First order books and stories free download online pdf in Gujarati

પહેલો ઓર્ડર

શિયાળાનો સમય...!
હાડ ને થીજવી નાખે એવી પવનની એક એક લહેર અને ગુજરાતમાં જાણે કાશ્મીર નું વાતાવરણ નાં ભૂલું પડ્યું હોય એવી કાતિલ ઠંડી..... અને એની વચ્ચે જીવનમાં પહેલીવાર આવા મોસમમાં ખુલ્લા ટ્રકમાં મુસાફરી.....!
.
આ વાત છે... મારાં જીવનના પહેલાં ઓર્ડરની... હા, ભણવાનું ચાલુ હતું ને પોતાની અમુક ઈચ્છા પૂરી નાં થઈ શકે તો ગમે એમ કરીને ઈચ્છાપૂર્તિ કરવાનો અનોખો જોશ... પણ એના માટે કંઇક તો કામ કરવું પડે ને.!
.
મે અમારા ફોઈના છોકરા સાથે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી માં ઝંપલાવવાનું નક્કી કર્યું...!
.
ભાઈનું નામ પ્રેમ... ખૂબ હોશિયાર અને સાથે સ્વભાવે બહુ ભોળો માણસ... એમની સાથે રહી ને મેં આ ધંધામાં આગળ વધવા માટે પહેલો કદમ મૂક્યો...
.
અમે બંને અમદાવાદથી ૪ વાગે બપોરે મહેસાણા ની બસમાં પોતાના કેમેરાની બેગો લઈને બરાબર કોઈ વસ્તુને નુકસાન નાં થાય, એની ખાત્રી કરી બસ માં બેસી ગયાં... પણ, અમે શિયાળામાં થોડો સમય મોડાં પડ્યા એવું લાગ્યું... કારણ કે ૫ વાગ્યાં ત્યાં તો દિવસ આથમવા આવ્યો હતો.. ને પવનની ઠંડી ઠંડી લહેરો મને કઈક અલગજ એહસાસ કરાવી રહી હતી...
.
૬ વાગે મહેસાણા સ્ટેશન પર ઉતરી ને વિસનગર જવા માટે શટલ રીક્ષામાં બેઠા.. ત્યાં પહોંચતા પહોંચતા સાંજ પડી ગઈ હતી.. ત્યાં થી ૧૦ કિલોમીટર દૂર એક ગામમાં અમારે જવાનું હતું... પણ કિસ્મતમાં ન તો કોઈ બસ હતી કે નાં રીક્ષા... બહુ રાહ જોયા પછી એક ખુલ્લાં ટ્રકમાં પાછળ બેસવા માટે કહ્યું.. ઈચ્છા તો નહોતી છતાં મોડું થઇ ગયું હતું માટે બેસી ગયાં... પણ આજે ઠંડીએ કંઇક અલગ જ વિચાર્યું હોય એમ અમારી ઉપર જોરદાર પ્રભાવ છોડ્યો હતો...
.
છેવટે, એ ગામ આવ્યું.. અને અમે પોતાની બેગો સાચવીને ઉતારી ને ભાડું ચૂકવી ને ઉતરી ગયાં .. પ્રેમભાઈએ ફોન કાઢી ને જેના ઘરે પ્રસંગ હતો એમને કોલ કર્યો... પણ હજી મને ઠંડી ઉડતી નહોતી.. માંડ માંડ મારાં કડકડતા હોઠો ને દાંત ને કાબૂમાં રાખવાની કોશિશ જારી રાખી... ૧૫-૨૦ મિનિટ રાહ જોઈ પછી એક ભાઈ આવીને અમને લઈ ગયાં... જ્યાં લગ્ન હતું.. એ ઘરે પહોંચ્યા... ત્યારે રાત થઈ ગઈ હતી... ને અમારા હાલ જોઈ ઘરધણી ને લાગ્યું કે ઠંડીના કારણે અમારી હાલત કફોડી થઈ ગઈ છે... તરત જ એમણે તાપણી કરવા માટે લાકડાં અને પુરા નો ભારો લાવવા કોઈ ને કહ્યું... પાણી પણ પીધાં વિના અમે તાપણી ની રાહમાં કેમેરા ચોક્કસ જગ્યા પર મૂકી ને પાછા ઘરનાં આંગણે આવી બેસી ગયાં...
