sami sanjnu svpan - 2 books and stories free download online pdf in Gujarati

સમી સાંજનું સ્વપ્ન.. - 2

(ભાગ -૨)

દોરો પગમાં ભરાયોને વ્યોમેશનું ધ્યાન ગયું. અરે !!! આ તો મારી વીંટીમાં દોરો ભરાયો છે અને આટલો લાંબો દોરો કેવી રીતે થયો. કુતૂહલ સાથે દોરો વિંટતો વિંટતો ગયો, જોયું તો ગરિમાનું ટોપ પાછળથી ખુલ્લું હતું, ગરિમાને ખબર જ નહોતી. વ્યોમેશને ત્યાં આવેલો જોઇને એ પાછી ફરી તો, હાથમાં દોરા જોયા સમજી ગઇ, કંઇક ખોટું થયું છે. વ્યોમેશે કહ્યું કે તારું ટોપ આખું પાછળથી ખુલી ગયું છે તો ગરિમા તો લાજની મારી શરમાઈ ગઇ. હવે શું કરીશ ? કેવી રીતે બહાર નીકળીશ ?

વ્યોમેશે કહ્યું કે તું આગળ ચાલ, હું તારી પાછળ જ ચાલીશ, હું આ કાર્ડબોર્ડ મોટું, મારાં હાથમાં રાખીશ એટલે કોઈને કંઈ ખબર નહીં પડે, તારા રૂમ સુધી તને પહોંચાડી દઈશ. ગરિમા એ રીતે રૂમ સુધી પહોંચી ગઇ.

રૂમમાં જઈને અરીસા સામે ઉભી રહીને, નિરખતી રહી ખુદને. શું ખરેખર પ્રેમ થઈ ગયો મને ? કેમ મે સવાલનાં કર્યો કેવી રીતે દોરો તારી વીંટીમાં આવ્યો ? કેમ મે ગુસ્સોનાં કર્યો તેના પર ? મેં કેમ એની મદદ લીધી ? મને એની સાથે અહી આવવામાં કેમ સલામતી લાગી ? મારી પાસે કોઈ ઉપરણ નહોતું ઓઢવા માટેનું. વ્યોમેશ પર આટલો વિશ્વાસ !!!

વ્યોમેશ પણ એજ વિચારતો હતો કે ગરિમાને મેં કહ્યું અને સ્વીકારી લીધું, મારી સાથે એનાં રૂમ સુધી આવવા તૈયાર થઈ. બીજાને બોલાવી લાવો મારી મદદ માટે કંઈ કીધું નહીં. કેટલો એનો મારાં પર વિશ્વાસ. વિશ્વાસનો લાભ હું ક્યારેય નહી લવું. જયાં સુધી અંતરના દરવાજા મારાં માટે ખોલીને આવકારશે નહિ. દરવાજા પાછળ તો એજ ઊભી છે એનેજ ખસવું પડશે, દરવાજા પાછળથી તોજ ખુલશે ને હું પ્રવેશ કરી શકીશ. આંખોથી સમજાવે છે મને, દિલનાં દસ્તક પર ટકોરા પડે છે.. દ્વાર ખૂલવાની રાહ મારે જોવાની રહી છે.

ગરિમા બે દિવસથી વ્યોમેશની નજીક નહોતી આવતી. સંકોચ એને ઘેરી વળ્યો હતો. દૂર દૂર રહેતી વાતો પણ નાં કરતી. વ્યોમેશ કારણ જાણતો હતો પણ હવે ગરિમાની આંખોમાં એવો ડૂબી ગયો હતો કે એના અસ્તિત્વનો સ્વીકાર પણ ત્યાં જ હતો. દિલમાં દર્દ સમાવી હોઠો પર સ્મિત લાવી કામ કરતો. દિલનાં દાવાનળથી તો ગરિમા પણ અજાણ હતી. ગરિમા એવું જ સમજતી હતી કે, મારાં દિલમાં જ એનાં માટે પ્રેમ છે, એને છે કે ખબર નથી, હોય તો ક્યારેક વર્તન દ્વારા વ્યક્ત કરે. કરે છે તો તરત દોસ્તીની મિશાલ આપે છે, મારે શું સમજવું ?

