Prayshchit - 64 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 64

પ્રાયશ્ચિત પ્રકરણ 64

" કેતન તમારામાં આજ સુધી ક્યારેય પણ મેં ગુસ્સો જોયો નથી તો પછી આજે અચાનક વિવેક ઉપર આટલા ગુસ્સે કેમ થયા ? " રાત્રે બેડરૂમમાં જાનકીએ કેતનને આ સવાલ પૂછ્યો.

" તારી વાત સાવ સાચી છે જાનકી કે ગુસ્સો મારા સ્વભાવમાં નથી. હું પોતે આધ્યાત્મિક યાત્રાનો પ્રવાસી છું. કોઈનું પણ ખરાબ કરવાનું વિચારી શકતો પણ નથી. મેં તે વખતે જાણીજોઈને ખોટો ગુસ્સો બતાવ્યો હતો જેથી ઓફિસનો શિષ્ટાચાર જળવાઈ રહે. સ્ટાફના માણસો એક ડિસ્ટન્સ રાખે. ફૂંફાડો ક્યારેક જરૂરી હોય છે. દરેકને આપણે ૫૦૦૦૦ પગાર આપીએ છીએ. એક શિસ્ત તો એમનામાં હોવી જ જોઈએ. " કેતન બોલ્યો.

" સાવ સાચું કહું તો મને તમારો આ ગુસ્સો ગમ્યો. જરૂરી હતો. એક ડિસ્ટન્સ સ્ટાફે મેઇન્ટેન કરવું જ જોઈએ. " જાનકીએ કહ્યું.

" અને બીજી વાત કેતન કે મારે ખરેખર ગાડીની કોઈ જરૂર નથી. મારે ક્યાંય જવું હોય તો આપણી ગાડી પડેલી જ હોય છે. ડ્રાઇવર પણ છે. એટલે નવી કોઈ ગાડી અત્યારે આપણે લેવી નથી. સમર વેકેશનમાં શિવાનીબેન અહીં આવી જાય પછી તમારે એમના માટે લેવી હોય તો લઈ આપજો. " જાનકી બોલી.

" એ વાત પણ તેં સાચી કહી. ઠીક છે ગાડીનો આઈડિયા હાલ પૂરતો મુલતવી રાખીએ. " કેતને હસીને કહ્યું.

" જી સાહેબ શુક્રિયા... હવે ડાહ્યા થઈને સુઈ જાઓ. " જાનકી બોલી.

" ખરેખર સુઈ જાઉં ? " કેતને જાનકીની આંખોમાં આંખો પરોવીને પૂછ્યું.

" મને ખબર છે તમે શું કહેવા માગો છો !"
જાનકી બોલી.

" તો પછી સમજી જાઓ ને મેડમ. હજી હનીમુનના દિવસો પુરા થયા નથી." કેતન બોલ્યો.

એ પછી સંવાદો બંધ થઈ ગયા. કેતન અને જાનકી એક જુદા જ નશામાં મદહોશ થઇ ગયાં.

બીજા દિવસે સવારે ૧૦ વાગે જ કેતન હોસ્પિટલ પહોંચી ગયો. જાનકી આજે ઘરે જ રોકાઈ ગઈ. આજે એની ઈચ્છા દક્ષામાસી સાથે થોડી રસોઇ શીખવાની હતી.

આજે કેતને ઓપીડીમાં લાઈનમાં બેઠેલા દર્દીઓ સાથે વાતચીત કરી. રાજેશ પણ સાથેને સાથે ચાલતો હતો.

કેતને દરેક ચેમ્બરમાં જઈને બધા ડોક્ટરો સાથે પણ વાત કરી. એ પછી કેતન ઈમેજીંગ સેન્ટરમાં પણ ચક્કર મારી આવ્યો.

ગ્રાઉન્ડ ફ્લોર પત્યા પછી ઉપર ત્રણે ત્રણ માળના વોર્ડમાં જઈને દાખલ થયેલા દર્દીઓ સાથે વાત કરી. તમામ દર્દીઓએ સંતોષ વ્યક્ત કર્યો.

