Ayana - 13 books and stories free download online pdf in Gujarati

અયાના - (ભાગ 13)

ખાતી વખતે, નાહતી વખતે, દરેક કામ કરતી વખતે ક્રિશય સમીરા વિશે જ વિચારીને હસી રહ્યો હતો...

ડિનર ના સમયે એના મમ્મી એ એને પૂછ્યું હતું પરંતુ ક્રિશયે વાત ને ટાળી ને એના મમ્મી ને ગળે લપેટાઈ ગયો હતો....

અત્યારે પણ લેપટોપ ખોલીને બેઠેલો ક્રિશય સમીરા વિશે જ વિચારતો હતો...અચાનક એને ઝબકારો થતાં એકલો એકલો બબડ્યો...
' એક મિનિટ ....હું સમીરા વિશે કેમ વિચારું છું..? ... મારે એની સાથે કંઈ લાગે વળગે નહિ...'
' આઇ એમ ઈન લવ ...?'
' વિથ સમીરા...?'
' નેવર ...'
' છીં...એવી કંઈ છોકરી હોય ...વાત વાત માં ઝઘડો કરવા લાગે...એનાથી સારી મારી આ પાગલ દોસ્ત છે....'
' અયાના....'

અયાના બોલતા જ એની આંખો માં અલગ પ્રકારની ચમક આવી ગઈ...ચહેરા ઉપર કોઈ શીતલતા વિખરાઈ ગઈ ....
કેમ્પ માંથી આવ્યા બાદ એ અયાના ને મળ્યો હતો એ દિવસ એને યાદ આવી ગયો....એટલી નજીક થી એણે ક્યારેય જોઈ ન હતી....
એના ગાલ ઉપર આવતી લટ એની ભૂરી આંખો ને ઢાંકી દેતી હતી...
ક્રિશયે હવામાં જ એનો હાથ ઊંચો કરીને લટ ને ખસેડવાનો પ્રયત્ન કર્યો ત્યાં અયાના નો ચહેરો ત્યાંથી ગાયબ થઈ ગયો...

ક્રિશય ને અચાનક ભાન આવ્યું કે ખુલી આંખના સપનામાં જ એને અયાના દેખાઈ રહી હતી...એનો હાથ હજુ પણ હવામાં હતો...

એણે ફટાફટ હાથ નીચે લઇ લીધો અને માથુ હલાવીને બધા વિચારો ખેરી નાખ્યા...
' આ બંને છોકરીઓ મને પાગલ કરી મૂકશે...'

લેપટોપ અને બાજુમાં પડેલી બે બુક બંધ કરીને રીડિંગ ટેબલ ઉપર મૂકી અને લાઈટ બંધ કરીને સુઈ ગયો....

વિશ્વમ તો જાણે દેવ્યાની ના વિચારો ની શૃંખલા માં બંધાઈ ગયો હતો...
ઘરે આવીને એણે ફોન કરવાનું વિચાર્યું...
પરંતુ એની પાસે દેવ્યાની સાથેનો કોઈ કોન્ટેક્ટ ન હતો એટલે અયાના નો નંબર શોધ્યો...એને ટાળીને ક્રિશય ને ફોન કરવાનું વિચાર્યું...અને છેલ્લે બીજા દિવસે દેવ્યાની ને મળવાનું જ છે એવું વિચારીને દેવ્યાનીના સપનાની બસ પકડીને બેડ ઉપર આડો પડ્યો ....

એક બાજુ ક્રિશય સમીરા વિશે જેમ વિચારતો હતો એવી જ રીતે બીજી બાજુ સમીરા ક્રિશય ના વિચારોને લઈને દરેક કામ કરી રહી હતી...

એના દરેક કામમાં ક્રિશય એને યાદ આવતો હતો ક્યારેક સમીરા ને હસાવી જતો હતો તો ક્યારેક ગુસ્સો અપાવતો હતો...

