Jahnavi no khuni kon - 8 - last part books and stories free download online pdf in Gujarati

જાન્હવીનો ખૂની કોણ? - ભાગ 8 - છેલ્લો ભાગ

જાન્હવીનો ખૂની કોણ?

ભાગ-8

રહસ્ય ઉપરથી પડદો ખુલે છે......


હરમને ચા પીતા પીતા જમાલને ફોન લગાડ્યો હતો.

"જમાલ, તું એ વ્યક્તિને લઇ પોલીસ સ્ટેશને આવી જા. તારો કોઇ પીછો નથી કરતુંને એ વાતનું તું ખાસ ધ્યાન રાખજે." હરમને જમાલને સમજાવતા કહ્યું હતું.

"કહાની હજી બાકી છે એ વાત હું સમજ્યો નહિ અને જમાલ કોને લઇને આવી રહ્યો છે?" ઇન્સ્પેક્ટર પરમારે અચરજ સાથે હરમનને પૂછ્યું હતું.

"પરમાર સાહેબ, આ જાન્હવીનો ખૂન કેસ છેને એવો ખૂન કેસ નથી ક્યારેય ફિલ્મોમાં જોયો કે નથી ક્યારેય કોઇ નોવેલમાં વાંચ્યો. આવા ખૂન કેસની કલ્પના કરવી પણ અઘરી છે. એ વ્યક્તિ આવી જાય એટલે ઘણું બધું રહસ્ય આપોઆપ ખુલી જશે. ત્યાં સુધી આપણે દિવ્યાને એક-બે સવાલો પૂછી લઇએ. હવાલદારને કહી દિવ્યાને અંદર બોલાવો." હરમને ઇન્સ્પેક્ટર પરમારને કહ્યું હતું.

દિવ્યા અંદર આવી ત્યારે એની આંખો ભરાયેલી હતી. રડવાના કારણે આંખો લાલ થઇ ગઇ હતી.

"દિવ્યાજી, મી. પ્રકાશ જાન્હવીનું ખૂન કરવા માંગતા હતાં એ વાતની તમને ખબર હતી? જાન્હવીનું એક ચાકુ અને પીંક કલરનું ડંબેલ ક્યાં છે એ તમને ખબર છે? અને સંગીતા જોડે એક કરોડમાં સોદો થયો ખાલી એક ગેલેરીમાંથી બીજી ગેલેરીમાં જવા માટે જ થયો હતો એ વાત તમને વધારે પડતી લાગતી નથી?" હરમને દિવ્યાને ઉપરાઉપરી ત્રણ સવાલો પૂછ્યા હતાં.

"જુઓ મી. હરમન, પ્રકાશે જાન્હવીનું ખૂન કર્યું છે કે નથી કર્યું એની મને ખબર નથી પરંતુ સંગીતાને એક કરોડ રૂપિયા એની ગેલેરીમાંથી જાન્હવીની ગેલેરીમાં દાખલ થઇ પ્રકાશ મિલકતના કાગળિયા અને લોકરની કોઇ ચાવી લેવા જવાનો હતો. જે રાત્રે મી. રાજ મલ્હોત્રા જાન્હવીના ઘરે ગયા હતાં એ દિવસે મેં પ્રકાશને આ વાત મેસેજમાં કહી હતી. એ પછી શું થયું એ મને ખબર નથી. પ્રકાશે ફોન કરી મારી પાસેથી સંગીતાનો નંબર લીધો હતો અને સંગીતાને ફોન કરીને એવું કહેવાનું કીધું હતું કે રાત્રે બાર સાડાબારે એના ઘરે જશે. બસ આનાથી એક પણ લીટી વધારે મને કાંઇ ખબર નથી અને રહી વાત જાન્હવીના ડંબેલ અને ચાકુની તો એ વિશે હું કશું જાણતી નથી." દિવ્યાએ ખુલાસો કરતા કહ્યું હતું.

હરમને દિવ્યાને બહાર બેસવાનું કહ્યું હતું. થોડીવારમાં જમાલ એક બુરખાધારી વ્યક્તિ સાથે પોલીસ સ્ટેશનમાં દાખલ થયો હતો. પોલીસ સ્ટેશનમાં બેઠેલા બધાં લોકો જમાલ અને એ બુરખાધારી વ્યક્તિ સામે જોઇ રહ્યા હતાં. જમાલ એ વ્યક્તિને લઇને ઇન્સ્પેક્ટર પરમારની કેબીનમાં દાખલ થયો હતો.

