Jahnavi no khuni kon - 7 books and stories free download online pdf in Gujarati

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 7

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-7

કહાની હજી બાકી છે....


"પંજાબી સબ્જી બંન્ને અલગ-અલગ મંગાવી છે છતાં પણ ગ્રેવીના કારણે સ્વાદમાં તો બંન્ને સરખી જ લાગે છે. તમારું શું કહેવું છે, પરમાર સાહેબ?" હરમને જમતાં જમતાં ઇન્સ્પેક્ટર પરમારને પૂછ્યું હતું.

"મને લાગે છે ઘણીવાર તું ખૂબ જ ભેદી વાત કરે છે. ચાલ, ફટાફટ જમી લઇએ કારણકે હજી બીજા લોકોની પૂછપરછ બાકી છે." ઇન્સ્પેક્ટર પરમારે હસતાં હસતાં હરમનને કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમાર અને હરમને જમી લીધા બાદ રાજ મલ્હોત્રાના બુટીકના પટાવાળા સુનીલને કેબીનમાં બોલાવ્યો હતો.

"દિવ્યા અને રાજ વચ્ચેના સંબંધો કેવા હતાં? અને એ સંબંધોના કારણે જ રાજ જાન્હવીના બદલે દિવ્યાને દુબઇ મોકલવા તૈયાર થયો હતો, એ વાત સાચી છે?" હરમને પટાવાળા સુનીલને પૂછ્યું હતું.

"જો સાહેબ, હું ખાતરી સાથે તો કશું જ ના કહી શકું પરંતુ જે રીતે રાજ સાહેબ અને દિવ્યા મેડમનું હળવામળવાનું એકબીજા સાથે હતું એ ઉપરથી મને ચોક્કસ શંકા લાગતી હતી અને જાન્હવી મેડમના બદલે દિવ્યા મેડમને દુબઇ મોકલવાનો નિર્ણય લેવા માટેનું આ એક જ કારણ મને દેખાય છે. સીમા મેડમ પણ દિવ્યાને અમદાવાદના બુટીકમાં રાખવા માંગતા ન હતાં. એ પણ દિવ્યાને દુબઇ મોકલી દેવા માંગતા હતાં. એ તો ત્યાં સુધી ઇચ્છતા હતાં કે દિવ્યા મેડમ નોકરી છોડી દે અને રાજ સાહેબથી દૂર થઇ જાય. દિવ્યા મેડમના કારણે રાજ સાહેબ અને સીમા મેડમ વચ્ચે ઝઘડા થયેલા છે કારણકે એક બે વાર તો ઝઘડા મેં મારા કાનેથી સાંભળેલા હતાં." પટાવાળા સુનીલે જવાબ આપતા કહ્યું હતું.

સુનીલના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારે સીમા મલ્હોત્રાને કેબીનમાં બોલાવી હતી. હરમને તૈયાર કરેલા સવાલોનું કાગળ એણે ઇન્સ્પેક્ટર પરમારને આપી દીધું હતું કારણકે સીમા એની ક્લાયન્ટ હતી એટલે સીમાને સવાલ પૂછવાની જવાબદારી એણે ઇન્સ્પેક્ટર પરમારને સોંપી દીધી હતી.

"સીમાજી, જે દિવસે જાન્હવીનું ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં? અને હા, તમે જે કાંઇ પણ કહો એ સાચું જ કહેજો. મને તમે ખોટા અથવા ગોળ જવાબ આપશો તો મને જરાય પસંદ નહીં પડે." ઇન્સ્પેક્ટર પરમારે સખ્તાઇથી કહ્યું હતું.

