My Misunderstanding Someone - (Laughter Story) in Gujarati Comedy stories by Dr Riddhi Mehta books and stories PDF | સમજ મારી ગેરસમજ કોઈની - (હાસ્ય વાર્તા) 

સમજ મારી ગેરસમજ કોઈની - (હાસ્ય વાર્તા) 

એક દિવસ રમીને સાંજે મજા કરતી હું ઘરે આવી કે તરત જ પપ્પાએ ઓફિસેથી આવીને કહ્યું, "આવતાં મહિને મારી મોડાસા બદલી થવાની છે આપણે ત્યાં રહેવાનું ગોઠવવું પડશે." ને સાંભળીને આપણું નાક ફુલી ગયું.

મમ્મીને તો કોઈ બહું નવાઈ ન લાગી. એને તો લગ્ન પછી આવી રીતે લગભગ પંદર વર્ષમાં એ લગભગ બારમી વખત આ વાક્ય સાંભળી રહી હતી. નાનાં હતાં ત્યારે લગી તો ઠીક બંધ ગમે ત્યાં ગોઠવાઈ જતાં પણ હવે મને ચોક્કસ અમારાં જેવા નમૂના જોડે જ બહેનપણાં થતાં. આપણું મોઢું દીવેલ પીધાં જેવું થઈ ગયું.

આપણે તો કહી દીધું, "આપણે વણઝારાની જેમ ફરીએ તો કેવું રહે ? મમ્મી તું ડિસ્પોઝેબલ બધું લાવી દે આ શું રામાયણ કરવાની દર વખતે કોથળા બાંધવાની."

પપ્પા ખડખડાટ હસી પડ્યાં.

"તને હોસ્ટેલમાં મૂકીએ તો કેમ રહે ?? "

આપણું મોઢું સિવાઈ ગયું. છાનામાના નીચું મોઢું નાખીને લખવા બેસી ગયાં.

મમ્મીએ સ્વીકારી તો લીધું જ હતું આ બદલીનું ગતકડું. એ પણ કંટાળતી અલગ અલગ જગ્યાએ સેટલ થવામાં. છતાં આપણને હામ તો ઘણીય આપે હો.

" બેટા નવી બહેનપણીઓ બનશે ત્યાં તને એ જ ચિંતા છે ને ?? તારે છે ને...આટલી જગ્યાઓ બદલીને સૌથી વધું મિત્રો બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવવાનો છે...આપણે આજ કરવાનું છે...આમને આમ મારું શરીર તો જો..." કરતાં મા પોતાની ચરબીનાં થર જામેલી પોતાની કાયાને અરીસા સામે જોતાં જોતાં મલકાઈ‌. અરીસામાં જાણે કાયા માંડ માંડ સમાવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હોય એવું લાગ્યું.

" સ્નેહલતા જેવી અસલ દેખાય હોય મારી ચંદ્રમુખી " અવાજ સાથે જ પપ્પા અંદર અને હસવું દબાવતાં આપણે બહાર.

"તું તારે બધી જગ્યાનાં પાણી પીને પણ જરાય પતલી થઈ છે ખરી ? તારાં પિયરથી આવી ત્યારે કેવી સળી જેવી હતી અને હવે તો સળીઓનો મેળાવડો."

બીજાં મહિને જ આપણો કાફલો મોડાસાની ધરતી પર આવી પહોંચ્યો. એ વખતે અમે માંડ માંડ સાતમા ધોરણમાં પહોંચેલા. સ્કુલમાં ઘણાં વિદ્યાથીઓ પણ આપણને તેજસ સાથેની દોસ્તી ફાવી ગઈ. ખુજમિજાજ, શોખીન, હોશિયાર. પછી તો આપણે બીજાં કોઈ સાથે બહું ભાઈબંધી કરવાની તસ્દી લીધી નહીં.

એનું ઘર એકદમ નજીક નહીં પણ એ થોડે દૂર સોસાયટીમાં રહે. પછી તો એકબીજાં સાથે લેશન, ફરવાનું , વાતચીત શરું થઈ ગયું. અમને બંનેને એકબીજાં વિના ફાવે નહીં. સ્કુલમાં પણ સાથેને સાથે જ. ઘણીવાર હું એનાં ઘરે લેશન કરવાં જાઉં. આખો દિવસ મારાં મોઢામાં "તેજસ.. તેજસ..." જ હોય.