"જમાલ, આ કોણ છે?" ઇન્સ્પેક્ટર પરમારે જમાલને પૂછ્યું હતું.

સ્ત્રીએ પોતાના મોઢા પર રાખેલો પડદો ઊંચો કર્યો હતો. 'હું જાન્હવી છું.' આટલું બોલી એ ખુરશી ઉપર બેસી ગઇ હતી.

જાન્હવીને જોતાં ઇન્સ્પેક્ટર પરમાર પણ ખુરશીમાં ફસડાઇ પડ્યા હતાં અને હરમન ઇન્સ્પેક્ટર પરમારના મોઢા પર આવેલા હાવભાવને જોઇ હસી રહ્યો હતો.

"હરમન, આ બધું શું છે? તું મને સમજાવીશ. હું સવારથી જ નવાઇ પામી રહ્યો છું. આ જાન્હવી છે તો જે મૃતદેહ મળ્યો હતો એ કોનો હતો? તું આખી વાત વિગતવાર સમજાવ." પરમારે કપાળ પરનો પરસેવો લૂછતાં કહ્યું હતું.

હરમને હવાલદારને પ્રકાશ પારેખને પરમાર સાહેબની કેબીનમાં લાવવાનું કહ્યું હતું. પ્રકાશ પારેખ કેબીનમાં જેવો દાખલ થયો અને જાન્હવીને જોતાં જ એના હાંજા ગગડી ગયા હતાં અને કેબીનમાં રહેલી લાકડાની બેન્ચ ઉપર બેસી ગયો હતો.

"હવે પરમાર સાહેબ હું તમને આખી ઘટના સમજાવું છું. મારી ક્યાંય ભૂલ થતી હોય મી. પ્રકાશ તો મને કહેજો. સૌપ્રથમ જ્યારે મેં જાન્હવીનો ફોટો એના ફોટો ફ્રેમમાં જોયો અને ત્યારબાદ મેં જાન્હવીના મૃતદેહનો ફોટો જોયો એ વખતે જ મને ખબર પડી ગઇ હતી કે આ ડેડબોડી જાન્હવીની નહોતી કારણકે જાન્હવીના ગળા પર કાળા કલરનું લાખુ છે અને લાશના ગળા પર આવું કોઇ લાખુ કે નિશાન હતું નહિ એટલે એ જ વખતે હું સમજી ગયો હતો કે ખૂન જાન્હવીનું નથી થયું પરંતુ ખૂન થયું તો હતું. તો આ લાશ કોની હતી? એ જાણવા માટે મેં જાન્હવીના બેગ્રાઉન્ડને ચકાસ્યું તો મને ખબર પડી કે જાન્હવીની એક જુડવા બહેન છે. જે નેવું ટકા અદ્દલ એના જેવી જ દેખાય છે. બીજું તપાસ કરતી વખતે એ પણ ખબર પડી કે મી. પ્રકાશ અને ધ્વનિએ ધ્વનિના પિતાની નામંજૂરી ઉપર ભાગીને લવમેરેજ કર્યા હતાં. મી. પ્રકાશની નજર ધ્વનિના પિતાની દોલત પર હતી અને એ વાત ધ્વનિના પિતા જાણી ગયા હતાં અને માટે જ એ લગ્નનો વિરોધ કરી રહ્યા હતાં. હવે મુદ્દા પર આવું. જો જાન્હવીના બદલે ધ્વનિનું મૃત્યુ થયું છે તો એના પતિ પ્રકાશ પારેખ કશું બોલી કેમ નથી રહ્યા? એ થીયરી પર મેં વિચારવાનું અને રીસર્ચ કરવાનું મેં શરૂ કર્યું હતું અને એ રીસર્ચ પરથી આખી ઘટનાની કડીઓ મેં જોડી દીધી. હવે જે દિવસે સાડાબાર વાગે રાજ મલ્હોત્રા જાન્હવીના ઘરેથી નીકળ્યા એના અડધો કલાક પહેલા એટલેકે બાર વાગે ધ્વનિ અને મી. પ્રકાશ પારેખ સંગીતા શર્માના ફ્લેટમાં આવીને બેસી ગયા હતાં. પ્લાન મુજબ ધ્વનિ રાજ મલ્હોત્રાના ગયા પછી જાન્હવીના દરવાજા પાસે ગઇ અને બેલ માર્યો હતો. જાન્હવીએ દરવાજો ખોલ્યો હતો. પોતાની બહેનને એકલી આવેલી જોઇ જાન્હવીએ એને ઘરમાં દાખલ થવા દીધી હતી અને ઘરનો દરવાજો લોક કર્યો હતો. જાન્હવી અને ધ્વનિ જાન્હવીના બેડરૂમમાં બેસીને વાત કરી રહ્યા હતાં અને એ જ વખતે પ્રકાશ પારેખ સંગીતાની ગેલેરીમાંથી જાન્હવીની ગેલેરીમાં આવી ગયા હતાં અને ગેલેરીના દરવાજામાંથી અંદર ડ્રોઇંગરૂમમાં દાખલ થયા હતાં. ડ્રોઇંગરૂમમાં દાખલ થયા બાદ એમણે જાન્હવીને ક્લોરોફોમ સૂંઘાડી દીધું હતું અને લગભગ એક વાગ્યાથી બે વાગ્યા સુધી પ્રકાશ પારેખ અને ધ્વનિએ એની પિતાની મિલકતના કાગળ અને લોકરની ચાવી શોધી હતી. જે જાન્હવીની તિજોરીમાંથી મળી ગયા હતાં. ત્યારબાદ પ્રકાશ પારેખે જાન્હવીના જ બેડરૂમમાં પડેલું એનું લકી ચાકુ અને ડંબેલ્સ હાથમાં લીધા હતાં. ગુલાબી કલરના ડંબેલ્સથી એમણે ધ્વનિના માથા પર વાર કર્યો હતો અને ચાકુ વડે એની પત્ની ધ્વનિના માથા પર ઘા માર્યા હતાં. પ્રકાશ પારેખે એક પથ દો કાજ જેવું કામ કર્યું હતું. ધ્વનિને મારી નાંખી અને એમના અને દિવ્યાના જોડે રહેવાના સપનાને આકાર આપ્યો હતો અને બેહોશ જાન્હવીને સંગીતા શર્માની મદદથી સંગીતાના ફ્લેટમાં લઇ જઇ બંધક બનાવી દીધી હતી. જ્યાં સુધી આ કેસની ફાઇલ બંધ ના થાય ત્યાં સુધી જાન્હવીને જીવતી રાખવી જરૂરી હતી. જાન્હવીને પ્રકાશ પારેખે એવી ધમકી આપી હતી કે જો જાન્હવી એને સહયોગ નહિ આપે તો ધ્વનિના ખૂનના આરોપમાં જાન્હવીને એ જેલ કરાવી દેશે. જાન્હવી આમેય બંધક હતી એટલે જાન્હવી પ્રકાશ પારેખની હામાં હા મેળવી રહી હતી. આપણે જ્યારે સંગીતાના ફ્લેટમાં પૂછપરછ કરવા ગયા ત્યારે જાન્હવી ફ્લેટમાં બંધક જ હતી." હરમન શ્વાસ લેવા માટે રોકાયો હતો.

