Prayshchit - 80 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 80

પ્રાયશ્ચિત પ્રકરણ 80

જામનગરમાં રાજુ માણેકનું નામ બહુ મોટું હતું. એ ગુંડો કે બદમાશ ન હતો. એ એક ભારાડી માણસ હતો. આમ તો એ ઇંગલિશ દારૂના ધંધામાં જ હતો અને જામનગર શહેરને બાદ કરતાં આખા ઓખામંડળમાં એ સપ્લાય સંભાળતો. પરંતુ બેન દીકરીઓની રક્ષા માટે હંમેશા એ તત્પર રહેતો. એની એક જબરદસ્ત ધાક હતી.

દર્શનાની ઘટના પછી આખીય કોલેજમાં સોપો પડી ગયો. આજુબાજુ ફરકતા તમામ ટપોરી અને રોમિયો કાયમ માટે બંધ થઈ ગયા. જીપમાં ઉઠાવીને લઈ ગયા પછી રાજુને કંઈ કરવાની જરૂર જ નહોતી પડી.

દર્શનાની પાછળ પડનારો એ રોમિયો રાજુનો એક જ તમાચો ખાઈને થથરી ગયો હતો. બે હાથ જોડીને એ રાજુને પગે લાગ્યો હતો અને જિંદગીમાં ક્યારેય કોઈ છોકરીની છેડતી નહીં કરવાની એણે કસમ ખાઈ હતી.

સાંજ સુધીમાં કેતનને પણ ખબર પડી ગઈ હતી કે રાજુ એ જરૂરી એક્શન લઈ લીધી હતી. આશિષ અંકલની ટ્રાન્સફર થઇ ગઇ હતી પરંતુ અસલમ શેખ કેતન માટે એક મોટું આશ્વાસન હતું.

ફેબ્રુઆરી મહિનો પણ પૂરો થવા આવ્યો હતો. ત્રણ દિવસ પછી કેતનનો જન્મ દિવસ આવતો હતો.

" કેતન તમારા જન્મદિવસે તમારે કંઈક વિશેષ કરવું જોઈએ. ભૂખ્યા લોકોને જમાડવા જોઈએ. ગાયો માટે પણ ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. " જાનકી સવારે ૭ વાગે ચા પીતાં પીતાં કેતન સાથે વાત કરી રહી હતી.

" તારા વગર કહ્યે મેં ઘણું બધું વિચારી લીધું છે. બાલા હનુમાનમાં વર્ષોથી અખંડ રામધૂન ચાલે છે એટલે સવારે ત્યાં દર્શન કરીને ત્યાંની દિવ્ય ચેતનાના આશીર્વાદ લઈશ. અખંડ રામધૂનના ધ્વનિ તરંગોની આપણા સૂક્ષ્મ શરીર ઉપર એક આગવી અસર થતી હોય છે." કેતન બોલ્યો.

" એ પછી અહીંની તમામ ગૌશાળામાં ઘાસચારા માટે દાન આપીશ. દ્વારકાના આપણા સદાવ્રતમાં એ દિવસે મિષ્ટાન્ન ભોજન થશે અને ત્યાં એની જાહેરાત પણ થશે. એ દિવસે દ્વારકાધીશને આપણા તરફથી રાજભોગનો થાળ પણ ધરાવવાનું મેં ધનેશભાઈ ને કહેવડાવી દીધું છે અને પૈસા ટ્રાન્સફર કરી દીધા છે."

" અહીંના આશ્રમમાં પણ એ દિવસે મિષ્ટાન્ન ભોજન થશે. તે જ પ્રમાણે આપણા કન્યા છાત્રાલયમાં પણ તમામ કન્યાઓ માટે સુંદર ભોજનની વ્યવસ્થા મેં કરી દીધી છે. છાત્રાલયમાં અત્યારે ટોટલ ૯૨ કન્યાઓ છે. તમામ કન્યાઓને
૫૦૦૦ રૂપિયા એ દિવસે ગિફ્ટ અપાશે. એને દાન ગણો કે પછી એમની ટ્યુશન ફી. બોલો હવે કંઈ કહેવું છે ? " કેતન બોલ્યો.

