Prayshchit - 83 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 83

પ્રાયશ્ચિત પ્રકરણ 83

જયેશ નર્સને લઈને કેતનના ઘરે આવ્યો કે તરત જ નર્સે કેતનને સીફાક્ઝોન નું ઇન્જેક્શન આપી દીધું જેથી ઇન્ફેક્શન કંટ્રોલમાં આવે. તાવ ૧૦૩ જેટલો હતો એટલે નર્સે સાદી પેરાસીટામોલના બદલે આઇબુપ્રોફેન ના કોમ્બિનેશનની ગોળી આપી.

એ સાથે એણે ઠંડા પાણીનાં પોતાં પણ કપાળ ઉપર મૂકવાનાં ચાલુ કર્યાં. દોઢેક કલાક પછી તાવ થોડોક ઓછો થયો પરંતુ ૧૦૨ તાવ તો સવાર સુધી ચાલુ જ હતો.

સવારે આઠ વાગ્યે નર્સ કેતનની હેલ્થ અપડેટ આપવા માટે હોસ્પિટલ ગઈ. એ પછી સવારે નવ વાગે ફરી સીબીસી માટે બ્લડનું સેમ્પલ લેવા માટે ટેકનિશિયન ઘરે આવ્યો.

સવારના બ્લડ રિપોર્ટમાં ડબલ્યુ.બી.સી. માં તો કોઈ ફરક નહોતો પડ્યો પરંતુ પ્લેટલેટ્સ ઘટી રહ્યા હતા. ડૉક્ટરે નિદાન કર્યું કે કેતનને ડેન્ગ્યુ થયો હતો. તરત જ એણે કેરીપિલ્સ ગોળી ચાલુ કરાવી દીધી.

સવારે ૯:૩૦ વાગ્યા આસપાસ હોસ્પિટલના તમામ ડોક્ટરો ઘરે આવીને કેતનની ખબર કાઢી ગયા. જાનકીએ કેતનને હોસ્પિટલમાં એડમીટ કરવાની ડોક્ટરોને સલાહ પૂછી પરંતુ ડોક્ટરે ઘરે જ રેસ્ટ કરવાની સલાહ આપી. દિવસ માટે પણ એક બીજી નર્સની વ્યવસ્થા કરી.

" મેં એમને સીફાક્ઝોન ઇન્જેક્શન નો કોર્સ ચાલુ કરી દીધો છે. ડેન્ગ્યુ નું નિદાન પાક્કું થઇ ગયું છે એટલે હવે કેરીપિલ્સ પણ ચાલુ કરાવી દીધી છે. " ડોક્ટર મિહિર કોટેચાએ બીજા ડૉક્ટરો સાથે વાત કરી.

સવારે ફરી કેતનને એન્ટીબાયોટિક્સનું ઇન્જેક્શન આપવામાં આવ્યું. જમવાની ઈચ્છા થાય તો માત્ર દાળ ભાત અને ફ્રૂટ ખાવાની સલાહ આપી. ડેન્ગ્યુ હોવાથી વધુમાં વધુ પપૈયાનું સેવન કરવાની પણ ડોક્ટરે સલાહ આપી.

જાનકીએ સવારે જ સુરત મમ્મી-પપ્પા સાથે વાત કરી લીધી હતી એટલે એ લોકો પણ ચિંતામાં પડી ગયા હતા. સિદ્ધાર્થ સાથે ચર્ચા કરીને જગદીશભાઈ અને જયાબેન જામનગર આવવા તૈયાર થઈ ગયાં.

મોડું થઈ ગયું હતું એટલે મુંબઇ થઇને ફ્લાઈટમાં આજે ને આજે જામનગર પહોંચવાનું શક્ય નહોતું એટલે સિદ્ધાર્થે તત્કાલ ક્વોટામાં માં રાત્રે સાડા બાર વાગ્યાના સૌરાષ્ટ્ર મેલમાં ફર્સ્ટ ક્લાસની બે ટિકિટ બુક કરાવી દીધી.

