Prayshchit - 35 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 35

પ્રાયશ્ચિત પ્રકરણ 35

કેતન શેઠ સાથે હોસ્પિટલ અંગેની ચર્ચા કર્યા પછી જયેશ ઝવેરી દોડતો થઇ ગયો હતો.

સૌથી પહેલાં જામનગરના લોકલ ન્યુઝ પેપરમાં એણે પોતાને લેવાના સ્ટાફ અંગેની જાહેરાત આપી. બે ક્લાર્ક, એક એકાઉન્ટન્ટ અને એક સુપરવાઇઝર એમ ચાર લોકોની ભરતી કરવાની હતી.

જાહેરાત વાંચીને લગભગ ૭૦ યુવક યુવતીઓ એ અરજી કરી હતી. બે દિવસ સુધી ઇન્ટરવ્યુ લઇને છેવટે ચાર જણાંની જયેશે પસંદગી કરી. આ ચાર જણાંમાં એકાઉન્ટન્ટ કમ કેશિયર તરીકે એક છોકરીની પસંદગી એણે કરી. જેણે એમબીએ ફાઇનાન્સ કર્યું હતું.

રાજેશ દવેને હોસ્પિટલના તમામ કામની જવાબદારી સોંપી. હોસ્પિટલનું જે પણ રીનોવેશન થાય એનો પ્રોગ્રેસ એણે જોવાનો હતો. એ ઉપરાંત હોસ્પિટલ માટે જરૂરી જે પણ નવાં સાધનો મંગાવવાનાં હતાં એ તમામ મેડિકલ ઇક્વિપમેન્ટનો ઓર્ડર જે તે કંપનીને પ્લેસ કરવાનો હતો.

બીજા ક્લાર્ક પ્રશાંત કોટકને જે નવી ટિફિન સેવા શરૂ કરવાની હતી અને દ્વારકામાં પણ જે સદાવ્રત થોડા દિવસો પછી ખોલવાનું હતું એનો તમામ કાર્યભાર સોંપવામાં આવ્યો હતો. સદાવ્રત માટે અનાજ કરિયાણું તેલ મસાલા વાસણો વગેરે તમામ ખરીદી નું ધ્યાન એણે રાખવાનું હતું.

ત્રીજી એકાઉન્ટન્ટ કમ કેશિયર તરીકે કાજલ નામની છોકરીની પસંદગી કરી હતી. કાજલને તમામ બિલની ચૂકવણીની જવાબદારી સોંપી હતી. ભવિષ્યમાં હોસ્પિટલ ચાલુ થાય ત્યારે તમામ સ્ટાફનો પગાર તેમજ ડોક્ટરોને પેમેન્ટ એણે જ કરવાનું હતું. સંપૂર્ણ હિસાબ દરેક કાર્યોનો એણે જ રાખવાનો હતો. અલગ અલગ હેડ નીચે એણે જુદી-જુદી ફાઈલો બનાવવાની હતી. મહિનો પૂરો થાય એટલે આ તમામ પેમેન્ટનો ફાઇનલ હિસાબ એણે સી.એ. નાણાવટી સાહેબને પહોંચાડવાનો હતો.

ચોથી નિમણૂક વિવેક કાનાણી નામના સુપરવાઇઝરની હતી. એણે આખો દિવસ હોસ્પિટલ ઉપર રોકાવાનું હતું અને રીનોવેશન નું ધ્યાન રાખવાનું હતું. સાંજે એણે સંપૂર્ણ રિપોર્ટ રાજેશને આપવાનો રહેતો.

હોસ્પિટલનું કામ પતી જાય પછી દ્વારકામાં જે ધર્મશાળા ખરીદવાની હતી એની પણ સંપૂર્ણ રીનોવેશનની જવાબદારી વિવેકની હતી. વિવેક સિવિલ એન્જિનિયર થયેલો હતો.

સ્ટાફની ભરતી કર્યા પછી સ્ટાફને બેસવા માટે જયેશ ઝવેરીની ઓફિસમાં થોડુંક તૈયાર ફર્નિચર ખરીદવું પડ્યું. જગ્યા એટલી બધી મોટી નહોતી છતાં ગમે તેમ કરીને ત્રણ ટેબલ અને એક કબાટની ગોઠવણી કરી દીધી.

