Adjustment books and stories free download online pdf in Gujarati

सामंजस्य

ઉતરાયણની સવારે આઠ વાગ્યે બધા મૌલિક ના ઘરે પહોંચી જાય છે. મૌલીકનાં મમ્મી સુનીતાબેને બધા માટે ગરમાગરમ ગાંઠિયા, પૌહાનો નાસ્તો તૈયાર રાખ્યો છે. બધા ફટાફટ નાસ્તો કરીને અગાશીએ પહોંચી જાય છે.

'એના' એક ફિરકી લઈને તેને માઈકની જેમ પકડે છે.

"Hello, કાલે આપણે decide કર્યું હતું તેમ, આજે 'આરીફ ' અને 'હરનીત ' વચ્ચે kite competition છે."

" અચ્છા,પેલા એ તો કહે છે કોમ્પીટીશન ને ગુજરાતી માં શું કહેવાય?મૌલિકે મજાક કરી.

'એના'માટે આ અઘરો પ્રશ્ન હતો. તે વરસોથી ગુજરાતમાં જ રહેતી હતી, પણ ક્રિશ્ચિયન હોવાથી, ગુજરાતીના અમુક શબ્દો ના ઉચ્ચારણ કરવાનું તેને ફાવતું ન હતું.

"I know, I know, it is simple, it is 'સરપધા'."

બધા એની નિર્દોષતા પર હસવા લાગ્યા.

"બસ,હવે કોઈ મારી ફ્રેન્ડ 'એના 'ની મસ્તી નહી કરે."રચના 'એના' પાસે આવતા બોલી.

"ચલો,હવે પતંગ ઉડાડવાનું ચાલુ કરીએ, મસ્ત પવન આવે છે.આરીફે આટલુ બોલતા -બોલતા પતંગ હાથમાં લઈ પણ લીઘી."

આરીફ પતંગ ઉડાડવા લાગ્યો, અને તેની ફિરકી 'શિવાય'એ પકડી. હરનીત માટે ફિરકી 'એના'એ પકડી અને મૌલિક માટે ફિરકી રચના એ પકડી.

ત્રણેય ગ્રુપ અગાશી માં થોડે દૂર ગોઠવાઈ ગયા.

સવારનો ઠંડો પવન હતો,તડકો પણ હજી તીવ્ર ન હતો. આજુબાજુ બઘી અગાશી પર લોકો પતંગ ચગાવતા હતા, ફિલ્મી ગીતો વાગતા હતા.આકાશ પતંગો ને લીધે જાણે કોઈ રંગબેરંગી ફૂલો ના બગીચા જેવું લાગતું હતું.

"ઓયે, બધા ધ્યાન રાખજો. પતંગની દોરીથી કોઈ પક્ષીને નુકશાન ન થાય."મૌલિક બોલ્યો.

"आपकी बात का पुरा ध्यान रखा जाएगा, मौलिकजी।"આરીફ હળવી મુસ્કાન સાથે બોલ્યો.

"કોઈ bird hurt નહીં થાય." 'એના' પણ બોલી.

"ભાઈ, કોઈ bird તો hurt નહીં થાય, પણ જો તારી પતંગ 5 પતંગને કાપ્યા પેલા કપાઈ, તો તું જરૂર મારાં મારથી hurt થઈશ." રચના મૌલિકને ચીડવતા બોલી.

"જરૂર, દીદીજી."

રચના મૌલિકથી બે વર્ષ મોટી છે. બંને અત્યારે કૉલેજમાં છે, તો પણ હજી બંને ઘણી વખત નાના છોકરાની જેમ ઝઘડે છે.ગમે તેટલું ઝઘડવા છતાં, બંને હંમેશા એકબીજાનો પુરેપુરો ખ્યાલ રાખે છે.

આમ મસ્તી કરતા - કરતા બપોરનો એક વાગી ગયો.બધા જમવા નીચે ઉતર્યા.સુનીતાબેન પૂરી તળવાની તૈયારી કરતા હતાં.

"આંટી,હવે તમે થોડીવાર આરામ કરો, પૂરી તળવાનું અને બીજું બધું અમે કરી લેશું."હરનીત એ સુનીતાબેનને સોફા પર પરાણે બેસાડી દીધા.

ત્રણેય છોકરીઓ એ મળીને ફટાફટ પૂરી, સલાડ, છાસ, પાપડ તૈયાર કરી લીધા.
આરીફ અને શિવાય એ પણ મૌલિક ને બધી વસ્તુ Dinning table પર ગોઠવવામાં મદદ કરી.

