Prayshchit - 74 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 74

પ્રાયશ્ચિત પ્રકરણ 74

આજે પૂર્ણિમા હતી. કેતન વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠી ગયો. આજે નવા ઘરમાં પ્રસ્થાન હતું. ધ્યાનમાં બેસીને કેતને સ્વામીજીને દિલથી પ્રાર્થના કરી કે નવા ઘરમાં એનું સાચું પ્રાયશ્ચિત પૂરું થાય. નવી દિશા મળે. સેવાની પ્રેરણા મળે.

નાહી ધોઈને ફ્રેશ થઈને એણે મમ્મી પપ્પાને પણ ફોન કર્યો અને એમના પણ આશીર્વાદ લીધા.

સવારે સાડા સાત વાગ્યે દક્ષામાસી પણ આવી ગયાં. એમણે ચા બનાવી દીધી. આજે રસોઈ નવા ઘરમાં બનાવવાની હતી અને રસોઈનો તમામ સામાન અને વાસણો પણ ગઈકાલે સાંજે નવા બંગલામાં શિફ્ટ કર્યાં હતાં.

૮ વાગે મનસુખ માલવિયા પણ આવી ગયો. ત્રણ બેગ પેક કરી દીધી હતી. બીજો કોઈ સામાન હતો નહીં. ચા ખાંડ ના ડબા અને કપ રકાબી વગેરે એક થેલીમાં મૂકી દીધાં.

બેગો લઈને મનસુખે ગાડીની ડીકીમાં મૂકી. ઘરને બરાબર ચેક કર્યું અને પછી લોક કર્યું.

જાનકી અને દક્ષામાસી પાછળ બેઠાં. કેતન બે મિનિટ મકાનના ગેટ આગળ ઊભો રહ્યો. નીચા નમીને બંગલાની ધૂળ એણે માથે ચડાવી. મનોમન એણે મકાનને પ્રણામ પણ કર્યા.

દરેક ઘરનો વ્યક્તિ સાથે ચોક્કસ સમયનો એક ઋણાનુબંધ હોય છે. જડ અને ચેતનમાં પણ ઈશ્વર રહેલો જ છે. આ ઘરમાં પ્રવેશ કરીને એ ખૂબ સુખી થયો હતો એટલે એ ભૂમિનો આભાર પણ માન્યો. કેતન ઘર છોડતી વખતે થોડો લાગણીશીલ પણ બની ગયો.

એ પછી ધીમે રહીને એણે ગાડીનો દરવાજો ખોલ્યો અને બેસી ગયો. જાનકીનું ધ્યાન આ બધી બાબતો તરફ ન હતું. એ તો દક્ષામાસી સાથે વાતો કરી રહી હતી. પરંતુ ત્રીજા ઘરનાં વરંડામાં ઊભેલી નીતા કેતનને સતત જોઈ રહી હતી !! સપનાનો રાજકુમાર હવે આંખોથી ઓઝલ થઇ ગયો.

ગાડી આગળ વધી ગઈ અને પટેલ કોલોની હંમેશ માટે છૂટી ગઈ ! સુરત છૂટી ગયું એમ આ એરિયા પણ છૂટી ગયો. જગતમાં કંઈ પણ શાશ્વત નથી. પરિવર્તન પ્રકૃતિનો નિયમ છે. પણ આ બધી સંવેદનાઓ સંવેદનશીલ માણસ જ સમજી શકે છે.

થોડીવારમાં જમનાદાસ બંગ્લોઝ આવી ગયા. એકદમ રોડ ઉપર કોર્નરનું જ મકાન હતું અને પાર્કિંગની પણ જગ્યા હતી એટલે મનસુખે ગાડી ત્યાં જ પાર્ક કરી. આજે રવિવાર હતો એટલે રસ્તામાં પણ કોઈ ખાસ ટ્રાફિક ન હતો.

મનસુખે બધી બેગો બંગલામાં લઈ લીધી. મકાન ગઈકાલે સાંજે જ જયેશે એક મજુર પાસે સાફ કરાવી દીધું હતું એટલે એકદમ સ્વચ્છ હતું.

