Dhabkara chukyani pal - 2 books and stories free download online pdf in Gujarati

ધબકાર ચૂક્યાની પળ - ભાગ-૨ 

ધબકાર ચૂક્યાની પળ ભાગ:-૨


હવે આગળ...


નવેમ્બર મહિનાનો અંતિમ સમય હોવાથી મસ્ત મસ્ત ઠંડો પવન લાગી રહ્યો હતો અને એ જ ઠંડા પવનને ચીરતો આર્યન પ્રિયા તરફ આગળ વધી રહ્યો હતો. જેમજેમ આર્યન આગળ વધી રહ્યો હતો તેમતેમ તેના ધબકાર પણ વધી રહ્યા હતા. આજે પહેલીવાર આર્યન પ્રિયાને જોવાનો હતો મળવાનો હતો.


આર્યન પ્રિયાએ મોકલેલી લોકેશન ની જગ્યા એટલે કે રિવર ફ્રન્ટ પહોંચી ગયો અને બાઇક પાર્ક કરી આમતેમ નજર દોડાવવા લાગ્યો. ઘણા કપલ, ઘણા ગ્રૂપ ત્યાં બેઠા હતા અને મસ્ત મસ્ત ઠંડી હવામાં ટહેલતા પણ હતા.


આર્યને ચોતરફ નજર દોડાવી ત્યાં તેની નજર એક ગ્રૂપ તરફ સ્થિર થઈ એને સમજતા વાર ના લાગી કે આ તો પ્રિયાની બહેન અને એનું ગ્રૂપ છે. આર્યન એકદમ વિહવળ થઈ પ્રિયાને શોધવા લાગ્યો. ત્યાંજ તેની નજર એક જીન્સ અને ટોપ પહેરેલી અને મોઢું વિરુદ્ધ દિશામાં રાખી ફોનમાં મશગુલ થઈ વાત કરતી યુવતી પર પડી.


નદીમાં રહેલા પાણી ને લીધે મસ્ત મસ્ત ઠંડો પવન આવી રહ્યો હતો. એ યુવતીના વાળ એ લહેરખી સાથેજ ઉડતા અને ફરી બેસી જતા હતા. રિવર ફ્રન્ટની રોશની આ પળને એકદમ યાદગાર બનાવવા થનગી રહી હતી. જિન્સ અને ટોપ એ યુવતીને સુંદરતા બક્ષી રહ્યા હતા. આર્યન એ યુવતીની હરકત, હાવભાવ બધુજ નિહાળી રહ્યો હતો. ભલે પ્રિયાને આજે પહેલીવાર જોઈ છતાં આર્યનનું દિલ કહી ઉઠયું હતું આ જ તો છે મારી મિત્ર પ્રિયા. આ વિચારતા જ એના પગ પ્રિયા તરફ આગળ વધ્યા અને તરત જ થંભી ગયા. આર્યનને લાગ્યું પ્રિયા કોઈ સાથે વાત કરી રહી છે તો એને ડિસ્ટર્બ ના કરવી જોઈએ.


થોડીવાર સુધી પ્રિયા ફોનમાં વાત કરતી રહી. પ્રિયાનું ધ્યાન ફોનમાં સમય પર હતું જ કે આર્યનના આવવાનો હવે સમય થયો એટલે એણે ફોન ટુંકાવ્યો અને આર્યન ને મેસેજ કર્યો "તું ક્યાં છે?"


આર્યને તરત કહ્યું "તારી પાસે!"


પ્રિયા આમતેમ નજર દોડાવવા લાગી પણ બહુ બધા આજુબાજુમાં રિવર ફ્રન્ટ વોક વે પર લટાર મારતા હોવાથી સમજી ના શકી કે આર્યન ક્યાં છે. એટલામાં એક ચહેરો ફોન પર વાત કરતાં કરતાં આગળ વધી રહ્યો હતો અને પ્રિયાને લાગ્યું કે આ જ આર્યન હશે. પ્રિયાની નજર એ ચહેરા પર સ્થિર થઈ અને આંખોમાં આંખ મળતા જ આર્યનની આંખમાં છૂપાયેલી ખુશી કળી જતાં એ સમજી ઉઠી કે આ જ તો છે મારો મિત્ર આર્યન.


