Operation Pirastan books and stories free download online pdf in Gujarati

ઓપરેશન પિરસ્તાન
"રમા, ખોટું ના લગાડે તો એક વાત કરું ?"

" બોલા !"

"ભગવાને આપણને ત્રણ દિકરા દીધા છે. મારી ઈચ્છા છે કે એક દીકરો જો દેશ સેવામાં જોડાય તો... " વ્યવસાયે રિક્ષાચાલક દાદુરામે વિચાર સ્વરૂપે પોતાનો દેશ પ્રેમ રજૂ કર્યો.

"હો, માઝા એક મુલગા દેશાલાં સમર્પિત !" રમાબહેને ખુમારીથી કહ્યું.

વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારની તુલસીની ચાલીમાં રહેતાં દંપતી વચ્ચે ધીમા અવાજે વાતચીત ચાલી રહી હતી. જે દાદુરામના પુત્ર સન્નીએ સાંભળી લીધી. કાને પડેલાં પિતાના શબ્દો અને રગોમાં વહેતું તેમનું જ લોહી સન્નીના હ્ર્દયમાં પણ દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવના જગાડી ગયું. બસ, ત્યારથી જ એણે નક્કી કરી લીધું કોઈ પણ કાળે ઇન્ડિયન આર્મીમાં જોડાવવાનું.

સ્વપ્ન સાકાર પણ થયું.
સન્ ૨૦૦૩ની અમદાવાદ ખાતેની ભરતીમાં એ લશ્કરમાં જોડાયો.

લશ્કરમાં સન્ની પોતાનાં ખરાં નામથી જ ઓળખાવા લાગ્યાં - દિવાકર.
સિપાહી દિવાકર દાદુરામ ફલટનકર.
તેઓને આર્મીના યુનિફોર્મમાં જોઈ પિતા દાદુરામની છાતી ફૂલી નહોતી સમાતી.

ટ્રેનિંગ દરમ્યાન દિવાકરનું પર્ફોર્મન્સ સર્વશ્રેષ્ઠ રહ્યું. ઉપરી અધિકારીઓએ પણ તેઓની પ્રતિભાની નોંધ લીધી.
* * *

સેનામાં ત્રણ વર્ષ સેવા આપ્યા બાદ દિવાકર ગનર તરીકે ૩૨-રાષ્ટ્રીય રાયફલ્સમાં જોડાયાં. જે સીધેસીધું સંરક્ષણ મંત્રાલયના આદેશ હેઠળ કામ કરે છે.

૨૦૦૯ માં તેઓનું પોસ્ટીંગ જમ્મુ કાશ્મીરના બારામુલ્લામાં થયું. આ જ અરસામાં અને ખરા અર્થમાં કહો તો વચ્ચે મળેલી થોડી ઘણી રજાઓમાં તેઓ અમદાવાદ સ્થિત આયુષિ સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ઘરની તમામ જવાબદારી આયુષિને સોંપી દિવાકર વળી પાછા ફરજ પર જોડાઇ ગયાં.

૨૧, સપ્ટેમ્બર ૨૦૦૯ ના દિવસે તેઓની રેજીમેન્ટને નજીકના લાડુ વિસ્તારમાં કેટલાક આંતકવાદીઓ છુપાયેલા હોવા અંગે બાતમી મળી. જે પાંજલા પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. બાતમી આધારે દિવાકર પોતાની પલટન સાથે તાબડતોડ મિલિટરી હેલિકોપ્ટર દ્વારા ત્યાં પહોંચ્યાં. બાતમી સાચી ઠરી. પલટને આખા વિસ્તારને ચોફેરથી ઘેરી લીધો.
આતંકવાદીઓને પોતે ચારેય તરફથી ઘેરાયેલા હોવાની જાણ થતાં પલટન પર ગોળીબાર કરવો શરૂ કર્યો. દિવાકર અને તેઓના સાથીઓએ જોરદાર પ્રતિકાર કર્યો.

"ફૌજી !" ગિન્નાયેલા આતંકવાદીએ જોરથી કહ્યું, "મરને આયે હો ક્યાં ? ભાગ જાઓ યહાં સે !"

આતંકવાદીએ ફૂંકેલા બગણા સાંભળી પલટનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું. સામે હાસ્યની છોળો ઉઠતાં જોઈ આતંકવાદીઓને વધુ રીસ ચડી. એક આતંકવાદીએ આગળ ધસી હેન્ડગ્રેનેડ ફેંક્યો. હેન્ડગ્રેનેડ જમીન પડે તે પહેલાં જ દિવાકરે ગોળી છોડી. ધસી આવેલા આતંકવાદીની ખોપરી વીંધી ગોળી આરપાર નીકળી ગઈ. દિવાકરે મૂછો પર તાવ દીધો !