આખી હોસ્પિટલનુ સંપૂર્ણ ચક્કર મારીને કેતન અને રાજેશ દવે પહેલા માળે આવેલી કેતનની ઓફિસમાં જઈને બેઠા. જયદીપ આવીને ચા નાસ્તાનું પૂછી ગયો પણ કેતને ના પાડી.

" સર હજુ સુધી કોઈ સાવ ગરીબ કહી શકાય એવા દર્દી દાખલ થયા નથી. ગરીબો માત્ર ઓપીડીમાં જ દેખાય છે. મારું અંગત એવું માનવું છે કે હોસ્પિટલની ઈમેજ લોકોના મનમાં કોર્પોરેટ ટાઈપની હોસ્પિટલની છે એટલે સાવ ગરીબ લોકો આ હોસ્પિટલ જોઈને જ અહીં દાખલ થવાનો વિચાર છોડી દેતા હશે અને સરકારી હોસ્પિટલમાં જ જતા હશે. " રાજેશ બોલ્યો.

" એના માટે તારું શું સજેશન છે ? " કેતને પૂછ્યું.

" હોસ્પિટલ ગરીબોની સેવા માટે બનેલી છે એ વાત લોકોના ધ્યાનમાં લાવવી જરૂરી છે. એના માટે આપણે ન્યુઝ પેપરમાં થોડા દિવસ સતત જાહેરાત આપવી જોઈએ. " રાજેશે પોતાનો મત આપ્યો.

" હું જયેશભાઈ સાથે આ બાબતમાં વાત કરી લઉં છું. મારા માટે ગરીબોની સેવા સૌથી વધુ મહત્વની છે. આપણે આ બાબતનો પ્રચાર કરવો જ પડશે. " કેતન બોલ્યો.

" મને એમ લાગે છે કે આપણે આ હોસ્પિટલમાં જ બહારના ભાગે એક મેડિકલ સ્ટોર પણ બનાવવો પડશે. હોસ્પિટલની અંદર તો કોઈ જગ્યા નથી. ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર આપણે દવાઓ મફત આપીશું. એ બહાને પણ લોકોની ઘણી સેવા થશે. " કહીને કેતન ઉભો થઇ ગયો અને બહાર નીકળી ગયો.

રાજેશ દવે કેતન સરની વિચારધારા જોઈને ચકિત થઈ ગયો. કેતન સરે તો સેવાની પરબ જ માંડી છે.

જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે કેતન સીધો ઘરે ગયો.

" આજે શાક મેં બનાવ્યું છે. બોલો કેવું લાગ્યું ? " જમતાં જમતાં જાનકીએ કેતનને પૂછ્યું.

" આ ચણાના લોટમાં બનાવેલી મૂળાની ભાજીનો ટેસ્ટ બિલકુલ દક્ષામાસી જેવો જ છે " કેતન બોલ્યો.

" આ શાક મેં પહેલીવાર બનાવ્યું સાહેબ. અમારા ઘરે આવું ચણાના લોટવાળું શાક બનતું નથી. એટલે જ મેં માસી પાસેથી આખી રેસિપી સમજી લીધી આજે. " જાનકી બોલી.

" મને પણ આ શાક બહુ જ ભાવે છે. " કેતન બોલ્યો.

સાંજે ચાર વાગ્યે કેતન અને જાનકી ઓફિસે પહોંચી ગયાં. કેતનને જોઈને ઓફિસનો સ્ટાફ શાંત થઈ ગયો.

કેતન એની ચેમ્બરમાં જઈને બેઠો એટલે તરત જ જયેશ પણ એમની ચેમ્બરમાં ગયો.

" શેઠ ધાબળાનું પાર્સલ છોડાવી લીધું છે અને ૮૦ ધાબળા એક કલાક પહેલાં જ હોસ્પિટલમાં પહોંચાડી દીધા છે. ગઈકાલે રાત્રે શહેરનો એક રાઉન્ડ માર્યો હતો. સાત રસ્તા વિસ્તાર અને ખોડીયાર કોલોની તરફ ઘણા ગરીબ લોકો ફૂટપાથ ઉપર સુએ છે અને એ બાજુ થોડી ઝૂંપડપટ્ટી પણ છે." જયેશ ઝવેરીએ રિપોર્ટ આપ્યો.

