Prayshchit - 42 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 42

પ્રાયશ્ચિત પ્રકરણ 42

લખમણ સાંજના સાડા પાંચ વાગ્યાથી જ પટેલ કોલોની માં આવી ગયો હતો. કેતનના બંગલા સુધી બાઈકનું ચક્કર પણ માર્યું હતું પરંતુ ગાડી દેખાતી ન હતી એટલે એ શેરીના નાકે જઈને બાઈક સાઈડમાં પાર્ક કરી કેતનની ગાડીની રાહ જોતો ઊભો રહ્યો.

સાંજે સાત વાગ્યે જેવી કેતનની ગાડી આવી કે એ સાવધાન થઈ ગયો. કેતન એને ઓળખતો ન હતો એ એના માટે પ્લસ પોઇન્ટ હતો.

કેતનની સાથે એનું ફેમિલી પણ હતું એવું એને દૂરથી લાગ્યું. કેતનને એણે જોયેલો હતો એટલે સારી રીતે ઓળખતો હતો. કેતનના ઘરે ડોરબેલ વગાડ્યા પછી ઘરની બીજી કોઈ વ્યક્તિ બહાર આવે તો પણ એ કેતનને બહાર બોલાવ્યા વગર રહે નહીં. ખૂબ જ પ્લાનિંગ સાથે એ આગળ વધતો હતો.

ગેટ પાસે જઈને એણે મોબાઇલમાં વિડીયો શુટીંગ ચાલુ કર્યું અને ડોરબેલ દબાવ્યો. કૅમેરાને કેતન ના દરવાજા તરફ સેટ કરી એ ફોન ઉપર વાતચીત કરતો હોય એમ ઉભો રહ્યો. કેતન ગેટ સુધી આવ્યો ત્યાં સુધીની એની તમામ ગતિવિધિ વીડિયોમાં રેકોર્ડ થઈ ગઈ. સવાલ એણે તૈયાર જ રાખ્યો હતો એટલે પૂછવા ખાતર પૂછી લીધો.

" સાહેબ નીતાબેન મિસ્ત્રી અહીંયા રહે છે ? "

" ના ભાઈ અહીંથી ત્રીજો બંગલો એમનો. " કેતને જવાબ આપ્યો અને તરત પાછો વળી ગયો.

જવાબ આપીને જેવો કેતન ઘરમાં પ્રવેશી ગયો કે તરત જ બાઈક ઉપર બેસીને એણે બાઈક ભગાવી અને રાકેશના ઘરે પહોંચી ગયો.

" ફોટો નહીં...એ હરામીનો વિડીયો જ ઉતારી દીધો છે. તારા મોબાઇલમાં ટ્રાન્સફર કરી દઉં છું. " કહીને લખાએ શૂટીંગ કરેલી વીડિયો ક્લિપ રાકેશના મોબાઈલ માં ટ્રાન્સફર કરી દીધી.

" જોઈ લે બરાબર અને ઓળખી લે. હવે મારું કામ પૂરું. " લખો બોલ્યો.

" જબરદસ્ત કામ કર્યું છે લખા. માન ગયે યાર ! આજે તો આખી બોટલ તને આપી દઉં છું. તું પણ યાદ કરીશ. " કહીને રાકેશે કબાટમાંથી દારૂની વિલાયતી બોટલ કાઢીને લખાને ભેટ આપી.

" બસ હવે હું મારું કામ ચાલુ કરું છું. તિવારી અંકલે તો કેસ હાથમાં લેવાની ચોખ્ખી ના પાડી દીધી. હવે મારે જાતે જ રાજકોટ જવું પડશે. તિવારી અંકલ ફઝલુને કેસ હાથમાં લેવાની ભલામણ કરશે પરંતુ પોતે ડાયરેક્ટ પિક્ચરમાં નહીં આવે. કંઈ વાંધો નહીં. હું તો એને જીવતો છોડવા નો જ નથી. પૈસાનો જુગાડ કરવો પડશે. તારી પાસે કેટલી વ્યવસ્થા થશે ? " રાકેશ બોલ્યો.