.
ત્યાં તો અંદરથી કોઈ બેનનો અવાજ આવ્યો...! "ઓય સાંભળો છો... એમને પહેલાં જમાડી દો.. પછી બીજી વાત કરો... ઘરમાલિકનું નામ ભીખાભાઈ... એમણે સારો એવો આગ્રહ કરી ને જમાડ્યા.. અમે જમવાની બહુ ઈચ્છા નાં હોવાથી થોડું માન ખાતર જમીને સીધા બહાર આવી ગયા...
.
ત્યાં સુધી તો એક એક લાકડાં ભડભડ સળગી રહ્યા હતાં... જોઈ ને મનનાં એક ખૂણામાં શાંતિ થઈ... કે હાશ હવે તો ઠંડીને ઉડે જ છૂટકો..! ને તરત જ અમે તાપણી ની એકદમ નજીક જઈને ગોઠવાઈ ગયા...
.
હું બેઠો હતો.. પાસે પ્રેમ ભાઈ બેઠાં હતાં... અચાનક કોઈ છોકરી આવી ને બિલકુલ મારી બાજુમાં બેસી ગઈ.. હું વિચારમાં પડ્યો... ને જોયું... તો આગ નું પ્રતિબિંબ એના મુખારવિંદ પર પડી રહ્યું હતું... કોણ હશે આ છોકરી..?? એની આંખોમાં કંઇક અલગ જ ચમક હતી.. જાણે ગુજરાત માં કાશ્મીર ને એમાં પણ એ કોઈ કાશ્મીરની કલી...! હું એકીટકે એને જ જોતો રહ્યો... બાજુમાં થી પ્રેમભાઈ એ મને કોણીનો ખૂણો માર્યો.. ત્યારે હું થોડો આ દુનિયાં માં પાછો આવ્યો...
.
વાતચીતનો દોર શરૂ થયો... વાત વાતમાં એનું તીરછી નજરે મને જોવાનું... ને કોઇ જોઈ નાં જાય એ બીકે બીજી જ સેકન્ડ માં ફરી જવાનું... લગભગ ૩ કલાક સુધી આજ ચાલતું રહ્યું... ધીરે ધીરે ઘરના બધાં જ સભ્યો એક એક કરીને ઘરમાં જતાં રહ્યાં.. એને પણ કોઈએ ઘરમાંથી કહ્યું કે "સૂઈ જા, જાનવી... તારે સવારે વહેલું ઊઠવાનું છે.. "
.
ત્યારે ખબર પડી કે આ રૂપસુંદરી નું નામ... જાનવી... ખરેખર, એને જોઈને મારું મન એક અલગ જ દુનિયામાં ગરકાવ થઇ ગયું હતું...! ત્યાં એણે સામે જવાબ આપ્યો, "તમે સૂઈ જાવ.. હું થોડીવારમાં આવીને સૂઈ જઈશ..."
.
ફક્ત અમે ત્રણ જ હવે બેઠાં હતા.. ત્યારે મેં વિચાર્યું કે આના થી સારો મોકો નહિ મળે વાત કરવાનો.... હું કંઈ પૂછવા જાવ... એ પહેલાં એણે જ પૂછી લીધું... " લાગે છે, કે મુસાફરી માં બહું ઠરી ગયા લાગો છો..?? "
.