" તો પછી આજે રાત્રે ગરમ ધાબળા ઓઢાડવાનો પ્રોગ્રામ બનાવીએ. તમે રાત્રે ૧૧ વાગે ગાડીમાં ધાબળા લઈને મારા ઘરે આવી જજો. ત્યાંથી આપણે સાથે નીકળીશું. " કેતન બોલ્યો.

" ભલે શેઠ. " જયેશ બોલ્યો..

" અને બીજી એક વાત. આજે રાજેશ દવે સાથે હોસ્પિટલમાં મારે ચર્ચા થઈ હતી. હજુ ગરીબ લોકો હોસ્પિટલમાં એડમિટ થતા નથી. રાજેશનું એવું માનવું છે કે આપણી હોસ્પિટલ કોર્પોરેટ લેવલની છે એટલે ગરીબો દાખલ થતા નથી."

" મારી ઇચ્છા એવી છે કે હમણાં એક મહિના સુધી દર રવિવારે તમે ન્યુઝ પેપરમાં જાહેરાત આપો કે ગરીબોને અને નીચલા મધ્યમ વર્ગના દર્દીઓને આપણી હૉસ્પિટલમાં ફ્રી સારવાર આપવામાં આવે છે. " કેતન બોલ્યો.

" જી શેઠ. એ થઈ જશે. આવતા રવિવારથી જ શરૂઆત કરી દઉં છું. " જયેશ બોલ્યો.

" બીજી એક વાત. આપણા હોસ્પિટલના કમ્પાઉન્ડમાં ઘણી બધી જગ્યા છે. ત્યાં એક બાજુ એક મોટો રૂમ ઉતારી એક શો રૂમ બનાવી દો. ત્યાં મેડિકલ સ્ટોર આપણે ચાલુ કરવો છે. જ્યાં તમામ દવાઓ પ્રિસ્ક્રિપ્શન ઉપર ફ્રી મળશે. માત્ર હોસ્પિટલ જ નહીં બહારની કોઈપણ વ્યક્તિને પણ દવાઓ ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન ઉપર આપણે ફ્રી માં આપીશું. " કેતને કહ્યું.

" આ બહુ મોટું કામ થશે શેઠ. દવાઓ બહુજ મોંઘી આવે છે. ગરીબોની સાચી સેવા થશે. " જયેશ બોલ્યો.

" તમે બે ત્રણ દિવસમાં જ આ મેડીકલ સ્ટોરના કન્સ્ટ્રકશન નું કામ ચાલુ કરાવી દો. " કેતને કહ્યું.

" ભલે શેઠ. હોસ્પિટલ માટે નવી એમ્બ્યુલન્સ તૈયાર થઈ ગઈ છે. આજે જ ફોન હતો. આરટીઓની થોડી ફોર્માલિટી પતાવી પડશે. એક-બે દિવસમાં એ કામ પણ પતાવી દઉં છું. " જયેશ બોલ્યો.

" હા. એમ્બ્યુલન્સ આવી જાય એટલે એના ઉપર - " કે. જમનાદાસ ચેરીટેબલ ટ્રસ્ટ " નામ પેઇન્ટ કરાવી દેજો. "

"હા શેઠ... એ મારા ધ્યાનમાં જ છે. "

" વિવેક આજે સવારે ટેલિફોન એક્સચેન્જ જઇને લેન્ડલાઈન કનેક્શન માટે અરજી આપી આવ્યો છે. તત્કાલ ક્વોટામાં જ અરજી કરી છે. પંદરેક દિવસમાં ફોન લાગી જશે. " જયેશે કહ્યું.

" ચાલો એ કામ તમે સરસ કરી દીધું. હવે હું નીકળું છું. રાત્રે તમે મનસુખભાઈ ને લઈને ઘરે આવી જજો. " કહીને કેતન ઉભો થયો. કેતન અને જાનકી ઓફિસની બહાર નીકળી ગયાં.

કેતન જયેશ ઝવેરીની મેનેજર તરીકેની પોતાની પસંદગી માટે ખૂબ જ ખુશ હતો. જયેશ એનો પડ્યો બોલ ઝીલી લેતો. કોઈપણ કામની ના નહીં. જરૂર પૂરતું જ બોલવાનું.

