Anokhi safar - 2 books and stories free download online pdf in Gujarati

અનોખી સફર - 2

કશીશે બહાર આવીને મને ટૅક્સી કરી આપી અને ટેકસી વાળાને આખો રૂટ પણ સમજાવી દીધો. હવે મારે તેની પાસેથી તેનો મોબાઈલ નંબર લેવો હતો
પણ માંગુ કઈ રીતે તે એક પ્રશ્ન હતો તેથી સૌપ્રથમ તેણે મને જે હેલ્પ કરી હતી તેને માટે મેં તેનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સાથે સાથે એમ પણ કહ્યું કે, " તમે મારી સાથે આ મુસાફરીમાં ન હોત તો મારી આ સફર આટલી સુંદર ન બની હોત..! ફરીથી તમારો ખૂબ ખૂબ આભાર અને જો તમને વાંધો ન હોય તો મને તમારો કોન્ટેક નંબર આપશો પ્લીઝ..?? "

તે એક સેકન્ડ માટે થોભી ગઈ અને પછી તરત જ તેણે મને તેનો સેલ ફોન નંબર લખાવ્યો મારે જે જગ્યા ઉપર જવાનું હતું ત્યાં હું હેમખેમ પહોંચી ગયો હતો. બીજે દિવસે મેં મારી ઓફિસમાં જોઇનિંગ પણ લઇ લીધું.

જગ્યા પણ નવી હતી અને ઓફિસ પણ નવી હતી એટલે બે દિવસ તો મારા ક્યાં પસાર થઈ ગયા તેની મને ખબર જ ના પડી ત્રીજે દિવસે હું ઓફિસથી મારા રૂમ પર પહોંચ્યો અને મેં મનોમન કશીશને યાદ કરી અને ટેલીપથી થઈ હોય તેમ મારા મોબાઈલમાં કશીશનો ફોન આવ્યો હું ખૂબજ ખુશ થઈ ગયો.

અમે બંને અડધો કલાક સુધી ફોનમાં વાત કરી મને કશીશ સાથે વાત કરવાની ખૂબ જ મજા આવી કદાચ, તેને પણ મારી સાથે વાત કરવાની ખૂબજ મજા આવી હશે. મેં તેને મને બોમ્બે ફેરવવા માટે કહ્યું તેણે તરત જ "હા" પાડી રવિવારે મારે રજા હતી કશીશે મને બોમ્બેમાં સિદ્ધિવિનાયક, હાજીઅલીની દરગાહ, મહાલક્ષ્મી ટેમ્પલ અને જુહુ ચોપાટી આ બધી જગ્યાએ ખૂબ જ પ્રેમથી ફેરવ્યો. પછી અમે બંને જુહુ ચોપાટી દરિયાની સામે ઘણીવાર સુધી બેસી રહ્યા અને એકબીજાની સાથે ખૂબ વાતો કરી અને પછી ત્યાં જ અમે બંને સાથે જ જમ્યા.

મારી સાથે કશીશ પણ ખૂબજ ખુશ હોય તેઓ મને અહેસાસ થયો. અમારો બન્નેનો દિવસ ખૂબજ સરસ રીતે પસાર થયો. આજે મેં તેને મારા ફેમિલી બેકગ્રાઉન્ડ વિશે બધી જ વાત કરી અને તેના ફેમિલી વિશે પણ મેં તેને બધી પૂછપરછ કરી. અમારી બંનેની જ્ઞાતિ અલગ અલગ હતી પણ વિચારો ખૂબ મળતાં આવતાં હતાં.

પછી મેં તેને તેના બિલ્ડીંગ નીચે ઉતારી અને હું મારા રૂમ પર આવી ગયો તે દિવસે આખી રાત હું ઊંઘી શક્યો નહીં મને કશીશના જ વિચારો આવતા રહ્યા રાત્રે મેં નક્કી કર્યું કે સવારે ઉઠીને હું કશીશને ફોન કરીશ અને તેને" આઇ લવ યુ " કહીશ. પણ "આપણું ધાર્યું ક્યાં કંઈ થાય જ છે..?" સવારમાં જ મારા પપ્પાનો ફોન આવ્યો અને મને જણાવ્યું કે તને વોટ્સએપ માં ફોટા મોકલ્યા છે એ છોકરી પણ આઈ.ટી. એન્જિનિયર થયેલી છે અને આપણી કાસ્ટની છે ખૂબજ સુંદર દેખાય છે મને અને તારી મમ્મીને ગમી છે તું જોઈ લેજે પછી આપણે જવાબ આપીશું અને મારો મૂડ બિલકુલ ઑફ થઈ ગયો.

કશીશને ભૂલી જવાનું અને આ નવી છોકરી મારા જીવનમાં આવી છે તેને એક્સેપ્ટ કરવાનો મેં મનોમન ખૂબજ પ્રયત્ન કર્યો પણ હું મારા મનને મનાવી ન શક્યો... મને મારી નજર સમક્ષ હસતી-ખેલતી, મારી સાથે વાતો કરતી કશીશ જ દેખાતી હતી અને મેં નક્કી કર્યું કે મમ્મી-પપ્પાને કશીશ માટે હું મનાવી લઈશ. અને લગ્ન તો કશીશ સાથે જ કરીશ.

શું વિવેકના કશીશ સાથે લગ્ન થશે ?
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/8/2021