Dhabkara chukyani pal - 1 books and stories free download online pdf in Gujarati

ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૧

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૧પ્રિયા અમદાવાદના સુખી સંપન્ન પરિવારની બે દીકરીઓમાંની મોટી દીકરી હતી. પપ્પાનો ખુબ મોટો બિઝનેસ હતો અને પ્રિયાને પણ પપ્પાને સાથ આપવા ઓફિસ જવું ગમતું.


પહેલેથી પ્રિયાને બીજાની ખુશીમાં પોતાની ખુશી શોધી લેવી એ એકમાત્ર એનો શોખ રહ્યો હતો. કોઈને સમયસર ખવડાવી પોતે ભૂખ્યા રહેવું એવું પણ એને ગમતું હતું. પણ કોણજાણે ક્યાંયથી અણધાર્યો આવી ચડેલો સંબંધ પ્રિયાને ધીરેધીરે જીવંત કરી રહ્યો હતો. એ પ્રિયા જે બીજાની ખુશીમાં ખુશ થતી હતી એને એ વ્યક્તિ એની ખુશીમાં ખુશ કરવા મથતો હતો. બંનેની ઉંમરમાં ઘણો મોટો ફર્ક હતો છતાંપણ મિત્રતા કરવી પ્રિયાને પણ ગમી હતી.


"કદાચ એટલે જ તો કહેવાયું છે કે પ્રેમ અને મિત્રતાને ક્યારેય ઉંમરની સીમામાં બાંધી ના શકાય."


આર્યન એક મધ્યમવર્ગીય કુટુંબમાં જન્મેલો પરિણીત યુવાન હતો. પહેલેથી આર્યન મિલનસાર અને લાગણીશીલ સ્વભાવનો હોવાથી કોઈને પણ વાત કરવી ગમે એવું એનું વ્યક્તિત્વ હતું. આર્યન પ્રિયાનો હમણાં માત્ર બે ત્રણ મહિનાથી જ મિત્ર બન્યો હતો. છતાં એવું સહેજપણ લાગે એમ નહોતું.


આમ જોવા જઈએ તો આર્યન અને પ્રિયાની ઉંમરમાં એક દશકાનો ફર્ક હતો. છતાં ક્યારેક પ્રિયાને એવું પણ લાગતું કે એ મોટી છે અને આર્યન નાનો. ક્યારેક પ્રિયાને આર્યનની વાતો હસાવતી તો ક્યારેક પ્રિયા બહુ બધી વાતો આર્યનને કરતી રહેતી. આમ શાંત રહેતી પ્રિયા આર્યન સાથે ખીલી ઉઠતી. આર્યન સાથેની મિત્રતામાં પ્રિયાને પોતાનાપણું લાગ્યું હતું. આર્યનનું જીદ કરવું, ગુસ્સો કરવો, નારાજ થઈ જવું બધુજ પ્રિયાને ગમવા લાગ્યું હતું.


આટલા સમયની મિત્રતામાં ક્યારેય આર્યન અને પ્રિયા મળ્યા નહોતા અને કદાચ મળવાની કોઈને ઉતાવળ પણ નહોતી. બસ એકબીજા સાથે વાતો કરવી, એકબીજાને વિચારો શેર કરવા, એકબીજાની સંભાળ રાખવી એ જ નિત્યક્રમ બની ગયો હતો.


પ્રિયાની બહેન પ્રીતિ અને એના મિત્રોએ આજે સાંજે રિવર ફ્રન્ટ જવાનો પ્રોગ્રામ બનાવ્યો હતો. આમ જોવા જઈએ તો પ્રિયા માટે મિત્રતા માં બહુ બધા મિત્રો હતા પણ નજીક કોણ હતું એ તો પ્રિયા પણ જાણતી નહોતી. એટલે પ્રિયા હમેશાં નાની બહેન પ્રીતિ અને એના મિત્રો સાથે જ્યારે પણ મોકો મળે ફરવા નીકળી જતી. પ્રિયા માટે નાની બહેન હૃદયનો ધબકાર હતો.