બપોર પછી તાવ ૧૦૧ સુધી પહોંચ્યો હતો અને શરીરમાં નબળાઈ પણ ઘણી હતી. જમવાની કેતનને કોઈ ઈચ્છા ન હતી છતાં ડોક્ટરની સલાહને કારણે થોડાં ફ્રૂટ્સ એણે લીધાં.

સાંજના ટાઇમે જેમ જેમ ખબર પડી તેમ સોસાયટીના પાડોશીઓ કેતનની ખબર પૂછવા માટે આવ્યાં.

" અચાનક આટલો બધો તાવ આવી ગયો ? હજુ પરમ દિવસે તો જન્મદિવસે બધાનાં ઘરે રાત્રે આઇસ્ક્રીમની પાર્ટી આપી ! આ તો સવારે બધા ડોક્ટરો ખબર પૂછવા આવ્યા ત્યારે અમને ખબર પડી." એક વડીલ બોલ્યા.

" હા અંકલ ગઈકાલે તો એ રાજકોટ ગયા હતા. સાંજે આવ્યા એ પછી તાવ ચડ્યો. ડેન્ગ્યુ થયો છે એમ ડોક્ટર કહે છે. " જાનકીએ બધાંને જવાબ આપ્યો.

" અમારે લાયક કંઈપણ કામકાજ હોય તો જરૂર જણાવજો જાનકીબેન. " ૧૪ નંબરના બંગલામાં રહેતાં પુષ્પાબેને કહ્યું.

" જી ચોક્કસ. આમ તો ચોવીસ કલાક માટે નર્સ ઘરે હાજર હોય છે એટલે બીજી કોઈ ચિંતા નથી. " જાનકી બોલી.

એ પછી સૌ સાંત્વન આપીને એક પછી એક વિદાય થઈ ગયાં.

પડોશીઓ ગયા પછી જયદેવ અને વેદિકા કેતનની ખબર કાઢવા આવ્યાં. સાથે એક બોટલમાં પપૈયા ના પાનનો રસ પણ લેતાં આવેલાં.

" અમને ખબર પડી એટલે તરત જ તાત્કાલિક પપૈયાના તાજા પાનનો રસ કઢાવ્યો. પ્લેટલેટ્સ વધારવા માટે આ ઉત્તમ ઔષધિ છે કેતન સર. ડેન્ગ્યુ માટે આનાથી ઉત્તમ બીજી કોઈ જ ઔષધિ નથી. બે ચમચી રસ દિવસમાં ચાર વાર લઇ જુઓ. થોડોક કડવો લાગશે પણ રામબાણ ઔષધિ છે. " કહીને જયદેવે પોતાના હાથે જ બે ચમચી જેટલો રસ કેતનને પાઈ દીધો.

" જી આભાર જયદેવભાઈ. " કેતન બોલ્યો.

" બસ આરામ કરો. કાલે સવારે ફરીથી પી લેજો. કાલે સાંજે રિપોર્ટ કરાવશો તો પ્લેટલેટ્સ વધી ગયા હશે. " જયદેવે ઉભા થતા કહ્યું.

કેતનને તાવ હતો એટલે જયદેવ અને વેદિકા વધુ રોકાયાં નહીં. એ લોકો ગયાં પછી જાનકી કિચનમાં ગઈ.

" માસી કેતન આમ તો અત્યારે રાત્રે જમવામાં નથી. તમે માત્ર બટેટા પૌવા બનાવી દો. એમને પણ જો ખાવાની ઈચ્છા થશે તો એ પણ થોડા લેશે." જાનકી બોલી.

એ રાત્રે ૧૨.૩૦ વાગ્યે જગદીશભાઈ અને જયાબેન સૌરાષ્ટ્ર મેલમાં જામનગર આવવા માટે નીકળી ગયાં. સિદ્ધાર્થ અને રેવતી ટ્રેન ઉપડી ત્યાં સુધી એમની સાથે જ હતાં.

બીજા દિવસે સવારે કેતનનો તાવ ઉતરી ગયો. નબળાઈ ઘણી હતી પણ તાવ ન હતો. સવારે આઠ વાગ્યે કેતને નર્સને રજા આપી દીધી.