જાનકી અને દક્ષાબેન સીધાં રસોડામાં જ ગયાં. જાનકીએ પાણીની માટલી ધોઈને તાજુ પાણી ભરી દીધું. એ પછી ઈશાન ખૂણામાં બનાવેલા નાનકડા પૂજાખંડમાં જઈ ભગવાન આગળ એણે દીવો પ્રગટાવ્યો. અગરબત્તી કરી. કેતન પણ ત્યાં આવીને દર્શન કરી ગયો.

" શેઠ મકાન તમને બહુ જ સારું મળી ગયું. ફર્નિચર પણ બહુ જ સરસ બનાવ્યું છે." મનસુખ બોલ્યો.

" હા તમારા જયેશભાઈએ શોધી કાઢ્યું છે. મને પણ પહેલી જ નજરે આ સોસાયટી ગમી ગઈ હતી. ફર્નિચરની બધી ડિઝાઇન દોશી સાહેબની છે. " કેતન બોલ્યો.

" તમે જૂના ઘરે બાઇક લઇને આવ્યા હતા ? " કેતને પૂછ્યું.

" ના શેઠ હું ચાલતો જ આવેલો. મારુ ઘર ત્યાંથી બહુ દૂર નથી. બાઈક લઈને આવું તો મારે પાછું લેવા જવું પડે. " મનસુખે કહ્યું.

એ લોકો વાતો કરતા હતા ત્યાં જ નવી કામવાળી જશી આવી.

" કેતન સાહેબ આ બંગલામાં રહે છે? "
દરવાજામાં ઊભા રહીને જશી બોલી.

" હા. ચંપાબેને મોકલી ને ? " કેતને જવાબ આપ્યો.

" હા સાહેબ " કહીને જશી ઘરમાં અંદર આવી.

" જો તારે આખો દિવસ અહીંયા જ રોકાવાનું. મારે ચંપાબેન સાથે વાત થઈ ગઈ છે. બે ટાઈમ કચરા-પોતાં વાસણ તારે કરવાનાં અને બાકીના સમયમાં કંઈ કામકાજ હોય તો જોવાનું. પગારની તું ચિંતા ના કરીશ. તું કહીશ એનાથી પણ વધારે આપીશ. " કેતન બોલ્યો.

બંનેની વાત સાંભળી જાનકી પણ રસોડામાંથી બહાર આવી. એને ખ્યાલ આવી ગયો. એ એને રસોડામાં લઈ ગઈ.

દક્ષાબેનને એ ઓળખતી હતી. એમને જોઇને એ ખુશ થઈ ગઈ.

" અરે માસી તમે પણ અહીંયા જ છો ?" જશી બોલી.

" હા... સાહેબના જૂના બંગલે હું જ રસોઈ કરતી હતી. સાહેબ આજે જ અહીંયા રહેવા આવ્યા છે." દક્ષામાસી બોલ્યાં.

" દિલ દઈને ચંપાબેનની જેમ કામ કરજે. સાહેબનો અને બહેનનો સ્વભાવ બહુ જ સારો છે." દક્ષાબેને શિખામણ આપી. એ પછી જશીએ ઘરમાં કચરો વાળવાનું ચાલુ કર્યું.

" મનસુખભાઈ તમારે હવે જવું હોય તો જઈ શકો છો. મારી ગાડી લઇ જાવ. મારે ક્યાંય જવાની ઈચ્છા હશે તો તમને ફોન કરી દઈશ " કેતને કહ્યું.

" મારે ગાડીની કોઈ જરૂર નથી સાહેબ. હું તો રિક્ષામાં હાલ્યો જઈશ. " મનસુખ બોલ્યો.

" ઠીક છે તો પછી. તમે જયેશભાઇ ને કહી દેજો કે બરાબર ચાર વાગે મને મળવા આવે. શાહ સાહેબને હું સાડા ચાર વાગે બોલાવી લઉં છું. બંનેની સાથે મારે એક મિટિંગ કરવી છે. " કેતન બોલ્યો.