સમીરા અને ક્રિશય વચ્ચે એક અલગ જ ડોર બંધાતી જતી હતી જેનાથી અજાણ અયાના દેવ્યાની સાથે રૂદ્ર ની ગાથા સાંભળી રહી હતી....

જેટલા વખાણ થાય એટલા વખાણ કરીને દેવ્યાની રૂદ્ર ની સાથે બનેલો કિસ્સો સંભળાવી રહી હતી...

ધીમે ધીમે અયાના ને પણ રસ પડવા લાગ્યો...રૂદ્ર જેવો સારો છોકરો દેવ્યાની ને જોવા આવ્યો હતો એ સાંભળીને જ અયાના ખુશ હતી...

દેવ્યાની પહેલા પોતાના અભ્યાસ ને લઈને છોકરા ને જોવામાં કોઈ રસ દાખવતી ન હતી...પરંતુ રૂદ્ર ને મળ્યા બાદ એ તો સમજાય જ ગયું હતું કે રૂદ્ર કરતા સારો છોકરો એને ન મળે...
હવે તો એને એવું લાગતું હતું કે રૂદ્ર જેવું દુનિયા માં બીજું કોઈ છે જ નહિ...

બીજી બાજુ રૂદ્ર ને પણ દેવ્યાની ખૂબ પસંદ આવી હતી...હજુ પણ એની સામે દેવ્યાની નો ચહેરો ફરી રહ્યો હતો...
રૂદ્ર એક બિઝનેસમેન હતો...નાનપણ થી જ એને બિઝનેસ માં ખૂબ રસ હતો...કોલેજ પૂરી કર્યા બાદ તરત જ એણે એના પપ્પા નો બિઝનેસ સંભાળી લીધો હતો...
રૂદ્ર એક નો એક દીકરો હતો..પરિવાર ના નામે એના મમ્મી પપ્પા જ હતા...એના કાકાને ખુબ ગંભીર બીમારી હતી જેના કારણે એના લગ્ન થયા ન હતા....બિઝનેસ માં એના કાકા નો પણ ભાગ હતો પરંતુ ત્રણ વર્ષ પહેલાં જ એ મૃત્યુ પામ્યા હતા...

અત્યારે આલીશાન રૂમની અંદર બનાવેલા ગોળાકાર બેડ ઉપર રૂદ્ર સૂતો હતો...વ્હાઇટ બેડ ઉપર વ્હાઇટ મખમલ નો કોમળ ધાબળો ઓઢીને વ્હાઇટ ટીશર્ટ પહેરીને સૂતેલો રૂદ્ર દુનિયા નો ખૂબ હેન્ડસમ છોકરો લાગી રહ્યો હતો...
ધાબળા માંથી હાથ કાઢીને બંને હાથ માથા નીચે ગોઠવ્યા અને સ્માઇલ કરી...
' દેવ્યાની ....'
નામ બોલીને ફરી એણે સ્માઇલ કરી...રૂદ્ર એ જ્યારે દેવ્યાની ને જોઈ હતી ત્યારથી અત્યાર સુધી એના વિશે જ વિચારતો હતો....

મોડી રાત સુધી રૂદ્ર ના વખાણ કરીને બંને બહેનપણી એ ચર્ચા પૂરી કરી અને સૂવાની તૈયારી કરી ...

સૂતા સૂતા અયાના ને ક્રિશયે કહેલી વાત યાદ આવી ગઈ....
ઝટકા થી બેઠી થઈને એ બોલી....
' છોલે ભટુરે....'
' તો રૂદ્ર ....પનીર ટિક્કા....'
દેવ્યાની અને રૂદ્ર ની પરાણે જોડી બનાવતા બનાવતા અયાના ને ક્યારે સુવાઈ ગયું એની એને પણ જાણ ન રહી...

સવાર માં વહેલા આવીને હોસ્પિટલ માં વાતો ના ગપ્પા મારી રહી હતી...કોરિડોર ની અંદર અયાના , દેવ્યાની અને સમીરા સિવાય કોઈનો અવાજ આવતો ન હતો...
સમીરા અને અયાના ને સારું એવું ભળવા લાગ્યું હતું...