જમવામાં ગરમાગરમ ઊંધિયું, પૂરી, દૂધપાક,દાળ, ભાત, સલાડ અને છાસ હતાં.

જમતા -જમતા શિવાય એ સુનીતાબેનને પૂછયું,"આંટી, અંકલ ક્યારે આવશે?"

"બેટા, અંકલની duty રાતે 8 વાગ્યે પુરી થશે."

બધાએ જમવાનું ફટાફટ પતાવી દીધું, પતંગ ઉડાડવાની ઉતાવળ જો હતી. અને હજી તો 'આરીફ' અને 'હરનીત' વચ્ચે સ્પર્ધા તો બાકી જ હતી.

જમ્યા બાદ સુનીતાબેનનાં કેટલીય વાર નાં પાડવા છતાં બધા એ કામ વંહેંચી લીધું. બધું કામ થયા બાદ રચના એ ' ચા ' બનાવી થર્મોસમાં ભરી લીધી. પાણીની બોટલ ભરી લીધી. મમરાના લાડુ, ચીક્કી, બિસ્કિટ વગેરે પણ ડબ્બામાં ભરી લીધા.

"તમે લોકો આજે મજા કરોને, આ બધું કામ તો હું કરી લેત."

"આંટી, તમે આજે સવારથી રસોઈ બનાવતા હતાં. આજે ઉત્તરાયણ છે તો તમને પણ enjoy કરવાનો સમય મળવો જોઈએ ને!હવે તમે પણ અમારી સાથે અગાશીએ ચાલો."

હરનીત પંજાબી હોવા છતાં, ઘણા વર્ષોથી ગુજરાતમાં રહેતી હોવાને કારણે તે ગુજરાતી સ્પષ્ટ બોલી શકતી હતી. તે અને રચના સ્કૂલ થી જ સાથે ભણતા હતાં.

"બિલકુલ. મમ્મી મેં ચા પણ બનાવીને સાથે લઇ લીધી છે. ચલો, હવે જલ્દી ઉપર જઇએ."

ઉપર પહોંચીને ' એના 'એ ફરીથી એક ફીરકી માઈકની જેમ પકડી લીધી. "હરનીત અને આરીફ, તમે બંને તૈયાર છો?"

"Yes". બંને એકસાથે બોલ્યા.

"તો આ competition માં 3 રાઉન્ડ હશે.
1st રાઉન્ડમાં,
જે ઝડપથી આકાશમાં પતંગ stable કરશે, તે જીતશે.
2nd રાઉન્ડમાં,
જે એક જ પતંગથી વધારે પતંગ કાપશે, તે જીતશે.
અને 3rd રાઉન્ડમાં........
Ok, તે પછી કહેવામાં આવશે."એના બોલી.

1st રાઉન્ડ શરૂ થઈ ચુક્યો હતો.હવે અત્યારે હવાનું જોર થોડુ ધીમું પડ્યું હતું.

મૌલિકે 'આરીફ'ની ફીરકી પકડી લીધી અને રચનાએ 'હરનીત 'ની.

"Come on Harneet. આજે Girl Gang જ જીતશે."'એના' એક હાથે ફીરકી પકડી અને બીજા હાથથી Girl power જીંદાબાદ નાં નારા લગાવતી હતી.

આ જોઈને, શિવાય એ પણ એક ફીરકી માઈકની જેમ પકડી લીધી, અને boy power જીંદાબાદ નાં નારા લગાવવા લાગ્યો.

આટલામાં હરનીતે પતંગ ઉડાડી આકાશમાં સ્થિર કરી દીધી.

"Yes, હરનીત જીતી ગઈ. Congratulation હરનીત, તું પહેલો રાઉન્ડ જીતી ગઈ છો."એના ઉછળતા બોલી.

"વધારે ખુશ થવાની જરૂર નથી, એના મેડમ. હજી તો બે રાઉન્ડ બાકી છે."શિવાય બોલ્યો.

"એ બંને રાઉન્ડ પણ મારી powerful પંજાબણ જ જીતશે."

"નહીં, બંને રાઉન્ડ આરીફ જ જીતશે."

"देखा जाएगा।"

"जी हां।"

આમ બોલી બંને હસવા લાગ્યા.

ધીમે- ધીમે પતંગ કાપવાનો સિલસિલો ચાલુ થઇ ગયો. અગાશીમાં 'કાય્પો છે, કાય્પો છે ' ની ચીસો ગુંજવા લાગી.

ધીરે -ધીરે હરનીત અને આરીફ બંનેનો score 5-6-7-8 થી વધીને 10-10 સુધી પહોંચી ગયો.