" જી..શેઠ." કહીને મનસુખ માલવિયા ઘરે જવા નીકળી ગયો. રોડ ઉપરથી એને તરત રીક્ષા મળી ગઈ.

" પટેલ કોલોની તરફ લઈ લે. " મનસુખે રીક્ષાવાળાને કહ્યું અને એણે જયેશ શેઠને ફોન જોડ્યો.

" શેઠ કેતન શેઠના નવા બંગલે ચાર વાગ્યે તમારી મીટીંગ છે. શાહ સાહેબને પણ બોલાવ્યા છે. તમે સમયસર પહોંચી જજો. કેતન શેઠ સમયના બહુ પાક્કા છે" મનસુખ બોલ્યો.

" ભલે. એક કામ કર. તું મને આઈસ્ક્રીમ નાં બે ફેમિલી પેકેટ આપી જજે. શેઠને આમ પણ આઈસક્રીમ બહુ પ્રિય છે અને મિટિંગ દરમ્યાન આઈસક્રીમ સારો રહેશે." જયેશ બોલ્યો.

આ બાજુ કેતને શાહ સાહેબને ફોન કર્યો અને સાંજે ૪:૩૦ વાગે પોતાના નવા બંગલે આવી જવાનું કહ્યું.

કેતન અને જાનકી બાર વાગે જમવા બેસી ગયાં. નવા મકાનમાં આજે પહેલો દિવસ હતો એટલે દક્ષાબેને કંસાર બનાવ્યો હતો. જાનકીને પણ જોડે ઉભી રાખીને શીખવાડ્યો હતો. સાથે દાળ ભાત ફુલકા રોટલી અને કોબી-બટેટા નું શાક હતું. જશીને પણ જમાડી દીધી.

જાનકીએ દક્ષાબેનને રીક્ષાભાડા પેટે ૫૦૦ રૂપિયા એડવાન્સ આપ્યા. જો કે દીક્ષાબેને પૈસા લેવાની ના પાડી પરંતુ જાનકીએ આગ્રહ કરીને આપી દીધા.

" બેન મારુ અત્યારે કંઇ કામ ન હોય તો હું ઘરે જઈ આવું ? મારુ ઘર અહીં ચાલતા જવાય એટલું નજીક જ છે. ચાર વાગે ચા મૂકવા માટે આવી જઈશ. કાલથી પછી આખો દિવસ હું અહીં જ રહીશ. " જશી બોલી.

" હા હા જઈ આવ ! અને રસ્તામાં જો નજરે પડે તો ચા માટે આદુ ફુદીનો પણ લેતી આવજે ને ? " કહીને જાનકીએ જશીને ૧૦૦ રૂપિયા આપ્યા.

નવા બેડરૂમમાં એસી ચાલુ કરીને કેતન અને જાનકી સૂઈ ગયાં. સ્પ્રિંગવેલ ના નવા ગાદલા ઉપર સૂવાનો આનંદ જ કંઇક અલગ હતો !

પોણા ચાર વાગે કેતન ઉભો થઇ ગયો. ચાર વાગે મિટિંગ હતી એટલે હાથ-મોં ધોઇને ફ્રેશ થઈ ગયો. જાનકી ની આંખ મળી ગઈ હતી. કેતને એને ડિસ્ટર્બ ના કરી.

ચાર માં પાંચ મિનિટ વાર હતી અને જયેશ આવી ગયો. સાથે આઈસ્ક્રીમનાં બે પેકેટ હતાં એ એણે રસોડામાં જઈને ફ્રીજમાં મૂકી દીધાં.

" મીટીંગ હતી એટલે આઈસ્ક્રીમ પણ લેતો આવ્યો. " જયેશ બોલ્યો.

" તમારું કામ બહુ જ ચોક્કસ હોય છે જયેશભાઈ. " કેતને હસીને કહ્યું.

એટલામાં જશી પણ આવી ગઈ અને સીધી રસોડામાં ગઈ .

