Anathashram - 4 books and stories free download online pdf in Gujarati

અનાથાશ્રમ - ભાગ 4

જ્યારે અનાથાશ્રમના મેનેજર સાહેબે એમ કહ્યું કે,"હું કંઈ માંગવા નહિ પરંતુ આપવા માટે આવેલ છું."
તેમના આ શબ્દો સાંભળી રુચિકા તેમને આશ્ચર્યથી જોઈ રહી. એટલે મેનેજર સાહેબે કહ્યું,"અરે, વાત એવી છે કે અમારા આશ્રમમાં તેજસ્વી બાળકોનો સત્કાર સમારંંભ રાખવામાં આવેલ છે.તો સાથે સાથે જે લોકો એ અમારી સંસ્થાના વિકાસમાં યોગદાન આપેલ છે તે દરેક સભ્યોનું પણ સન્માન કરવાની અમારી ઈચ્છા છે."
આશિષ વચ્ચે જ બોલ્યો,"હા, તો અમે શું કરી શકીએ તે માટે? અને જુઓ.વડીલ, મારા પપ્પા અહીં નથી તો....."
મેનેજર સાહેબ,"મને એમ મ
એમ કે કદાચ જગદીશ ભાઈ ફરીને પાછા આવ્યા આવી ગયા હશે.શું તેઓ હજુ પરત નથી આવ્યા?પણ જગદીશ ભાઈ તો અમારી સંસ્થાની જ્યારથી સ્થાપના થઇ છે ત્યારથી અમારી સાથે જોડાયેલ છે. તેમનું સન્માન તો અમારે કરવું જ પડે ને???આટલા વર્ષોથી એમણે અમારી સંસ્થાને દાન આપ્યું છે. એટલે એમને અમારી સંસ્થા અતિથિ વિશેષ તરીકે આમંત્રણ આપવા માંગે છે. એટલે હવે તેઓ નથી તો....." મેનેજર સાહેબ થોડા વિચારમાં પડી ગયા પછી બોલ્યા,"જૂઓ જગદીશ ભાઈ હાજર નથી તો, તેમના દીકરા અને વહુ તરીકે તમે બંને જો અમારી સંસ્થામાં આવી અતિથિ વિશેષનું પદ શોભાવો તો કેવું...??" મેનેજર સાહેબે થોડા વિનંતી ભર્યા સ્વરે કહ્યું.
એમની વાત સાંભળી આશિષ બોલ્યો,"પણ મમ્મી અને પપ્પાના બદલે અમે તો કેવી રીતે?? અને મારે ઘણું કામ છે તો સમય પણ નહિ મળે...."
આશિષનો આ જવાબ સાંભળી રુચિકા તરત જ બોલી,"અરે, આશિષ અંકલ આટલું કહે છે અને તું સમયની વાત કરે છે...."
અત્યાર સુધી અકળાય રહેલી રુચિકા તો અતિથિ વિશેષ તરીકે સન્માનની વાત સાંભળીને જાણે કે મોઢામાં સાકર આવી ગઈ હોય એવા મીઠા અવાજે બોલી,"અરે અંકલ એમાં તમારે વિનંતી કે આગ્રહ ન કરવાનો હોય. અમે જરૂરથી આવીશું .પપ્પાની ગેરહાજરીમાં એમના કામ તો અમારે જ પાર પાડવાના હોય ને??"
આશિષ તો વિસ્મયભરી નજરે રુચિકાના બદલાયેલા સ્વરૂપને જોઈ રહ્યો.અને સન્માન સમારંભમાં આવવા માટે 'હા' કહી દીધી.
