Prayshchit - 91 books and stories free download online pdf in Gujarati

પ્રાયશ્ચિત - 91

પ્રાયશ્ચિત પ્રકરણ 91

જમીને કિરણભાઈ સાથે કેતન પોતાના રૂમમાં ગયો. બે-ત્રણ કલાક આરામ કરવાનો હતો એટલે કેતન પોતાના બેડ પર આડો પડ્યો. હવે ટ્રેન શોધવાની હતી. ગૂગલમાં એણે સર્ચ કર્યું તો ઓખા દ્વારકાની એક ડાયરેક્ટ ટ્રેન હતી પણ એ છેક રવિવારે ઉપડતી હતી. હજુ આજે તો બુધવાર થયો હતો.

ચાર દિવસ સુધી અહીં બેસી રહેવાનો કોઈ મતલબ ન હતો. અમદાવાદ માટેની ટ્રેન રોજ ઉપડતી હતી. એકવાર અમદાવાદ પહોંચી જવાય તો ત્યાંથી આગળની ટ્રેન મળી શકે. એણે અમદાવાદની ટિકિટ બુક કરાવવાનો નિર્ણય લીધો.એણે તત્કાલ ક્વોટામાં સર્ચ કર્યું. ફર્સ્ટ ક્લાસ પેક હતો એટલે એણે સેકન્ડ એ.સી ની ટિકિટ લીધી. ટ્રેન આવતીકાલે ગુરુવારે સાંજે સાડા પાંચ વાગે ઉપડતી હતી.

છેલ્લે જગન્નાથનાં દર્શન થાય ત્યાં સુધી જ ગુરુજીએ બતાવેલા નિયમો પાળવાના હતા. એટલે હવે એ કોઈ પણ કોચમાં મુસાફરી કરી શકતો હતો. પૈસા ખર્ચીને ભોજન પણ જમી શકતો હતો.

એની ઈચ્છા સાંજે દરિયાકિનારે બીચ ઉપર જઈને બેસવાની હતી. પહેલેથી કેતનને દરિયો બહુ જ પ્રિય હતો. અત્યારે કિરણભાઈ સુતા હતા. એ જાગે પછી બધો પ્રોગ્રામ ગોઠવું. કેતને પણ થોડી વાર આરામ કરી લેવાનું નક્કી કર્યું.

લગભગ પોણા ચાર વાગે કેતન જાગી ગયો ત્યારે કિરણભાઈ પણ જાગી ગયેલા હતા અને કોઈ બુક વાંચતા હતા.

" આરામ કરી લીધો બરાબર ? તમે શું કરો છો જામનગરમાં ? " કિરણભાઈએ પૂછ્યું.

" જી. મારી પોતાની એક ચેરીટેબલ હોસ્પિટલ છે. હું પોતે મેનેજિંગ ટ્રસ્ટી છું. એક વૃદ્ધાશ્રમ પણ ખોલ્યો છે અને એક કન્યા છાત્રાલય બનાવ્યું છે. સેવાના કાર્યોમાં જીવન સમર્પિત કર્યું છે. તમામ સેવાઓ ફ્રી છે." કેતને નિખાલસતાથી કહ્યું. કિરણભાઈ પાસે કાંઈ છુપાવવા જેવું હતું નહીં.

" વાહ... તમારી પ્રવૃત્તિઓ જાણીને ખરેખર ખૂબ જ આનંદ થયો છે. આટલી નાની ઉંમરે તમે સેવાને વરેલા છો બાકી આજે કોઈ કોઈને મદદ કરવા તૈયાર નથી. એટલે જ તમને જોઈને મને સવારે કંઈક અલગ ફિલિંગ આવતી હતી. તમારી ઓરા ઘણી પાવરફૂલ છે." કિરણભાઈ બોલ્યા.

" મારે એ બધી બાબતમાં જ તમારી સાથે ચર્ચા કરવી છે કારણ કે તમે ઘણું બધું જાણો છો. મને એક સ્વામીજી તરફથી ધ્યાનમાં ઘણું માર્ગદર્શન મળે છે અને મારા સૂક્ષ્મ શરીરનો પણ એક વાર એમણે અનુભવ કરાવ્યો છે. " કેતન બોલ્યો.