" વાહ સાહેબ.... તમે તો મારાથી બે ડગલાં આગળ જ ચાલો છો. " જાનકી હસીને બોલી.

એ પછી જાનકી પોતાની ગાડીમાં શિવાનીને કોલેજ મૂકવા નીકળી ગઈ .
આ એમનો રોજનો ક્રમ હતો. ક્યારેક કેતન મૂકી આવતો તો ક્યારેક જાનકી મૂકી આવતી.

સવારે ૧૦ વાગ્યે કેતન પણ હોસ્પિટલ જવા માટે નીકળી ગયો . પહોંચીને એ સીધો પોતાની ચેમ્બરમાં જઈને બેસી ગયો. રૂટીન મુજબ કેટલીક ફાઈલો એણે જોઈ લીધી અને સાઈન પણ કરી દીધી.

થોડીવાર પછી શાહ સાહેબ એની ચેમ્બરમાં આવ્યા. " આવું સાહેબ ? "

" વડીલ... તમારે મારી રજા માગવાની ના હોય ! આ તમારી જ હોસ્પિટલ છે. તમે ગમે ત્યારે મને મળી શકો છો. " કેતને વિવેકથી કહ્યું.

" જી આભાર. ઘણા સમયથી એક વાત મને પૂછવાનું મન થાય છે કેતનભાઇ. ખોટું ના લગાડશો. " શાહ સાહેબ ધીરેથી બોલ્યા.

" અરે સાહેબ... બિન્દાસ તમે કહી શકો છો. મને કોઈ વાતનું ખોટું લાગતું જ નથી. તમે તો મારા સ્વભાવને જાણો જ છો. " કેતને હસીને કહ્યું.

" મને આમ અચાનક મારી ફરજમાંથી છૂટો કરી દેવાનું કારણ મને જણાવી શકો ? શું મારાથી કોઈ ભૂલ થઈ ગઈ ?" શાહ સાહેબ બોલ્યા.

" સાહેબ એના માટે બે કારણો છે. એક તો કેટલાક સમયથી હું પોતે જ આ હોસ્પિટલ સંભાળવાનું વિચારતો જ હતો. પરંતુ અચાનક હોસ્પિટલના સ્ટાફે મને જે રજૂઆત કરી એ સાંભળ્યા પછી મેં નિર્ણય તાત્કાલિક લીધો. " કેતને કહ્યું.

" શાહ સાહેબ હોસ્પિટલ મેં દિલથી બનાવી છે. એમાં કરોડો રૂપિયા ખર્ચ્યા છે. આ હોસ્પિટલ એ મારી પોતાની પ્રતિષ્ઠા છે. એ જો કાલ ઊઠીને છાપે ચડે તો મારી બહુ મોટી બદનામી થાય. જેમના ધંધા ઉપર અસર પડી છે એવા કેટલાક હિતશત્રુઓ મારી પાછળ પડી જાય. આપણી ફ્રી સારવાર ઘણા લોકો માટે ઇર્ષાનું કારણ બની છે. " કેતને સમજાવ્યું.

" એ તો હું સમજી શકું છું સાહેબ. આ હોસ્પિટલ સાથે તમારી પ્રતિષ્ઠા જોડાયેલી છે. " શાહ સાહેબે કબૂલ કર્યું.