સૌથી અગત્યનું કામ હોસ્પિટલ માટે ઇક્વિપમેન્ટ પરચેઝ કરવાનું હતું. કારણકે ઘણીવાર આટલાં મોટાં ઇક્વિપમેન્ટ આવતાં આવતાં જ બે-ત્રણ મહિના લાગી જતા હોય છે. આ બધાં સાધનો વાપરવાનું તો ડોક્ટરો જાણતા હતા પરંતુ એ ક્યાંથી મળે છે એ એમને ખબર નહોતી.

ઓર્થોપેડિક સર્જન શાહ સાહેબે કેતનને સલાહ આપી કે આ બાબતમાં ગવર્મેન્ટ હોસ્પિટલ ના સુપ્રિટેન્ડેન્ટ મદદ કરી શકે. કારણકે આ તમામ મોટાં સાધનો એ હોસ્પિટલમાં છે. એટલે એના તમામ રેકોર્ડ એ હોસ્પિટલમાં હશે જ.

કેતને આ બાબતમાં આશિષ અંકલને જ ફોન કર્યો જેથી તેઓ હોસ્પિટલના ડીન અથવા સુપ્રિટેન્ડેન્ટ સાથે પહેલાં વાત કરી લે જેથી કેતન મળવા જાય તો પૂરેપૂરો સહકાર મળે.

અને કેતનની ગણતરી સાચી ઠરી. બીજા દિવસે સવારે ૧૧ વાગે જ સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટને મળવાનું થયું.

" આવો કેતનભાઇ, તમારા વિશે મને પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ સાહેબનો ફોન આવ્યો હતો. બોલો તમારી શું સેવા કરી શકું ? "

" જી સાહેબ.... તમને આશિષ અંકલે વાત કરી જ હશે. હું એક નાનકડી હોસ્પિટલ બનાવી રહ્યો છું. સાવ સાચું કહું તો જૂની હોસ્પિટલ ખરીદીને નવા રંગરૂપ આપી રહ્યો છું. મારે એને લેટેસ્ટ બનાવવી છે. એમાં જે પણ સાધનો મારે ખરીદવાં છે એનું લિસ્ટ પણ લાવ્યો છું. હોસ્પિટલના પરચેઝ ડિપાર્ટમેન્ટમાંથી મને બસ એટલી જ માહિતી જોઈએ છે કે કઈ કંપનીમાંથી કયાં સાધનો મળે છે જેથી હું ઓર્ડર પ્લેસ કરી શકું. "

સુપ્રિન્ટેન્ડેન્ટે એ લીસ્ટ જોયું અને આશ્ચર્ય ચકિત થઈ ગયા. કારણકે લેટેસ્ટ તમામ સાધનોનો સમાવેશ એમાં હતો. ખૂબ જ મોટા બજેટ નું લિસ્ટ હતું !!

" આઈ એમ સોરી પણ આ ઇક્વિપમેન્ટ ની કોસ્ટ અંગે તો તમને ખ્યાલ હશે જ. ત્રણ ચાર કરોડનું બજેટ જોઈશે ભાઈ. "

" જી સાહેબ જાણું છું. ચેરીટેબલ હોસ્પિટલ બનાવી રહ્યો છું. બજેટ નો પ્રશ્ન જ નથી. "

"વેલ... જામનગરમાં આટલી સરસ હોસ્પિટલ બની રહી છે એ જાણીને આનંદ થયો. તમે એક કામ કરો. તમે આવતીકાલે સવારે કોઈને મારી પાસે મોકલી આપો. તમે જે લિસ્ટ આપ્યું છે એ તમામ સાધનો માટે કઈ કઈ કંપનીઓને ઓર્ડર આપવો એ સંપૂર્ણ માહિતી તમને મળી જશે. પરચેઝ ડિપાર્ટમેન્ટમાંથી હું માહિતી કઢાવી લઉં છું. " હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટે કહ્યું.

સંતોષ પૂર્વક કેતન બહાર આવ્યો અને એણે જયેશ ઝવેરીને ફોન કર્યો.