" પૈસાની મોટી સગવડ મારાથી નહીં થાય. થોડું આઘું પાછું કરું તો પણ માંડ ૫૦૦૦૦ સુધી થાય " લખો બોલ્યો.

" ઠીક છે જરૂર પડશે તો હું તને વાત કરીશ. તું જા હવે. કંઈ કામ હશે તો હું તને ફોન કરી દઈશ. " અને લખો બાઈક ઉપર રવાના થયો.

એકવાર ફઝલુને મારે મળવું પડશે. એને મળ્યા વગર આંકડો ખબર નહીં પડે. અને રકમ જાણ્યા પછી જ બીજી કેટલી જોગવાઈ કરવી પડશે એનો અંદાજ આવશે. કાલે જ રાજકોટ આંટો મારી આવું. - લખો ગયા પછી રાકેશ વાઘેલા વિચારી રહ્યો.
******************************
લખો કેતનની વિડિયો ક્લિપ બનાવીને એના ઘરેથી બાઈક લઈને નીકળી ગયો પરંતુ લખાને ખબર ન હતી કે ત્રીજા બંગલાના વરંડામાં સૂકાવેલાં કપડાં લેવા માટે આવેલી નીતા મિસ્ત્રી એને જોઈ ગઈ હતી અને ઓળખી પણ ગઈ હતી !!

' લખો બાઈક લઈને કેતન સર સાથે શું વાત કરવા આવ્યો હશે ? ' - નીતા વિચારી રહી.

નીતાના મનમાં હજારો વિચાર આવી ગયા. કેતન સરે એને બચાવી હતી અને રાકેશની આખી ટોળકીને એમણે પકડાવી દીધી હતી. પોલીસે બધાને ખૂબ જ માર માર્યો હતો. ટીવી ન્યુઝમાં પણ બધાના ફોટા આવી ગયા હતા. રાકેશ ખુબ જ ઝનુની અને ડેન્ઝરસ હતો. એ બદલો લીધા વગર રહે નહીં.

લખો એનો અંગત સાગરીત હતો. એ કેતન સરને મળવા માટે કેમ આવ્યો હશે ? શું વાત કરી હશે ? નીતાના હૃદયમાં ભયનું એક લખલખું પસાર થઈ ગયું. મારે કેતન સાહેબને પૂછવું જ પડશે. સાવધાન પણ કરવા પડશે.

એણે અત્યારે જ કેતન સરના ઘરે જઈને આ બધું પૂછવાની ઇચ્છા થઇ. પણ સરના ઘરે મહેમાનો આવેલા હતા. તે દિવસે આવેલી એમની ફ્રેન્ડ જાનકી પણ હતી જે આજે સવારે જ ઘરે મોટુ કુકર લેવા આવી હતી. ના ના ... બધાની હાજરીમાં મારે કેતન સર સાથે કોઈ પણ વાત ન કરાય ! મહેમાનો જાય પછી જ મળી લઇશ. એક-બે દિવસમાં કંઇ ખાટું-મોળું થવાનું નથી. -- નીતાએ વિચાર્યું.

કેતનની પીઠ પાછળ આ બધું ચાલી રહ્યું હતું ત્યારે આ બધી વાતોથી અજાણ કેતન પરિવાર સાથે આનંદ માણી રહ્યો હતો.

આવતીકાલે તો બધા મહેમાનો જતા રહેશે અને હું ફરી એકલો થઈ જઈશ. કેતનના મનના વિચારો જાણે જાણી ગયા હોય એમ જગદીશભાઈ બોલ્યા.