" નસીબદાર છો તમે. આપણે રાત્રે ધ્યાનમાં બેસીશું ત્યારે આ બધી ચર્ચા કરીશું. એના માટે એક ચોક્કસ મૂડ અને વાતાવરણ જોઇએ. અત્યારે તો સૌથી પહેલાં આપણે ચા પી આવીએ. અત્યારે ૩: ૩૦ થી ૪:૩૦ ચાનો ટાઈમ છે."

એ પછી કેતન કિરણભાઈ સાથે જઈને નીચે ચા પી આવ્યો. ચા સાથે નાસ્તાની વ્યવસ્થા પણ હતી છતાં એ લોકોએ માત્ર ચા પીધી.

" મારે થોડીવાર દરીયાકિનારે બીચ ઉપર જવું છે તો કેવી રીતે જઈ શકાય?" કેતને પૂછ્યું.

" અહીંથી બીચ ઉપર જવા માટે તમને ડાયરેકટ કોઈ સાધન નહીં મળે. સાંજે હું દર્શન કરવા જાઉં છું એ વખતે તમે મારી સાથે મીનીબસમાં આવો. મંદિર પાસે ઉતરીને રીક્ષા કરી લેજો. શેરિંગ રિક્ષામાં પણ જઈ શકશો. ત્યાંથી પાછા વળતી વખતે અહીં આવવા માટે તમને રીક્ષા મળી જશે. અથવા તો મંદિર પાછા જશો તો ત્યાંથી મીનીબસ મળશે. પણ ત્યાં તમારે રાહ જોવી પડે." કિરણભાઈ બોલ્યા.

" ના..ના... બીચ ઉપરથી રિક્ષામાં હું સીધો અહીં જ આવી જઈશ. " કેતન બોલ્યો. હવે એ પૈસા ખર્ચી શકતો હતો.

સાંજે સાડા પાંચ વાગે મીનીબસમાં કિરણભાઈ સાથે કેતન મંદિર જવા માટે નીકળી ગયો. મંદિર પાસે બંને ઉતરી ગયા. કેતને સવારે શાંતિથી દર્શન કર્યાં હતાં એટલે અત્યારે મંદિર તરફ એણે ભાવથી માથું નમાવ્યું અને એ આગળ વધ્યો. કિરણભાઈ મંદીર તરફ ગયા.

કેતનની સૌથી પહેલી ઇચ્છા દાઢી કરાવી લેવાની હતી. ૨૧ ઓગસ્ટે એ ઘરેથી નીકળી ગયો હતો અને આજે ૨૭ ઓગસ્ટ થઈ હતી. સાત દિવસની દાઢી ચડી ગઈ હતી એટલે કેતનને બહુ જ બેચેની થતી હતી. એણે બજારમાં હેર કટીંગ સલૂન શોધી કાઢ્યું અને દાઢી કરાવી દીધી. મૂછ તો એ પહેલેથી રાખતો જ હતો. એ થોડી વ્યવસ્થિત કરાવી દીધી. દર્પણમાં જોયું. હવે એ સ્માર્ટ લાગતો હતો.

એ પછી એણે રિક્ષા કરી લીધી અને સિલ્વર બીચ ઉપર પહોંચી ગયો. કિરણભાઈએ એને સૂચના આપી હતી કે શાંતિ માટે સિલ્વર બીચ જવું. કારણ કે ગોલ્ડન બીચ ઉપર ભીડ બહુ હશે.

રમણીય જગ્યા હતી. દરિયાથી નજીક જ રેતીમાં એ બેસી ગયો અને પ્રકૃતિનું સૌંદર્ય માણવા લાગ્યો. સૂર્યાસ્તના કારણે આકાશ પણ રંગબેરંગી થયેલું હતું એણે મોબાઈલથી દરિયાનાં થોડા ફોટા પણ લીધા. અહીં પણ ટુરિસ્ટો ઘણા હતા પરંતુ ભીડ ન હતી. દરિયાનાં મોજાં ખૂબ જ ઊંચે ઉછળતાં હતાં. પવન પણ સૂસવાટા મારતો હતો.

અંધારું થવા આવ્યું એટલે ઉભો થયો અને રોડ ઉપર જઈને સ્વામિનારાયણ મુખ્ય મંદિરની રીક્ષા કરી લીધી. એ રૂમ પર આવ્યો. હજુ કિરણભાઈ દર્શન કરીને પાછા આવ્યા ન હતા.