આજેપણ પ્રિયા પોતાની ફેવરિટ જગ્યા રિવર ફ્રન્ટ જવા ઉતાવળી થઈ ઉઠી હતી. જતાં જતાં એણે આર્યનને કહ્યું કે એ રિવર ફ્રન્ટ જાય છે. એ હંમેશા આર્યન સાથે નાનીમોટી બધી વાતો શેર કરતી. આર્યન ઓફિસના કામમાં વ્યસ્ત હતો આથી બરાબર મેસેજ જોયો ના જોયો કરી યોગ્ય જવાબ આપ્યા વિના ઓફિસ થી ઘરે પહોંચી ગયો.


હજુતો આર્યન ઘરે પહોંચીને ફ્રેશ થયો ત્યાંજ ફરી પ્રિયાનો મેસેજ આવ્યો કે એ અને એની બેનના મિત્રો રિવર ફ્રન્ટ પહોંચી ગયા છે. એની બેન અને એના મિત્રો વાતોમાં મશગુલ છે પણ પોતે બોર થઈ રહી છે એટલે એકલી એકલી ટહેલી રહી છે.


આર્યન મસ્તીમાં બોલી ઉઠ્યો "હું આવી જાઉં મારી મિત્ર ને કંપની આપવા?"


પ્રિયા પણ જાણે કોઈ આવા જ જવાબની રાહ જોતી હોય એમ કહી ઉઠી "હા, આવી જ જા."


આર્યન બોલી ઉઠ્યો "વાહ... હું તો સાચેજ આવીશ."


પ્રિયા પણ બોલી ઉઠી "હા, સાચે જ આવ."


આર્યન કદાચ પ્રિયાના મનની વાત જાણી ચુક્યો હતો. આર્યન ને પણ મળવું હતું અને પ્રિયા પણ એ જ કહી રહી હતી.


આર્યને સમય જોયો તો સાડાસાત વાગી ગયા હતા આથી વિચાર્યું કે પ્રિયા તો ક્યારની ગઈ છે આઠ વાગે તો પાછી આવી જશે અને આર્યન નીકળે તોય અડધા કલાક પહેલા તો ના જ પહોંચે.


પ્રિયાને જમવાનું લેટ થાય. આવું બધું વિચારતા આર્યને પ્રિયાને કહ્યું "મોડું થશે. હું નીકળું તો પણ આઠ, સવાઆઠ તો થાય જ."


પ્રિયા પણ જાણે આજે મળવાના મૂડમાં હતી તો તરત જ કહ્યું "વાંધો નઈ, તું આવે ત્યાં સુધી તો હું છું જ."


આર્યને કહ્યું "મને લોકેશન મોકલ," પ્રિયાએ તરત જ આર્યન ને લોકેશન મોકલ્યું.


આર્યન ફટાફટ જેવો હતો એવો જ નાઈટ વેર માં બાઇક લઇને નીકળી પડ્યો. રસ્તામાં જ એક પાર્લર ઉપર ઉભો રહ્યો અને પ્રિયાની ફેવરિટ ચોકલેટ મંચ માંગી પણ મંચ ના હોવાથી પર્ક અને ડેરી મિલ્ક ચોકલેટ લઈ ફટાફટ નીકળી ગયો.


આગળની વાર્તા આવતા ભાગમાં...


*****


તમે અથવા તમારા કોઈ પણ આવી અવસ્થામાંથી પસાર થયા હશે અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. મિત્રતા શું છે! મિત્રતા કેવી હોય! મિત્રતા કેવી હોવી જોઈએ! ક્યાંક અનુભવ્યું હશે. તો બસ મિત્રો સાથે લાગણીઓ વરસાવતા રહો અને ખુશ થતા રહો. તમને આ વાર્તામાં કયો ભાગ ગમ્યો એ કહેશો તો સારું લાગશે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો.


જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.


જય ભોળાનાથ...

Feelings Academy...