" કેતન તને એકલું એકલું લાગતું હોય તો થોડા દિવસ તારી મમ્મી તારી સાથે રહેશે. એને તો ત્યાં પણ રહેવું છે અને અહીંયા પણ રહેવું છે. રસોઈનો પણ અહીંયા કોઈ પ્રોબ્લેમ નથી. તારે પણ હજુ હોસ્પિટલ ચાલુ થઈ નથી. અમારે તો રેવતી અને શિવાની છે એટલે અમને કોઈ તકલીફ પડવાની નથી. "

" પપ્પાની વાત એકદમ સાચી છે કેતનભાઇ. મમ્મી વિના પપ્પાને કોઈ જ તકલીફ નહીં પડે. અમે પપ્પા નું પૂરેપૂરું ધ્યાન રાખીશું અને ગરમા ગરમ ફુલકા જ જમાડીશું. " રેવતી હસતાં હસતાં બોલી.

" અરે ના ભાભી હું તો ટેવાઈ ગયો છું. ફેમિલી વગર મમ્મીને અહીં નહીં ફાવે. મમ્મી ને આખો દિવસ વાતો કરવા જોઈએ અને મને બહુ બોલવાની ટેવ નથી. મમ્મી ભલે સુરત આવતાં. ટિકિટ પણ આવી ગઈ છે. " કેતને વિવેક પૂર્વક પપ્પાની વાત નકારી દીધી. ઊંડે ઊંડે એને અભિશાપનો ડર લાગતો હતો.

આજે છેલ્લા દિવસે લેડીઝ વર્ગે કેતનનું રસોડું સંભાળવાનો નિર્ણય કર્યો હતો અને દક્ષાબેનને આરામ આપ્યો હતો.

રસોઈમાં આજે તમામ મસાલા નાખીને હૈદરાબાદી વેજીટેબલ બિરયાની બનાવી હતી. સવારે જ નીતાના ઘરે જઈને જાનકી મોટુ કુકર લઈ આવી હતી. બિરયાની સાથે હૈદરાબાદી સાલાન પણ બનાવ્યું હતું.

આજની બિરયાની બધાંએ વખાણી. કેતન પણ ખુશ થઈ ગયો. થોડી બિરયાની નીતાના ઘરે પણ મોકલાવી.

" અરે !!! કુકર ના બદલામાં બિરયાની ? નોટ બેડ !! " નીતા હસીને બોલી.

" મજાક સરસ કરી લો છો !!.... નવી આઈટમ છે. તમે લોકો પણ થોડી થોડી ચાખો." જાનકીએ જવાબ આપ્યો.

" એની વેઝ... થેન્ક્ યુ જાનકીબેન " નીતા બોલી.

" માય પ્લેઝર " કહીને જાનકી ઘરે આવી ગઈ.

રાત્રે થિયેટરમાં પિક્ચર જોવા જવાનું શિવાનીએ સજેશન કર્યું પણ પેપરમાં જોયું તો અત્યારે કોઈ સારી ફિલ્મ ચાલી રહી ન હતી એટલે એ આઈડિયા કેન્સલ કરવો પડ્યો.

રાત્રે સાડા દસ વાગ્યા સુધી એ લોકોની વાતો ચાલી અને પછી બધાં સૂઈ ગયાં. કાલે ફ્લાઇટ પકડવા થોડું વહેલું ઉઠવાનું હતું.
****************************
" અસ્સલામ માલેકુમ ભાઈ ! "

" માલેકુમ અસ્સલામ. પહેચાન નહીં પાયા. કહાસે આ રહે હો ? " ફઝલુ આગંતુકની સામે જોઈ રહ્યો.

" જી ભાઈ... જામનગરસે તિવારીજીને ભેજા હૈ. થોડા કામ થા. " રાકેશ વાઘેલા બોલ્યો.

" તિવારીજીકો આજ મેરી યાદ કૈસે આ ગઇ ? સબ ખેરિયત તો હૈ ના ? " ફઝલુ એ આશ્ચર્યથી પૂછ્યું. ફઝલુ રાજકોટનો કુખ્યાત શાર્પ શૂટર હતો. દસ વર્ષ જેલમાં રહી આવ્યો હતો.

" જી ભાઈ. વૈસે તો સબ ખેરીયત હૈ... આપ કા હાલચાલ ભી પૂછા હૈ તિવારીજી ને. " રાકેશે વાતની શરૂઆત કરી.