" બસ આ એક જ કારણથી મારે ચાર્જ સંભાળી લેવો પડ્યો. તમે સરસ રીતે હોસ્પિટલ ચલાવી એમાં જરા પણ શંકા નથી. અને તમારી ઉપર મારી પસંદગી પણ ખોટી નહોતી. પરંતુ તમે મારા સ્વભાવથી, મારી પ્રકૃતિથી અને મારી ભાવનાથી જુદા ચાલ્યા. શિસ્તપાલન જરૂરી છે. પરંતુ જેમ ચાલતા બળદને ચાબુક ના મરાય એમ જ્યાં સ્વયંભૂ શિસ્ત પળાતી હોય અને લોકો દિલ દઈને કામ કરતા હોય ત્યાં આપણે વારંવાર ખોટો ગુસ્સો ના કરી શકીએ. "

" પાંચ મિનિટનો કદાચ કોઈને વિલંબ થાય તો એના કારણે આખા સ્ટાફની વચ્ચે કોઈનું ઇન્સલ્ટ ન કરાય. જે સ્વિપરો બિચારા દિવસમાં ત્રણ થી ચાર વખત કચરા-પોતાં કરતા હોય, વોર્ડમાં પેશન્ટો માટે દોડાદોડી કરતાં હોય અને પગ વાળીને બેસતાં પણ ના હોય એમને પણ તમે નોકરીમાંથી છૂટા કરવાની ધમકીઓ આપો એ કેટલું યોગ્ય છે સાહેબ ? તમે જ જણાવો." કેતન બોલતો જતો હતો.

" હોસ્પિટલનો આપણે જ પસંદ કરેલો સ્ટાફ જ્યારે યુનિયનમાં જોડાવાનું વિચારે અને હોસ્પિટલના મેનેજમેન્ટની સામે હડતાલ પાડવાનો નિર્ણય લે એ કેટલી કરુણતા ? અને આવું જો થાય તો મારી હાલત શું થાય ? બસ.. ધેટ વોઝ ધી ઓનલી રીઝન. " કેતન વ્યથિત હૃદયે બોલ્યો.

" જી સાહેબ. તમારી વાત સાચી છે. મને પણ છેલ્લે છેલ્લે સ્ટાફ હડતાલ ઉપર જવાનો છે એની ગંધ આવેલી. હું જૂની પેઢીનો માણસ છું સાહેબ. મને ભૂતકાળમાં હોસ્પિટલના કેટલાક કડવા અનુભવ થયેલા એટલે આ હોસ્પિટલમાં પણ વધુ પડતી કડકાઈ કરવા હું ગયો. " શાહ સાહેબે કબૂલ કર્યું.

" કંઈ નહીં સાહેબ. ભૂલી જાઓ બધું. મને કોઈના પણ તરફ વ્યક્તિગત રોષ કે ગુસ્સો હોતો નથી. બસ સમયસર પગલાં લઇ લઉં છું જેથી વાત આગળ વધતી અટકે. " કેતન બોલ્યો.

" ભલે સાહેબ... હું રજા લઉં છું. આ હોસ્પિટલમાં મને ઘણું માન સન્માન મળ્યું છે અને એના પાયામાં હું પહેલેથી જ છું એટલે મારી સેવાઓ હું ચોક્કસ ચાલુ રાખીશ. મારા કડક સ્વભાવના કારણે જે પણ ભુલો થઈ એ બદલ મને માફ કરી દેજો. " શાહ સાહેબ નમ્રતાથી બોલ્યા.

" તમે મનમાં જરા પણ ઓછું ના લાવશો. તમને માફ કરી દીધેલા જ છે. તમે અમારા વડીલ છો અને રહેશો જ. " કેતને હસીને કહ્યું અને શાહ સાહેબ માટે ચા મંગાવી.

એ પછી સાંજે કેતન પોતાની ઓફિસે ગયો અને જયેશભાઈ ને ચેમ્બરમાં બોલાવ્યા.

" જી... શેઠ " જયેશ બોલ્યો.

" જુઓ બે દિવસ પછી બીજી માર્ચે મારો જન્મદિવસ આવે છે. એટલે એ દિવસ માટે મેં કંઈક વિચાર્યું છે. " કેતન બોલ્યો.