" થેન્ક્યુ સ્મિતા. તેં મારી ઘણી કાળજી લીધી. હવે કોઈએ આવવાની જરૂર નથી. તાવ તૂટી ગયો છે એટલે હવે આરામથી ધીમે ધીમે સારું થઈ જશે. "

" જી સર અત્યારે સવારનું ઇન્જેક્શન હું આપી દઉં છું. સાંજે ઈન્જેકશન આપવા માટે હું આવી જઈશ અથવા બીજી કોઇ સિસ્ટર આવી જશે. " કહીને સ્મિતાએ સીફાક્ઝોન નું ઇન્જેક્શન આપી દીધું.

કેતન ગઈકાલનો ન્હાયો નહોતો એટલે સૌથી પહેલાં એણે બ્રશ વગેરે પતાવી શાંતિથી ગરમ ફુવારામાં નાહી લીધું. નહાયા પછી એ ઘણો ફ્રેશ થઈ ગયો.

અત્યારે થોડુંક ભૂખ જેવું લાગતું હતું એટલે દક્ષામાસીએ એને થોડા મમરા ઘી માં વઘારી આપ્યા. કેતનને ફ્રૂટ ઓછાં ભાવતાં હતાં.

જાનકીએ એને રાત્રે સમાચાર આપી દીધા હતા કે મમ્મી પપ્પા ટ્રેનમાં આવી રહ્યાં છે. કેતને ૧૧:૩૦ વાગ્યે મનસુખને બોલાવીને મમ્મી પપ્પાને લેવા સ્ટેશન ઉપર મોકલ્યો.

ટ્રેન સમયસર હતી એટલે ૧૨:૩૦ સુધીમાં તો મમ્મી પપ્પા ઘરે આવી પણ ગયા.

કેતનને થોડો ફ્રેશ થઈને સોફામાં બેઠેલો જોયો એટલે મમ્મી પપ્પાને નિરાંત થઈ.

કેતને મમ્મી-પપ્પાને નીચા નમીને પ્રણામ કર્યા. આ એના કૌટુંબિક સંસ્કાર હતા.

" તારી તબિયતના સમાચાર સાંભળીને અમારાથી રહેવાયું નહીં. અમે તો કાલે જ આવી જવાના હતા પરંતુ સુરતથી મુંબઈ જવું પડે અને મુંબઈ જવા જેટલો સમય હતો નહીં એટલે ટ્રેનની ટિકિટ લીધી. " જગદીશભાઈ બોલ્યા.

" અચાનક જ પરમ દિવસે સાંજે તાવ આવ્યો. સવારે તો હું રાજકોટ ગયો હતો. સાંજે આવ્યો ત્યાં સુધી કંઈ ન હતું. જો કે બપોરે મને ભૂખ ઓછી લાગી હતી એટલે ડાઇનિંગ હોલ માં પણ ખાસ જમી શક્યો ન હતો. ઘરે આવ્યા પછી શરીર તૂટવા લાગ્યું અને પછી ઠંડી લાગીને તાવ આવ્યો. " કેતન બોલ્યો.

" એમને ડેન્ગ્યુ થયો છે. આજ સવારથી જ સારું છે. પરમ દિવસની રાતે તો તાવ ધગધગતો હતો. " જાનકી બોલી.

" ઘરની હોસ્પિટલ છે એટલું સારું છે. બધા ડોક્ટરો બિચારા ખડે પગે રહે છે. તમારે પપ્પા હવે સુરત પાછા જવાનું નથી. આવી જ ગયા છો તો પછી યોગા અને બધું ચાલુ કરી દો. રૂટીન ચેકઅપ પણ થતું રહેશે. " કેતન બોલ્યો.

" એ બધી ચર્ચા પછી કરીશું બેટા.... હમણાં તું આરામ કર. વધારે વાતચીત ના કરીશ. " જયાબેન બોલ્યાં.

" મમ્મી રસોઈ તૈયાર થઈ ગઈ છે. તમે લોકો જમવા માટે આવી જાઓ. કેતન તમારી જમવાની ઇચ્છા છે ? " જાનકી એ પૂછ્યું.