સાંજના 5 થવા આવ્યા હતાં. આ રાઉન્ડ પુરો થઇ જ નહોતો રહ્યો. આખરે આરીફ અને હરનીત બંનેએ એકબીજા સાથે જ પેચ લગાવી લીધો.

હવે અગાશીમાં હરનીત - હરનીત અને આરીફ -આરીફ નાં નારા ગુંજવા લાગ્યા. થોડીવાર પછી હરનીત ની પતંગ કપાઈ ગઈ.

હવે 3rd round શરૂ થવાનો હતો.'એના'
એ ફરીથી એનો માઈક ઉઠાવ્યો.

"Now time for Final round .અત્યાર સુધી આરીફ અને હરનીત એક -એક રાઉન્ડ નાં વિજેતા છે. હવે છેલ્લા રાઉન્ડમાં વિજેતા એ બનશે જેનો પતંગ સૌથી વધારે ઊંચે સુધી જશે."

આ વખતે શિવાય એ પણ એક ફીરકી ઉઠાવી લીધી.
"આ છેલ્લો રાઉન્ડ છે, અને એમાં કોઈ પક્ષપાત ન થાય એટલે આમાં નિર્ણાયક બનશે સુનીતા આંટી. નહીં તો આપણે લોકો તો ઝઘડતા જ રહેશું. શું કહેવું છે, દોસ્તો?"

બધા (એકસાથે):"બરાબર છે."

હરનીત અને આરીફ બંને એ ત્રીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી.

"મૌલિક, પક્ષપાત એટલે?"

"એના, પક્ષપાત એટલે Partiality ."

"Ok, Ok."

પવન ખૂબ વધારે હતો, એટલે બંનેનો પતંગ થોડીવારમાં જ ખૂબ ઊંચે સુધી પહોંચી ગયો.

સુનીતાબેન દૂરબીનથી જોતા હતાં કે કોનો પતંગ વધારે ઊંચે ઉડે છે. ત્યાં તે થોડે દૂર એક ફેક્ટરી માંથી ધુમાડા નીકળતા જુએ છે.

"અરે છોકરાઓ, બંધ ફેક્ટરીમાંથી ધુમાડા કેમ નીકળે છે? આગ લાગી હશે?"

શિવાય સુનીતાબેન પાસેથી દૂરબીન લઇ જોવા લાગે છે.

મૌલિક :"શું થયું શિવાય? આગ લાગી હોય એવુ લાગે છે? "
શિવાય :"ધુમાડો તો દેખાય છે, પણ આગ લાગી હોય એવુ નથી લાગતું. "

મૌલિક :"એવુ કેમ કહે છે?"

શિવાય :"એક તો ધુમાડો ખૂબ ઓછો છે, અને આગ લાગી હોત, ને વધારે ફેલાઈ હોત તો ધુમાડો એકદમ કાળો હોત. તો પણ વધારે જોવાની કોશિશ કરું છું."

થોડીવાર પછી..

શિવાય :"અરે, આ તો K.R. factory છે. ત્યાંનો watch tower clear દેખાય છે.કંઈક હવામાં હલતું હોય એવુ પણ દેખાય છે, વધારે ચોખ્ખું તો નથી દેખાતું પણ કદાચ કપડાં સુકવ્યા હોય એવુ લાગે છે."

હરનીત :"અજીબ છે. K.R. ફેક્ટરી તો છેલ્લા પાંચ વર્ષથી બંધ છે. સરકારી સીલ પણ મારેલ છે, તો ત્યાં કોઈ જઈ શકે તેમ પણ નથી."

એના :" ત્યાં ધુમાડો નીકળે છે, તે આપણને અહીં સુધી
દેખાય છે,તો આજુબાજુમાં કોઈને ખબર નહી પડી હોય!"

એના આ શહેરમાં 6 મહિના પહેલા જ રહેવા આવી હતી.

આરીફ :"ખબર નહીં જ પડી હોય. કારણકે K. R. ફેક્ટરી છેલ્લા 5 વર્ષથી બંધ છે, અને ત્યાં બાજુમાં કોઈ બીજી ફેક્ટરી કે કશું નથી. Resident area પણ ઘણો દૂર છે.
આખો વિસ્તાર અવાવરૂ જ છે. "

સુનીતાબેન :"કદાચ બિચારા જેની પાસે ઘર નહી હોય, તેણે આવી ઠંડીમાં બચવાં માટે ત્યાં રહેવાનું ચાલુ કરી દીધું હોય."