" અરે વાહ સાહેબ. એડવાન્સમાં મારા તરફથી કોન્ગ્રેચ્યુલેશન !!" જયેશ બોલ્યો.

"થેન્કસ.. પણ અભિનંદન એ દિવસે જ શોભે જયેશભાઈ. " કેતન બોલ્યો.

" હા શેઠ. એ દિવસે બીજીવાર આપીશ." જયેશ હસીને બોલ્યો.

" ચાલો ઠીક છે. તમે બીજી માર્ચે સવારે નવ વાગ્યા સુધીમાં મારા ઘરે આવી જશો ? બાલા હનુમાન દર્શન કરીને અહીંની જે પણ એક બે ગૌશાળા છે એમાં મારે દાન લખાવવું છે. અમુક પૂણ્ય પોતાના હાથે જ કરવું પડે. " કેતન બોલ્યો.

" આવી જઈશ શેઠ. " જયેશે કહ્યું.

" તમે દ્વારકાના આપણા સદાવ્રતમાં કહેવડાવી દો કે એ દિવસે બધા માટે મિષ્ટાન્ન ભોજનની વ્યવસ્થા કરે. એટલું જ નહીં પણ આગલા દિવસથી ત્યાં થોડો પ્રચાર પણ કરાવો જેથી દર્શને આવેલા યાત્રાળુઓ પણ વધુમાં વધુ ભોજનનો લાભ લે. મેં દ્વારકાધીશના મંદિરમાં એ દિવસ માટે આપણો રાજભોગ થાળ તો લખાવી જ દીધો છે." કેતન બોલ્યો.

" જી શેઠ.... આજથી જ કામે લાગી જાઉં છું. " જયેશ બોલ્યો.

" કન્યા છાત્રાલયમાં ૯૨ કન્યાઓ છે. બેંકમાંથી કેશ ઉપાડીને પાંચ પાંચ હજારનાં ૯૨ કવર તૈયાર કરાવી દો. જે મારા જન્મ દિવસે દાન તરીકે કન્યાઓને વહેચીશું. એ દિવસે હોસ્ટેલમાં મિષ્ટાન્ન ભોજનની પણ વ્યવસ્થા કરવાની છે. તમે કન્યા છાત્રાલયમાં કહેવડાવી દો કે બીજી માર્ચે તમામ કન્યાઓ રજા રાખે. અને એ જ પ્રમાણે આપણા આશ્રમમાં પણ મિષ્ટાન્ન ભોજનની તમારે વ્યવસ્થા કરવી પડશે. " કેતને સૂચના આપી.

" જો તમારે રસોઈયા બોલાવીને આ બધી ધમાલ ના કરવી હોય તો કોઈને કેટરિંગ કોન્ટ્રાક્ટ આપી દો. બંને જગ્યાએ એ આવીને બૂફે ગોઠવી દે. " કેતને સૂચન કર્યું.

" એ વધારે સારું રહેશે. જમવાના ટાઈમે એના માણસો આવી જાય. આપણે અગાઉથી કોઈ તૈયારી કરવી ન પડે. હું ગાયત્રી કેટરર્સ ને વ્યક્તિગત ઓળખું છું. એનું ફૂડ અને સર્વિસ બંને સરસ હોય છે. આપણે ભોજનમાં કઈ કઈ આઈટમ બનાવવી છે એ મેનુ એમને લખાવવું પડશે" જયેશ બોલ્યો.

" ઠીક છે . હું જાનકી સાથે ચર્ચા કરીને મેનુ તમને લખાવી દઇશ. " કેતન બોલ્યો.

" અને બીજી એક વાત. આપણા ઓફિસ સ્ટાફને પણ એ દિવસે આશ્રમમાં જ વડીલો સાથે જમવાનું છે. ખાલી કાજલ અને અદિતિ કન્યા વિદ્યાલયમાં જમશે." કેતન બોલ્યો.