"જુઓ ઇન્સ્પેક્ટર સાહેબ, જાન્હવીનું ખૂન જે દિવસે થયું એ દિવસે મારા પતિએ સાડાનવ દસ વાગે જાન્હવીના ઘરે જઇ એને સમજાવવાની વાત મને કહી હતી પરંતુ આટલી મોડી રાત્રે જવાની મેં એમને ના પાડી પરંતુ જીદ કરીને તેઓ જાન્હવીને સમજાવવા એના ઘરે જવા નીકળી ગયા હતાં. આટલી મોડી રાત્રે જાન્હવીને સમજાવવા જવાની એમની વાત સાંભળી મને એમના ઉપર શંકા ગઇ. મને થયું કે એ ચોક્કસ દિવ્યાને મળવા જાય છે અને એટલે મેં એમનો પીછો કર્યો હતો. પરંતુ જ્યારે એમની ગાડી જાન્હવીના ફ્લેટમાં દાખલ થઇ એ જોઇ મને રાહત થઇ અને હું ઘરે તરત પાછી આવીને મારા બેડરૂમમાં જઇ સૂઇ ગઇ હતી. મારા પતિ રાજ અને દિવ્યા વચ્ચેના સંબંધો મને શંકાસ્પદ જ્યારથી દિવ્યા નોકરી પર આવી છે ત્યારથી લાગી રહ્યા છે. મારા પતિ રાજનું કહેવું છે કે આ વાતમાં કોઇ દમ નથી અને મારી પાસે કોઇ પાકો પુરાવો નથી. મારું સત્ય માત્ર ને માત્ર આટલું જ છે અને મેં જે કાંઇ પણ તમને કીધું છે એ સાચું જ કીધું છે." સીમાએ પોતાની વાત પૂરી કરતા કહ્યું હતું.

સીમાના ગયા બાદ ઇન્સ્પેક્ટર પરમારને રાજ મલ્હોત્રાને કેબીનમાં બોલાવ્યો હતો.

"રાજજી, તમારે અને દિવ્યા વચ્ચે પ્રેમસંબંધ છે? તમારો સાચો જવાબ જાન્હવીના ખૂનીને શોધવામાં અમને મદદગાર સાબિત થશે માટે તમે સાચું કહો એવું અમે ઇચ્છીએ છીએ." હરમને રાજ મલ્હોત્રાને સીધો સવાલ પૂછ્યો હતો.

"મારા અને દિવ્યા વચ્ચે પ્રેમ અને લાગણીના સંબંધ છે પરંતુ હજી એ વાતચીત પૂરતા જ સીમિત છે. દિવ્યા દુબઇનું બુટીક શરૂ થયા પછી અમારા સંબંધો વિશે કોઇ નિર્ણય પાકો લઇ શકશે એવું એણે મને કહ્યું હતું માટે ખાસ કોઇ મજબૂત પ્રેમસંબંધ હોય એવું તમે ના કહી શકો. દિવ્યામાં એક એક્સપર્ટ ફેશન ડીઝાઇનર તરીકેની સક્ષમતા ખૂબ જ ઓછી છે. તૈયાર ડ્રેસ અને કસ્ટમરને સમજાવવાની આવડત સારી છે. મારા આખા બુટીક અને ધંધાનો આધાર છેલ્લા બાર વર્ષથી જાન્હવીના ખભા ઉપર હતો અને જાન્હવીના જ કારણે હું એક નામાંકિત ફેશન ડીઝાઇનર બની શક્યો એમાં કોઇ શંકાને સ્થાન નથી." રાજ મલ્હોત્રાએ પોતાનો જવાબ આપતા કહ્યું હતું.

રાજ મલ્હોત્રાના કેબીનમાંથી બહાર ગયા બાદ અડધો કલાક પહેલા જ પોલીસ સ્ટેશનમાં આવેલા જાન્હવીના બનેવી પ્રકાશ પારેખને અંદર બોલાવવામાં આવ્યા હતાં. પ્રકાશ પારેખ ઇન્સ્પેક્ટર પરમાર અને હરમનની સામે ગુસ્સાથી જોઇ રહ્યા હતાં.

"ઇન્સ્પેક્ટર પરમાર, તમે મને દુબઇથી બે દિવસમા જે રીતે બોલાવ્યો છે એ તમે સારું કર્યું નથી." પ્રકાશ પારેખે ગુસ્સો કરતા કહ્યું હતું.

"મી. પારેખ, જાન્હવીનું જે દિવસે ખૂન થયું એ દિવસે તમે ક્યાં હતાં અને તમારી પત્ની ધ્વનિ પારેખ એ ક્યાં હતી અને અત્યારે તમે એને લઇને શું કરવા નથી આવ્યા? અમે તમે બંન્નેને બોલાવ્યા હતાં." હરમને જાન્હવીના બનેવી પ્રકાશ પારેખને એકસાથે બે-ત્રણ પ્રશ્નો પૂછ્યા હતાં.