મેનેજર સાહેબ પણ એક સંતોષ સાથે ત્યાંથી રજા લઈ નીકળ્યા. તેમના જતા જ આશિષે પોતાની ત્યાં જવા બાબતે શંકા રજૂ કરે એ પહેલાં જ રુચિકા એ પોતાની વાત રાખી દીધી," તું વધુ ન વિચાર આશિષ. આ જ તો મોકો છે કે સમાજમાં આપણું સારું દેખાય . તારા મમ્મી પપ્પા વૃદ્ધાશ્રમમાં છે એ વાત હજુ કોઈને ખબર નથી તો એ વાત પણ કોઈ જાણશે નહિ, અને સાથે સાથે તારું સન્માન થશે તો બધાને લાગશે કે તું કેટલો સારો ,ભલો અને પરોપકારી છે બધાનું કેટલું વિચારે છે અને દાન પણ આપે છે . તો આ કારણથી આપણી સમાજમાં પ્રતિષ્ઠા પણ વધશે.તો મમ્મી પપ્પા વિશે કોઈ ઝાઝું પૂછશે પણ નહીં."
આશિષને પણ રુચિકાની વાતમાં પોતાનો ફાયદો દેખાયો. આમ પણ પપ્પાના ગયા પછી એમના વિશે ઘણા લોકો અવારનવાર પૂછ્યા કરતા હતા કેટલી વાર અને ક્યાં સુધી આ વાત છુપાવવી એ સમજાતું ન હતું. કેમ કે જો બધાને ખબર પડે કે તેણે તેના માબાપને વૃદ્ધાશ્રમમાં મોકલ્યા છે તો તેની સાથે કોઈ જ વેપારના કે વ્યવહારના સંબધ રાખવા તૈયાર ન થાય કેમ કે બધા જગદીશ ભાઈ અને ગાયત્રી બેનના સ્વભાવના લીધે જ તેમને માન અને સન્માન આપતા હતા આશિષ અને રુચિકા આ વાત બહુ જ સારી રીતે જાણતા હતા.
આશિષ રુચિકા ને આભારવશ જોઈ રહ્યો અમે બોલ્યો, "થેન્ક યુ ,રુચુ, તું તો અણીના સમયે પણ આટલું બધું વિચારીને સારા ડીસીઝન લઈ શકે છે. બાકી મેં તો ના જ પાડી હતી. પણ હવે આપણે બને જઈશું."
* * * * * *


નક્કી કરેલ દિવસે રુચિકા અને આશિષ નવા કપડામાં સજ્જ થઈને અનાથાશ્રમમાં પહોંચી ગયા. ત્યાં તેમને ખૂબ જ માન અને સન્માન આપવામાં આવ્યું.રુચિકાના તો હરખનો પાર ન હતો. તે તો જાણે કેટલાય વર્ષોથી આ આશ્રમની સાથે જોડાયેલ હોય તેમ વર્તન કરી રહી હતી અને આશ્રમના વિકાસમાં રસ દાખવતી હોય તે રીતે અવારનવાર અનાથાશ્રમના મેનેજર સાહેબને પ્રશ્નો પણ પૂછી રહી હતી. આશિષ ચૂપચાપ માત્ર આશ્રમને અને ત્યાંના વાતાવરણને જોઈ રહયો હતો. આશિષ અને રુચિકા ને અનાથાશ્રમના કાર્યક્રમના સ્ટેજ પર અતિથિઓ માટે રાખેલ ખુરશી પર બેસાડવામાં આવ્યા.