પરંતુ હેન્ડગ્રેનેટના અણધાર્યા હુમલાથી દિવાકરનો એક સાથી ગંભીર રીતે ઘવાયો. આતંકવાદીઓએ પણ એકધારો ગોળીબાર ચાલુ રાખ્યો.

દિવાકર સુરક્ષિત આશ્રય શોધવાનો પ્રયત્ન કરવાને બદલે પોતાના ઘાયલ સાથીદારને ઊંચકી મિલિટરી હેલિકોપ્ટર સુધી મૂકી આવ્યો. તે જ્યારે પાછો ફર્યો ત્યારે આતંકવાદીઓએ બીજો હેન્ડગ્રેનેડ ફેંક્યો. વિસ્ફોટ એટલો ભયંકર હતો કે દિવાકર અને તેઓના તમામ સાથીઓ હવામાં ઉછળ્યાં. આખી પલટન ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ. એક પણ સૈનિકનું એકેય અંગ એવું નહોતું રહ્યું કે જ્યાંથી લોહી દદળતું ન હોય.

પલટનને ભોંયભેગી થઈ ગયેલી જોઈ આતંકવાદીઓએ હર્ષોલ્લાસની ચિચિયારીઓ કરી મૂકી.

પણ આ તો દિવાકર !

ઘાયલ હોવા છતાં એ ઉઠ્યો. આંખો પરથી ધૂળ હટાવી. ગન હાથમાં લીધી. સન્ન કરતી અણચૂક ગોળી છૂટી. એક આતંકવાદી ઠાર, પછી બીજો... પછી ત્રીજો - પળવારમાં તો પાંચ આતંકવાદી એણે એકલે હાથે પતાવી દીધા.

છઠ્ઠો આતંકવાદી જીવ બચાવી ભાગ્યો. પણ જો એને જીવતો જવા દે તો એ દિવાકર શાનો !

વિજળીવેગે એ પાછળ દોડ્યો. આશરે ત્રણસો મીટર પીછો કરી એને પણ ઠાર માર્યો.

તમામ આતંકવાદીઓનો સફાયો કર્યા બાદ દિવાકર પોતાના ઘાયલ સાથી મિત્રો તરફ પાછો આવતો હતો ત્યારે, એક આતંકવાદી જે મરવાનું નાટક કરી ભોંય પર પડી રહ્યો હતો તેણે દિવાકર પર ગોળી છોડી. ગોળી જાંઘમાં થઈ કમરમાંથી આરપાર નીકળી ગઈ.

દિવાકરે પલટીને તેના તરફ જોયું. ત્યાં તો આતંકવાદીએ બીજી ગોળી છોડી જે સીધી છાતીમાં વાગી. જવાબમાં દિવાકરે પણ એક ગોળી છોડી.

ગોળી એ નિશાન લીધું કે નહીં એ જોવાની તસ્દી લેવાની દિવાકરને સહેજે જરૂર નહોતી !

ઘાયલ અવસ્થામાં દિવાકર બરફ વચ્ચે પડી રહ્યો. આશરે ત્રણ કલાક પછી સૈન્ય મદદ માટે આવ્યું. આતંકવાદીઓ સાથે મુઠભેડ થયાંના સ્થળેથી ૬૦ કિમી દૂર હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં સુધી દિવાકરનો પ્રાણ શરીરનો સાથ નિભાવતો રહ્યો. પણ અંતે સિપાહી દિવાકર દાદુરામ ફલટનકર નામ દેશ કાજે શહીદ થનારાઓની લિસ્ટમાં ઉમેરાઈને જ રહ્યું.

- જય હિંદ
- વંદે માતરમ્

- ૨૦૧૦ માં તેઓ રાષ્ટ્રપતિ દ્વારા સેના મેડલથી સન્માનિત થયાં.
- આસામમાં 224, ફિલ્ડ રેજીમેન્ટ આર્ટલરીમાં નવી ઇન્સ્ટિટ્યૂટ બની. જેનું નામ અપાયું : દિવાકર ઇન્સ્ટિટયૂટ.
- હાલ આસામમાંજ તેઓના નામે એક રોડનું પણ નામકરણ થયું : વીર દિવાકર માર્ગ.

* * * * *