Triveni - 14 books and stories free download online pdf in Gujarati

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૧૪

અમદાવાદ

લગ્ન-સંબંધના ફેરા ફરીને વૃંદા, નિશા અને કાજલ, ત્રણેવ અમદાવાદ સાસરે આવી ચૂકેલા. વૃંદા માટે વિકસીત અમદાવાદ તેના વિચારોને વિકસાવતી વાચા આપવાનું હતું. નિશાને અમદાવાદ ઉચ્ચ અભ્યાસ અને નોકરીવિષયક સફળતા આપવાનું હતું. કાજલ માટે તેની આવડતના ઉપયોગથી ધન ઉપાર્જનમાં અમદાવાદ મદદ કરવાનું હતું. આ આશાઓ એ જ ત્રણેવને અમદાવાદ તરફ આકર્ષિત કર્યાં હતા. પરંતુ ધારેલું હરેક સમયે થાય જ તેવું જરાક પણ હોતું નથી. ના તો યોજના કર્યા મુજબ થતું હોય છે. એવું માનવામાં આવે છે કે બધું સુયોજીત હોય છે. જે મહ્દઅંશે એક વિચારધારા છે, આત્મા, મનને સાંત્વના આપવા માટે, તેમજ હ્રદયના ધબકારાને નિયંત્રીત કરવા માટે. જે પ્રત્યેક મનુષ્ય કરે છે, અને ઘટનાઓના કાળક્રમ અનુસાર જાતને કેળવી લે છે. સમજી લે છે. સમતોલન જાળવી છે. આમ, જ આ ત્રણેવ માટે પણ નવું શહેર, નવું ઘર, નવા સંબંધો અને નવી જવાબદારીઓ પ્રતીક્ષા કરી રહેલા. ભણવા, શીખવા, ફરવા, અને મનગમતી પ્રવૃત્તિઓમાં કાર્યરત રહેનાર ત્રણેવ માટે પ્રાધાન્ય બદલાવા જઇ રહ્યું હતું. પોતાની ઓળખ સાથે હવે તેમના સાસરીની ઓળખ જોડાઇ ગઇ હતી. સમાજ તેઓને સાસરી પક્ષથી ઓળખવા લાગ્યો હતો. લેવામાં આવતા દરેક નિર્ણયોની અસર ઘર કરતાં પહેલાં સમાજનું પ્રતિનિધિત્વ કરનારા પર પહેલાં નજરે ચડતું. પ્રત્યેક પ્રકારના વ્યવહારમાં ધરમૂળથી ફેરફાર થવા જઇ રહ્યો હતો. જે બદલાવ કદાચ અનિચ્છનીય હતો. પરંતુ સ્વીકાર એ સ્ત્રીના સ્વભાવમાં વણાયેલ હોવાને કારણે આ ત્રણેવ માટે પણ નૈસર્ગિક હોય તે સ્વાભાવિક હતું, અને એટલે જ નવા જીવનના પ્રારંભ માટે ત્રણેવ તૈયાર હતી.

વૃંદાએ લગ્ન અર્થે એક વર્ષનો આરામ લીધો, તે સમય પૂર્ણ થયો અને તેણે બી.એડ.ના અભ્યાસક્રમ માટે નવરંગપુરા સ્થિત એ.જી.ટીચર્સ કોલેજમાં એડમિશન લીધું. એક વર્ષ બાદ અભ્યાસ ફરી શરૂ કરવો, તેના માટે અઘરૂ કાર્ય હતું. નિશાએ ઇ.સી.માં અનુસ્નાતકના અભ્યાસક્રમ અર્થે ચરોતર યુનિવર્સિટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ચાંગા ખાતે પ્રવેશ લીધો. કાજલે એમ.કોમ. પછી બ્યુટીપાર્લર, યોગા, ચિત્રકામ જેવા વિષયોમાં રસ હોવાને કારણે મણીનગર વિસ્તારમાં જે તે વિષયમાં જ ટૂંકા સમયગાળાના કોર્સમાં જોડાવવાનું નક્કી કર્યું. ફરી ત્રણેવ જણાંએ વિવિધ અભ્યાસક્રમની બસ પકડી, અને ગાડી હંકારાઇ. જોતજોતમાં ત્રણેવ માટે અભ્યાસક્રમનો સમયગાળો પૂર્ણ થવાને આરે આવ્યો. પૂર્ણ થયા બાદ શું? એ પણ એક મૂંઝવતો અને મોટો પ્રશ્ન હતો. કારણ કે આગળ અભ્યાસ કરવો, લગ્નજીવન જીવવું, સમાજને ખુશ રાખવો, બાળકોની જવાબાદારી ઉઠાવી લેવી, કે પછી વિષય અથવા આવડતને આનુષંગિક ક્ષેત્રમાં કંઇક ધમાકેદાર કરવું, એક પ્રશ્ન નહિ, પ્રશ્નોની હારમાળા હતી. તે હારમાળામાં બધાં જ મણકા વિવિધ આકારનાં હતા. એકના આકારને પ્રાધાન્ય આપો, તો બીજા આકારને સાચવવો અઘરો રહે. છતાં પણ દરેક મણકાને એક જ તાંતણાથી જોડીને રાખવાના હતા. સ્ત્રીઓ આ કામમાં માહેર હોય છે. જોડવું અને જોડાવવું, બન્ને કળા તેમના માટે સરળ અને સહજ છે.