" તમે મેડિકલ સ્ટોર બનાવવાનું નક્કી કર્યું એ આઈડિયા મને ગમ્યો. દવાઓના ખર્ચા માણસોને મારી નાખે છે. આ એક સાચી દિશામાં પગલું છે. " રસ્તામાં જાનકી બોલી.

" મને આ આઇડિયા હોસ્પિટલમાં જ આવ્યો. દાખલ થયેલા દર્દીઓને તો આપણે દવા ઇન્જેક્શનો આપીએ છીએ પરંતુ ઓપીડી માં આવેલા ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને ડોક્ટર જે દવા લખી આપે તે દવાઓ બહારથી જ ખરીદવી પડે છે." કેતને કહ્યું.

" હમ્... તમારી વાત સાચી છે. અને હા, આજે રાત્રે હું પણ તમારી સાથે ધાબળા વહેંચવા આવીશ. " જાનકી બોલી.

" તું ના કહે તો પણ હું તને લઈ જવાનો જ છું. સજોડે જ દાન કરવાનું. " કેતને હસીને કહ્યું.

એ રાત્રે પોણા અગિયાર વાગ્યે જયેશ અને મનસુખ માલવિયા કેતનના ઘરે પહોંચી ગયા. બહારથી જ હોર્ન વગાડ્યું. ૧૨૦ ધાબળા જયેશની ગાડીમાં જ હતા.

એ લોકો આવ્યા એટલે કેતન અને જાનકી પોતાની ગાડીમાં જયેશની પાછળ પાછળ સાત રસ્તા બાજુ ગયા. શિયાળાની રાત હતી એટલે ૧૧ વાગ્યે પણ સોપો પડી ગયો હતો. તમામ રસ્તા સૂમસામ હતા.

" બસ અહીંથી સ્લમ એરિયા શરૂ થાય છે. અહીં ફૂટપાથ ઉપર લોકો ટૂંટિયું વાળીને સૂતેલા છે. " ગાડી ઉભી રાખીને બહાર નીકળીને જયેશ બોલ્યો.

" હા તો આપણે અહીંથી જ શરૂઆત કરીએ. કામળા બહાર કાઢો આપણે જાતે જ ઓઢાડીશું. " કેતને કહ્યું એટલે માલવિયાએ ધાબળા બહાર કાઢ્યા અને ગાડીની બોનેટ ઉપર મૂક્યા.

" શેઠ ધાબળાની ક્વોલિટી ખુબ જ સરસ છે. એકદમ ગરમ પણ છે અને વજનદાર પણ છે. જરા પણ ઠંડી ના લાગે. " જયેશ બોલ્યો.

કેતન અને જાનકી એ એક એક કામળો હાથમાં લઈને ફૂટપાથ ઉપર સૂતેલા ભિખારીઓ, મજૂરો અને ગરીબોને એક પછી એક જાતે ઓઢાડવાના ચાલુ કર્યા. બાકી જે ધાબળા વધ્યા તે ઝૂંપડપટ્ટીમાં વહેંચી દીધા.

કેતન અને જાનકી ઘરે આવ્યાં ત્યારે રાતના બાર વાગી ગયા હતા.

" આજે એક સરસ કાર્ય કર્યાનો આત્મસંતોષ થયો. " કેતન બોલ્યો.

બીજા દિવસે સવારે કેતન અને જાનકી ચા પીતાં હતાં ત્યારે પ્રતાપ અંકલનો ફોન આવ્યો.

" કેતન તમે લોકો આવી ગયા ? મને ગઈકાલે રાત્રે જ ખબર પડી. " પ્રતાપભાઈ બોલ્યા.

" હા અંકલ..દુબઈ પણ જઈને આવ્યાં." કેતને કહ્યું

" બસ તો પછી કાલે સવારે મારા ઘરે જમવાનું રાખો તમે બંને જણાં. કાયદેસર મારે તમને વાયણુ જમાડવું પડે. લગ્ન પછી વર-કન્યાને જમાડવાની આપણી પરંપરા છે." પ્રતાપ અંકલ બોલ્યા.

" ભલે અંકલ. તમારા આમંત્રણનો સ્વીકાર કરીએ છીએ. હોસ્પિટલથી બાર સાડાબારે સીધા તમારા ઘરે આવી જઈશું. " કેતન બોલ્યો.