મોબાઈલ તો હતાં નહીં એટલે એક દિવસ તો સ્કુલ છુટ્યા પછી મેં બાજુંવાળાના ઘરે લેન્ડલાઈન પર ફોન કરીને ઘરે કહેવડાવ્યું કે તેજસને કામ છે તો હું એની સાથે જાવ છું હું મોડાં આવીશ.

કરમની કઠણાઈ આપણી કે પપ્પા ઑફિસેથી વહેલાં આવી ગયાં. પપ્પાએ છ વાગી ગયાં એટલે આપણી જાસૂસી શરું કરી. ને વળી ઓછું પડતું હોય એમ બડેભૈયા પણ વહેલાં ઘરે ટપક્યાં.

મમ્મીએ ક્હ્યું કે તેજસ સાથે બહાર ગઈ છે ને એ સાથે જ પપ્પા તાડુકી ઉઠ્યાં ;"તું ધ્યાન આપ હવે ચીકુ નાની નથી. કોઈ છોકરાં સાથે આમ ફર્યાં કરે ગમે તેટલાં વાગ્યા સુધી. તું કંઈ કહેતી પણ નથી ના ન પાડી દેવાય ?આજકાલ કેવી ઘટનાઓ બને છે તું જોતી નથી. આટલી મોટી સ્કુલમાં એને આ છોકરો જ મળ્યો ભાઈબંધી માટે કોઈ છોકરી ન મળી ?"

મમ્મીએ બેય પાસાં સંભાળવાની નિષ્ફળ કોશિશ કરી.

"એ ચંપાને કોણ લઈ જશે? માથું ખાઈ જશે બધાનું. ના પાડી દઈશ બસ એની સાથે રહેવા માટે...પણ હવે મારું માથું ન ખાશો." કહેતી મમ્મી કામે વળગી ગઈ.

બાપ દીકરો બેય સવાલોની ઝડી સાથે આપણાં સ્વાગત માટે તૈયાર જ હતાં.

આપણે તો મસ્ત મહાલતા સાત વાગ્યે સાઈકલ લઈને સોસાયટીના નાકે પહોંચ્યાં. આપણે રહ્યાં ચંચળ અને થોડી ઘણી કહેવાતી બહાદુર પણ ખરી. સોસાયટીના નાકે પહેલાં ઘર પાસે પાળી પર સરસ મજાનાં લાલ ગુલાબનાં ફુલ જોયાં. આપણું મન તો લલચાયું. દરવાજે લટકતાં એ મોટાં તાળાં પર નજર ગઈ વળી આજુબાજુ પણ કોઈ ન દેખાયું. આપણે હતાં એટલાં ગુલાબ લઈ લીધાં. બેગમાં કરમાઈ જવાનાં વિચારે એને આપણે યુનિફોર્મમાં શર્ટનાં ઉપરનાં ખિસ્સામાં જ રાખી દીધાં. ને એ જ દિવસોમાં બધાંનાં મુખે ગવાતું ગીત, "પહેલાં પહેલાં પ્યાર હે...પહેલી પહેલી બાર હૈ..." ગાતાં ગાતાં ઘરે આવી પહોંચ્યા. સાયકલ મુકીને બેગ સાથે જ જેવાં ઘરમાં પ્રવેશ્યાં કે મહાદેવજી ત્રીજું નેત્ર ખોલીને બેઠા હોય એવું અનુભવાયું. થોડીવાર કોઈ કંઈ બોલ્યું નહીં.

પપ્પાએ મમ્મી સામે જોઈને ફક્ત એટલું કહ્યું, " જોઈ લીધું ને મેં કહ્યું હતું ને ?? હવે બાળકો બહુ જલ્દી મેચ્યોર થઈ જાય છે." મમ્મી પણ નીચું મોઢું કરીને કંઈ ન બોલી.

આપણને બીજું કંઈ સમજાયું નહીં પણ નક્કી આપણાં કારણે ઘરમાં ઘમાસાણ છે એ ચોક્કસ સમજાયું.

એટલામાં જ મોટાભાઈ જોરથી બોલ્યાં, "ક્યાં છે એ તેજસ મને મળાવ તો એને? એની આટલી હિંમત કેવી રીતે થઈ ?"

