Aage bhi jaane na tu - 50 books and stories free download online pdf in Gujarati

આગે ભી જાને ના તુ - 50

પ્રકરણ - ૫૦/પચાસ

ગતાંકમાં વાંચ્યું....

અનન્યાના શરીર દ્વારા પોતાના શબ્દોને વાચા આપતી તરાનાની વાર્તાના વહેણમાં વહીને એક અગમ્ય, અગોચર, અદ્રશ્ય શક્તિનો પરચો પોતાની સમક્ષ જોતાં સૌ કોઈ પોતપોતાની માનસિકતા પ્રમાણે મૂલ્યાંકન કરી ચાલી રહેલા સમયચક્રના સાક્ષી બની તરાનાની વાત ક્યાં વળાંક લેશે અને એના કમરપટ્ટાનો સાચો હકદાર કોણ હશે એની તાલાવેલી સાથે તાલમેળ મેળવી રહ્યા હતા....

હવે આગળ....

"કેટલાંય વર્ષોની પ્રતિક્ષા પછી હું મારા જ પ્રતિબિંબને મારી સામે લાવવામાં સફળ બની. બસ હવે મારે એક આખરી અંજામ આપવાનો બાકી રહ્યો, આ અલીએ જે અપરાધ આદર્યો એની સજા આપવાનો અને મારો કમરપટ્ટો પાછો મેળવી એના હકદારને સુપરત કરવાનો. મારા કમરપટ્ટાની એક ખાસિયત છે જે અલીએ કદાચ કોઈનેય નહિ જણાવી હોય....." વાર્તાનો છેડો અધવચ્ચે છોડી તરાના ફરી આમિર અલી એટલે કે ખીમજી પટેલ પાસે ઉભી રહી.

"કોણ હશે એ કમરપટ્ટાનો હકદાર..." બધાના મનમાં એકીસાથે ઘુમરાતો પ્રશ્ન દિલમાંથી દબાઈને નીકળતો હોઠો પર આવતાં આવતાં રહી ગયો.

સૂરજ પણ ધીમે ધીમે માથે ચડી રહ્યો હતો. કુમળા તડકાની વચ્ચે વચ્ચે વાયરાની વાતી લહેરખીઓ પોતાની હાજરી પુરાવી જતી હતી. બધા ઊંટ મંદિરના પરિસરમાં ઊગી નીકળેલા ઝાડી-ઝાંખરાના પાંદડા ચાવતા છુટ્ટા ફરી રહ્યા હતા , રતને પોતાના બાંધેલા ઊંટના દોરડા છોડી દીધા હતા કારણકે એ જાણતો હતો કે આટલી લાંબી મજલ કાપ્યા પછી એ મૂંગા પ્રાણીને પણ ભૂખ-થાક લાગ્યા હશે. આમ તો ઊંટ લાંબા સમય સુધી ભૂખ-તરસ સહન કરી શકે પણ એમનેય આરામની જરૂર તો હોય જ, આખરે એ ચોપગા પ્રાણીમાંય જીવ તો છે જ.

વારાફરતી બધા તરફ નજર ફેરવી એમના ચહેરા અને આંખોમાં છલકાતી જિજ્ઞાસા જોતી તરાના પાછી મૂળ વાત પર આવી.

"આમિર," ખીમજી પટેલની દાઢીએ આંગળી મૂકી એમનો નજરો ચોરાવવા મથતો ચહેરો ઉપર કરી તરાનાએ વાત આગળ વધારી, "બોલ, તેં આ લોકોને આ કમરપટ્ટાની વિશિષ્ટતા જણાવી છે કે નહીં? ભલે આ કમરપટ્ટો અતિ મૂલ્યવાન રત્નોથી જડિત છે, અત્યારે એની કિંમત લાખોમાં નહિ પણ કરોડોમાં ઉપજે પણ.... "

"પણ.... શું" જોરુભાએ ડરતાં ડરતાં પૂછ્યું.