" ઓકે શેઠ. એ પ્રમાણે સુચના આપી દઉં છું. " જયેશ બોલ્યો.

કૅલેન્ડરનાં બે પાનાં ફાટી ગયાં અને બીજી માર્ચ આવીને ઊભી રહી. કેતન એ દિવસે સવારે વહેલો ઉઠી ગયો અને પાંચ વાગ્યે ધ્યાનમાં બેસી ગયો. આજે જેનો જન્મદિવસ હતો અને ૨૯ વર્ષ પૂરા કરી ૩૦ મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યો હતો. જન્મદિવસ હતો એટલે સ્વામીજીના દર્શન આજે તો કરવાં જ પડે.

કેતને સ્વામીજી સાથે સંવાદ સાધવા માટે સતત એમનું નામ સ્મરણ કર્યું. તેમનું ચિંતન કર્યું અને સતત પ્રાર્થના કરતો રહ્યો.

વિચારોના તરંગો પણ બ્રહ્માંડમાં સતત આગળ વધતા જ હોય છે અને ધ્યાનની ઉચ્ચ અવસ્થામાં છોડેલા તરંગો ઘણા પ્રબળ હોય છે. એ ગંતવ્ય સ્થાને જઈને જે તે વ્યક્તિને પહોંચે જ છે એટલે જ બ્રાહ્મમુહૂર્તનું શાસ્ત્રોમાં આટલું બધું મહત્વ છે !

સ્વામીજીની મંદ મંદ હાસ્ય બતાવતી મુખમુદ્રા કેતનનાં અંતરચક્ષુ સામે પ્રગટ થઈ. બંનેની વાણી આજે મૌન હતી. ના કોઈ માગણી ના કોઈ સલાહ કે સુચના ! સ્વામીજીએ આશીર્વાદ આપ્યા અને અદ્રશ્ય થઈ ગયા.

કેતન ઊંડા ધ્યાનમાંથી પ્રસન્ન ચિત્તે ૬ વાગે બહાર આવ્યો. બ્રશ વગેરે પતાવી એણે નાહી લીધું. પછી જાનકીને જગાડી. જાનકી પણ તૈયાર થઈ ગઈ અને સાત વાગ્યે એણે ચા મૂકી.

નવ વાગે જયેશ ઝવેરી આવી ગયો. એણે પોતાની ગાડી ત્યાં જ પાર્ક કરી અને કેતનની ગાડીમાં ડ્રાઇવિંગ સંભાળી લીધું. કેતન જાનકી અને શિવાની ત્રણે ગાડીમાં બેસી ગયાં. આજે શિવાનીએ રજા રાખી હતી.

બાલા હનુમાન મંદિરે પહોંચ્યા ત્યારે ત્યાં અખંડ રામધૂન ચાલુ જ હતી. એકધારા લયમાં વર્ષોથી આ ધૂન ગવાતી હતી અને વાતાવરણમાં શાંતિના પવિત્ર તરંગો પેદા કરતી હતી. ઈશ્વરના નામમાં કેટલી બધી શાંતિ છે એનો અનુભવ અહીં પ્રત્યક્ષ થતો હતો. આવી જ રામધૂન દ્વારકામાં પણ ગવાતી હતી.

એને અચાનક પૂજ્ય મોટા યાદ આવી ગયા. સુરતમાં પૂજ્ય મોટાનો આશ્રમ હતો. પૂજ્ય મોટા અખંડ નામ-સ્મરણ ઉપર બહુ જ ભાર આપતા હતા. એની ઈચ્છા તો સુરતના આશ્રમમાં મૌન મંદિર માં બેસવાની હતી પરંતુ હજુ સુધી એ શક્ય બન્યું ન હતું. નામસ્મરણના દિવ્ય ચમત્કારો પૂજ્ય મોટાએ પોતે અનુભવ્યા હતા !!