મે સંભળાય નહીં એમ કહ્યુ " જેટલી પણ ઠંડી હતી બધી જ ઉડી ગઈ, બસ હવે દિલમાં લાગેલી આગ ને કઈ રીતે બુજવવી..?? એ બોલી શું કહ્યું..?? મે કહ્યુ કઈ નહિ... પણ હું જે બોલ્યો એની નોંધ મારાં ભાઈ અને જાનવી બંને એ કરી લીધી હતી... એ થોડું હસી ને બોલી, તમારું નામ..?? મે કહ્યું, ચંદર... સરસ નામ છે એટલું બોલી ને એ અંદર જવા માટે ઊભી થઈ... મેં તરત કહ્યું કે ઊંઘ આવતી લાગે છે.. તો એણે નાં પાડતી હોય એમ ગરદન ફેરવી... તો મેં થોડું બેસવા ઈશારો કર્યો. .. અને એ જાણે એજ ઈચ્છતી હોય એમ તરત જ બેસી ગઈ... મે કહ્યું, સારું કેહવાય તમારાં ગામડામાં મહેમાનની આટલી કાળજી લેવાય છે.. બાકી શહેરોમાં આજ કાલ કોઈ કોઇનાં માટે આટલું નથી કરતું... એણે પણ વાત ચાલુ રાખતા કહ્યું... , કે, " હા ગામડાની એજ તો ખાસિયત છે.. અહીંયા લોકો ભલે એકવાર મહેમાની માણે... પણ યાદ આખી જિંદગી રાખે...."
.
હું મનમાં બોલ્યો કે સાચી વાત.. પણ અમારે તો તમારાં મહેમાન નહિ પણ અંગત બનવું છે... એ પણ જાણે મારા મન ની વાતો સાંભળતી હોય એમ... સામે જોઈ માસૂમ સ્મિત આપી રહી હતી... મે, પ્રેમભાઈ અને જાનવી એ ઘણી વાતો કરી પરોઢના ૪ ક્યાં વાગી ગયાં..?? એજ ખબર ના રહી... પ્રેમ ભાઈ એ સૂવાની વાત કરી... ને એ પણ જાણે આખી રાત અહીંયા જ બેસી ને વાતો જ કરતી રહેવા માંગતી હોય, એમ લાગતું હતું.. પણ લગ્નવાળા ઘરમાં કામ બહુજ હોય.. સવારનું વહેલાં ઊઠવાનું વિચારી ક-મને સુવા જતી રહી... પણ જતાં જતાં સવારે મળીયે... એવું કહેતી ગઈ...
.
હું આખી રાત ના ઊંઘ્યો... ને ક્યારે સવાર થાય ને એને મળું.. એની રાહ જોવા લાગ્યો... ને ક્યારે આંખ મીંચાઈ ગઈ એજ ખબર ના રહી.. . સવારે ૬ વાગ્યે પ્રેમ ભાઈ એ મને ઉઠાડ્યો કે ફટાફટ તૈયાર થઈ જા .. આપણે જે છોકરીના લગ્ન છે. એના પિતા અને એને લઈને માતાજી નાં દર્શન કરવા જવાનું છે.., ત્યાં થોડા ફોટા લેવાનાં છે. ત્યારે મને અચાનક યાદ આવ્યું... કે હાં, આપણે તો અહીંયા આ કામથી આવ્યા છીએ... હું ફટાફટ ફ્રેશ થઇ ગયો... ને રેડી થઈ ગયો... પછી અમે એક રીક્ષામાં જવાનું હતું ત્યાં રીક્ષાની નજીક ગયા. પણ પહેલેથી જ અંદર કોઇ બેસેલું હતું... મે કેમેરા મૂકવા અંદર જોવાની કોશિશ કરી... તો જાનવી બેઠી હતી... હું બે ઘડી વિચારમાં પડી ગયો કે આ અહીંયા શું કરે છે..?? ત્યારે.., રીક્ષાવાળો બોલ્યો... કે "જોજો, કન્યા ને કંઈ બેસવામાં તકલીફ નાં પડે.. અત્યારે તો રીક્ષામાં બેસો.. ને કાલે તો વરરાજા મોંઘેરી ગાડી લઈને આવશે..." હું તો આખો હલી ગયો... કે અમે જેના લગ્ન માટે આવ્યા હતા તે કોઈ નહિ પણ જાનવી જ હતી...
.
હું મનમાં આવેલા અનેક વિચારોના ઘોડાપૂર ને કાબુ માં રાખવાની કોશિશ સાથે જગ્યા નાં હોવાથી એનીજ બાજુમાં બેસી ગયો... પછી લાંબો નિસાસો નાખી ને ઊંડા વિચારમાં ડૂબી ગયો... કે આવું કેમ..??