" જમવામાં શું ફાવશે બોલ. તને જે ભાવતું હોય એનો પ્રોગ્રામ બનાવીએ. " પ્રતાપ અંકલ બોલ્યા.

" તમને જે યોગ્ય લાગે તે બનાવજો અંકલ. મારે અને જાનકીને એવું કંઈ જ નથી. તમને લોકોને જે અનુકૂળ હોય એ બધું જ મને ભાવશે " કેતને કહ્યું અને ફોન કટ કર્યો.

" પ્રતાપ અંકલનો ફોન હતો. એ લોકો આપણને વાયણુ જમાડે છે એટલે કાલે આપણે એમના ઘરે જમવાનું છે." કેતને જાનકીને કહ્યું.

બીજા દિવસે સવારે હોસ્પિટલની વિઝીટ પતાવીને કેતન અને જાનકી લગભગ સવા બાર વાગે પ્રતાપ અંકલના ઘરે પહોંચી ગયાં.

પ્રતાપ અંકલે ભાવિ જમાઈ જયદેવને પણ જમવાનું આમંત્રણ આપ્યું હતું. એટલે કેતન લોકો એમના ઘરે ગયા ત્યારે વેદિકા અને જયદેવ બંને હાજર હતાં.

" અમે તો તમારા લગ્નમાં આવી ન શક્યાં પરંતુ આજે તમને અભિનંદન આપીએ છીએ. લગ્ન સમારંભ અદભુત હતો એ સમાચાર પપ્પાએ અમને આપેલા કારણ કે મમ્મી પપ્પા મુંબઈ હાજરી આપવા આવેલા. " વેદિકાએ કેતન જાનકી નું સ્વાગત કરતાં કહ્યું.

આજે જાનકીએ સોનેરી ભરત ભરેલી બોટલ ગ્રીન કલરની ભારે સાડી પહેરી હતી.

" જી ખૂબ ખૂબ આભાર. " કેતન અને જાનકીએ સોફામાં બેસતાં કહ્યું.

" પપ્પાએ સમાચાર આપ્યા કે તમે લોકો દુબઈ પણ જઈ આવ્યા. કેવી રહી તમારી હનીમૂન ટ્રીપ ? " વેદિકા બોલી.

" દુબઈની અમારી યાત્રા ખૂબ જ સુખદ રહી. વી રિયલી એન્જોઇડ દુબઈ ! એક વાર તો જવા જેવું જ છે. તમારાં લગ્ન પછી તમે પણ દુબઇ જઈ આવજો." આ વખતે જાનકીએ જવાબ આપ્યો.

" તમે જયદેવ.... આયુર્વેદ હોસ્પિટલની જગ્યા ઉપર વચ્ચે વચ્ચે ચક્કર મારતા રહેજો જેથી તમારા પ્લાન પ્રમાણે ત્યાં બાંધકામ થાય છે કે નહીં એ ખબર પડે. " કેતન બોલ્યો.

" અઠવાડિયામાં એકવાર તો હું ચક્કર લગાવું જ છું. મારા અંદાજ પ્રમાણે ચાર પાંચ મહિનામાં તૈયાર થઈ જશે. " જયદેવ બોલ્યો.

" ચાલો સારું છે. હું પોતે આયુર્વેદમાં માનું છું. એલોપથી દવાઓ ભલે તત્કાલ પરિણામ આપતી હશે પરંતુ તેની સાઇડ ઇફેક્ટ બહુ જ હોય છે. એના પ્રમાણમાં આયુર્વેદ દવાઓ સલામત છે. હોસ્પિટલ ચાલુ થઈ જાય એટલે લોકોને એનો પણ નિઃશુલ્ક લાભ મળે. " કેતન બોલ્યો.

" કેતનભાઇ સાહેબ તમારી તો વાત જ અનોખી છે. તમારો પરિચય થવો એ પણ મારા માટે તો મારા સૌભાગ્યનો ઉદય છે. મારા માટે તમે ખૂબ જ લકી છો. મનપસંદ કામિની પણ મળી અને કંચનની પણ ચિંતા ના રહી !! " જયદેવ બોલ્યો અને બધાં હસી પડ્યાં.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)