"જાન્હવીનું ખૂન થયું એ દિવસે હું અમદાવાદની હયાત હોટલમાં ઉતર્યો હતો. હું બીઝનેસના અર્થે એક મીટીંગ માટે આવ્યો હતો અને સાથે મારી પત્નીને પણ લેતો આવ્યો હતો. હજી અઠવાડિયા પહેલા જ એ દુબઇથી અમદાવાદ આવી હતી અને જાન્વીના ખૂન થવાના કારણે એ ખૂબ જ ડીપ્રેશનમાં આવી ગઇ છે. આવી હાલતમાં એને અમદાવાદ ના લાગતા છેલ્લા ટાઇમે એની ટિકીટ બુક કરાવી હોવા છતાં એને લાવ્યો નથી." પ્રકાશ પારેખે અકળાઇને કહ્યું હતું.

"તમે જાન્હવીને ફ્લેટ પર કેમ રોકાયા ન હતાં અને તમે જાન્હવીને મળ્યા હતાં?" હરમને બીજો સવાલ પૂછ્યો હતો.

"જુઓ, જાન્હવી અને અમારી વચ્ચે કોઇ સંબંધ હતાં નહિ. મારી પત્ની ધ્વનિ અને જાન્હવી વચ્ચે પ્રોપર્ટીને લઇ કોર્ટ કેસ ચાલી રહ્યો છે જેના કારણે અમારા લોકો વચ્ચે બોલવાના સંબંધો રહ્યા ન હતાં. માટે એના ત્યાં રહેવાની કે એને મળવાની વાતનો સવાલ ઊભો થતો નથી." પ્રકાશ પારેખે કહ્યું હતું.

"જાન્હવીના ફોન રેકોર્ડ ઉપરથી ખબર પડે છે કે જે દિવસે એનું ખૂન થયું એ દિવસે તમારે એની જોડે ફોન ઉપર વાત થઇ હતી. તો તમારે અને જાન્હવી વચ્ચે શું વાત થઇ હતી?" હરમને પ્રકાશ પારેખને પૂછ્યું હતું.

"જાન્હવીનો ફોન મારા મોબાઇલ પર આવ્યો હતો પરંતુ એ ફોન મેં મારી પત્નીને આપી દીધો હતો. એ બંન્ને વચ્ચે પ્રોપર્ટીને લઇ વાતચીત થઇ હતી. પરંતુ જાન્હવી પ્રોપર્ટીમાંથી અડધો ભાગ મારી પત્નીને આપવા માટે સંમત થઇ ન હતી." પ્રકાશ પારેખે કહ્યું હતું.

"તમારે અને દિવ્યા વચ્ચે શું સંબંધ છે?" હરમનનો સવાલ સાંભળી પ્રકાશ પારેખ અને ઇન્સ્પેક્ટર પરમાર બંન્ને ચોંકી ગયા હતાં.

"કોણ દિવ્યા? હું કોઇ દિવ્યાને ઓળખતો નથી." પ્રકાશ પારેખે કહ્યું હતું.

"જુઓ મી. પારેખ, તમે અમને સહકાર નહીં આપો તો તમારા માટે તકલીફો ઊભી થશે. અમારી પાસે તમારું એરેસ્ટ વોરંટ છે. માટે તમારો ફાયદો એમાં જ છે કે તમે મને સાચું કહી દો." હરમને પ્રકાશ પારેખને ધમકાવતા કહ્યું હતું.

ઇન્સ્પેક્ટર પરમાર તો હરમનનો તમાશો અચરજથી જોઇ રહ્યા હતાં અને અમારી પાસે પ્રકાશ પારેખનું એરેસ્ટ વોરંટ છે એવું હરમન ખોટું શું કરવા બોલ્યો એ એમને સમજાતું ન હતું.

"હા, હું દિવ્યાને છેલ્લા પાંચ વર્ષથી ઓળખું છું અને અમે બંન્ને લગ્ન કરવાના છીએ. હું મારી પત્નીને ડીવોર્સ આપવાનું વિચારી રહ્યો હતો પરંતુ આ વાતની જાન્હવીના ખૂન સાથે શું લેવાદેવા છે? હું મારી વકીલના આવ્યા વગર કોઇપણ પ્રશ્નનો જવાબ આપવા તૈયાર નથી." પ્રકાશ પારેખે ગુસ્સે થઇ કહ્યું હતું અને પોતાના વકીલને ફોન જોડ્યો હતો.