"હરમન, મિલકતના કાગળિયા લીધાં એ વાત તો બરાબર છે પરંતુ લોકરની ચાવી શેના માટે? અને મી. પ્રકાશ પારેખે જાન્હવીને જીવતી કેમ રાખી? આનાથી તો એ ફસાઇ શકે એમ હતાં." ઇન્સ્પેક્ટર પરમારે હરમન સામે જોઇ પૂછ્યું હતું.

"ઇન્સ્પેક્ટર એનો જવાબ હું આપું છું." જાન્હવી બોલી હતી.

"મારા બેંકના લોકરમાં મારા દાદાના સમયથી પચ્ચીસ હીરા હતાં. જે હીરાની કિંમત પચાસ કરોડની આસપાસ થતી હતી. મારા બનેવીની દાનત એ પચાસ કરોડના હીરા પડાવી લેવાની હતી અને મારી સહી વગર બેંકનું લોકર ખુલે નહિ તેમજ મિલકત અને પ્રોપર્ટી એમના નામે ટ્રાન્સફર કરવા માટે મારી સહીઓની જરૂર પડે માટે એમણે મને જીવતી રાખી. જો મને મારી નાંખે તો એમના હાથમાં કશું જ આવે નહિ. હું જીવતી જ એમના માટે કામની હતી અને આ જ મિલકતના કારણે એમણે મારી બેનનું ખૂન કરી નાંખ્યું હતું." જાન્હવી રડતાં રડતાં બોલી રહી હતી.