" હું કંપની આપીશ. થોડાક દાળ-ભાત મને આપજે. બીજું કઈ લેવાની ઇચ્છા નથી. " કેતન બોલ્યો.

બપોરે ચાર વાગે ડોક્ટર મિહિર કોટેચા પણ કેતનને ચેકઅપ કરાવવા આવી ગયા. ટેમ્પરેચર એકદમ નોર્મલ હતું અને કેતન પોતે પણ ફ્રેશ લાગતો હતો.

" અત્યારે તો ઇમ્પ્રૂવમેન્ટ છે સર. બસ આજે સાંજે એન્ટીબાયોટિક્સનું લાસ્ટ ઇન્જેક્શન આપી દઈએ. સાંજે બ્લડ ટેસ્ટ પણ કરાવી લઈએ એટલે કાઉન્ટની વધઘટ ખબર પડે. સાંજે ટેકનિશિયન આવીને ઇન્જેક્શન પણ આપી જશે અને બ્લડ પણ કલેક્ટ કરી લેશે." ડૉક્ટર બોલ્યા.

" ઓકે.. થેન્ક્સ મિહિરભાઈ. તમે મારું ઘણું ધ્યાન રાખ્યું. " કેતને હસીને કહ્યું.

" માય પ્લેઝર... ઇટ્સ માય ડયૂટી !!" કહીને ડોક્ટર રવાના થયા.

સાંજે જયેશભાઈ અને એનો સ્ટાફ પણ ખબર કાઢવા આવ્યા. જો કે હવે કેતનને ઘણું સારું હતું એટલે બધા ચિંતામુક્ત હતા.

" વડીલ તમે તો હવે અહીં જ રોકાઇ જાઓ. કેતન શેઠે મને કહેલું કે તમને એટેક આવી ગયેલો. આપણે તો ઘરની હોસ્પિટલ છે અને શેઠે યોગા સેન્ટર પણ ચાલુ કરેલું છે. અવારનવાર ચેકઅપ પણ થતું રહેશે અને યોગાથી તબિયત પણ સુધરશે. અહીંનાં હવાપાણી પણ સારાં છે. " જયેશે જગદીશભાઈને કહ્યું.

" જોઈએ હવે. થોડા દિવસ તો અમે અહીંયા જ છીએ." જગદીશભાઈ એ હસીને કહ્યું.

વેદિકાએ વાત કરેલી એટલે સાંજે પ્રતાપભાઈ અને દમયંતીબેન પણ ખબર કાઢવા માટે આવી ગયાં.

" અરે જગદીશભાઈ તમે પણ આવી ગયા છો ? મને તો આજે બપોરે જ વેદિકાએ કહ્યું કે કેતનને ડેન્ગ્યુ થયો છે." ઘરમાં પ્રવેશતાં જ જગદીશભાઈને જોઈને પ્રતાપભાઈ બોલ્યા.

" બસ આજે બપોરે જ અમે લોકો આવ્યાં. ખબર પડી એટલે અમારાથી રહેવાયું નહીં. જાનકી અને શિવાનીની ઉંમર હજુ નાની છે. એ લોકો મૂંઝાઈ જાય. " જગદીશભાઈ બોલ્યા.

" તમારી વાત એકદમ સાચી છે. હવે તાવ ચાલુ છે કે ઓછો થયો ?"

" ના અંકલ તાવ તો તૂટી ગયો છે. સાંજે વેદિકા લોકો પપૈયાના પાનનો રસ આપી ગયા હતા. કદાચ એનો પણ પ્રભાવ હોય. એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન પણ ચાલુ છે. " કેતન બોલ્યો.

" પપૈયાના પાનનો રસ ડેન્ગ્યુ માટે અકસીર ઉપાય છે. ગયા વર્ષે રાજેશને ડેન્ગ્યુ થયેલો ત્યારે માત્ર તાવની ગોળી અને પપૈયાના પાનનો રસ વેદિકાએ આપેલો. પ્લેટલેટ્સ બહુ ઝડપથી વધવા લાગે છે. " પ્રતાપભાઈ બોલ્યા.