ગરિમાને દિલમાં થતું કે મારાં પતિ મને કેટલો પ્રેમ કરતાં. દીવાના હતાં મારાં. આપણે આખી જિંદગી પ્રેમ કરીશું. મોજ મસ્તી જીવનનાં છેલ્લાં ક્ષણ સુધી માણીશું એમ કહેતા. હું પણ એમની ઘેલી હતી. લતાની જેમ વિંટડાયેલી રહેતી. તો શું અમારો પ્રેમ એટલો કાચો હતો ? દસ વર્ષ વિતી ગયા એમનાં ગયે ! તો હવે ફરી કેમ વ્યોમેશ માટે પ્રેમ જાગ્યો છે. મારી શારીરિક ભૂખ તો નાં હોય શકે ?

મન હવે સાથ ઝંખે છે. દિલને હુંફ અને આત્મીયતાનો ખોરાક જોઈએ છે. મારી કેર કરે, મને સાંભળે, સાચવે, હવે હું પણ પ્રેમની ભૂખી થઇ છું. કેમ પાનખર લાગે તો પ્રેમ નાં કરી શકાય ? પાનખરની પીડામાં વસંત ખીલવે એજ સાચું જીવન. ઝિંદાદિલી એનું જ નામ, દિલ તો પાગલ છે ક્યારેય પ્રેમ કરી શકે એને વસંત કે પાનખરની શું લેવા દેવા ? દિલ આટલા વર્ષથી એકલતા ભોગવીને હવે સમી સાંજનો સાથ માંગે છે ?

વ્યોમેશ આજે સિટી પર સિટી મારીને ગીત ગણગણતો હતો. તુમ જો મિલ ગયે હો, તો યે લગતા હે...
છેલ્લા કેટલાક દિવસથી એનાં હોઠો પર આ ગીત આવીને બેઠું હતું. દિલમાં ખુબજ ખુશીઓ હોય ત્યારે દિલ, ગળું અને હોઠોથી અવાઝ નીકળે. ગીતો મધુરા કોઈની યાદમાં ગવાતા હોય. હાથ અને પગની સરગમથી થતી હરકતો દિલ બેકાબૂ બન્યું છે એની સાક્ષી પુરે.

વ્યોમેશનાં દીકરાની વહુ આર્યા કેટલાં દિવસથી જોતી હતી પાપાજીની હરકતો. ચહેરા અને વર્તનમાં ફેરફાર નજર આવી રહ્યો હતો. જ્યારે પ્રેમ થાય ત્યારે છુપાવ્યો ના છુપાય, આર્યાને અંદાજો આવી ગયો હતો, પાપાજીનાં દિલમાં કોઈ વસી ગયું છે.

પાપાજી શું વાત છે ? કોને કેદ કરી લીધા દિલમાં ? ગીત ગણગણો છો, કોણ મળી ગયું મને કહો, એ નહિ માનતા હોય તો હું મનાવિશ. હવે તમે એમને છોડતાં નહીં. વર્ષો પછી તમને આટલા ખુશ જોયા છે, તમારી ખુશી હમેંશા રહે. સૌથી વધારે હું ખુશ છું મારા પાપાજી માટે.

અરે ! એવું કંઈ નથી.

કેમ નથી ? તમે હવે તૈયાર થવામાં શું પહેરું વિચારો.
વાળમાં કલપ કરાવો, રોજ દાઢી ચકાચક કરો. સ્પ્રે લાવ્યા જાતજાતના, એ છાંટો. કેપ જુદી જુદી પહેરો. ગોગલસ નવાં નવાં પહેરો. તમારી આંખોમાં પ્રેમ દેખાય છે. કહો છો એવું કંઈ નથી, તો આ બધું શું છે ?

વ્યોમેશને એક દીકરો છે જેનાં લગ્ન બે વર્ષ પહેલાં જ કર્યા છે. આર્યાને નાનપણથી જ માબાપની છત્રછાયા નહતી. જે વ્યોમેશે કમી પૂરી કરી હતી. તે દીકરીની જેમજ રહેતી. વ્યોમેશ પણ એને બધી વાત કરતો. એ હકકથીજ આર્યા પૂછી રહી હતી.