" જયેશભાઈ ગવર્મેન્ટ હોસ્પિટલમાં આવ્યો છું અને અહીંના સુપ્રિટેન્ડન્ટ સાથે મિટિંગ પણ કરી લીધી છે. આપણે આપણી હોસ્પિટલ માટે જે પણ નવાં સાધનો વસાવવાનાં છે એનો ઓર્ડર કઈ કંપનીઓને આપવો એની તમામ વિગતો કાલે આપણને સાહેબ આપવાના છે. "

" તો કાલે સવારે ૧૧ ૧૨ વાગ્યે તમે અને તમારો આસિસ્ટન્ટ હોસ્પિટલ પહોંચી જજો. મારું નામ દેજો એટલે તમામ લીસ્ટ આપી દેશે." કેતને કહ્યું.

" જી શેઠ.. રાજેશને લઈને હું પહોંચી જઈશ. જરૂર પડશે તો પરચેઝ ડિપાર્ટમેન્ટમાં પણ મળી લઇશ. " જયેશ બોલ્યો.

" ચાલો આ એક કામ પૂરું થયું. તમે નાણાવટી સાહેબ સાથે વાત કરીને દ્વારકાના સદાવ્રત વિશે જરા ચર્ચા કરીને અપડેટ લઈ લેજો. અને અહીંયા જે ટિફિન સર્વિસ આપણે ચાલુ કરવી છે એના માટે આપણે થોડી ચર્ચા કરવી પડશે તો તમે સાંજે જરા ઘરે આવી જજો. "

" જી શેઠ.. પાંચ વાગ્યે ફાવશે ? અને તમે રજા આપો તો જે ચાર જણાંને મેં એપોઇન્ટમેન્ટ આપી છે એ લોકોને પણ લેતો આવું. જેથી તમારો પણ એમને પરિચય થાય અને તમે પણ એમને જોઈ લો. " જયેશ ઝવેરી બોલ્યો.

" ગુડ આઈડિયા... વેલકમ ! " કેતને હસીને કહ્યું.

સાંજે પાંચ અને દસ મિનિટે જયેશ ઝવેરીએ કેતનના બંગલામાં પ્રવેશ કર્યો.
સાથે ત્રણ યુવાનો અને એક યુવતી હતી.
જયેશ ઝવેરીએ રસ્તામાં જ કેતનનો પરિચય આપી દીધો હતો એટલે આવીને સહુએ આ નવા બોસને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

" તમે લોકો બધા બેસો. જયેશભાઈ તમે પણ બેસો. " કેતને સામેના મોટા સોફામાં બધાને બેસવાનું કહ્યું. બંગલાનો ડ્રોઈંગ રૂમ મોટો હતો અને બે નાના સોફા સાથે કુલ ત્રણ સોફા ગોઠવેલા હતા.

" શેઠ તમને આ બધાની ઓળખાણ કરાવું. આ રાજેશ દવે છે. એમએસસી થયેલા છે. હવે પછી હોસ્પિટલ અંગેની તમામ ફાઈલો એ સંભાળશે. ભવિષ્યમાં હોસ્પિટલમાં સ્ટાફની ભરતી કે નવા ડોક્ટરોની એપોઇન્ટમેન્ટ વગેરે એમના હસ્તક રહેશે. હોસ્પિટલ નું મેન્ટેનન્સ પણ એમના ટેબલ ઉપરથી થશે. ભવિષ્યમાં આપણે સ્ટાફ વધારીશું પણ હાલ પુરતું રાજેશ સંભાળશે. " જયેશભાઈએ રાજેશના કામની સમજણ આપી.

" આ પ્રશાંત આમ તો એમબીએ માર્કેટિંગ થયેલો છે. એનો ઇન્ટરવ્યૂ લીધા પછી આપણા ટિફિન સર્વિસ અને સદાવ્રતના પ્રોજેક્ટ માટે મને એ વધારે યોગ્ય લાગ્યો. એટલે એની પસંદગી કરી છે. તેની જવાબદારી હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓનાં સગાવ્હાલાંને ટિફિન સેવા પહોંચાડવાની રહેશે. જો કે બધી હોસ્પિટલ સુધી ટિફિનો લઈ જવા માટે આપણે વાનની વ્યવસ્થા કરીશું. પ્રશાંતનું કામ રસોડા ઉપર દેખરેખ રાખી ટિફીનો પેક કરાવવાનું રહેશે. રસોડા માટે તમામ અનાજ કરિયાણું તેલ વગેરેની ખરીદી પણ એના હસ્તક રહેશે. દ્વારકાનું સદાવ્રત ચાલુ થઈ જાય એટલે દ્વારકા ખાતે કોઈ બીજાને આપણે એપોઇન્ટ કરીશું પરંતુ સંચાલન તો પ્રશાંત હસ્તક જ રહેશે."