" જશી... જાનકીને ઉઠાડી દે. અને અમારા ત્રણ જણની ચા બનાવી દે. તારે પણ પીવાની હોય તો તારી પણ મૂકી દેજે. " કેતન બોલ્યો.

જશી ચા બનાવતાં પહેલાં જાનકીને ઉઠાડવા માટે ગઈ.

" બેન ચા માં ખાંડ કેટલી નાખું ? બધા ગળી જ પીએ છે ને ? " જશીએ સૂતેલી જાનકીને જગાડીને પૂછ્યું.

" અરે ચાર વાગી ગયા !! ઉભી રે... હું આવું છું. એક વાર તને બતાવી દઉં. " કહીને જાનકી એકદમ બેઠી થઈ ગઈ.

બહાર આવીને જોયું તો ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર કેતન અને જયેશભાઈ પણ બેઠા હતા.

" સાહેબ તમે મને ઉઠાડી પણ નહીં ?" જાનકી બોલી.

" તમારે મેડમ આરામ જ કરવાનો. આજે રવિવાર છે એટલે બીજું કંઈ કામ પર નથી. " જયેશ હસીને બોલ્યો.

જાનકીએ રસોડામાં જઈને જશીને પોતાના ટેસ્ટ મુજબ ચા ખાંડ અને મસાલાનું પ્રમાણ બતાવી દીધું. જશી આદુ અને ફુદીનો પણ લઈ આવી હતી એટલે એ પણ ચામાં નાખ્યો.

" જયેશભાઈ આપણે કેટલાક ફેરફારો હવે કરી રહ્યા છીએ. મારી વાતને તમે ધ્યાનથી સાંભળી લો. " કેતને વાતની શરૂઆત કરી.

" હોસ્પિટલની સંપૂર્ણ જવાબદારી હવે હું સુપ્રિન્ટેન્ડેન્ટ શાહ સાહેબને આપી દઉં છું. મારી હાજરીની ત્યાં કોઈ જરૂર નથી. વચ્ચે વચ્ચે અઠવાડિયામાં એકાદ દિવસ હું ચક્કર મારતો રહીશ. હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન હવે શાહ સાહેબ સ્વતંત્રપણે કરશે. મેં શાહ સાહેબને પણ બોલાવ્યા છે" કેતન બોલ્યો.

" આપણે એક કન્યા છાત્રાલય અને એક વૃદ્ધાશ્રમ બનાવી રહ્યા છીએ. તમે ૧૦૦૦૦ વાર ના બે પ્લોટ શોધી કાઢો. શહેરથી બહાર હોય એવી જગ્યા શોધજો. આશ્રમની જગ્યા થોડી નાની હશે તો ચાલશે પણ કન્યા છાત્રાલય માટે તો ૧૦૦૦૦ વાળી જગ્યા જોઈશે જ "

" જી.. શેઠ. કાલથી જ કામ ચાલુ કરી દઉં છું. " જયેશ બોલ્યો.

" તમારા જાણીતા સારા બિલ્ડરનો તમે સંપર્ક કરજો. બે માળનું બિલ્ડિંગ બનશે. ૨૫ રૂમ ઉપરના ભાગમાં અને ૨૫ રૂમ નીચેના ભાગમાં બનશે. દરેક રૂમમાં બે છાત્રાઓ રહેશે. નીચેના ભાગમાં એક ઓફિસ બનશે અને બે ટાઈમ જમવા માટે એક રસોડું પણ બનશે."

" આ પણ એક વિદ્યાદાન જ છે. બહારગામથી જામનગરમાં ભણવા માટે આવતી તમામ કન્યાઓને આ છાત્રાલય સમર્પિત રહેશે. પછી તે સ્કૂલમાં ભણતી હોય કે કોલેજમાં. " કેતન બોલ્યો.

" જી શેઠ. ખૂબ જ ઉત્તમ વિચાર છે આપનો. મને આનંદ છે કે આ બધાં કાર્યોમાં હું સહભાગી છું" જયેશ બોલ્યો.

