Jatashankar jatayu yaksh sathe bheto - 1 books and stories free download online pdf in Gujarati

જટાશંકર જટાયુ યક્ષ સાથે ભેટો - ભાગ 1

જટાશંકર જટાયુ

'યક્ષ સાથે ભેટો'


'માનનીય મુરબ્બી શ્રી જટાશંકરજી ઊભા થાઓ. આ ધરતીલોક ઉપર આપનો સમય પૂર્ણ થઇ ગયો છે.' ગેબી અવાજ સાંભળી જટાશંકરે આંખો લૂછતાં-લૂછતાં જોયું એક કાળા વસ્ત્રમાં સજ્જ પડછંદ દેખાતી વ્યક્તિ હાથમાં કાળા દોરડા સાથે, માથા પર સુવર્ણ મુકુટ, શરીરે કાળો વાન અને લાલ આંખો સાથે એમની બરાબર સામે ઊભેલો દેખાયો.

તમે યમરાજ છો? જટાશંકરે ડરતાં ડરતાં પૂછ્યું.

'ના, હું યમરાજ નથી, તેમનો યક્ષ છું. સાલા તમે બધાં માણસો એવું સમજો છો કે તમને લેવા સ્વયં યમરાજ પધારે? આમ તમે સાયન્સની અને ગણિતની વાતો કરો છો પણ એટલી સમજ નથી પડતી આ પૃથ્વીલોક પર એકસાથે કેટલાંય માણસો મરતા હોય, બધાંને લેવા સ્વયં યમરાજ એક સમયે એકલા કઇ રીતે આવીને લઇ જઇ શકે. મુરખના સરદાર કંઇક તો બુદ્ધિ દોડાવ.' યક્ષે જટાશંકરને ગણિત શીખવાડ્યું.

અરે, યક્ષભાઇ મને માફ કરજો. આ તો મેં ટીવીની એક સીરીયલમાં યમરાજને જેવા દેખાડવામાં આવ્યા હતાં બરાબર એવા જ તમે દેખાઓ છો. માટે ભૂલ થઇ ગઇ. ઉંમર થઇને એટલે ભુલાઇ જવાય છે, જટાશંકરે પોતાનો બચાવ રજૂ કર્યો.

બસ, ચાલો હવે બહુ જીવી લીધું ડોસા. યાદ રહેતું નથી, બધું ભુલાઇ જાય છે, તો પછી હવે જીવીને શું કામ છે? યક્ષે જટાશંકરની વાતને પકડીને સામો પ્રહાર કર્યો.

'યક્ષભાઇ મારી ઉંમર હજી સાઇઠની જ છે. આ મારી આંખોએ હજી ઘણું બધું જોવાનું બાકી છે. આ મારી બાજુમાં સૂતી વિશાળકાય મારી પત્ની જટીને હજી યુરોપની ટુર કરાવવાની બાકી છે.' જટાશંકરે જીવવા માટે વિનંતીના સ્વરો સાથે યક્ષ સમક્ષ માંગણી કરી.

'હજી તને જીવવાના અભરખા છે ડોસલા. તારા પાપોનો હિસાબ ઘણો મોટો થઇ ગયો છે. સરકારી દફ્તરમાં ખાતા ખાતા નિવૃત્ત થયેલો તું ભ્રષ્ટાચારી જીવડો છે. તારા પાપોના હિસાબ ઉપર થશે. હવે બહુ થયું. હવે તું આ પાડા ઉપર બેસ એટલે આપણે નીકળીએ. મારે બીજી ડીલીવરીઓ પણ લેવા જવાનું છે', યક્ષે તપીને કહ્યું.

'જય ઓમકાર સૃષ્ટિ કે કર્તા' જટાશંકર મનોમન બબડવા લાગ્યા.

'શું બબડે છે? ડોસા. તારી નરકની સીટ બુક થઇ ગઇ છે. આમ તો તને નરક પણ ન મળવું જોઇએ. પણ અમારી પાસે એ છેલ્લો જ વિકલ્પ છે.' યક્ષ કંટાળીને બોલ્યો.

'પણ ભાઇ હું તો ઘોડા પર પણ જીવનમાં ક્યારેય બેઠો નથી અને સીધો પાડા પર બેસવું અને એ પણ આ ટાયર ટ્યુબ સાથે મને મસા મટે પછી જઇએ તો?' જટાશંકરે યક્ષને રોકવા માટે પોતાની વ્યથા રજૂ કરી.

'ભાઇ જટાશંકર પાડા ઉપર બેસીશ એટલે તારા મસા ઓલવાઇ જશે અને આ ટ્યુબ તારી અહીં જ રાખજે. ત્યાં નરકમાં ગરમ તેલના તાવડામાં જ્યારે તને ભજીયાની જેમ તળીશુંને ત્યારે તારી આ ટ્યુબ ઓગળી જશે.' યક્ષે ત્રાડ પાડતા કહ્યું.