નજીક આવતાં જ પ્રિયાને થયું આર્યનને સહેજ આલિંગનમાં ભરી લઉં પણ એણે પોતાના વિચારો ત્યાંજ રોકી કહ્યું "હેય આર્યન કેમ છે તું?"


આર્યન પણ મસ્તી કરવાના મૂડમાં બોલી ઉઠ્યો "પ્રિયાજી હું એકદમ મસ્ત!"


આ બોલતા સાથે એકબીજાના હાથ મળ્યા ને આ તરફ આર્યન ખુશીના આ પળમાં એક ધબકાર લેવાનું જ ચૂકી ગયો. આર્યન બોલી ઉઠ્યો "તું તો સાચેજ એકદમ પાતળી છે કોઈ કોથળામાં ભરી લઈ જશે!"


પ્રિયા પણ બોલી ઉઠી "આમતો તે કહ્યું એટલું વજન તો તારું પણ નથી લાગતું. સારો લાગે છે તું." આમને આમ વાતોનો દોર આગળ વધી રહ્યો હતો.


એક તરફ રિવર ફ્રન્ટ નું એકદમ આહ્લાદક વાતાવરણ અને બીજી તરફ પ્રિયા અને આર્યનની વાતો. પ્રિયા તો આજે મન ભરીને વાતો કરી લેવાના મૂડમાં હતી જ્યારે આર્યન મનભરી પ્રિયાની આંખોમાં આંખ નાખી એની આંખોમાં છૂપાયેલા દર્દને મહેસૂસ કરવા માંગતો હતો. પ્રિયાનો સાચેજ સાચો મિત્ર બનવા માંગતો હતો.


આર્યન આટલા દિવસની ચેટિંગમાં સમજી ચૂક્યો હતો કે બધાને ખુશ રાખવા, કોઈને તકલીફ ના આપવી એવી બધી ચિંતામાં પ્રિયા પોતાની જાતને અન્યાય કરી રહી હતી અને દિવસે દિવસે વધુ દુઃખી થઈ રહી હતી. કોઈપણ વાત આર્યન ત્યાંજ આવી અટકાવતો કે પ્રિયા તારે તારી કેર કરવી જ પડશે. પ્રિયાને આર્યનની આ ચિંતા કરવું ગમતું તોય એ તો પોતાનો જ જવાબ આપતી પ્રયત્ન કરીશ જે પ્રિયા કરવા જ નહોતી માંગતી.


વાતવાતમાં સમય ક્યાં વહી રહ્યો હતો એ બંને સમજી શક્યા નહિ. અચાનક આર્યનને યાદ આવ્યું કે એ પ્રિયા માટે પર્ક ચોકલેટ લાવ્યો છે એટલે એણે પ્રિયાને કહ્યું કે મંચ નથી પર્ક ચાલશે! એમ કહી એણે ચોકલેટ પ્રિયાના હાથમાં પકડાવી દીધી. પ્રિયાએ ચોકલેટ લઈ પહેલા આર્યન ને ખવડાવી અને પછી પોતે પણ ખાધી. ધીમેધીમે ચોકલેટ ખાઇ જેમ મોઢામાં મીઠાશ ભળે તેમ સંબંધમાં પણ મીઠાશ ભરતી ગઈ. બહુ બધો સમય રેતીની જેમ સરકી રહ્યો હતો.


હવે જવાનો સમય આવી ગયો અને પ્રિયા એ આર્યનનો હાથ પકડી કહ્યું "હું જાઉં છું આર્યન, તું પણ જઈશ ને?"


આર્યન બોલ્યો "હા તું જા હું અહી છું થોડીવાર" આ બોલતા આર્યને પ્રિયાનો હાથ પકડી રાખ્યો અને છોડ્યો આ દરમિયાન આર્યનના મનમાં યુદ્ધ ચાલી રહ્યું હતું.


"એક પળ લાગ્યું આ હાથ ના છોડું,
અણધાર્યો મળ્યો એ સાથ ના છોડું,
ધબકાર ચૂક્યો જવાના નામ માત્રથી,
એ વિતેલા પળની યાર યાદ ના છોડું."