અભ્યાસ પૂર્ણ થવાનો હતો. ત્રણેવ પોતપોતાની આવડતના આધારે વિવિધ પ્રતિયોગીતામાં ભાગ લેવાની હતી. વૃંદાએ જીલ્લા કક્ષાએ આયોજીત સ્પર્ધામાં એ.જી.ટીચર્સ તરફથી ભાગ લીધેલો. નિશાએ તેની કોલેજ દ્વારા આયોજીત આંતરકોલેજ હરીફાઇમાં ભાગ લીધો હતો. કાજલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આયોજીત પ્રતિયોગીતામાં ભાગ લીધો હતો. ત્રણેવની પ્રતિયોગીતા એકદિવસીય હતી. ત્રણેવ જાણતી હતી કે આ પછી સ્પર્ધાઓ તો થતી જ રહેવાની હતી, પરંતુ તેઓ વિવિધ પ્રકારની જવાબદારીઓમાંથી મુક્ત થઇને પહોંચી શકશે કે કેમ, તે નક્કી નહોતું. આથી જ જીવનની બહુમુલ્ય સ્પર્ધા હતી, તેવું માનીને ત્રણેવ જણાંએ સ્પર્ધામાં લોહી રેડી દીધું.

વૃંદા પ્રથમ ક્રમાંકે સ્પર્ધા જીતી. ફૂલોથી શણગારેલા મંચ પર પારિતોષિક મેળવતી વખતે તેને શાળા પ્રવેશનો પહેલો દિવસ યાદ આવ્યો. યાદ આવ્યો શિક્ષકનો પ્રશ્ન, ‘તને શું ગમે છે, બેટા?’, અને તેણે આપેલા જવાબ સાથે સાથે શિક્ષકે ઉચ્ચારેલા શબ્દો યાદ આવ્યા,‘મને પણ...’. વૃંદાની આંખો સામે બાલાસિનોર ખાતે સ્પર્ધા જીતી હતી, તે દિવસ પણ આવ્યો, અને યાદ આવ્યો સરયુને આપેલ જવાબ, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. આખરે વૃંદાએ અમદાવાદ જીલ્લા કક્ષાએ જીત મેળવી હતી. તે જાણતી નહોતિ કે આ પ્રવૃત્તિ જ ભવિષ્યમાં ફરી તેની સામે તક લઇને આવવાની હતી.

નિશાએ કોલેજની હરીફાઇમાં ભાગ લીધો હતો. આ વખતે પણ તે ચાર સભ્યોની ટુકડીમાંની એક હતી. પરંતુ ટુકડીનો મૂળ આધાર તો તે જ હતી. દિવસનો અંત આવ્યો, તેની ટુકડી વિજેતા બની. વિજેતા તરીકે મંચ પર પુરસ્કાર સ્વીકારતી વખતે નિશાને વિસાવદરની શાળા યાદ આવી. યાદ આવ્યો શિક્ષિકાનો સ્મિત કરતો ચહેરો, અને તેનો પ્રશ્ન, ‘સરસ... હવે મને એમ કહે કે તને શું ગમે?’, યાદ આવ્યો તેના માથા પર શિક્ષિકાનો હાથ અને બોલાયેલા શબ્દો, ‘મને પણ...’. તેની સામે રાજકોટ આત્મિય એન્જીયરીંગ કોલેજમાં વિજેતા બનેલી, અને તેની જાણ કિશોરને ટેલિફોનથી કરેલી, તે ક્ષણ યાદ આવી અને કિશોરને આપેલ જવાબ પણ, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. નિશાએ એન્જીયરીંગ સિવાયના વિષયમાં મેળવેલી આ સફળતા તેને ભવિષ્યમાં નામના અપાવવાની હતી.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાંકરીયા તળાવના કિનારા પર આયોજીત પ્રતિયોગીતામાં કાજલ એક પ્રતિયોગી હતી. દિવસના અંતે અમદાવાદના મેયરના હસ્તે પ્રથમ ક્રમાંકે વિજેતા તરીકેનું ઇનામ સ્વીકારતી વખતે કાજલને રાજકોટમાં રહેતી કાજલ યાદ આવી, તેની શાળા યાદ આવી. યાદ આવી શિક્ષિકા અને તેનો પ્રશ્ન, ‘તને શું ગમે?’, અને તેનો જવાબ સાંભળીને શિક્ષિકાના હાવભાવ પણ, ‘મને પણ’. તેની સામે જીલ્લા કક્ષાએ એકદિવસીય સ્પર્ધા જીતીને ઘરે પહોંચી હતી, તે ચિત્ર તરવર્યું, અને માતાને જણાવેલ જવાબ પણ કાનમાં ગુંજ્યો, ‘મારી મનગમતી પ્રવૃત્તિની’. કાજલે મેળવેલ વિજય ભવિષ્યમાં તેની ઓળખ બદલવાનો હતો. જેનાથી તે અજાણ હતી.

ઘણી વખત પહેલી વખત મળેલ મોટી સફળતા અંતિમ બની જતી હોય છે. આ ત્રણેવ સાથે પણ આવું જ થયું. વૃંદા ઘરના કામકાજ, અને લગ્ન જીવનમાં વ્યસ્ત થઇ ગઇ. નિશાએ પતિની નોકરીમાં થયેલ બદલીને પગલે મુંબઇ તરફ પ્રયાણ કર્યું. કાજલ બાળકને સંભાળવામાં અને સંબંધો સાચવવામાં પડી. ત્રણેવની આવડત ઘરમાં જ રહેલા વિવિધ વિસ્તારોમાં વહેંચાઇ ગઇ. ત્રણેવ વ્યાકુળ હતી. જીવનનો ચોક્કસ ઉદ્દેશ ન હોવાને કારણે વિખરાયેલ હતી. પ્રતીક્ષા હતી સમયની, એક તકની, ફરીથી સફળતા સાંપડવાની...ફરીથી ભૂલાઇ ગયેલા તેમના જ અવતારમાં અવતરવાની... બદલાવની... જાતને સિદ્ધ કરી એક ચિહ્ન જડવાની...

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