પપ્પા : "આજ પછી એની સાથે વાત પણ કરી છે તો તારી આવી બનશે...આટલી મોટી સ્કુલમાં તને બીજું કોઈ ન મળ્યું ?? "

હિંમત શબ્દે આપણી હિંમતનાં ચૂરેચૂરા કરી દીધાં. કંઈ સમજાઈ જ રહ્યું ન હતું કે તેજસનો આમાં શું વાંક છે. આ લોકો તેજસની પાછળ કેમ આમ પડી ગયાં છે ?

બધાં થોડીવાર ચૂપ રહ્યાં.

થોડીવારમાં નિશીતા નામની હાક સંભળાઈ. આપણે જરાં મલકાયા. બાજુવાળાએ કદાચ ઘર બતાવ્યું એટલે એક ભાઈ ઘરનાં દરવાજે આવી પહોંચ્યાં. દરવાજો ખુલ્લો હોવાથી એમણે મને જોઈને કહ્યું, "નિશીતા બેટા... આવું ??" પછી પપ્પા સામે જોઈને કહ્યું, "હું તેજસના પપ્પા..."

મેં મનોમન વિચાર્યું આજે તો ગયાં આપણે. આપણી બેટરી ગુલ થવાં લાગી. કોઈ કશું આવકાર આપવાં પણ બોલ્યું નહીં. આપણે બાજી સાચવવા કે બગાડવા એમને ઉંચા અવાજે નીડરતાથી કહ્યું એ ખબર ન પડી‌ , "આવોને અંકલ અંદર... તેજસ નથી સાથે ?"

બધાં જાણે હોય હું કંઈ ગંભીર ગૂનો કરી રહી હોય એમ મારી સામે જોઇ રહ્યાં. ત્યાં જ અંકલ બોલ્યાં, "આ તારી જ છે ને સોનાની બુટ્ટી ?? મને થયું ચિંતા થશે એટલે હું આપવાં આવ્યો."

ત્યાં જ પાછળથી એક વ્યક્તિ અંદર પ્રવેશી એને જોઈને આપણે હરખાઈ ગયાં." તેજસ પણ સાથે છે ને...આવ અંદર." આર યા પાર નાં ઈરાદા સાથે મેદાનમાં આવી ગયાં.

તેજસને જોતાં જ બધાં એકબીજાંની સામે જોવા લાગ્યાં. મમ્મી, પપ્પાને ભાઈ ત્રણેય ખડખડાટ હસી પડ્યાં ને મમ્મી બોલી, "ચીકુ ખરેખર આ જ તેજસ છે ??"

હું બોલી, "હા આજ તેજસ આપણી ખાસ બહેનપણી..."

ભાઈ બોલ્યો, "તું ચોખવટ તો કર કે તેજસ છોકરો નહીં પણ છોકરી છે...અમે તો ક્યારનાં...."

ને એક જ વાક્યે આપણને રામકથા આખી સમજાઈ ગઈ. ગુલાબનું ફૂલ પણ યાદ આવ્યું અને એ પ્રેમનું ગીત પણ.

મેં કહ્યું, " તમે પણ મને કદી પૂછ્યું ખરાં ?"

તેજસ બોલી, "ઓ બાપ રે ! પપ્પા તમને પણ મારું આ નામ જ સૂઝ્યું ?આજ સુધી પાંચ જણાંનાં ત્યાં આવી ગેરસમજ થઈ ચૂકી છે. એક બહેનપણીને એનાં પપ્પાએ ઝુડી કાઢેલી. નિશીતા બચી ગઈ તું આજે. બાકી આ લોકોને જોતાં એવું જ લાગે છે કે મેદાનમાં પહોંચી જ ગયાં હતાં ફક્ત શસ્ત્ર ઉપાડવાની વાર હતી." ને આખાં ઘરમાં હાસ્યનું હળવું મોજું ફરી વળ્યું...!


ડૉ.રિધ્ધી મહેતા "અનોખી"
Show quoted text
--
Customer Support
Indian Content Community
Rate & Review

Dilip Patel

Dilip Patel 2 years ago

બિલકુલ "અનોખી" રચના 👍👌

Umesh Shah

Umesh Shah 2 years ago

atul chadaniya

atul chadaniya 10 months ago

Vandana Parmar

Vandana Parmar 1 year ago

Dr. Pruthvi Gohel
Share