અયાના અને સમીરા બંને રૂદ્ર વિશે વાત કરી રહ્યા હતા... દેવ્યાની એ રૂદ્ર વિશે સમીરા ને પણ કહી દીધું હતું...

અયાના અને સમીરા બંને દેવ્યાની ની આજુબાજુ બેઠા હતા ... દેવ્યાની ને જોઇને એ બંનેને લાગતું હતું કે જો દેવ્યાની ને એકલી મૂકવામાં આવશે તો આખી હોસ્પિટલ માં એ ઢંઢેરો પીટાવી દેશે....

ત્રણેય ની નજર લિફ્ટ તરફ આવી...લિફ્ટ માંથી ક્રિશય અને વિશ્વમ રોજની જેમ હીરા ની જેમ એન્ટ્રી મારી રહ્યા હતા...બધા ની નજર એ તરફ આવી ગઈ હતી...

બંને હીરા ની નજર સામે બેઠેલી ત્રણ હિરોઈન ઉપર પડી...
સમીરા ને જોઇને ક્રિશય ઊભો રહી ગયો...અને દેવ્યાની ને જોઇને વિશ્વમ ઊભો રહી ગયો ...
બીજી બાજુ સમીરા અને અયાના બંને ક્રિશય ને જોઈ રહી હતી... દેવ્યાની એ બંનેને જોઇને વિચારી રહી હતી કે રૂદ્ર વિશે ક્રિશય ને પણ જણાવી દઉં...

પાંચેય ના ચહેરા ઉપર સ્માઇલ હતી...આજુબાજુ ના લોકો ક્રિશય અને વિશ્વમ ની સાથે સાથે પેલી ત્રણેય ને પણ જોઈ રહ્યા હતા...

દેવ્યાની એ ઊભા થઈને બંને ને એની તરફ આવવા ઈશારો કર્યો...ઈશારો સમજતા જ વિશ્વમ ક્રિશય નો હાથ પકડીને એ તરફ ચાલવા લાગ્યો... ક્રિશય ની નજર થોડી અયાના ઉપર આવી... કાલ રાતની લટ અયાનાની ભૂરી આંખો ઢાંકી રહી હતી એ દ્ર્શ્ય યાદ આવતા એણે સ્માઇલ કરી....
ક્રિશય ના ચહેરા ઉપર સ્માઇલ જોઇને અયાના ના ચહેરા ઉપર અલગ જ રોનક છવાઈ ગઈ...

વિશ્વમ તો રાજધાની એક્સપ્રેસ ના વેગે દેવ્યાની પાસે પહોંચી ગયો ... ક્રિશય અને સમીરા બંને એ એકબીજાને જોઇને શરમાઈ લીધું...
અયાના તરફ નજર આવતા ક્રિશય નો હાથ અનાયાસે ઉંચો થઇ ગયો અને ગાલ ઉપર લટકતી અયાના ની લટ ને કાન પાછળ કરીને બોલ્યો...

" આ બધું નડતું નથી ...?"

એક પણ શબ્દ બોલ્યા વગર શરમાઈને અયાના એ લટ સરખી કાન પાછળ કરી...

"હવે એની ટેવ પાડવી પડશે ને ...." દેવ્યાની બોલી ઊઠી...

"કેમ....?" ક્રિશયે કહ્યું...

" એની ફ્રેન્ડ ની સગાઈ થશે...પછી લગ્ન થશે...તૈયાર તો થવું પડશે ને..."

" કોની સગાઈ..." વિશ્વમે હસી ને પૂછ્યું જાણે દેવ્યાની એની અને પોતાની વાત કરતી હોય...

" મિસ્ટર રૂદ્ર દેવાણી એન્ડ મિસિસ દેવ્યાની રૂદ્ર દેવાણી..."

સમીરા ના મોઢેથી સાંભળતા જ વિશ્વમ ના તો ઘરણ જ મરી ગયા...

(ક્રમશઃ)