એ પછી આડીઅવળી વાતો કરીને અડધા કલાકમાં પ્રતાપભાઈ લોકો નીકળી ગયા.

સાંજે ૭:૩૦ વાગે બાઈક ઉપર લેબ ટેકનીશીયન સીફાક્ઝોનનું ઈન્જેકશન આપવા આવ્યો અને બ્લડ ટેસ્ટ માટે થોડું બ્લડ સેમ્પલ પણ લઈ લીધું.

રાત્રે લગભગ સાડા આઠ વાગ્યે ડો. મિહિર કોટેચાનો ફોન આવ્યો.

" રીપોર્ટ ઘણો સારો આવ્યો છે. તમારા ડબલ્યુ.બી.સી. કાઉન્ટ ૧૦૦૦૦ ની અંદર આવી ગયા છે. પ્લેટલેટ્સ પણ નોર્મલ રેન્જમાં આવી ગયા છે. ધીસ ઈઝ અમેઝિંગ !! કેરીપિલ્સ હજુ બે દિવસ ચાલુ રાખો. ઇન્જેકશનની હવે જરૂર નથી. એન્ટીબાયોટિક્સ કેપ્સુલ લખી આપું છું. એ પાંચ દિવસ સવાર સાંજ લઈ લેજો. " ડૉક્ટર બોલ્યા.

પ્લેટલેટ્સ આટલા ઝડપથી વધી ગયા એ કદાચ જયદેવ કહેતો હતો એમ પપૈયાના પાનની જ કમાલ હતી !!

એ રાત્રે કેતને સંપૂર્ણ આરામ કર્યો એટલે સવારે લગભગ નોર્મલ જેવો થઈ ગયો. આજે ધ્યાન કે જોગિંગ શક્ય ન હતું. એ નાહી ધોઈને તૈયાર થઈ ગયો એ પછી બધાં ડાઇનિંગ ટેબલ ઉપર ચા પાણી પીવા માટે ભેગાં થયાં.

"કેમ લાગે છે આજે તને ? ચહેરો તો આજે ફ્રેશ લાગે છે. " જગદીશભાઈ બોલ્યા.

" હા પપ્પા.. આજે ઘણું સારું લાગે છે." કેતન બોલ્યો.

"હા છતાં આજે તું ઓફિસ કે હોસ્પિટલ જતો નહીં. આજે ઘરે જ આરામ કર. " પપ્પાએ શિખામણ આપી.

" પપ્પા આ વખતે તો એમનો જન્મ દિવસ અહીંયા ખૂબ સારી રીતે ઉજવ્યો. ગર્લ્સ હોસ્ટેલ અને આશ્રમ બંને જગ્યાએ જમણવાર રાખ્યો હતો. આશ્રમમાં તો નિરાધાર બનેલા વયોવૃધ્ધ વડીલોએ એમને બહુ બધા આશીર્વાદ આપ્યા. " જાનકી બોલી.

" એ બહુ સારું કર્યું બેટા. એમને પણ જમવાનું સારું સારું મન થતું હોય પણ આ ઉંમરે એમને આવી રીતે કોણ જમાડે ? ઘરડાં માણસોની તો જેટલી સેવા કરો એટલી ઓછી છે. એક દિવસ એમને બધાંને દ્વારકાની જાત્રા પણ કરાવી આવો. એમને હવે જિંદગીના કેટલા દિવસ બાકી છે કોને ખબર !! " જયાબેન બોલ્યાં.

" આ વાત તમે બહુ સારી કરી મમ્મી. સરસ વિચાર આવ્યો. ચોક્કસ એક વાર દર્શન કરાવવા લઈ જઈશ." કેતને ઉત્સાહથી કહ્યું.