થોડા સમય બાદ સત્કાર સમારંભ શરૂ કરવામાં આવ્યો. આશ્રમના મેનેજરશ્રી એ આવેલ દરેક અતિથિઓનું શબ્દો અને પુષ્પોથી સ્વાગત કર્યું. ત્યાર બાદ કાર્યક્રમ આગળ વધારવામાં આવ્યો. જેમાં અનાથાશ્રમના બાળકો એ વિવિધ ગીતો અને નૃત્યો રજૂ કર્યા. પણ રુચિકાને એ બાળકોની નિર્દોષ રજુઆતમાં કોઈ રસ જ ન હતો. તે તો માત્ર પોતાનો રુઆબ બતાવવા જ બેઠી હોય એમ બધે નજર ફેરવતી હતી.ત્યાં જ કાર્યક્રમને આગળ વધારતાં મેનેજર સાહેબે પોતાનું વક્તવ્ય આગળ વધાર્યું." અહીં ઉપસ્થિત સર્વ મિત્રોને મારે એક વાત રજૂ કરવી છે. ઘણા લોકોનું એવું માનવું છે કે અનાથાશ્રમના બાળકો માત્ર ગુંડા અને ચોર જ બને છે પરંતુ એ હકીકત નથી. છોડની જો માવજત કરવામાં આવે તો તે ચોક્કસ વિકસે છે અને એ વૃક્ષ બની સમાજને માટે ઉપયોગી સાબિત થઈ શકે છે. પરંતુ શરત એટલી છે કે તેને યોગ્ય હવા, પાણી અને ખાતર મળે તો!! જો તેને આ બધું ન મળે તો તે છોડ અકાળે કરમાય જાય છે. આ અનુસાર અમારી સંસ્થા અમારા બાળકોના વિકાસ માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને આ કાર્યમાં અમારી મદદ માટે હંમેશા તત્પર અને તૈયાર રહેતા એવા અહીં ઉપસ્થિત સર્વ દાતાઓનો હું આભારી છું. પણ આ કાર્યમાં અમારા માટે સૌથી વધુ મદદરૂપ થનાર એવા શ્રી જગદીશ ભાઈ અહીં ઉપસ્થિત નથી તો એમના વતી તેમના સુપુત્ર આશિષ ભાઈ અમારી સંસ્થાના તેજસ્વી બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરશે." આ સાંભળતા જ આશિષ સાથે રુચિકા પણ વટથી ઉભી થઈ બધા બાળકોને ઇનામ આપવા લાગી. . બધા બાળકોને ઇનામ આપી રુચિકા અને આશિષ પોતાના સ્થાન પર બેસી ગયા.
મેનેજર શ્રી એ પોતાનું વક્તવ્ય આગળ વધતા કહ્યું ," આ બધાં જ બાળકોની સાથે હું અમારા અનાથાશ્રમ માટે ગર્વ કહી શકાય એવા એક વ્યક્તિનું પણ સન્માન કરવા માગું છે.આમ તો એ અમારા જ અનાથાશ્રમનું બાળક કહી શકાય પરંતુ એક દંપતી દ્વારા તેને દત્તક લઈ મેં આગળ કહ્યું એમ તેને યોગ્ય અને પૂરતી હૂંફ, પ્રેમ, કાળજી અને શિક્ષણ આપ્યું. આજે તે બાળક એક સારી અને સંસ્કારી યુવતી સાથે લગ્ન કરી અને સુખરૂપ જીવન વિતાવે છે. જે અમારા માટે પણ ગર્વ અને ખુશીની વાત છે.એ યુવાનનું સન્માન કરતા મને ખૂબ આનંદ થશે પરંતુ અત્યારે તો તેને દત્તક લઈ પોતાના સંતાન જેવો જ પ્રેમ આપી સમાજમાં તે યુવાનને નામ અને પ્રતિષ્ઠા આપનાર એના માતાપિતા આપણાં આ સમાજ માટે દૃષ્ટાંતરૂપ છે તો હું આશિષ ભાઈને કહીશ કે આજે તેઓ એ દત્તક લેનાર માતા-પિતાનું અમારી સંસ્થા વતી સન્માન કરે. તો એ માતા-પિતા બીજા કોઈ નહિ પણ જગદીશ ભાઈ અને ગાયત્રી બેન છે."
આશિષ તો પોતાના જ માતા-પિતાનું નામ સાંભળીને આશ્ચર્યમાં પડી ગયો. ત્યાં જ જગદીશભાઈ અને ગાયત્રી બેનને મંચ પર બોલાવવામાં આવ્યા.


( ક્રમશઃ )