"આમિરે એ તો જણાવ્યું જ હશે કે આ કમરપટ્ટો વિષનળીથી ભરેલો છે, જેની નીચલી બાજુએ રહેલી કળ દબાવવાથી લબકારા મારતી જીભ બહાર નીકળે અને સામે રહેલ વ્યક્તિને દંશ મારી ક્ષણભરમાં પાછી અંદર જતી રહે પણ વાત આટલેથી નથી અટકતી, આ... આ... કમરપટ્ટો શ્રાપિત છે.... "

"શ્રા...પિ....ત..." તરાનાની વાત પૂરી થાય એ પહેલાં જ બધા વિસ્ફરીત નેત્રે અને ખુલ્લા મોઢે એની સામે તાકી રહ્યા.

"હા.... તમે બધા કમરપટ્ટાની શોધમાં અને એની પાછળનું રહસ્ય જાણવા માટે અહીં સુધી તો આવી પહોંચ્યા છો પણ તમારામાંથી કોઈનેય એ ખબર છે કે કમરપટ્ટો આ જ મંદિરમાં છે તો ક્યાં છે? નહિ ને..., ખબર જ હતી, પણ આ આમિરને તો ખબર હતી એણે ક્યાં સંતાડયો છે અને આ જમનાને પણ તો પછી તેઓ એકલા જ અહીંયા આવીને કમરપટ્ટો કેમ ન લઈ શક્યા. તમને બેયને તો જમનાએ કીધું પણ હતું કે એને ખબર છે કમરપટ્ટો ક્યાં છે તો પછી એણે તમને આ કામ કેમ સોંપ્યું એની તમને ખબર છે?" મનીષ અને માયા તરફ નજર કરતા તરાના જોરથી હસવા લાગી અને એના આ ભૂતાવળા હાસ્યથી સમગ્ર વાતાવરણ ભયથી ધ્રુજી ઉઠ્યું.

અસમંજસમાં પડેલા મનીષ અને માયાની સાથે બધા પ્રશ્નાર્થ નજરે જમનાને નિહાળી રહ્યા પણ એ નિરુત્તર અને નિઃશબ્દ બની આંખો ઝુકાવી ઉભી હતી.

"ભોળા પારેવડા જેવા છો તમે બેય, આ જમનાની જાદુઈ જીભની જાળમાં સપડાઈ ગયા. આ માથાભારે જમના જમનેય આંટી અપાવે એમાંની છે. તમને હજી એના બદ-ઈરાદાની ગંધ સુધ્ધાં નથી આવી અને હાલી નીકળ્યા જોયા જાણ્યા વગર, પોતાની સાથે સાથે બીજાની પણ જિંદગીનો વિચાર કર્યા વિના. એ તો કમરપટ્ટો મેળવીને છૂ... થઈ જશે પણ તમે બંને એના છટકામાં સપડાઈને છટકબારી શોધતા રહી જશો પણ છટકી નહિ શકો, જિંદગી જેલના સળિયા પાછળ વીતી જશે. કાંઈ ભાન-બાન છે?" મનીષ અને માયાને રોષપૂર્વક સમજાવતી તરાનાની આંખોમાં એમના પ્રત્યે ઉઠી રહેલી ચિંતાની લકીર ઉપસી આવી.