" પપ્પા મારે સિદ્ધાર્થભાઇની અહીંયા ખૂબ જરૂર છે કારણકે ત્રણ ત્રણ સંસ્થાઓને સંભાળવી મારા માટે શક્ય નથી. અને દરેક જગ્યાએ આપણે ઘણું મોટું ઈન્વેસ્ટમેન્ટ કરીને બેઠા છીએ એટલે ઘરની વ્યક્તિ હોય તો વધારે સારું. " કેતન બોલ્યો.

" તું ચિંતા ના કર. આ બાબતમાં અમે ગંભીરતાથી વિચાર્યું જ છે અને અમુક નિર્ણય લઈ પણ લીધા છે. ૩૧મી માર્ચે વર્ષ પૂરું થાય છે એટલે આપણો ડાયમંડ નો બિઝનેસ આપણે બંધ કરી દઈએ છીએ. સી.એ સાથે પણ વાત થઈ ગઈ છે. " જગદીશભાઈ બોલ્યા.

" નવું કોઈ ડેવલપમેન્ટ એપ્રિલ શરૂ થયા પછી નહીં થાય એટલે બધું સમેટીને એકાદ મહિના પછી સિદ્ધાર્થ અહીંયા કાયમ માટે આવી જશે. અને તું અને જાનકી કહો છો એમ મારે હવે સુરત પાછા જવાની કોઈ જરૂર નથી. મહિના પછી સિદ્ધાર્થ આવવાનો હશે ત્યારે એક આંટો મારી આવીશ. બાકી અહીં હું ખુશ છું. અહીંનાં હવાપાણી પણ સારાં છે. " જગદીશભાઈએ કહ્યું.

" હા પપ્પા મારું પણ એ જ કહેવાનું હતું. હવે તમે સંપૂર્ણ આરામ કરો. અહીંના કાર્ડિયોલોજિસ્ટ તમારું રેગ્યુલર ચેકઅપ કરતા રહેશે. તમે સાંજના ટાઇમે આશ્રમમાં પણ સમય પસાર કરી શકો છો. ત્યાં સીનીયર સીટીઝન પાર્ક પણ છે. લાઈબ્રેરી પણ છે. સવારે યોગા કરવાની ઇચ્છા હોય તો હું અથવા જાનકી તમને સવારે ત્યાં મૂકી આવીશું. મારી કે જાનકીની ગાડી તમારે લઈ જવી હોય તો પણ કોઈ વાંધો નથી. " કેતને કહ્યું.

" ભલે કાંઈ વાંધો નહીં. હું એ બધું બે ચાર દિવસ પછી ચાલુ કરી દઈશ. મારે પણ સમય પસાર કરવા માટે આ બધી પ્રવૃત્તિઓ સારી છે. યોગા પ્રાણાયામ કરવાની તો તારી મમ્મીને પણ જરૂર છે." જગદીશભાઈ બોલ્યા.

" હવે આ ઉંમરે મારે કંઈ યોગા ફોગા કરવા નથી ભૈશાબ. મને હવે શાંતિથી જીવવા દો. મારી તબિયત સારી જ છે. તમતમારે જજો. હું તો મારા ઘરે જ સારી છું. " જયાબેન બોલ્યાં.

" મમ્મી ત્યાં યોગા ટીચર આવે છે. તમે એક બે વાર જાઓ. તમને મજા આવે તો ચાલુ રાખજો. અમારું કોઈ દબાણ નથી. " જાનકી બોલી.

પરંતુ એને ગળા સુધી ખાતરી હતી કે મમ્મી યોગા અને મેડિટેશન કરવા માટે ક્યારે પણ જવાનાં નથી.

ચાલો કંઈ નહીં. હવે મમ્મી પપ્પા કાયમ માટે અહીં આવી ગયાં છે એ બહુ જ સારી વાત છે. અને મહિના પછી તો આખો પરિવાર કાયમ માટે ભેગો થઈ જશે. ત્રણ મોટા બેડરૂમ છે એટલે આમ તો કંઈ વાંધો નહીં આવે. માત્ર શિવાનીબેનને ડ્રોઇંગરૂમમાં સોફા ઉપર સૂવું પડે અથવા તો મમ્મી પપ્પાના રૂમમાં એક સેટી મુકાવી દેવી પડે !
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ )

"



"