" હમ્.. કામ બતાઓ. " ફઝલુ બોલ્યો.

" જી મૈ તિવારીજી સે હી બાત કરવાતા હું ફોન પે. આપ હી પૂછ લીજીયે " કહીને રાકેશે તિવારીને ફોન લગાવ્યો.

" ફઝલુમિયાં કૈસે હો ભાઈ ? મૈ રામકિશન તિવારી જામનગર સે. "

" બસ માલિક કી મેહરબાની હૈ... કૈસે યાદ કિયા ? " ફઝલુ બોલ્યો.

" જો લડકે કો ભેજા હૈ ઉસકા નામ રાકેશ હૈ. ઉસકો તુમ્હારા કુછ કામ હૈ. મેરે પાસ આયા થા લેકિન મૈં ઐસે કામ મેં હાથ નહીં ડાલતા. ક્યા કામ હૈ ઉસી સે હી પૂછ લો. " રામકિશન બોલ્યો.

" ઔર હાં.. પૈસોં કી ક્લિયર બાત કર લેના. પહેચાન વાલા હૈ તો થોડા કમ કરના. બાકી ઈસ કામ મેં મેરા કોઈ લેના દેના નહીં હૈ ભાઈ. તુમકો ઠીક લગે તો કેસ હાથ મેં લો. " કહીને તિવારીએ ફોન કટ કર્યો.

રામકિશન તિવારી ખૂબ જ હોશિયાર માણસ હતો. એણે ફોન ઉપર કોઈનું મર્ડર કરવાની કોઈ વાત ન કરી. એ કોઈ ઝંઝટમાં પડવા માગતો ન હતો.

" અરે તિવારીજી ને તો કામ કા કુછ બોલા હી નહીં. બોલા લડકે સે હી પૂછ લો. અબ તુ હી બતા ભાઈ. " ફઝલુ બોલ્યો.

" જી ભાઈ.. બસ કિસીકો ઉડાના હૈ ! બહોત ઉમ્મીદ સે આપકે પાસ આયા હું.
મેં ખુદ ભી યે કામ કર સકતા હું. લેકિન મેં જામનગરમેં હી રહેતા હું તો કોઈ ગરબડ હો ગઈ તો પોલીસ મુજે પહેચાન લેગી. આપ કે સિવા યહ કામ કોઈ નહીં કર સકતા ભાઈ. " રાકેશે ફઝલુની સામે બે હાથ જોડ્યા.

" કોન હૈ વો ? ક્યુ મારના હૈ ઉસકો ? "

" બસ નિજી દુશ્મની હૈ. સુરતસે કુછ દિન પહેલે હી જામનગર મેં આયા હૈ. પતા નહીં અપને આપકો ક્યા સમજને લગા હૈ. પટેલ કોલોનીમેં રહેતા હૈ. કેતન સાવલિયા નામ હૈ ઉસકા. આપ તો પ્રોફેશનલ હો ભાઈ. આપ કી જો ભી કિંમત હોગી મેં દેને કો તૈયાર હું." રાકેશ બોલ્યો.

અને ફઝલુ હજુ કંઈ જવાબ આપે એ પહેલાં જ રાકેશે વિડિયો ચાલુ કરીને એને બતાવી દીધો.

" યે વિડિયો મેં આપકે મોબાઇલમે ટ્રાન્સફર કર દુંગા ભાઈ. યહી વો આદમી હૈ જિસકો ઉપર પહુચાના હૈ. બસ આપ કિંમત બોલો. વૈસે તિવારી અંકલને બોલા હૈ કી આપ ભાવ થોડા કમ કરોગે. તીન લાખ કેશ તો મૈં લેકર આયા હું. મુઝે નિરાશ મત કરના ભાઈ. " કહીને રાકેશે ત્રણ લાખનું બંડલ ફઝલુની સામે મૂક્યું.