વ્યોમેશની પત્ની તેજ તરાર હતી. ઊંચા હોદ્દા પર હતી એનું ગુમાન હતું. વાતે વાતે નજીકનાં લોકોને ઉતારી પાડવું એના લોહીમાં વણાઈ ગયું હતું. વ્યોમેશને એનું વર્તન ગમતું નહીં. લગ્ન વખતે તેની જોબ હતી પણ ત્યારે ક્લાર્ક હતી. ડિપાર્ટમેન્ટની પરીક્ષા આપીને એ મામલતદારની પોસ્ટ પર પહોંચી ગઇ હતી. આજુબાજુમાં જીહજૂરી કરવા વાળા ઘણા હતાં. જે બહારનું સંભાળી શકે તો ઘર નાં સંભાળી શકે ? ઘર માટે તો પ્રેમ જોઈએ. એજ તેની પાસે નહોતો. હવે એવો રોફ ઘર પર જમાવા માંગતી. વ્યોમેશને એનાં પગારની જરૂરત નહતી, તો શું કામ એનું માને. દીકરાને પણ પૈસાથી જ તોલતી. માં નો પ્રેમ દીકરાને દેખાતો જ નહીં. પપ્પા પાસે જ વધારે રહેતો. મોટો થવા સાથે સમજણ પણ ખુબ આવી ગઇ હતી. એટલે જ્યારે માં બાપ અલગ રહેવાનું ચાલુ કર્યું તો પપ્પા પાસે જ રહ્યો. વ્યોમેશને છૂટાછેડા આપવા નહોતી માંગતી એમજ અલગ રહેતી હતી.

વ્યોમેશ ખુશ હતો કે ચલો રોજનાં ઝગડાથી મુક્તિ મળી. બિઝનેસમાં વધારે રચ્યો પચ્યો રહેતો જેથી એકલતા ઘેરી ન વળે અને દીકરાને પણ સરસ સચવાય. દીકરો પણ કોલેજના છેલ્લા વર્ષમાં હતો. એને જોબ પણ સરસ મળી ગઇ હતી જે પાર્ટ ટાઈમ હતી. ત્યાં એને આર્યા સાથે પ્રણય થયો અને લગ્ન થયા.

બિઝનેસનાં ભાગ રૂપે સ્નેહ સાંકળ ધામમાં જતો, સેવા આપતો, ત્યાંનું સુપરવિઝન કરતો, જ્યારથી ગરિમાને ત્યાં જોઈ ત્યારથી વધારે સમય ત્યાં વિતાવતો ને ચૂપકેથી તાકતો રહેતો. કોઈ આપણા સામે સતત જોતું રહેતું હોય તો ખબર પડે કે કોઈ જોઈ રહ્યું છે. ગરિમાને પણ ખબર હતી કે વ્યોમેશનાં દિલમાં મારાં માટે કંઈક છે, પણ જ્યાં સુધી શબ્દો બોલાય નહીં, કહેવાય નહીં, સંભળાય નહીં, મહેસૂસની અનુભૂતિ નાં થઇ હોય તો દિલતો કશ્મકશ જ અનુભવે.

વ્યોમેશ પહેલ કરવા માંગતો જ નહોતો. ગરિમા જ્યારે ઈશારો આપશે, દિલની વાત જુબાન પર કહેવા માટે લાવશે ત્યારેજ હું મારો દિલનો હાલ વ્યક્ત કરીશ. મારે કહીને એની દોસ્તી નથી છોડવી.

બંને જણા હાલતથી મજબૂર હતા, પુરાણી યાદો પણ કડવી ને મીઠી બંને હતી. હજી તેની સાથે જીવતા હતા. ભૂતકાળ ભૂલીને વર્તમાનમાં આવે તો કંઈ વાત બને.

બન્નેએ મનથી નક્કી કર્યું કે કાલે તો હું કહીજ દઈશ...

(હવે કાલે કોણ પહેલ કરશે જોઈએ આવતાં ભાગમાં )

ક્રમશ :

""અમી""