"સારું, તમારો વકીલ આવે ત્યાં સુધી તમે જવાબ તો આપી ના શકો પરંતુ અમારી વાતો તો તમે સાંભળી શકો છો અને તમે અમને સહકાર નહિ આપીને તમે ભૂલ કરી રહ્યા છો એ વાત હું તમને પહેલેથી જ જણાવી દઉં છું." હરમને પ્રકાશ પારેખને ગુસ્સાથી કહ્યું હતું.

"પરમાર સાહેબ, બહાર બેઠેલી દિવ્યાને અંદર બોલાવો એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય." હરમને કહ્યું હતું.

દિવ્યાં અંદર આવીને પ્રકાશ પારેખની બાજુમાં આવીને ચૂપચાપ બેસી ગઇ હતી. કેબીનના વાતાવરણ ઉપરથી જ એને મામલો ખરાબ થઇ રહ્યો છે એ સમજતા વાર લાગી ન હતી.

"જુઓ દિવ્યાજી, પ્રકાશ પારેખ એમના અને તમારા સંબંધોની કબૂલાત કરી ચૂક્યા છે. તમે આ ખૂનના કેસમાંથી બચવા માંગતા હોય તો તમે તમારો પક્ષ રજૂ કરી શકો છો." હરમને સખ્તાઇથી દિવ્યાને કહ્યું હતું.

"દિવ્યા મેં આપણા વકીલને બોલાવ્યા છે. તું કોઇપણ સ્ટેટમેન્ટ વકીલના આવ્યા પહેલા આપતી નહિ." પ્રકાશ પારેખે દિવ્યાને સમજાવતા કહ્યું હતું.

દિવ્યા રડવા લાગી હતી.

"ના પ્રકાશ, હું મારું સ્ટેટમેન્ટ આપવા માંગુ છું. મને હવે તારા પર વિશ્વાસ રહ્યો નથી. તે મારી જિંદગી બરબાદ કરી નાંખી છે." દિવ્યા રડતાં રડતાં પણ મક્કમતાથી બોલી હતી.

દિવ્યાની વાત સાંભળી ઇન્સ્પેક્ટર પરમાર તરત જ પ્રકાશ પારેખને બાજુની કેબીનમાં લઇ ગયા હતાં અને પ્રકાશ પારેખ પોલીસ સ્ટેશનમાંથી નીકળી ન જાય એ માટે હવાલદારને સૂચના પણ આપી દીધી હતી.

"પ્રકાશ અને હું છેલ્લા પાંચ વર્ષથી એકબીજા સાથે જોડાયેલા છીએ. પ્રકાશ મને છેલ્લા પાંચ વર્ષથી મારી સાથે લગ્ન કરશે એવું કહી ગોળ ફેરવી રહ્યો છે. બે વર્ષ પહેલા એણે મને મી. રાજ મલ્હોત્રાના બુટીકમાં નોકરી માટે મોકલી હતી. નોકરી મને મારી ફેશન ડીઝાઇનરની ડિગ્રી ઉપર મળી ગઇ હતી. મેં દુબઇમાં પણ એક વર્ષ ફેશન ડીઝાઇનર તરીકે કામ કરેલું હતું માટે રાજ મલ્હોત્રાએ મને ત્યાંના અનુભવના કારણે અહીં નોકરી પર રાખી લીધી હતી. મારું કામ જાન્હવી જોડે અને રાજ મલ્હોત્રા સાથે સંબંધ સારા બનાવવાનું પ્રકાશે સમજાવ્યું હતું. પરંતુ જાન્હવી મારાથી ખૂબ દૂરી રાખતી હતી. એ પોતાની પસંદગીના લોકો સાથે જ વાત કરવાનું પસંદ કરતી હતી પરંતુ રાજ મલ્હોત્રા મારી વાતમાં આવવા લાગ્યા હતાં. રાજ મલ્હોત્રા મારામાં એટલા બધાં ઓતપ્રોત થઇ ગયા ગયા હતાં કે એ ક્યાં જાય છે? શું વિચારે છે? એ બધું મને જણાવતા હતાં. જે દિવસે રાજ મલ્હોત્રા રાત્રે જાન્હવીને સમજાવવા માટે એના ઘરે જતાં હતાં ત્યારે એમણે મને મેસેજ કરી આ વાત જણાવી હતી. આ વાત મેં તરત જ પ્રકાશને જણાવી હતી કારણકે પ્રકાશ અમદાવાદમાં જ હતો. જાન્હવીની પાડોશમાં રહેતી સંગીતા શર્માને પ્રકાશના કહેવાથી હું મળી હતી અને દર મહિને હું એને કામ આપતી હતી જેનાથી એના ડ્રગ્સના અને એના રૂટીન ખર્ચા નીકળતા હતાં. જે દિવસે જાન્હવીનું ખૂન થયું એના મહિના પહેલા પ્રકાશના કહેવાથી મેં સંગીતા શર્માને મળીને મેં એને એક કરોડ રૂપિયા આપવાની ઓફર આપી હતી અને એના બદલામાં એની ઘરની ગેલેરીમાંથી જાન્હવીના ઘરમાં જઇ શકાય એ માટે એને રાજી પણ કરી લીધી હતી. સંગીતાને ડ્રગ્સનું વ્યસન હતું. એના કારણે એને રોજ પૈસાની જરૂર પડતી હતી. મેં એને એક કરોડ રૂપિયાની ઓફર આપી અને એના ઘરની ગેલેરીમાંથી જાન્હવીના ઘરમાં જઇ શકાય એ માટે એને રાજી કરી લીધી હતી. આમેય આ ઘર સંગીતાએ છોડવાનું જ હતું. સંગીતા અને મને બંન્નેને ખબર ન હતી કે પ્રકાશ સંગીતાની ગેલેરીમાંથી જાન્હવીની ગેલેરીમાં કેમ જવા માંગે છે? બસ મારો રોલ માત્ર આટલો જ છે. આનાથી વધારે મને કાંઇ ખબર નથી." દિવ્યા રડતાં રડતાં બોલી રહી હતી.