જટાશંકર હવે બરાબર ગભરાયા. સાલું આ ધરતીલોક પર સમય હવે પાકી ગયો લાગે છે. સાલું મારું મોત તો મારી પાછળ જ પડી ગયું છે. કાલે બગીચામાં કોવિડ મેથી મારતો હતો અને આજે હવે આ યક્ષ પત્તર ઠોકે છે. મારો મરવાનો સમય થયો છે ને આ જટી નસકોરા બોલાવતી ઉંઘણસી નંબર વન ઊભી પણ થતી નથી.

'એ જટી ઊઠ... એ જટી ઊઠ, તારો વર મરવાનો થયો છે અને તું ઘસઘસાટ ઊંઘે છે?' જટાશંકરે રડતાં રડતાં સાદ પાડ્યો.

બૂમ સાંભળતા જ જટીબેન પથારીમાં એકદમ બેઠા થઇ ગયા. આંખ ખોલી અને બોલ્યા ' હાય હાય.... આ કાળા ભાઇ કોણ છે? આપણા રૂમમાં શું કરે છે? તમારા મોર્નીંગ વોક ક્લબના મેમ્બર છે?' જટીબેને એકસાથે ધડાધડ સવાલ પૂછ્યા.

જટાશંકર જવાબ આપે એ પહેલા જ યક્ષ બોલ્યો, 'હું યક્ષ છું. આપના વરને ધરતીલોક ઉપરથી નરકલોકમાં લઇ જવા આવ્યો છું. તમારા પતિનો ધરતીકાળનો સમય સમાપ્ત થઇ ગયો છે.' યક્ષે સમાચાર વાંચી રહ્યો હોય એમ બોલ્યો.

'હાય હાય.... નરકમાં, અરે યક્ષભાઇ એ પાપી છે એ હું જાણું છું પણ એમને નરકમાં ના લઇ જતા.' જટીબેને કાલકુદી કરતા કહ્યું.

'એ જટી તું શું બોલે છે, ભાન છે, મને ખોટો ભરાવાનો ધંધો કરે છે.' જટાશંકરે બૂમ પાડીને કહ્યું.

'અરે ભઇસાબ તમે ચૂપ થાઓ ને... યક્ષભાઇ જોડે મને વિગતે વાત કરવા દો.' જટીબેન જરા સ્વસ્થ થઇને બોલ્યા.

'જો ભાઇ યક્ષ પાંચમની છઠ્ઠ કોઇની થઇ નથી ને થવાની નથી. તો પછી આ નિવૃત્ત સરકારી કર્મચારીની તો ના જ થાય ને? પણ મારા પતિ એમને બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ બંન્ને છે માટે બંન્નેની દવાઓ રોજ યાદ કરી આપવી પડશે. એ દવા લેવાના ચોર છે. બીજી વાત આમ તો રોજ ઝભ્ભા-લેંઘા જ પહેરે છે પણ તમારે યાદ કરીને ધોવા નાંખવા પડશે. ત્યાં કોઇ કામવાળીની વ્યવસ્થા પણ ગોઠવવી પડશે અને હા કામવાળો હોય તો વધુ સારું. અમારા આમને બીજા બૈરાઓ જોડે વાતો કરવાની બહુ ગમે છે. બીજું વધુ કાંઇ નહીં પણ મારી દ્રષ્ટિએ ચરિત્રવાન હોવું ખૂબ જ જરૂરી છે. હજી એક વધારાની વાત એ ઊંઘમાં ભયંકર નસકોરા બોલાવે છે. માટે એમને સ્પેશ્યલ રૂમ એકલા માટે જ ફાળવજો. એવી મારી પ્રાર્થના છે. આમ તો એમના પાપોના કારણે જનરલ રૂમને પણ લાયક નથી પણ હિંદુ પત્ની તરીકે એમની સારસંભાળ લેવી એ મારી ફરજમાં આવે છે.' જટીબેને યક્ષને જટાશંકર વિશેની માહિતી આપી.

'અરે જટી, તું કેમ મારી દુશ્મન બની છે? તું મારા બીસ્તરાપોટલાં કેમ નરક માટે બંધાવે છે? આ દિવસ જોવા માટે તારા ભગવાનને અને તારા ગુરુજીને દાન આપ્યા હતાં?' જટાશંકર રડતાં રડતાં બોલ્યા.

'હવે તમે ચૂપ મરો ને. નરકમાં જવાના થયા છો તોય શાંતિ રાખતા નથી. મને યક્ષભાઇને તમારા ભોજન વિશે સમજાવવા દો.