"આ કમરપટ્ટો શ્રાપિત બન્યો છે એ મારા કારણે, મેં જ મરતાં પહેલાં શ્રાપ આપ્યો હતો કે એનો સાચો હકદાર એ જ બનશે જે એને સાચા અર્થમાં પામી શકશે. હવે એને પામવું એટલું આસાન નથી તો અશક્ય પણ નથી. આ જ મંદિરમાં કમરપટ્ટાની પેટી છે જેની એક ચાવી છે જે બે હિસ્સામાં વહેંચાયેલી છે અને એનો અડધો હિસ્સો જે પહેલા આમિર પાસે હતો એ હવે રતન પાસે છે અને બીજો હિસ્સો આ અનંતરાય પાસે છે. આ બંને હિસ્સા ચુંબકીય શક્તિથી જોડાઈને એક આખી ચાવી બને અને એ ચાવીથી જ કમરપટ્ટાની પેટી ખુલે. હવે, એ પેટી ક્યાં છે એ પણ જણાવી દઉં. બરાબર બારના ટકોરે જ્યારે સૂરજ મધ્યાહ્નને હોય ત્યારે એના કિરણો આ મંદિરની જાળીમાંથી શિવલિંગના ત્રીજા નેત્રે પડે અને ત્યાંથી એકજ કિરણ સ્વરૂપે પરાવર્તિત થઈ એ કિરણ શિવલિંગની સામેના ઉંબર પર જે જગ્યાએ પડે ત્યાં એ પેટી રહેલી છે. હું તમને બપોરના બે વાગ્યા સુધીનો સમય આપું છું. સૌથી પહેલા જે પેટી લઈ આવી મારી સામે હાજર થશે એ કમરપટ્ટો એને જ મળશે. પણ....પણ....પણ... તમે ધારો છો એટલું આસાન નથી આ... એના માટે તમારે શું કરવું એ તમારે વિચારવાનું છે. હું હવે આ અનન્યાનું શરીર છોડી સામેના ઓટલે બેસી તમારી રાહ જોઇશ. આ આમિર પોતે તો ખોટો સિક્કો છે એણે જમનાને પણ ખોટી રાહે ધકેલી દીધી. એ બંનેય નહોતા જાણતા કે કમરપટ્ટો ક્યાં છે. હવામાં છોડેલું એમનું તીર નિશાન ચુકી ગયું. આમિરે પેટીની ચાવી રતનને આ જ કારણે આપી હતી કેમકે એને રતન અને રાજીવ બેય પર વિશ્વાસ હતો કે આ બેઉ જરૂર અહીં સુધી આવશે અને આમિરનો માર્ગ પણ મોકળો બની જશે, એને વધુ મહેનત નહિ કરવી પડે કેમકે આમિર એટલું તો જાણતો જ હતો કે કમરપટ્ટો મંદિરમાં જ ક્યાંક છે અને એ પણ મને મુક્ત કરી દેવાની લાલચ આપીને અને મેં પણ ફરી એકવાર મજબૂરીથી એના પર વિશ્વાસ કર્યો અને એને કમરપટ્ટો અહીં જ હોવાની વાત જણાવી દીધી. જમનાએ પણ બહુ મહેનત કરી હતી એ ચાવી શોધવા માટે, એણે તો અનંતરાયનો ઓરડો ફેંદી નાખ્યો પણ એને ચાવી ક્યાંથી મળે? કેમકે અનંતરાય એ ચાવી પોતાની સાથે લઈ આવ્યા છે અને એ પણ મારા કહેવાથી. જ્યારે અનન્યા એમને અહીં સાથે આવવા માટે વિનંતી કરી રહી હતી ત્યારે એમણે અનન્યામાં રહેલી તરાનાને ઓળખી લીધી હતી. એમના ઓરડાની બહાર નીકળતાજ મેં એમને ચાવી સાથે લઈને આવવા કીધું હતું.... આમેય હવે બીજી કોઈ વાતોનો અર્થ નથી. તમારી પાસે સમય બહુ જ ઓછો છે તો તમે બધા જાઓ પેટી લેવા હું હવે થોડીવાર આરામ કરવા માગું છું અને આ આમિર અને જમના પણ અહીંયા જ મારી પાસે રહેશે." અનન્યાના શરીરને એક આંચકાથી છોડી એક ધૂંધળી છાયા સ્વરૂપે તરાના આમિર અને જમનાને પોતાની સાથે ખેંચી લઈ જઈને ઓટલે બેસી ગઈ અને બાકી બધાય મંદિર તરફ દોડ્યા. મનીષ-માયા અને રતન-રાજીવ પગથિયાં કુદતા ઉપર ચડી ગયા જ્યારે અનન્યા, અનંતરાયનો હાથ પકડી, જોરુભા અને નટુભા સાથે એમની પાછળ પાછળ ગઈ.

"બાર વાગવાને તો હજી વાર છે અને આમ કોઈની પણ પોકળ વાત પર વિશ્વાસ કરી રાહ જોતા બેસી રહેશું તો ક્યાંક આપણા જ બાર ન વાગી જાય અને બહાર બેઠેલા પેલા ત્રણેય અહીંથી છુમંતર થઈ જાય. માયા, ચાલ આપણે રાહ જોવા કરતાં કામે લાગીએ." મંદિરમાં પગ મૂકતાં જ મનીષે પોતાનું દોઢ ડહાપણ વાપર્યું.