સાંજે ૮ વાગ્યે કિરણભાઈ રૂમમાં આવી ગયા.

" જઈ આવ્યા બીચ ઉપર ? તમે દાઢી કરાવી લીધા પછી ઘણા સ્માર્ટ લાગો છો. " કિરણભાઈ બોલ્યા.

" હા. યાત્રા દરમિયાન દાઢી નહીં કરવાનો સંકલ્પ કર્યો હતો. છેલ્લાં દર્શન થઇ ગયાં એટલે હવે વધેલી દાઢી કઢાવી નાખી." કેતન બોલ્યો.

" સારું છે. આવા નાના નાના સંકલ્પો પણ આધ્યાત્મિક પ્રગતિ માટે જરૂરી છે. ચાલો હવે આપણે જમી લઈએ. નીચે જમવાનું ચાલુ થઈ ગયું છે. ૯:૩૦ વાગે બંધ થઈ જશે. " કિરણભાઈ બોલ્યા અને ઊભા થયા.

નીચે હોલમાં જઈને બન્ને જણાએ જમી લીધું. સાંજનું જમવાનું સાદું હતું. માત્ર ખીચડી કઢી અને બટેટાનું રસાવાળું શાક. જમીને એ લોકોએ અડધો કલાક મંદિરના ગાર્ડનમાં ચક્કર માર્યું.

" તમારો પછી કેવી રીતનો પ્રોગ્રામ છે કાલે ?" કિરણભાઈએ રાત્રે રૂમમાં આવીને વાતચીત શરૂ કરી.

" કાલે તો સાંજની સાડા પાંચની મારી ટ્રેન છે એટલે હું ૪:૩૦ વાગે નીકળી જઈશ. કાલે કદાચ ફરી એકવાર સવારે દર્શન કરી આવીશ. કારણ કે અહીંયા બીજી કોઈ પ્રવૃત્તિ નથી. " કેતન બોલ્યો.

" હા એ બરાબર છે. હું તો કાલે સવારે જ નીકળી જવાનો. મુંબઈની ડાયરેક્ટ ટ્રેન છે. "

" તો અહીંથી સાંજે સ્ટેશન જવા માટે મીનીબસની વ્યવસ્થા કેટલા વાગે હોય છે ? તો હું એ પ્રમાણે નીકળું. " કેતને પૂછ્યું.

" નીચે ગેટ પાસે એક નાનું બોર્ડ મુકેલું જ છે. ત્યાં તમે અહીંથી મીની બસ ઉપડવાના જુદા જુદા ટાઈમ જોઈ લેજો. એટલે કેટલા વાગ્યાની બસ પકડવી એ તમને ખ્યાલ આવી જશે. તમારે કોઈને પૂછવું જ નહીં પડે. " કિરણભાઈ બોલ્યા.

" ચાલો સરસ. આ તમે સારા સમાચાર આપ્યા. હવે તમે સવારે જવાના જ છો તો અત્યારે આપણે થોડીક આધ્યાત્મિક ચર્ચા કરી લઈએ. તમારો થોડો લાભ લેવાની ઇચ્છા છે. " કેતન બોલ્યો.

" હું એક સામાન્ય સાધક છું ભાઈ. મારી પાસે એવી કોઈ જ સિદ્ધિઓ નથી. ઈશ્વર કૃપાથી ક્યારેક-ક્યારેક કેટલાક સંકેતો મળી જતા હોય છે. માણસની ઑરા હું જોઈ શકું છું. કેટલાં ચક્ર જાગૃત થયાં છે એનો આછો પાતળો અંદાજ મને આવી જાય છે બસ."

" ઠીક છે. તો હવે તમને મારા વિશે જે પણ લાગતું હોય તે કહો. માત્ર જિજ્ઞાસા છે. તમને યોગ્ય લાગે તો જ આ ચર્ચા કરીશું. " કેતન બોલ્યો.

" ના..ના.. એવું નથી. મને જે સમજ પડશે એ ચોક્કસ કહીશ. તમે ધ્યાનમાં બેસી જાઓ. હું પણ ધ્યાનમાં બેસી જાઉં છું અને મારી રીતે તમારું સ્કેનિંગ કરું છું. " કિરણભાઈ બોલ્યા અને તરત જ ધ્યાનમાં બેસી ગયા.