આર્યનની આંખમાં આવેલા આવેગો પ્રિયા સમજી ગઈ હતી અને એટલેજ એ રોકાઈ અને પૂછ્યું "શું થયું આર્યન કેમ ચૂપ થઈ ગયો!" અને તરતજ ફરી આર્યન નો હાથ ફરી પકડ્યો આ વખતે આર્યન જાણે જવા દેવા માંગતો ના હોય એમ આંગળીઓ થોડી વધુ મજબૂતાઈથી પકડી રહ્યો હતો. પ્રિયાના મનમાં પણ આવુંજ કંઇક ચાલી રહ્યું હતું.


"તો બસ પકડી લે જકડી લે ને હમેશા સાથે રાખી દે
એ પળ ને એ સાથ ને એ ધબકાર ને અને એ યાદ ને..."


કદાચ બંનેના મનમાં એકજ વાત હતી આ પળ આમજ, અહીં રોકાઈ જાય. પણ સરકતા સમય સાથે ક્યાં કોઈનું ચાલ્યું છે. મળ્યા એને છૂટું પડવું જ રહ્યું. ભારે હૃદયે આર્યન અને પ્રિયા એકબીજાથી અલગ થયા.


"એક સહેજ માટે અમી રોકાઈ ગયું હતું,
મારા હાથમાં તારો હાથ આવ્યો એ જોવા,
દોસ્તીમાં આપણી એ પણ કહી ગયું હતું,
હું થોડું સર્જાયું છૂટા પડતાની વેળાએ રોવા."


પ્રિયા ધીરેધીરે આર્યનથી દુર જઈ રહી હતી. આ તરફ આર્યન પ્રિયાને નદીના વહેતા પાણીના અવાજમાં મહેસૂસ કરી રહ્યો હતો. કેટલીયે વાર સુધી ધબકાર ચૂક્યું એ પળ એ યાદ કરી ફરી ને ફરી પોતાની મિત્ર પ્રિયા ને યાદ કરી રહ્યો હતો. આર્યન પ્રિયાને હજુપણ પોતાની આસપાસ અનુભવી રહ્યો હતો.


મનમાં એ પણ ચાલી રહ્યું હતું કે આ પહેલી મુલાકાત હતી કે છેલ્લી પણ એક વાતનો સંતોષ હતો કે પ્રિયાએ એને સારો સાથ આપ્યો. કદાચ એવું કહી શકાય કે પૂર્ણ સાથ. ક્યારેય એકપણ વાતમાં અહેસાસ ના થયો કે બંનેની ઉંમર વચ્ચે દશકાથી પણ વધુ અંતર છે. પ્રિયાએ આ અંતરને જાણે ઓગાળી મિત્રતાનો સંબંધ શું હોય એ આર્યન ને પણ શીખવ્યું હતું.


ધબકાર ચૂક્યાની આ પળ, પહેલી મુલાકાત જીવનભરનું સંભારણું બની ગયું હતું. આર્યનને એવું પણ થયું હતું કે આથી સરસ પહેલી મુલાકાત હોઈ પણ ના શકે જ્યાં કોઈપણ પ્લાનિંગ વગર મળ્યા તોય એવું લાગ્યું જ નહી કે કંઈ જ ખૂટ્યું હોય.


*****


તમે અથવા તમારા કોઈ પણ આવી અવસ્થામાંથી પસાર થયા હશે અથવા આવું ક્યાંક અનુભવ્યું હશે. મિત્રતા શું છે! મિત્રતા કેવી હોય! મિત્રતા કેવી હોવી જોઈએ! ક્યાંક અનુભવ્યું હશે. તો બસ મિત્રો સાથે લાગણીઓ વરસાવતા રહો અને ખુશ થતા રહો. તમને આ વાર્તામાં કયો ભાગ ગમ્યો એ કહેશો તો સારું લાગશે. તમે આ વાર્તા માટે પ્રતિભાવ, સૂચન આપી શકો છો.


જો તમારા જીવનમાં આવી કોઈ ઘટના, પ્રસંગ બન્યો હોય તો તમે Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ પર એ ઘટના, પ્રસંગ મોકલી શકો છો. હું તમારા નામ સાથે એ લાગણીઓ મારા શબ્દોમાં કંડારી અહી મૂકીશ જે તમને પણ વાંચવી, અનુભવવી ગમશે. આવી જ ટૂંકી વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો.

જય ભોળાનાથ...

Feelings Academy...