તે દરમિયાન બે કપ ચા લઈને જશી આવી અને સામે ટીપોઇ ઉપર મૂક્યા. બંનેએ કપ હાથમાં લીધા અને ચા પીતાં પીતાં વાતચીત ચાલુ રાખી.

" આશ્રમમાં બે ટાઈમ જમવા માટે એક ભોજનશાળા, સિનિયર સિટીઝન માટે એક ગાર્ડન, એક ઓફિસ કાર્યાલય, એક લાયબ્રેરી, એક હેલ્થ ચેક અપ રૂમ અને રહેવા માટે દસ પંદર ઓરડા બનાવવાના રહેશે. એક ઓરડામાં ૨ પલંગ રહેશે. એ ઉપરાંત પુરુષો અને સ્ત્રીઓ બંને માટે અલગ અલગ બાથરૂમ અને શૌચાલયો રહેશે. " કેતન બોલતો હતો.

" યોગા અને મેડીટેશન માટે એક અલગ હોલ પણ બનશે. જેમાં સાંજના ભાગે સત્સંગનું પણ આયોજન આપણે કરીશું. આશ્રમ બની જાય પછી ત્યાં રસોઈયાની અને વૃદ્ધોની કાળજી લેવા સ્વયંસેવકોની વ્યવસ્થા કરીશું. એક કાયમી નર્સ પણ ત્યાં રહેશે. "

" જમીન લેવાઈ જાય પછી આર્કિટેક્ટ દોશી સાહેબનો સંપર્ક કરજો એટલે એ સરસ ડિઝાઇન બનાવી આપશે. " કેતન બોલ્યો.

" સીનીયર સીટીઝન પાર્ક, લાયબ્રેરી અને સત્સંગ હોલ શહેરના તમામ સિનિયર સિટીઝન માટે ઓપન રહેશે. રોજ સવારે ત્યાં મેડિટેશન અને યોગા ટીચર દ્વારા યોગા પણ શીખવાડવામાં આવશે. જે તમામ સ્ત્રી-પુરુષો માટે ખુલ્લો રહેશે. "

" વાહ શેઠ વાહ !! અદભુત આયોજન તમે વિચારી રહ્યા છો. !! " જયેશથી બોલાઈ ગયું.

" દ્વારકામાં આપણે એક સદાવ્રત ચાલુ કરી રહ્યા છીએ. કોઈ તૈયાર મોટો હોલ મળી શકતો હોય તો ઠીક છે નહી તો ૨૦૦૦ વાર જેટલી કોઈ જગ્યા શોધી કાઢો. દ્વારકામાં ભગવાનનાં દર્શને આવતા તમામ સાધુ સંતો અને ગરીબોને ખીચડી શાક અને છાશ નો બેઉ ટાઈમ પ્રસાદ આપણે આપીશું. "

" દ્વારકામાં સિધ્ધનાથ મહાદેવ રોડ ઉપર એક જગ્યા મારા ધ્યાનમાં છે. એ જગ્યા વેચવાની છે. એ પણ ૧૮૦૦ ૨૦૦૦ વાર આસપાસ જ છે. મારી પાસે છ મહિના પહેલાં આ વાત આવેલી. હું તપાસ કરી લઈશ શેઠ. " જયેશ બોલ્યો.

આ લોકોની વાતો ચાલતી હતી ત્યાં શાહ સાહેબ પણ આવી ગયા.

" પધારો સાહેબ. તમારી જ રાહ જોવાતી હતી. " જયેશે સ્વાગત કર્યું.

" હા કેતન સાહેબનો ફોન આવ્યો એટલે મારે આવવું જ પડે. " શાહ સાહેબે સોફા ઉપર બેઠક લેતાં કહ્યું.

" સાહેબ તમારો વધારે સમય નહીં બગાડું. મૂળ વાત ઉપર જ આવું છું. આમ તો આ વાત હું તમને ફોન ઉપર પણ કહી શકતો હતો અને કાલે પણ કહી શકતો હતો પરંતુ શાંતિથી ઘરે બેસીને વાત કરવાનો આનંદ આખો અલગ છે. ચાલુ હોસ્પિટલે મજા ના આવે. " કેતન બોલ્યો.