આગલી રાત્રે મારી લાગણીની જાણ, પ્રેમ ભાઈને પણ થઈ ગઈ હતી... તો એ પણ નિશબ્દ બની ને મારી સામું જોઈ રહ્યાં હતાં.. પછી, જાનવી એ મારી સામે જોયું... હું વિચારમાં હતો કે આ ખરેખર કોઈ સપનું તો નથીને..?? રીક્ષામાં પવન વધારે નાં લાગે.. એટલે અમે ઠંડીના કારણે એક મોટી રજાઈ ઓઢી હતી જે બહુ મોટી હતી... એક જ રજાઇમાં હું, જાનવી ને પ્રેમભાઈ ત્રણ જણા પાછળ બેઠાં હતાં.. ને એના પપ્પા ને ડ્રાયવર આગળ...
.
અમે મંદિરે જવા નીકળી ગયાં... થોડા આગળ પહોંચ્યા... હું બિલકુલ ચૂપ બેઠો હતો.. જાનવી મારાં મનમાં શું..?? ચાલી રહ્યું છે.. તે જાણી ગઈ હતી.. હું એકદમ શાંત થઈ ને બેઠો હતો.. ત્યાં એણે મને કહ્યું... "થોડી નજીક આવો.. પણ મારું મન ના માન્યું. તો હું નાં ગયો.. પણ એ રીક્ષા થોડી ખાડા માં પડી ને મોકાનો ફાયદો ઉઠાવીને તરત જ મારી નજીક આવી ગઈ.. ને મારાં બધાં પ્રશ્નનો જવાબ એક જ વાક્યમાં કહી દીધો... "મારે આ લગ્ન કરવા જ નથી.. પણ માં બાપની ઈચ્છાની આગળ લાચાર બની ને કરવા પડી રહ્યાં છે...." હું આનાથી આગળ કંઈ કહેવા નથી માંગતી... ને એણે રજાઇમાંથી મારો હાથ પકડી લીધો ને મને આપવા માટે પહેલેથી લખી રાખેલો એનો નંબર આપ્યો... હું કંઇ પ્રતિસાદ નાં આપી શક્યો. .. ને બને એટલો જલ્દી અહીંયા થી નીકળી જવું એમ નક્કી કરી... લગ્ન ની રાહ જોયા વિના એજ દિવસે ત્યાંથી નીકળી ગયો...
.
પ્રેમ ભાઈને કઈ કહેવું જરૂરી નાં લાગ્યું.. ને આમ પણ એ આખી વાત સમજી ગયાં હતાં... તો મેં જવાની મંજૂરી માંગી તો એમણે તરત આપી પણ દીધી... હું ત્યાંથી અમદાવાદ પરત આવવા નીકળ્યો ત્યારે રસ્તામાં પ્રેમ ભાઈના નંબરથી કોલ આવ્યો... મે હેલો કહ્યું... તો સામે થી જાનવી નો અવાજ આવ્યો... " મારો શું વાંક..?? અને તમે જે કામથી આવ્યાં હતાં તે તો અધૂરું છોડીને ચાલ્યા ગયાં... મારે તમારી સાથે એક ફોટો પડાવવો હતો... એ પણ રહી ગયો.. હવે ક્યારે આવશો..??? હું ફક્ત એટલું જ બોલ્યો" તને નવા જીવનની શુભેચ્છાઓ... ભગવાન તારી બધી ઈચ્છાઓ પૂર્ણ કરે... ને ઉપરવાળા એ લખ્યું હશે તો ચોક્કસ ફરી મળીશું..." એટલું કહી ફોન મૂકી દીધો... ભગવાનને પ્રાર્થના કરી કે એને સુખી રાખે... ને એ આ ફોટોગ્રાફર નો ફોટો એનાં દિલમાં થી નિકાળી દે... ને એના ભાવિ પતિ સાથે સુખમય જીવન પસાર કરે...
.
આ હતો મારાં જીવનનો પહેલો ઓર્ડર....! જેના થી એટલું શીખ્યો.. કે કોઈનો દિલમાં ફોટો પાડતા પહેલાં ,એની ઓળખાણ પહેલાં કરી લેવી... ! નક્કી નહિ, કે ફરી પણ કોઈ જાનવી મળી જાય...!

❤️❤️❤️❤️❤️