રચના ક્યારથી કંઈક વિચારતી હતી.

મૌલિક :"દીદી, શું વિચારે છે? "

રચના :"K. R. ફેક્ટરી દરિયાકિનારેથી કેટલી દૂર છે? કોઈને ખબર છે? "

શિવાય :"કદાચ 5-6 કિલોમીટર."

રચના :"અને દરિયાકિનારેથી K. R. ફેક્ટરી પહોંચવાનો રસ્તો કેવો છે? મારો કહેવાનો અર્થ એ છે કે, એવો કોઈ રસ્તો છે કે જ્યાં માણસોની અવરજવાર ખૂબ ઓછી હોય? "

આરીફ :"હાં દીદી, તમે કહ્યું એવો એક રસ્તો છે, ત્યાં પહોંચવાનો. એ રસ્તામાં એક કબ્રસ્તાન આવે છે. "

મૌલિક :"દીદી, પણ આ બધું કેમ પૂછે છે? "

રચના :"કાલે newspaper માં આવ્યું હતું, કે દરિયાકિનારે થી એક બોટ મળી છે, જે પાકિસ્તાની હોવાની શક્યતા છે."

શિવાય :"રચના, તને એવુ લાગે છે કે તે બોટનું અને આ ફેક્ટરીનું કંઈ connection છે?"

રચના :"હાં."

મૌલિક :"તો આપણે પપ્પા ને કહી દઈએ, તે તેમની ટીમ સાથે મળીને તપાસ કરી લેશે."

રચના :"નાં ભાઈ, મેં પપ્પા ને કાલે જ ફોનમાં વાત કરતા સાંભળ્યા હતાં, આજે 14 જાન્યુઆરીની રજા હોવાને લીધે staff પણ ઓછો છે.અને 26 જાન્યુઆરી નાં દિવસે Chief minister આવવાના છે, ત્યારના પ્રોગ્રામની તૈયારી પણ ચાલુ છે."

સુનીતાબેન :"પણ બેટા, તેઓ જ આમાં કંઈ કરી શકશે."

રચના :"મમ્મી, તારી વાત સાચી છે. હું બસ એટલું જ કહું છું કે આપણને કશૂક પ્રૂફ મળી જાય, પછી જ પપ્પા ને કહીએ. મારી શંકા ખોટી પણ હોય શકે."

શિવાય :"તો કેવી રીતે તપાસ કરશું? આરીફ એ ત્યાંનો રસ્તો જોયો છે, અમે બંને ત્યાં જઈ આવીએ. દૂરથી જ જોઈશું, કાંઈક તો ખબર પડી જ જશે."

રચના :"એવુ જોખમ નથી લેવું.અહીંથી જ કંઈક ખબર પડી જાય એવુ વિચારવું પડશે."

એના :"એક idea છે. મારાં ઘરે ડ્રોન કેમેરો છે, તેમાં બધું રેકોર્ડિંગ થઇ જશે, હું હમણાં જ લઇ આવું. "

રચના :"નાં 'એના'.ડ્રોન ઉડાડશું તો એ લોકો સાવચેત થઇ જશે. "

હરનીત કાંઈક વિચારીને હસે છે.
"ડ્રોન નાં ઉડાડી શકીએ, પણ પતંગ તો ઉડાડી શકીએ ને!"

"તું શું કહે છે?" રચના confuse હતી.

"હું એમ કહું છું કે આપણે પતંગની દોરીમાં જ spy કેમેરો બાંધી દઈએ તો!"હરનીત હસતા બોલી.

એના :"મસ્ત idea છે, હરનીત.પણ આજે market બંધ છે તો spy કૅમેરા કેવી રીતે મળશે?"

મૌલિક :"mini spy કૅમેરા મારી પાસે છે.એ પણ બે છે. "

શિવાય (મૌલીકની પીઠ થાબડતા ):" વાહ, દોસ્ત. પણ તું mini spy કૅમેરા નું કરે છે શું?

રચના :મૌલિક ને પક્ષી જોવાનો અને તેના વિશે જાણવાનો શોખ છે. અમારા ગાર્ડનમાં રોજ ઘણા પક્ષી આવે છે. એટલે મૌલિકે બે અલગ અલગ ઝાડ માં spy કૅમેરા ફીટ કરી દીધા છે.

શિવાય :"what a idea sir જી!ચાલ હવે જલ્દી ગાર્ડનમાંથી spy કૅમેરા લેતા આવીએ, અંધારું થઇ જશે તો આપણે કંઈ નહીં કરી શકીએ."

