Janmanjali - 3 books and stories free download online pdf in Gujarati

જન્માંજલિ - 3

કાળી ડીબાંગ રાતનો વરસાદ વરસે છે. વીજળી જમીનને અડીને અજવાળા પાથરી રહી છે. વાદળોએ આકાશમાં રમત માંડી છે. એકબીજા સાથે અથડાતા વીજળીનો જે ચમકાર થતો હતો એના કરતાંય બમણાં જોરથી ગરજતાં હતા. કાયરનુ કાળજું કંપાવે એવી મેઘલી રાત હતી. જમીન પર ચોતરફ કુદરત અજવાળાં પાથરતી હતી. ઠંડોબોળ પવન સૂસવાટા કરતો હાડ ઠારી નાખે એવી ઠંડી લઈને દૂર દૂરથી ઝાડવામા અથડાતો, ડૂંગરાને વીંધતો દોડીને ગુફાના દરવાજે આવી હૂકાર ભણતો હતો. તાપણું થાય એવી કોઈ સ્થિતિ ન હતી. સર્વે મેઘરાજાએ વણજોતી મહેરબાની પાથરી હતી. દેડકાઓનો ડરામણો અવાજ ક્યાંય સુધી સંભળાઈ રહ્યો હતો. પાણીના વહેણ નાના ઝરણાં જેવા ભાસતા હતાં. વીજળીના ચમકારે એ વહેણ ચોખ્ખા દેખાતા હતા.
લાખો અને એના સાથીદારોએ ગુફામાં પડાવ નાખ્યો હતો. ભુખ પણ કકડીને લાગી હતી.ખાવા માટે જામફળ સિવાય કશુ નહોતું. પાણીની તો ખપ નહોતી. કુદરતે અનેકગણું વધારે પાણી આપી દીધું હતું. જામફળની પોટલી છોડી સૌએ બબ્બે જામફળ લીધા. વધારે હતા પણ નહીં. એમ પણ ક્યાં વધારે માણસો બચ્યાં હતા! અડધા તો નવાબ સાથેના ધિંગાણામાં જ હોમાઈ ગયા હતાં. લાખાને એનો ખાસ ભેરૂબંધ શિવાને ખોઈ દેવાનો વસવસો ભારોભાર હતો. સાથીદારો ખોયાનું દુ:ખ પણ એટલુ જ હતું.પણ હમણા નવાબને જવાબ આપવો યોગ્ય ન હતો કેમ કે હાલમાં જ અડધા સાથીદારો હોમાઈ ગયા. જો વધારે ધીંગાણુ થાય તો કદાચ પહોંચવું મુશ્કેલ થઈ પડે. સામે ચાલીને પરાજય નોતર્યા જેવું થાય. હમણાં તો બચીને નીકળી ગયાં. શિવાને મનોમન ધન્યવાદ આપતો લાખો ગુમસુમ બેઠો હતો. શિવાએ જ લાખો બનીને મોત વહાલું કર્યું હતું ને લાખાને પોતાની આણ આપી નાસી જવાની ફરજ પાડી હતી.લાખાને ગુમસુમ બેઠેલો જોઈ એક સાથીદાર બોલ્યો -
"સરદાર! દુ:ખ ખંખેરી નાખો ને જામફળ ખાવ."
"આપણાં કેટલા સાથીદારો હણાયા !"- લાખાએ નિસાસો નાખ્યો.
"આપણે સાતની સામે એકવીસને પછાડ્યા
છે ઈ કેમ ભુલો છો? "-બીજો બોલ્યો.
"આપણે તો મા ભોમ માટે જ જન્મ્યા અને ખપવાનું પણ છે." - ત્રીજો બોલ્યો.
વાતચીત ચાલુ થઈ.
"અમને જોમ પૂરું પાડનાર આજ અમારો સરદાર ભાંગી પડી ઈ ના પોસાય."
"હું ભાંગી પડું એમાનો નથી." - લાખાએ જવાબ વાળ્યો.
"શિવાને તો વીરગતિ મળી છે. આપડે તો રાજી થાવું જોયે કે આપણી વચાળે આવો સાથીદાર હતો." - બધામાથી એક જણ બોલ્યો.
"ધન્ય છે શિવાને."- લાખાએ શિવાને ધન્યવાદ આપતાં કહ્યું.
"લો હવે જામફળ લ્યો."- એક જણે હાથ લંબાવી જામફળ લાખાના હાથમાં આપ્યું.
સૌ જામફળ ખાઈ ખોબા મોઢે પાણી પી ને આડા પડ્યા. ઠંડી જોર પકડતી હોવાથી ઉંઘ આવે એમ નહોતી અને ઉંઘવું પોસાય તેમ પણ નહોતું. ઘોડાઓ પણ થાકના માર્યા શાંતિથી ઉભા હતાં. પોતે બધા ભીંજાયેલ હતા.ઘોડાની તો બિચારાની શુ વિસાત.
નવાબ સાથે ધીંગાણું થયાને એકાદ અઠવાડિયું વીતી ગયું હતું.જુનાગઢથી છેક ભાવનગરના તળાજા સુધી લાખો ને એના સાથીદારો આવી પહોંચ્યા હતા.લાખાના નામની રાડ હતી. પરંતુ નજરે તળાજાના લોકોએ ભાળેલો નહીં એટલે અહીં કોઈ ઓળખે એમ નહોતું..બધાએ નામ બદલો કરી તળાજા પંથકમાં જ રહેવાનું વિચાર્યુ. લાખો મહાદેવનો ભગત હોવાથી ગોપનાથ મહાદેવના પણ દર્શન થતા રહેશે એવું વિચારીને સહમત થયો.
સૌએ પોતપોતાના નામ બદલ્યાં.લાખાનું નામ લાખો બદલી જગુભા ધારણ કર્યું. શિવાના નામનોં ક્યાંય ઉલ્લેખ ભુલેચુકેય ન કરવો એવી વાત થઈ. લાખા જેટલો જ શિવો પણ જાણીતો હતો. શિવો લાખાનો જમણો હાથ હતો.અને લાખા- શિવાની જુગલબંધીની ભાવનગરના મહારાજાને પણ ખબર હતી. સૌએ ભીના કપડા ઉતારી પાણીની સાથે શિવાના મોતનો ગમ પણ નિચોવી નાંખ્યો.
હર હર મહાદેવના નાદથી ગુફા ગુંજી ઉઠી. ઘોડાઓની હણેણાટી થઈ ને સૌએ એકમેકને આલિંગનમાં લીધાં.