"જાન્હવીને સંગીતાના ત્યાં રાખવામાં આવી છે એ વાતની ખબર તને કઇ રીતે પડી? અને તારી પાસે આટલી બધી માહિતી હતી તો આટલા બધાંની પૂછપરછ કરી સમય શું કરવા બગાડ્યો?" ઇન્સ્પેક્ટર પરમારે હરમનને પૂછ્યું હતું.

"પરમાર સાહેબ, તમને યાદ હશે કે આપણે જાન્હવીનો ફ્લેટ જે દિવસે જોવા ગયા હતાં ત્યારે આપણે સંગીતા શર્માના ઘરે પણ ગયા હતાં. મેં તમને સંગીતા શર્માની ગેલેરીમાં બૂમ પાડીને બોલાવ્યા હતાં. બરાબર એ જ વખતે જમાલે બોત્તેર કલાકનું વોઇસ રેકોર્ડ થઇ શકે એવું ડીવાઇસ સંગીતા શર્માના સોફા નીચે ખુલ્લી જગ્યામાં મુકી દીધું હતું. જેથી સંગીતા શર્માના ઘરમાં કોઇ વાતચીત થાય તો કોઇને કોઇ માહિતી મળી શકે. કાલે હું સંગીતાના ઘરે ગયો અને મારું સીગરેટ લાઇટર હું ભૂલી ગયો છું એવું કહી સંગીતાના ઘરમાંથી વોઇસ રેકોર્ડર લેતો આવ્યો હતો અને ઉપરથી મને ખબર પડી કે જાન્હવી સંગીતાના જ ઘરમાં કેદ છે. ખાલી એક જ લીટી એમાં રેકોર્ડ થઇ હતી એને એ હતી કે જાન્હવી, તું જમી લે. આ રીતે ભૂખી રહીશ તો મરી જઇશ. સંગીતાના મોઢામાંથી નીકળેલી આ લીટી પરથી આખી વાતને હું સમજી ગયો હતો અને માટે આજે જમાલને સંગીતા શર્માના ઘરે મોકલ્યો હતો. જમાલે સંગીતા શર્માને ક્લોરોફોમથી બેહોશ કરી અને જાન્હવીને છોડાવીને પોલીસ સ્ટેશન લેતો આવ્યો હતો. બુરખામાં લાવવાનું કારણ એ હતું કે સિક્યોરીટી ગાર્ડ શ્યામસિંહ પણ પ્રકાશ પારેખ સાથે મળેલો હતો અને એટલે જ એણે પ્રકાશ પારેખ ફ્લેટમાં આવ્યા છે એ વાત આપણને જણાવી ન હતી. માટે એને પણ સંગીતા શર્મા સાથે ગીરફ્તાર કરવો પડશે."

ઇન્સ્પેક્ટર પરમારે પ્રકાશ પારેખને પોતાની પત્ની ધ્વનિ પારેખનું ખૂન કરવા બદલ અને દિવ્યાને પ્રકાશ પારેખનો સાથ આપવા બદલ ગીરફ્તાર કર્યા હતાં. સંગીતા શર્મા અને સિક્યોરીટી ગાર્ડ શ્યામસિંહને ગીરફ્તાર કરવા ઇન્સ્પેક્ટર પરમાર પોલીસ ટુકડી સાથે નીકળી ગયા હતાં. જાન્હવીને જીવતી જોઇ રાજ મલ્હોત્રા અને એમનો આખો સ્ટાફ ખુશ થઇ ગયો હતો અને રડતાં રડતાં જાન્હવીને ભેટી પડ્યો હતો.

"મી. હરમન, તમારી ફીનો ચેક હું તમને કાલે મોકલાવી દઇશ. તમે આ કેસ જે રીતે ઉકેલ્યો છે એના કારણે હું જેલમાં જતા બચી ગયો. અમે બંન્ને પતિ-પત્ની આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ." મી. રાજ મલ્હોત્રા બોલ્યા હતાં.

"રાજજી, કોઇપણ બેકસુરને સજા ના થાય એ માટે જ હું જાસૂસ બન્યો છું. આપે મારા પર વિશ્વાસ રાખ્યો એ બદલ હું પણ આપનો આભારી છું." હરમને હસતાં હસતાં રાજ મલ્હોત્રાને કીધું હતું.

હરમન અને જમાલ પોતાની ગાડીમાં બેસી ઘર તરફ જવા નીકળી ગયા હતાં.

સંપૂર્ણ.........

(વાચક મિત્રો, જાન્હવીનો ખૂની કોણ? આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું આપના સુધી પહોંચાડી શકું..... લિ. ૐ ગુરુ ....)