રતન અને રાજીવે અનન્યા અને વડીલોને મંદિરના ઓટલે જ બેસી આરામ કરવા કહ્યું. અનન્યા પણ થાકી ગઈ હતી એટલે મુક સંમતિ આપી એ ચારેય ત્યાંજ બેસી ગયા અને રતન અને રાજીવ મંદિરમાં પ્રવેશ્યા.

મનીષ અને માયા ઉભડક પગે ઉંબરા પાસે બેસી ગયા અને ઉંબરાને કેવી રીતે ઉખાડવો એનો વિચાર કરવા લાગ્યા. અચાનક કોઈ ઉપાય સૂઝયો હોય એમ મનીષ ઉભો થયો અને પોતાના ખભે લટકતી બેગમાંથી એક નાનકડું ચપ્પુ બહાર કાઢ્યું.

"માયા, આનાથી ટ્રાય કરી જોઈએ, કદાચ થોડું થોડું કોતરતા આ લાકડું નીકળી જાય." કહીને હજી એણે ઉંબરાની મધ્યમાં ચપ્પુની અણી પરોવી જ હતી ત્યાં દરવાજાની બારસાખમાંથી બંને બાજુએથી નાનકડા સોય જેવા તીર નીકળીને એના હાથમાં ખુંપી ગયા. એના હાથમાંથી વહેતી લોહીની ધાર જોઈ માયાની આંખે અંધારા આવી ગયા અને એ ત્યાં જ મૂર્છિત થઈને ઢળી પડી. જેમતેમ ઉભો થઈને મનીષ પોતાનો લોહી નીતરતો હાથ દબાવતો દરવાજાની બહાર નીકળી પગથિયાં ઉતરી છેલ્લે પગથિયે બેસી ગયો.

"હવે સમજાયું કે તરાનાએ કહેલી સાવચેતી રાખવાની વાત કેટલી સાચી હતી. દોસ્ત, એટલું આસાન નથી જેટલું આપણે વિચારીએ છીએ. બાર વાગ્યાની રાહ જોવાની સાથે-સાથે આપણે મંદિરની અંદર પણ ચક્કર લગાવીએ કદાચ કોઈ કડી મળી જાય." કહી રતન અને રાજીવ હાથ પકડી સાવધાનીપૂર્વક ઉંબરો ઓળંગી મંદિરની અંદર ગયા. અંદર જઈને પહેલાં તો એમણે બારસાખનું નિરીક્ષણ કર્યું.

"રતન, આ સોય જેવડા તીર આવ્યા ક્યાંથી. પહેલા પણ આપણે અહીં આવી ચુક્યા છીએ, ત્યારે તો આવું કાંઈ નથી બન્યું." વાંકો વળીને રાજીવ દરવાજાની પાછળ જોવા લાગ્યો.

"રાજીવ, આ મંદિરમાં વર્ષો પહેલાં પણ કોઈ એવી ટેકનોલોજીનો ઉપયોગ થયો છે જે આપણી સમજશક્તિની બહાર છે. વૈજ્ઞાનિક, આધ્યાત્મિક અને આંતરિક દ્રષ્ટિએ આવું પણ બની શકે એ ક્યારેય સ્વપ્નેય વિચાર્યું નહોતું."

આજુબાજુ જોતા આગળ વધતા વધતા રતન અને રાજીવ શિવલિંગની સામે આવી ઉભા રહ્યા....

વધુ આવતા અંકે......

આગે ભી જાને ના તુ’ શિર્ષક હેઠળ આ વાર્તાના તમામ કોપી રાઇટ્સ લેખક પાસે છે. આ વાર્તાના વિષયવસ્તુ, કથાનક અથવા કોઈ અંશને કોઈપણ ક્ષેત્રમાં ઉપયોગમાં લેતાં પહેલાં લેખકની લેખિત મંજુરી લેવી અનિવાર્ય છે તેમજ આ કથાના પાત્ર કે ઘટનાને કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કે ઘટના સાથે કોઈ સંબંધ નથી.