'ભાઇ યક્ષ, રાતના ભોજનમાં એમને કઠોળ ના આપતા. એમનું આ પેટ છે ને એ ગેસ ઉત્પાદનનું કારખાનું છે. પણ કઠોળ ખાધા પછી એમનું પેટ ડબલ શીફ્ટમાં કામ કરે છે. અને બમણો ગેસ ઉત્પન્ન કરે છે. અને પછી જે થાય છે એના પ્રદૂષણને હવા પણ સહન કરી શકતી નથી.' આમ કહી જટીબેને જટાશંકરના ભોજન વિશેની વાત કરી.

'અરે જટી ચૂપ મર. મારી અર્થી બાંધવાનો અને આ યક્ષને ગેરમાર્ગે દોરવાનું બંધ કર.' જટીબેને જટાશંકર સામે લાલ આંખ કરી. જટીબેનની લાલ આંખ જોઇ જટાશંકર ચૂપ થઇ ગયા.

'મારી આયુષ્ય રેખા કેવી છે?' જટીબેને યક્ષને પૂછ્યું.

યક્ષે પોતાની ડાયરી કાઢી અને જોયું 'હજી પંદર વરસ બાકી છે.' યક્ષે કહ્યું.

'બહુ થઇ ગયા. ચારધામ જાત્રાઓ હજી બે ત્રણ વાર થઇ જશે. અને હા, આમની દવાઓના, ત્યાં રહેવાના, કપડાં-વાસણ ધોવડાવવાના પૈસા તમને કેમ મોકલવા યક્ષભાઇ. તમારે ત્યાં આર.ટી.જી.એસ. કે ડીજીટલ પેમેન્ટ અહીંથી થાય એની વિગત મને આપજો. અથવા નીચે કોઇ ભંડારમાં રોકડા નાખી દેવાના હોય તો મને સમજાવજો. આમને પૈસા બહુ ભેગા કર્યા છે એટલે મર્યા પછી એમને વી.આઇ.પી. ફેસીલીટી મળે એવું હું ઇચ્છું છું.' જટીબેને પોતાની હિંદુ નારી હોવાના કારણે ઉદારતા બતાવી.

'અમારા ત્યાં આવી કોઇ વ્યવસ્થા નથી. નરકમાં તો બધું કામ પોતાની જાતે જ કરવાનું હોય. માટે અમે બધું આમની પાસે જ એમનું કામ કરાવીશું.' યક્ષ બોલ્યો.

'અરે જટી, મારા ગયા બાદ ખોટા ખર્ચા કરતી નહિ અને બકાલાલ ગુપચૂપ ઉપર વિશ્વાસ કરતી નહિ. ભગવાનના મંદિરમાં અને તારા ગુરુજીના ત્યાં પણ દાન ઓછું કરજે જેથી પૈસાની બચત થાય.' જટાશંકરે હથિયાર હેઠા મુકતા કહ્યું.

'એ ડોસા, આ બધી પડોજણ છોડ તું અને આ પાડા ઉપર બેસી જા.'

યક્ષ જટાશંકરનો હાથ ખેંચી એમને પાડા ઉપર બેસાડવા લાગ્યો. જટાશંકર જોરથી પોતાનો હાથ પાછો ખેંચવાનો પ્રયત્ન કરતા રહ્યા અને બોલવા લાગ્યા મારે નથી મરવું ભાઇ, મારે નથી મરવું. અને અચાનક એમની છાતી ઉપર જોશથી બે હાથ પડ્યા અને જટાશંકરની આંખ ખુલી ગઇ.

'શું બકો છો ક્યારના તમે ઊંઘમાં?' જટીબેન બોલ્યા.

અરે આ તો સાલું સપનું હતું. જટાશંકરના જાનમાં જાન આવી.

જટી તું મને રાત્રિના કઠોળ ના ખવડાય, ગેસ માથે ચડી જાય છે અને પછી વિચિત્ર સપનાં આવે છે.

હવે પાંચ વાગ્યા, ગાર્ડનમાં જાઓ તમે અને મને ઊંઘવા દો. જટીબેન ગુસ્સામાં બોલ્યા.

જટાશંકર પથારીમાંથી ગેસ વિસર્જન કરતા ઊભા થયા અને બ્રશ કરતા કરતા વિચારવા લાગ્યા કે કાલે કોવિડ અને આજે આ યક્ષ, સાલું ત્રિપુડશંકર ગોરને બોલાવી ગ્રહો બતાવવા પડશે. આમ વિચારતા વિચારતા ઘરમાંથી બહાર નીકળી ગાર્ડન તરફ એમણે પ્રયાણ કર્યું....

- ૐ ગુરુ