કેતન પણ પદ્માસન વાળીને ધ્યાનમાં બેસી ગયો અને સહજ રીતે એ ઊંડો ઉતરી ગયો. ૧૫ મિનિટ સુધી ધ્યાનમાં બેસીને કિરણભાઈએ એનું અવલોકન કર્યું અને પછી એમણે કેતનને જાગૃત કર્યો.

" કેતનભાઇ હવે તમે આંખો ખોલી શકો છો. મેં જે જે નિરીક્ષણ કર્યું એ તમારી સાથે શેર કરું છું. " કિરણભાઈ બોલ્યા.

"ચોક્કસ વડીલ. મને ખૂબ આનંદ થશે."
કેતને આભાર વ્યક્ત કરતાં કહ્યું.

" જુઓ નીચે મૂલાધાર ચક્રથી અનાહત ચક્ર સુધીનાં તમારાં ચાર ચક્રો એકદમ ખીલી ઉઠયાં છે. આરામથી તમારી કુંડલિની ત્યાં સુધી જઈ શકે છે. એટલે જ તમારામાં બીજા માટે કરૂણાના ભાવ છે, ઉદારતા છે, ઈશ્વર માટેની તાલાવેલી છે. "

" તમારી કુંડલિની છેક આજ્ઞાચક્ર સુધી જઈને પાછી આવેલી છે. કારણ કે એ નાડી માર્ગ ખુલ્લો દેખાય છે પરંતુ પૂર્ણ વિકસિત નથી. કદાચ પાછલા જન્મોમાં ખુલી ગયો હોય પણ અત્યારે બ્લોક થયેલો દેખાય છે. અત્યારે ધ્યાનમાં વિશુદ્ધિ ચક્ર સુધી જઈને તમે પાછા ફરો છો. " કિરણભાઈ બોલતા હતા.

" તમારી ઑરા મિડલમાં બ્લૂ અને ઉપરના ભાગમાં પર્પલ કલરની વધારે છે. એટલે આધ્યાત્મિક લેવલ તમારું ઘણું ઊંચું છે અને તમારામાં હીલિંગ પાવર પણ છે. મેં તમને કહ્યું તેમ તમારી ચેતના પણ શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી છે અને તમે દીક્ષિત છો એવું મને લાગે છે." કિરણભાઈએ કહ્યું.

" પરંતુ મેં તો હજુ કોઈ દીક્ષા લીધી નથી વડીલ. હજુ તો હું ગુરુની શોધમાં છું. " કેતન અધવચ્ચે બોલ્યો.

" બની શકે કે તમારા પાછલા કોઈ જન્મમાં તમે દીક્ષા લીધી હોય. કારણ કે તમારા સૂક્ષ્મ શરીર સાથે કોઈ દિવ્ય ગુરુની ચેતના મને જોડાયેલી દેખાય છે. મારુ વિઝન ક્લીઅર છે. તમારો સિલ્વર કોડ પણ છુટો પડેલો છે. એટલે સૂક્ષ્મ શરીર તમારા સ્થૂળ શરીરની બહાર ગતિ કરી શકે છે. બસ.... આટલું મારું વિઝન છે. આનાથી વધારે હું કંઈ કહી શકતો નથી. " હસીને કિરણભાઈએ પોતાનું વક્તવ્ય પૂરું કર્યું.

" તમે ઘણું બધું અવલોકન કરી શક્યા છો કિરણભાઈ. ખરેખર તમારી અવસ્થા પણ ઈશ્વરકૃપાથી ઘણી ઊંચી છે એવું મને લાગે છે. તમે દીક્ષા તો લીધી જ હશે. તમારા ગુરુ કોણ છે ?" કેતને પૂછ્યું.

" મારા ગુરુ અલૌકિક દિવ્ય ગુરુ છે. એ બહુ જ ઊંચી અવસ્થામાં રહે છે. એમનું સ્થાન પણ કોઈ નક્કી નથી હોતું. ક્યારેક ઋષિકેશમાં હોય, ક્યારેક હિમાલયમાં હોય. જ્યારે પણ ઇચ્છો ત્યારે દર્શન આપી દે છે. એમનું નામ છે સ્વામી ચેતનાનંદ ! " કિરણભાઈ બોલ્યા.

" વ્હોટ !!! ચેતન સ્વામી તમારા ગુરુ છે ? ઓહ માય ગોડ " કેતન ઉભો થઇ ગયો.