" ગ્રેટ.. જયેશભાઈ ખુબ સરસ રીતે તમે આગળ વધી રહ્યા છો. " કેતને જયેશના કામની પ્રશંસા કરી.

" જી શેઠ તમારી પાસેથી જ બધું શીખ્યો છું. આ વિવેક સિવિલ એન્જિનિયર છે અને હોસ્પિટલનું સંપૂર્ણ રીનોવેશન એણે સુપરવાઇઝર કરવાનું છે. આર્કિટેક્ટે જે ડિઝાઇન બનાવી આપી છે એ પ્રમાણે બિલ્ડર પાસેથી કામ લેવાની જવાબદારી વિવેકની રહેશે. એ રોજ સાંજે અપડેટ રાજેશને આપી દેશે. હોસ્પિટલ નું કામ પતી જાય પછી દ્વારકામાં જે જૂની ધર્મશાળા લેવાશે એનું રિનોવેશનનું કામ પણ વિવેકના માથે રહેશે જો એની દ્વારકા જવાની તૈયારી હોય તો !! " જયેશ બોલ્યો.

" આઈ એમ ઓલવેઝ રેડી સર !! " વિવેકે કહ્યું.

" હવે છેલ્લે આ કાજલ. એનું આખું નામ કાજલ ગણાત્રા છે. એમબીએ ફાઇનાન્સ કરેલું છે. આપણા તમામ પ્રોજેક્ટનું એકાઉન્ટ એ સંભાળશે તમામ સ્ટાફ ની સેલેરી પણ એ કરશે અને દર મહિને સંપૂર્ણ એકાઉન્ટ એ નાણાવટી સાહેબને ટ્રાન્સફર કરશે. "

" સરસ. આ લોકોનો સેલેરી તમે શું નક્કી કર્યો છે ? ઈન્ટરવ્યૂ વખતે સેલેરીની ચર્ચા તો કરી જ હશે ને ? " કેતને જયેશને પૂછ્યું.

" ના સાહેબ. સેલેરી અમે તમારા ઉપર છોડી છે અને આજે આ બધાને અહીં લઈ આવવાનું મુખ્ય કારણ એ જ છે. મેં ઇન્ટરવ્યૂમાં એટલું જ કહેલું કે બધાને વ્યવસ્થિત પગાર મળશે. કોઈએ પણ સેલેરી માટે કોઈ ચોક્કસ આગ્રહ નથી રાખ્યો. " જયેશ બોલ્યો.

" ઠીક છે. અત્યારે મંથલી સેલેરી બધાનો ૨૫૦૦૦ ફિક્સ રહેશે. આ તમામ સેલેરી આપણા ટ્રસ્ટ ના એકાઉન્ટમાંથી થશે. દર પહેલી તારીખે પગાર થઈ જશે. કાજલ આજથી ૩૧ ઓગસ્ટ સુધી રવિવારને બાદ કરતાં જેટલા દિવસ થતા હોય એટલા દિવસના રોજના એક હજાર લેખે ગણીને પગાર કરી દેજો. એક તારીખ પછી ૨૫૦૦૦ નો સેલેરી ગણાશે. " કેતને કહ્યું.

" જી... સર. " કાજલ બોલી.

પગારની રકમ સાંભળી તમામ ખુશ હતા એવું બધાના ચહેરા ઉપરથી લાગતું હતું. જામનગરમાં સરળતાથી નોકરીઓ મળતી નહોતી. આ તો વતનમાં ને વતનમાં જ નોકરી હતી અને એ પણ આટલા સારા પગાર થી !

બધાએ થેન્ક્યુ કહીને કેતનનો આભાર માન્યો.

" આભાર માનવાની કોઈ જરૂર નથી. બસ હું ઇચ્છું છું કે આપણા આ મિશનમાં બધા મન લગાવીને કામ કરે. આ તમામ પ્રવૃત્તિઓ સેવાની જ છે એટલે પોતાનું કામ જાણી સહુ પોતાની ફરજ બજાવે. " કેતને સહુને સંબોધીને કહ્યું.