બંને ઝડપથી spy કૅમેરા લઇ આવે છે. મૌલિક બંનેના memory કાર્ડ ખાલી કરીને ફરીથી કૅમેરામાં ફિટ કરે છે.
અને તે લોકો આરીફ અને હરનીત ની દોરીમાં કૅમેરા એવી રીતે બાંધે છે કે, પતંગની દોરીનો જે ભાગ તે ફેક્ટરી સુધી પહોચે ત્યાં જ કૅમેરો હોય.

"ચાલ આરીફ, હવે આપણી competition એકબીજા સાથે નહીં પણ દેશના દુશ્મનો સામે છે."

"હાં, દીદી. આ competition માં આપણે જ જીતશું. આપણે એક કામ કરીએ હું ફેક્ટરી નાં watch tower બાજુ પતંગ લઇ જવાની કોશિષ કરું છું, તમે બીજી બાજુ તમારી પતંગ લઇ જાવ."

"ઠીક છે, આરીફ."

શિવાય દૂરબીન લઈને જુએ છે. થોડીવાર પછી....

"આરીફ, હજી થોડી દોરી જવા દે. હાં બસ બસ, હવે પતંગ ને ત્યાં જ રહેવા દે, spy કૅમેરાની રેન્જમા જ છે, watch tower."

એના :"શિવાય, તને કેમ ખબર પડી કે કેમેરો ત્યાં પહોંચી ગયો છે? આટલો નાનો કૅમેરો તો દૂરબીન માં કેવી રીતે દેખાય? "

આ સાંભળીને રચનાનાં ચહેરા પર હળવું સ્મિત આવી ગયું.

શિવાય :"આપણી જાસૂસ છે ને રચના મેડમ, તેમણે કૅમેરાની બાજુમાં એક લાલ રંગની દોરીનો મોટો કટકો પણ બાંધ્યો છે, જે આટલી દૂરથી પણ દૂરબીન માં દેખાય છે. "

"હરનીત, તારી પતંગને થોડી ડાબી બાજુમાં લે, એટલે કૅમેરામાં ફેક્ટરીનો આખો ખુલ્લો વિસ્તાર પણ આવી જાય."

"Ok."આવું કહીને હરનીતે તેની પતંગ ધીમે ધીમે ડાબી બાજુ લઈ લીધી.

શિવાય :"બરાબર છે, હરનીત. હવે ત્યાં જ તારી પતંગ ને રહેવા દે."

થોડીવાર પછી બંને પોતાની પતંગને ઘરની અગાશી પર લઈ લે છે. કૅમેરા દોરી માંથી કાઢીને તેનું રેકોર્ડિંગ જુએ છે.

હરનીત વાળા કૅમેરામાં..

ચાર વ્યક્તિ દેખાય છે, તેની આજુબાજુ પુસ્કળ હથિયારો પડ્યા હોય છે.

આરીફ વાળા કૅમેરા માં....

Watch tower નાં એક રૂમમાં બે વ્યક્તિને બંધક બનાવેલા દેખાય છે.

સુનીતાબેન :"રચના તારી શંકા બિલકુલ સાચી પડી.આ લોકોનાં ઈરાદા ખતરનાક લાગે છે."

રચના એના પિતા ને ફોન કરીને બધું સમજાવે છે, અને કૅમેરાનું રેકોર્ડિંગ પણ મોકલી દે છે.
-----------------------------------------------

રચના અને મૌલિક નાં પિતા ઇન્સ્પેક્ટર શૌર્ય,કેમેરાનું રેકોર્ડિંગ જોઈને emergency માં તેમની ટીમ તૈયાર કરે છે, અને ATS ને પણ inform કરે છે.

બંને ટીમ મળીને ચારેય આતંકવાદી ને પકડી લે છે.અને બંને બંધક ને પણ છોડાવે છે. તે બંને સ્થાનિક માછીમાર હતાં. આતંકવાદીઓ એ તેમનું મધદરિયે અપહરણ કર્યું હતું.

વધારે પૂછપરછ કરતા ખબર પડે છે કે, આતંકવાદી પાકિસ્તાન થી આવેલા હતાં, અને તેમનો ઈરાદો 26 જાન્યુઆરી એ બૉમ્બ બ્લાસ્ટ કરીને આખુ શહેર ઉડાડવાનો હતો.

----------------------------------------
કોલેજ જતા છોકરાઓનાં ચાતુર્ય થી અને આપણી બહાદુર પોલીસ અને A.T.S. ની મદદથી આતંકવાદીઓની યોજના નિષ્ફળ ગઈ.

Jay Hind