજીએ હવેલીનાં હૉલમાં વચ્ચે એક હવનકુંડમાં અગ્નિ પ્રગટાવી હતી. બધાં તે હવનકુંડની આસપાસ બેઠાં હતાં. પંડિતજી બોલ્યાં, "હવે હું હવનની શરૂઆત કરવા જઈ રહ્યો છું. આત્માનાં બધાં અંશ મુક્ત થઇ ગયાં છે, આત્માઓ પણ બે છે એટલે આત્માઓ શક્તિશાળી બની ગઈ હશે. હવન શરૂ થયાં પછી કોઈ પોતાનું સ્થાન ન છોડતાં. બની શકે કે આત્માઓ તમને ડરાવવાનો પ્રયત્ન કરે, પણ તમારે ડરવાનું નથી. હું તમને બધાંને એક એક લીંબુ આપું છું. તમે તેને હાથમાં રાખો એટલે આત્માઓ તમને નુકશાન નહિ પહોંચાડે." આટલું બોલીને પંડિતજીએ બધાંને એક એક લીંબુ આપ્યું.

પંડિતજી હવનકુંડમાં આહુતિ આપતાં મંત્ર બોલવાં લાગ્યાં, "ॐ ऐं हीं क्लीं चामुण्डायै विच्ये।" થોડીવાર પછી હવેલીમાં ખુબ જોરથી પવન ફૂંકાવાં લાગ્યો. બારી અને દરવાજા ખુલા અને બંધ થવા લાગ્યાં. હવેલીનાં મુખ્યદ્વાર પરથી બે ભયાનક કાળી કૃતિઓ હવેલીમાં પ્રવેશી. તે દ્રશ્ય જોઈને બધાં ડરી ગયાં. તે આત્માઓ બધાની ચારેબાજુ ગોળ ગોળ ફરવા લાગી અને મોટેથી હસવા લાગી. જેમ જેમ તેમનો હસવાનો અવાજ વધતો ગયો તેમ તેમ પંડિતજીનો મંત્ર બોલવાંનો અવાજ વધતો ગયો.

થોડીવાર પછી પંડિતજીનાં મંત્રોની શક્તિથી તે આત્માઓ નિર્બળ થવાં લાગી અને તેમનો હસવાનો અવાજ બંધ થયો. પંડિતજીએ તેમણે પૂછ્યું, "કોણ છો તમે? અને અહીંયા કેમ આવ્યાં છો?" તેમાંથી એક આત્મા બોલી, "તમને તો અમારાં વિશે બધી જાણ છે. તોપણ તમને જણાવી દઉં છું કે હું રુદ્ર છું અને આ મારી પ્રેમિકા સુરેખા છે." પંડિતજી બોલ્યાં, "તમારો બદલો તો પૂરો થઈ ગયો છે, તો પણ તમારી આત્મા કેમ ભટકે છે?" રુદ્રની આત્મા બોલી, "અમારો માત્ર બદલો પૂરો થયો છે, અંતિમ ઇચ્છા નહીં." પંડિતજી બોલ્યાં, "શું હતી તમારી અંતિમ ઈચ્છા?" સુરેખાની આત્મા બોલી, "અમે એકબીજાં સાથે લગ્ન કરવાં ઈચ્છતાં હતાં." પંડિતજી બોલ્યાં, "શું તમને જાણ છે કે શકિતસિંહે તમારાં લગ્ન કેમ ન થવાં દીધાં હતાં?" સુરેખાની આત્મા બોલી, "હા. તેઓ એક ગરીબ ઘરનાં છોકરાંને તેમનો જમાઈ બનાવવાં નહોતાં ઈચ્છતાં એટલે." પંડિતજી બોલ્યાં, "નાં, એવું નથી. શક્તિસિંહનાં આડાસંબંધો કલ્પનાની સાથે હતાં. એટલે શક્તિસિંહને એવું લાગતું હતું કે રુદ્ર તેમનાં સંબંધોનું પરિણામ છે; રુદ્ર તેમનો પુત્ર છે પણ એવું ન હતું. કલ્પનાનાં અન્ય પુરૂષો સાથે પણ સંબંધ હતાં, રુદ્ર તેમાંથી કોઈનો પુત્ર હતો. આ વાતની શકિતસિંહને જાણ ન હતી. તેમને એવું લાગતું હતું કે રુદ્ર અને સુરેખા ભાઈ-બહેન છે એટલે તેમનાં લગ્ન ન થઈ શકે. આ કારણ હતું તમારાં લગ્ન ન કરાવવાનું." આ સાંભળી રૂદ્રની આત્મા ગુસ્સામાં બોલી, "તમે મારી મા પર આવો આરોપ ન લગાવી શકો." પંડિતજી તેને ડાયરી દેખાડતાં બોલ્યાં, "આ ડાયરી જોઇ લે. તારી માં, કલ્પનાની જ છે."