" તમે ઓળખો છો ચેતન સ્વામીને ?" કિરણભાઈએ આશ્ચર્યથી પૂછ્યું.

" અરે સાહેબ.. આપણા બન્નેની મુલાકાત કરાવનાર જ ચેતન સ્વામી છે !! એમણે જ તો મને અહીં મોકલ્યો છે !! હજુ એમને ગુરુપદે સ્થાપ્યા નથી. એમણે કહ્યું કે તમારા ગુરુ બીજા છે. પરંતુ તેઓશ્રી ધ્યાનમાં તો મને દર્શન આપે જ છે. " કેતને આનંદમાં આવી જઈને કહ્યું.

" ઓહોહો.... ગજબ વાત કરી તમે તો કેતનભાઇ !! ખૂબ જ નસીબદાર છો. ચેતન સ્વામી તમને પ્રત્યક્ષ થાય છે એ તો બહુ જ આનંદની વાત છે !! "

" અને જોવાની ખૂબી એ છે કે એમણે મને સીધો તમારી જ રૂમમાં લાવીને મૂકી દીધો !! " કેતન બોલ્યો.

" એ જ તો એમની લીલા છે ભાઈ ! આપણે કેવી રીતે સમજી શકીયે ગુરુજી ની દિવ્ય શક્તિઓને ? " કિરણભાઈ બોલ્યા.

" હવે તો હું ત્યાં સુધી કહું છું કે તમે મારા માટે જ આ વખતે પુરી આવ્યા છો ! તમને અહીં લાવવાનું પ્લાનિંગ પણ એમનું જ છે ! તમે મને સાચું કહો. તમે આ વખતે અહીં કેવી રીતે આવ્યા ? તમને કોઈ પ્રેરણા થઈ ? " કેતન જિજ્ઞાસાથી બોલ્યો.

" તમારી વાત સાવ સાચી છે કેતનભાઇ. અચાનક જ મારુ આવવાનું થયું છે. બસ મને વિચાર આવ્યો. ઘણા સમયથી જગન્નાથ નથી ગયો. શ્રાવણ મહિનો પૂરો થવા આવ્યો છે તો એકવાર દર્શન કરી આવું. અને તત્કાલમાં ટિકિટ લઈ નીકળી પડ્યો. " કિરણભાઈ બોલ્યા.

કેતન ફરીવાર ચેતનસ્વામી ને યાદ કરીને ગદગદ થઈ ગયો. કેટલી બધી કૃપા !! કેટલું ધ્યાન રાખે છે મારુ !!

" તમે મારા ગુરુજીને કેવી રીતે ઓળખો ? આઈ મીન તમારી મુલાકાત ક્યાં થયેલી ? " કિરણભાઈએ પૂછ્યું.

" અમારી મુલાકાત શિકાગોમાં થયેલી. મારા જીવનની કેટલીક વાતો એમણે એ વખતે કહેલી અને પછી ધ્યાનમાં અવારનવાર મને માર્ગદર્શન આપતા રહે છે. મથુરા વૃંદાવન થઈને પુરી જવાનો આદેશ પણ એમણે જ આપ્યો હતો. અને જુઓ તમને પણ અહીં બોલાવી લીધા ! " કેતન બોલ્યો.

" એટલા માટે જ કદાચ તમને જોઈને મને કોઈ અલગ જ ફીલિંગ ગઈ કાલથી થતી હતી પરંતુ સમજાતું ન હતું !!" કિરણભાઈ બોલ્યા.

" ચાલો હવે તમે આરામ કરો. તમારે કાલે વહેલા ઉઠવાનું છે. ગુરુજીની ઈચ્છા હશે તો ભવિષ્યમાં ક્યારેક મળવાનું થશે. તમારી અને મારી મુલાકાત અહીં કરાવવા પાછળ ગુરુજીનો શું હેતુ છે એ તો સમય જ કહેશે. તમારો મોબાઈલ નંબર મને આપી રાખજો. મારો નંબર પણ તમે સેવ કરી દેજો. " કેતન બોલ્યો. કિરણભાઈએ પોતાનો નંબર આપી દીધો. કેતને મિસકોલ માર્યો.

વહેલી સવારે પાંચ વાગે ઉપડતી મીની બસમાં કિરણભાઈ સ્ટેશન જવા માટે નીકળી ગયા.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)