"દિવ્યાજી, તમે પૂછ્યું નહિ કે સંગીતાની ગેલેરીમાંથી જાન્હવીના ઘરમાં પ્રકાશ પારેખને શું કરવા જવું છે? અને આટલા પાતળા બીમ પર ચાલીને જવામાં મી. પ્રકાશને ડર ના લાગ્યો?" ઇન્સ્પેક્ટર પરમારે દિવ્યાને પૂછ્યું હતું.

"હા, પ્રકાશને મેં પૂછ્યુ હતું તો પ્રકાશે કહ્યું હતું કે એના ધંધામાં ખૂબ દેવું થઇ ગયું છે અને એ દેવું ઉતારવા માટે જાન્હવી અને ધ્વનિની પ્રોપર્ટીના ઓરીજીનલ કાગળ જે જાન્હવીના ફ્લેટમાં છે એ લાવવા છે જેથી જાન્હવીનો કેસ નબળો પડી જાય અને પ્રકાશની શરત જાન્હવીએ માની લેવી પડે. પ્રકાશ દેવામાંથી બહાર આવી જશે તો એ એની પત્નીને છૂટાછેડા આપીને મારી સાથે લગ્ન કરી લેશે એવું એણે મને વચન આપ્યું હતું અને માટે જ હું આ કામ માટે રાજી થઇ ગઇ હતી. પાંચ વર્ષ પહેલા હું અને પ્રકાશ એક ટ્રેકીંગ કેમ્પમાં મળ્યા હતાં. પ્રકાશ ખૂબ સારો પર્વતારોહી છે માટે આવા પાતળા બીમ ઉપર ચાલતા એને જરાય ડર ના લાગે." દિવ્યાએ પ્રકાશનું રહસ્ય ખોલતા કહ્યું હતું.

"વાહ હરમન, તે જાન્હવીના ખૂનીને શોધી કાઢ્યો. પ્રકાશ પારેખ જ જાન્હવીનો ખૂની છે અને સંગીતાની ગેલેરીમાં જઇ એણે જાન્હવીનું ખૂન કર્યું છે એ વાત દિવ્યાના બયાન ઉપરથી સાબિત થાય છે." ઇન્સ્પેક્ટર પરમારે શાબાશી આપતા હરમનને કહ્યું હતું.

"વાત એટલી જ નથી, પરમાર સાહેબ. કહાની હજી બાકી છે. પહેલા આપણા બંન્ને માટે ચા મંગાવો." હરમને ઇન્સ્પેક્ટર પરમાર સામે હસતાં હસતાં કહ્યું હતું.

ક્રમશઃ.....

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું.... લિ.ૐ ગુરુ ....)