" હવે જયેશભાઈ તમને જે કામ માટે બોલાવ્યા હતા એની ચર્ચા જરા કરી લઈએ. આપણે ટિફિન સેવા વહેલી તકે ચાલુ કરવી છે. પહેલાં મને એ કહો કે તમે જે વાત કરતા હતા એ હોલ મળી ગયો ? "

" હા સાહેબ હોલની જગ્યા ફાઇનલ કરી દીધી છે. ખંભાળિયા ગેટથી લખોટા તળાવ જતાં વચ્ચે જ આવે છે. આમ તો એ એક ગોડાઉન જ છે પણ આપણા માટે એ જગ્યા પૂરતી છે. લગભગ ૫૦૦ ચોરસ ફુટ જગ્યા છે. " જયેશ બોલ્યો.

" ચાલો સરસ તો હવે આપણે ટિફિન સેવાનું કેવી રીતે કરીશું ? જુઓ મેં તમને કહ્યું હતું એ પ્રમાણે મેનુ તો આપણું ફિક્સ છે. સવાલ માત્ર એક જ છે કે આપણે કેવી રીતે આગળ વધવું ? "

" જો આપણે ઘરેથી જ થેપલાં બનાવીને બહેનોને આપણા હોલ ઉપર આપી જવાની જાહેરાત આપીએ તો આવડા મોટા જામનગરમાં ઘણી બધી બહેનો તૈયાર થઈ જાય. કોને ઓર્ડર આપવો અને કોને નહીં એ બહુ મોટો સવાલ ઊભો થઈ જાય ! " કેતન બોલ્યો.

" એના કરતાં આપણે રસોઈ માટે બહેનો જોઈએ છે એવી એક જાહેરાત આપીએ. જે બહેનો આવે એમાંથી આપણે આઠ-દસ બહેનોની પસંદગી કરી દઈએ. પછી ભલે ને એ ઘરેથી બનાવીને આપી જાય !! " કેતને સૂચન કર્યું.

" હા શેઠ એ આઈડિયા આપનો બરાબર છે. બહેનોની પસંદગી આપણે પહેલાં કરી લઈએ. એ પછી જ આપણે એમને ઓર્ડર આપીએ. " જયેશ બોલ્યો.

" સાહેબ વચ્ચે બોલું છું તો માફ કરજો. મારી બાજુમાં જ એક માસી રહે છે. જૈન છે અને એ રોજ થેપલાં બનાવી બનાવીને જુદા જુદા વિસ્તારોમાં આવેલી નમકીનની દુકાનોમાં પાંચ પાંચ થેપલાંનાં પેકેટ પહોંચાડે છે. બહુ જ ટેસ્ટી બનાવે છે. જામનગરમાં આવા નાના નાના બે-ત્રણ ગૃહઉદ્યોગ ચાલે છે. આપણે કોઈ જાહેરાત આપવાના બદલે એ બહેનોનો સંપર્ક પણ કરી શકીએ છીએ. એમને કાયમ માટે આપણો આટલો મોટો ઓર્ડર મળતો રહેશે તો દુકાને દુકાને એમને ફરવું નહીં પડે. અને પૈસાની પણ સલામતી થઈ જશે. " કાજલ બોલી.

" ગ્રેટ આઈડિયા ... આઇ એપ્રીસિયેટ કાજલ. બસ આપણે એમ જ કરશું. હવે પ્રશાંત તારે એક કામ કરવું પડશે. અહીંની જે મોટી મોટી સરકારી હોસ્પિટલો છે એમાં તારે ચક્કર મારવું પડશે. બધી થઈને કેટલી બેડ છે એનો એક સર્વે કરી દે . એટલે આપણને દર્દીઓની સંખ્યાની ખબર પડે. થોડો રફ આઈડિયા આવી જાય. પેકેટ વધી જશે તો સ્લમ એરિયામાં ગરીબોને વહેંચી દઈશું. પણ એક અંદાજ તો આવી જશે ને તો આપણને ઓર્ડર આપવાની ખબર પડે !! " કેતને કહ્યું.

" જી સાહેબ બે દિવસમાં હું રિપોર્ટ આપી દઈશ. એ પછી કાજલબેન પાસેથી એડ્રેસ લઇને જે બહેનો થેપલાં બનાવે છે એમને પણ મળી આવીશ. " પ્રશાંતે કહ્યું.

કેતનને લાગ્યું કે જયેશ ઝવેરીએ સ્ટાફનું સિલેક્શન તો સરસ કર્યું હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)