" જી હુકમ કરો સાહેબ." ડૉ. મહેન્દ્ર શાહ બોલ્યા.

" આવતીકાલથી આપણી હોસ્પિટલનું સંપૂર્ણ સંચાલન કાયમ માટે હું તમને સોંપી રહ્યો છું. તમે સુપ્રિન્ટેન્ડેન્ટ તો છો જ. પરંતુ હવેથી તમે જ એના માલિક હો એ રીતે હોસ્પિટલ તમે ચલાવજો. તમામ નિર્ણયો તમારા જ હશે. મારી ગરીબ દર્દીઓની સેવાની ભાવના તમે જીવંત રાખજો એટલી મારી તમને વિનંતી છે. આ ઈશ્વરનું કાર્ય છે અને તમે એના રખેવાળ છો એવું વિચારીને ચાલજો."

" સત્તાનું જરા પણ અભિમાન ન આવે એ માટે સતર્ક રહીને નમ્રતાથી હોસ્પિટલનું સંચાલન કરજો. હું મહિનામાં બે ત્રણ વાર ચક્કર મારી જઈશ પરંતુ એક મુલાકાતીની જેમ, માલિક તરીકે નહીં. તમને તમારી સેલેરી પણ ૫૦ ટકા કાલથી વધારી આપું છું. " કેતન બોલ્યો.

" અસલમ શેખ મારો અંગત મિત્ર છે. મૈત્રી ટ્રેડર્સ ની એની એજન્સી મેં જ એને ખોલી આપી છે. કાયમ માટે હોસ્પિટલ અને મેડિકલ સ્ટોરની તમામ જરૂરિયાતનો ઓર્ડર મૈત્રી ટ્રેડર્સને જ આપજો. કારણ કે હોલસેલ દવાઓના ઘણા એજન્ટો તમારો સંપર્ક કરશે પરંતુ મારી વાત ભુલાય નહીં." કેતન થોડોક ભાવુક થઈને બોલ્યો.

" સાહેબ તમે કહ્યું એ અમારા માટે ઈશ્વરની આજ્ઞા જેવું છે. તમારી તમામ વાતો માથે ચડાવું છું. તમને ક્યારેય પણ મારી બાબતમાં ફરિયાદનો મોકો નહીં મળે. " શાહ સાહેબ પણ થોડા ગળગળા થઈ ગયા.

" મારી લાઇફમાં મેં ઘણા લોકોને જોયા છે પણ તમે કોઈ બીજી જ દુનિયામાં થી આવ્યા હો એવું મને લાગે છે. આવું વ્યક્તિત્વ મેં કોઈનું પણ જોયું નથી. હું પ્રશંસા નથી કરતો પણ સાચા હૃદયથી હું આ કહી રહ્યો છું. " શાહ સાહેબ બોલ્યા.

" તમારી વાત સાથે હું સંપૂર્ણ સંમત છું ડોક્ટર સાહેબ !! મેં પણ મારી આખી જિંદગીમાં શેઠ જેવો દિલાવર માણસ એક પણ જોયો નથી. " જયેશ ઝવેરી બોલ્યો.

" અરે જાનકી.. અમારી વાતો પૂરી થઈ છે. હવે ફ્રીઝ માંથી આઇસ્ક્રીમ બહાર કાઢ. " કેતને કહ્યું.

" આઇસ્ક્રીમ !! " જાનકીએ આશ્ચર્યથી પૂછ્યું.

" હા આઈસક્રીમ !! હું હવે સંકલ્પ માત્રથી આઈસક્રીમ ઘરે બનાવી શકું છું. ફ્રીઝ ખોલ અને મારો ચમત્કાર જોઈ લે." કેતન બોલ્યો.

શાહ સાહેબ અને જયેશભાઈ બંને ખડખડાટ હસી પડ્યા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)