એણે પૂજ્ય મોટાને પણ મનોમન વંદન કર્યા. સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુ શ્રીરામકૃષ્ણદેવનું પણ સ્મરણ કર્યું અને ધૂન જ્યાં ગવાતી હતી ત્યાં એ ૧૫ મિનિટ બેઠો.

ત્યાંથી ઊભા થઈને એ લોકો બહાર આવ્યા. જયેશ ઝવેરીએ ગૌશાળા તરફ ગાડી લીધી અને બંને ગૌશાળામાં ઘાસચારા પેટે ૨૧ ૨૧ હજારનું કેતને પોતાના હાથે દાન કર્યું.

ઘરે આવીને કેતને જયેશને રજા આપી. આજે જયેશને પણ ઘણાં કામ હતાં.

માર્ચ મહિનો શરૂ થઈ ગયો હતો અને વાતાવરણમાં થોડી ગરમીએ પણ પગ પેસારો કર્યો હતો એટલે આજના હોસ્ટેલના અને આશ્રમના ભોજન સમારંભમાં ગાયત્રી કેટરર્સ તરફથી શિખંડ પુરી પાત્રાં ટીંડોરાનું શાક અને કઢી ભાતનું મેનુ હતું.

સવારે ૧૦ વાગે કેતન હોસ્પિટલ જવા માટે નીકળ્યો. ત્યાં પહોંચીને એ સીધો પોતાની ચેમ્બરમાં જ ગયો. એણે બેલ મારીને રાજેશ દવેને બોલાવવા માટે કહ્યું.

કેતનના સરપ્રાઈઝ વચ્ચે રાજેશ દવે ફૂલોનો બુકે લઇને આવ્યો.

" જન્મદિવસ મુબારક સર. " રાજેશ બોલ્યો.

" અરે.. તને કોણે કહ્યું ? " કેતને આશ્ચર્ય વ્યક્ત કર્યું.

" જયેશ સર સિવાય બીજું કોણ હોય સર ? આજે બપોરે આશ્રમમાં જમવા જમવાનું પણ આમંત્રણ એમણે આપ્યું છે " રાજેશે હસીને કહ્યું.

" અરે હા... એ તો મારા મગજ માંથી નીકળી જ ગયું. " કેતન બોલ્યો.

" રાજેશ એક કામ કર. આપણી હૉસ્પિટલમાં જેટલો સ્ટાફ છે એની ગણતરી કરીને આઈસક્રીમ મંગાવી લે. કમ સે કમ આજે બધાંને મોં તો મીઠું કરાવવું પડે. " કેતન બોલ્યો.

અડધા કલાકમાં હોસ્પિટલમાં આઇસ્ક્રીમ આવી ગયો અને તમામ હેલ્પરોને નીચે મદદમાં બોલાવીને રાજેશે દરેક સ્ટાફને આઈસ્ક્રીમ પહોંચાડવાની વ્યવસ્થા કરી. આઈસક્રીમ આવી ગયા પછી તમામ સ્ટાફને જાણ થઈ ગઈ કે કે આજે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી કેતન સરનો જન્મદિવસ છે.

બસ એ પછી તો કેતનની ચેમ્બરની સામે બર્થડે વિશ કરવા માટેની લાંબી લાઈન લાગી ગઈ. તમામ ડોક્ટરોએ સૌથી પહેલા આવીને અભિનંદન આપ્યાં. એ પછી ધીમે ધીમે આખો સ્ટાફ એક પછી એક આવવા લાગ્યો . અભિનંદનનો આ સિલસિલો અડધા કલાક સુધી ચાલ્યો.

આ કાર્યક્રમ પતાવીને પછી લગભગ સાડા અગિયાર વાગ્યે કેતન કન્યા છાત્રાલય જવા માટે નીકળી ગયો. જયેશ પણ કન્યાઓને ભેટ આપવાનાં કવર લઈને નીકળી ગયો હતો !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)