રુદ્રની આત્મા ડાયરી લઈને વાંચવા લાગી. તે ડાયરી વાંચી રુદ્રની આત્મા રડવાં લાગી. રુદ્રની આત્મા બોલી, "સુરેખા! આપણાથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ હતી. તારાં પરિવારમાં કોઈનો દોષ ન હતો. દોષ મારાં મમ્મીનો હતો." થોડીવાર પછી સુરેખાની આત્મા બોલી, "હવે તો આપણા લગ્ન થઈ શકશે ને?" રુદ્રની આત્મા બોલી, "હા, કેમ નહીં! આપણે લગ્ન કરવાં માટે કોઈ શરીરમાં પ્રવેશ લેવો પડશે." સુરેખા ની આત્મા બોલી, "તો આપણે રવિ અને સ્નેહાનાં શરીરમાં પ્રવેશ કરીએ. તે બંને તો એકબીજાંને પ્રેમ પણ કરે છે." આ સાંભળી રવિ અને સ્નેહા થોડાં ડરી ગયાં. સ્નેહા બોલી, "તમે તો અમને અલગ કરવાં ઈચ્છતાં હતાં." સુરેખાની આત્મા બોલી, "અમે માત્ર તમને જ નહીં દરેક પ્રેમીયુગલને અલગ કરવાં ઈચ્છતાં હતાં. અમારો પ્રેમ પૂરો ન થયો એટલે બીજાં કોઇનો પ્રેમ પણ પૂરો થાય, તેવું અમે નહોતાં ઈચ્છતાં. હવે અમે બન્ને એક થવાં જઈ રહ્યાં છીએ, તો અમારી ઇચ્છા છે કે અમે તમને પણ એક કરીએ." આ સાંભળી રવિ અને સ્નેહા એકબીજાં સામે જોવાં લાગ્યાં. બંનેએ મુખ પર સ્મિત સાથે પલકો પલકાવી એકબીજાને સંમતિ આપી.

રુદ્રની આત્મા રવિમાં અને સુરેખાની આત્મા સ્નેહમાં પ્રવેશી ગઈ. અવનિએ તેનાં બેગમાંથી લાલ ચુંદડી લાવીને સ્નેહને ઓઢાડી દીધી. પંડિતજીએ શાસ્ત્રોક્ત વિધિથી બંનેના લગ્ન કરાવ્યાં. લગ્ન થતાં જ રુદ્ર અને સુરેખાની આત્માને મુક્તિ મળી ગઈ. બધાં રવિ અને સ્નેહાને શુભેચ્છાઓ આપવાં લાગ્યાં. પોલિસે આ બધું જોયું. પછી કેસ બંધ કરીને ભક્તિ અને વિશાલને જેલમાંથી મુકત કર્યા.

બધાંએ તે હવેલીને સ્થાને સ્કૂલ બનાવવાનું નક્કી કર્યું. બીજાં દિવસે હવેલીમાંથી સ્કૂલ બનાવવાની બધી જવાદારીઓ અને નાણાં દાદાજીને સોંપીને બધાં ત્યાંથી પોતાનાં ઘરે નીકળી ગયાં.



•••••••••••••••••••••••••••••••••

તો કેવી લાગી તમને આ વાર્તા...? આ વાર્તામાં ક્યાંય કોઈ ભાષા ભૂલ કે અન્ય કોઈ ક્ષતિ હોય તો માફ કરજો. આ વાર્તા, પાત્રો, સ્થળો, વિષય વગેરે કાલ્પનિક છે. તમારાં સૂચનો, પ્રતિભાવો જણાવશો તો મને ખૂબ ગમશે....

•••••••••••••••••••••••••••••••••

સમાપ્ત

Rate & Review

Bhupendra

Bhupendra 5 months ago

Varsha Chauhan

Varsha Chauhan 1 year ago

very nice

Nipa Upadhyaya

Nipa Upadhyaya 1 year ago

Fallu Thakor

Fallu Thakor 1 year ago

prajay

prajay 2 years ago

Share