ફઝલુ થોડીવાર ત્રણ લાખના પેકેટની સામે જોઈ રહ્યો અને પછી રાકેશની સામે જોઈને બોલ્યો.

" વૈસે તો દસ લાખસે કમ નહીં લેતા મૈં લેકિન તિવારીજી ને બોલા હૈ તો નૌ લાખ મેં યે સોદા હોગા. " ફઝલુએ કહ્યું.

" ભાઈ યે તો બહોત જ્યાદા હૈ. મેં તિવારી અંકલ કી હેસીયત કા નહીં હું ભાઈ. છોટા આદમી હું. કુછ કમ કર દો. મેં ઇતના નહીં કર પાઉંગા. " રાકેશ નિરાશ થઈને બોલ્યો.

ફઝલુ ત્રણ લાખના બંડલ સામે જોઈ રહ્યો. પૈસાની તો એને પણ જરૂર હતી. કેસ હાથમાંથી જાય એ એને પણ પરવડે તેમ નહોતું.

" કિતના તક દેને કો તૈયાર હૈ તુ ? "

" કુલ મિલાકે પાંચ લાખ તક દે સકતા હું ભાઈ. ઇસ સે જ્યાદા મેરી કોઈ હેસિયત નહીં હૈ અભી. યે તીન લાખ ભી મૈ બહાર સે લાયા હું. " રાકેશ બોલ્યો.

" મેં ઇતના નીચે નહીં ગીર સકતા. યે તીન લાખ ઉઠા લે ઓર નિકલ. ઇતના બડા કામ કરના હૈ ઓર સિર્ફ પાંચ લાખ ? " ફઝલુ બોલ્યો.

" ગુસ્સા મત હો ભાઈ. બડી ઉમ્મીદ હૈ આપ સે. " રાકેશ બોલ્યો.

" દેખ તિવારીજી ને ભેજા હે તુમકો. તો ઉનકા માન રખ કે ફાઇનલ સાત લાખ મેં ડીલ હોગા. બાકી ચાર લાખ કામ હોને કે બાદ. મંજુર હો તો બોલ નહીં તો વક્ત બરબાદ મત કર. "

" ઠીક હૈ ભાઈ. મંજુર હૈ ....કોઈ જુગાડ કરના પડેગા મુઝે. યે બતાઓ કિતને ટાઈમમેં કામ હો જાયેગા ? " રાકેશ બોલ્યો.

" યે કોઈ બચ્ચોં કા ખેલ હૈ જો ટાઈમ બતા દું ? પૂરે પ્લાનિંગ કે સાથ આગે બઢના પડતા હૈ. મહિના ભી લગ સકતા હૈ દો મહિના ભી લગ સકતા હૈ. કામ પક્કા હો જાયેગા. મેરે મોબાઈલ મેં વો વિડિયો ભેજ દે. મેરા મોબાઈલ નંબર લે લે. ઔર ઉસકી પુરી જાનકારી મુજે દેતે રહેના. કિતને બજે કહાં જાતા હૈ સબ. કિસી કો ઉસકે પીછે લગા દે થોડે દિન કે લિયે. " કહીને ફઝલુ એ પોતાનો મોબાઈલ નંબર રાકેશને આપ્યો.

" મેરે નામ સે મત સેવ કરના. બહોત સાવધાની રખની પડતી હૈ ઈસ ધંધે મે. "

" જી ઠીક હૈ ભાઈ. ખુદા હાફિઝ " રાકેશ બોલ્યો અને ત્યાંથી નીકળી ગયો.

બહાર આવીને એ એની જૂની ગાડીમાં બેઠો અને જામનગર નો રસ્તો પકડ્યો. હાઈવે ઉપર આવીને એણે લખા ને ફોન કર્યો.

" જો લખા સાત લાખમાં ડીલ થઈ ગયું છે. તારે થોડા દિવસ હજુ મહેનત કરવી પડશે. એના ઉપર વોચ રાખ. આખા દિવસની એની દિનચર્યા સમજી લે. મારે આગળ રિપોર્ટ આપવાનો છે. "
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )