Pido Rang Prem No - 3 books and stories free download online pdf in Gujarati

પીળોરંગ પ્રેમનો - 3

ગતાંકથી ચાલુ....
ક્ષણિક મૌન રહ્યા પછી વનિતાએ પૂછ્યું કે,'મારા વિશે તો તું બધું જાણે છે,તો હવે મને તારા વિશે તો કંઈ જણાવ.શું મેં તારા જીવન વિશે જાણવાનો હક પણ ગુમાવી દીધો છે? પ્લીસ વનિતા,તું આમ ન બોલ.કહે તારે શું જાણવું છે? 'જે મેં પૂછ્યું છે.' 'વનિતા,હું તારાથી રીસાઈને યુ.એસ.એ.ગયો,ત્યાં પહોંચ્યા પછી થોડા દિવસોમાં નવા મિત્રો બન્યા.જેની પાસે રૂપ અને રૂપિયા હોય એમના મિત્રો બનતા વાર નથી લાગતી.મારા તમામ મિત્રો દારૂ અને ડ્રગ્સ લેતા હતા,જેની જાણ મને થોડા સમય પછી થઈ.કહેવાય છે ને કે સોબત તેવી અસર.
શરૂઆતમાં હું શરાબ કે ડ્રગ્સને હાથ પણ લગાડતો નહોતો.પણ ધીમે ધીમે મને એની આદત પડી ગઈ,અને આ આદત એટલી હદ સુધી વધી ગઈ કે મારે એન્હાસમેન્ટ થેરાપીનો સહારો લેવો પડ્યો.લગભગ સાડા ત્રણ વર્ષ પછી મને તેમાંથી છુટકારો મળ્યો.પછી મેં મારા જીવનને બીજી દિશા તરફ ધકેલવા માટે અમારા મોટેલ બિઝનેસમાં જોડાઇ ગયો.નામાંકિત વિસ્તારોમાં અમારી ચાર મોટેલ છે,જેની સંપૂર્ણ જવાબદારી હવે મારા પર છે.મારા હાથ નીચે આજે એક એકથી ચડિયાતી સ્ત્રીઓ કામ કરે છે,પણ એમાંથી એક પણ સ્ત્રી એવી નથી જે પીળારંગ થકી મારા મનને મોહી શકે.એવી એકજ વ્યક્તિ હતી જે હવે મારી કીકીઓ માંથી ખોવાયેલું સ્વપ્ન બની ગઈ છે.વનિતા,આજે ફરીવાર હું એ સ્વપ્નને મારી ખુલ્લી આંખે જોઈ શકું ખરો?
'હા.' પણ મારા એક સવાલનો તું જવાબ આપ.'તે લગ્ન નથી કર્યા?' 'ના.' 'પણ કેમ?'વિજયે કહ્યું કે 'દુનિયા અનેક રંગોથી ભરેલી છે પણ જે રંગ મારું અસ્તિત્વ છે તે રંગ વિના જીંદગીમાં એક નવું ચિત્ર દોરવું એ મારા માટે ખૂબજ મુશ્કેલ હતું,એટલે મેં મારા જીવનના કાગળને કોરુંજ રાખ્યું છે.હજારો રંગ ભલે મારી આસપાસ હોય પણ પીળારંગ વિના મારું જીવનચિત્ર મને અધૂરુંજ લાગે.કારણ કે પીળોરંગ આપણા પ્રેમનો રંગ છે.
આ વાતે વનિતાને ભૂતકાળની ભીતરમાં છુપાયેલો એક પ્રસંગ યાદ અપાવી દીધો.એ સમયે વનિતા ઓગણીસ વર્ષની હતી.એણે પહેલીવાર પીળારંગની સાડી પહેરી હતી ત્યારે વિજયે કહ્યું હતું,'વનિતા તું આજે બહુંજ સુંદર લાગે છે.' કંઈ પણ બોલ્યા વગર હું ફક્ત હસી હતી.આખા પ્રસંગમાં મેં વિજયને ત્રાંસી આંખે જોયા કર્યો હતો.ઘરે આવીને મેં દર્પણમાં પહેલીવાર પોતાનું પ્રતિબિંબ નિહાળ્યું હતું.જુવાનીના ઉંબરે ઊભેલું એનું જોબન,એકવડિયો બાંધો,કમર સુધીના ચળકતા કાળા વાળનો ચોટલો,વિશાળ અણિયાળી આંખોમાં આજેજ અંજાયેલો વિજયના પ્રેમનો સુરમો તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.
વિજય વનિતાને મળવા માટેનું આમંત્રણ આપી રહ્યો હતો.વિજયનું ચાલે તો એ ખુદ માણસ મટીને પવન બની જાય અને પ્રેમના ગીત ગાતો સીધો તેની પાસે પહોંચી જાય,પણ એણે એટલું જ પૂછ્યું કે,'તું મને મળવા આવે છે ને?' વનિતાએ કહ્યું,'હા,પણ મારે તને ત્યાં મળવું છે જ્યાં આપણે મળતા હતા,હોટેલ તુલસી.' ઓ.કે.હું અગિયાર વાગે ત્યાં પહોંચી જઈશ અને સાંભળ હું માત્ર ત્રણ દિવસ માટે જ અહીં આવ્યો છું પછી મારા કામ અર્થે સુરત જવાનો છું અને ત્યાંથી સીધો યુ.એસ.એ.તું જરૂર આવજે.પાછા વળવામાં મેં જે ભૂલ કરી છે એ ભૂલ તું મળવા ન કરતી.
વર્ષાઋતુના સુંદર વાતાવરણમાં અચાનક વીજળીનો કડાકો થાય એનાથી પ્રચંડ કડાકો વનિતાના હૃદયમાં થયો જે તેને પાછો ભૂતકાળમાં લઈ ગયો.
ભાગીને લગ્ન કરવાની મારી જીદેજ મારો પ્રેમ ગુમાવી દીધો હતો.વિજય કહેવા માગતો હતો કે.'પ્રેમ પૂજા છે,તું મારી દેવી છે,જે મારા હૃદયમાં બિરાજે છે,જેની હું હૃદયના ધબકાર રૂપી મંત્રોથી રોજ પૂજા કરું છું,એ દેવીને હું કેવી રીતે ભગાડીને લઈ જઈ શકુ?ચોરી કરીને લાવેલી મૂર્તિની હું મારા ઘરમાં કેવી રીતે પ્રાણ પ્રતિષ્ઠા કરી શકું?'તે સમયે મને એની આ વાતો કોઈ કવિની કવિતા જેવી લાગતી હતી,પણ સમય જતાં મને સમજાયું કે તે મને માન પૂર્વક સન્માનથી દુનિયા સામે વાજતે ગાજતે લઈ જવા માગતો હતો.એ મને શું આપવા માગતો હતો,હું એ વાતને સમજી શકી નહીં.તે સમયે મને તેની વાતો સાવ બાલિશ લાગતી હતી.હું ગુસ્સામાં ન બોલવાનું ઘણું બધું બોલી ગઈ.હું જ્યારે બોલતી હતી ત્યારે એ સમયે મને એનું મૌન અકળાવી મુકતું હતું એટલેજ મેં કહી દીધું કે,'તું મારી નજરોથી દૂર ચાલ્યો જા,અને ક્યારેય પાછો ના આવતો.' વિજયે ભીના સ્વરે કહ્યું હતું,'બસ માગી માગીને તે આજ માગ્યું?તારી ખુશી માટે હું જાવ છું.' 'હા....જા અહીથી.'
વિજયે મને જે કહ્યું હતું,જે સમજાવ્યું હતું એ સાચુંજ હતું.પણ હું એની વાતને સમજવામાં અસમર્થ રહી.કાશ,મેં મારી જાતને થોડી ક્ષણો માટે એની જગ્યાએ મૂકી હોત તો હું એની વાતને સમજવામાં સફળ રહી હોત.મને ખુશ રાખવા માટે એ કંઈપણ કરી શકે તેમ હતો.મારાથી દૂર થઈ જવાનો નિર્ણય તેણે પોતાના દિલ પર પથ્થર મૂકીને લીધો હશે.હું શું કામ એ સમયે આટલા ગુસ્સામાં આવી ગઈ એજ મને આજ દિન સુધી સમજાયું નહી.નાની અમથી વાતને લઈને થયેલો મતભેદ ક્યારે મનભેદમાં ફેરવાઈ ગયો એનો મને ખ્યાલજ ના રહ્યો.
'હેલો સાંભળે છે કે નહી?' 'હા,સાંભળું છું.' 'તું આવે છે ને?' 'હા.' વનિતાનો જવાબ સાંભળીને વિજયે ફોન મૂકી દીધો. જેનો અવાજ સાંભળતાની સાથે હૈયાના તાર ઝળઝણી ઉઠ્યા હતા એ હવે શાંત થઇ ગયા હતા.
વનિતા પીળારંગમાં સજ્જ થઈ ગઈ.મોગરાનું અત્તર લગાવતા એણે ઘડિયાળ સામે જોયું તો સવા દસ વાગ્યા હતા.વોડૅરોબમાંથી પર્સ અને કી સ્ટેન્ડમાંથી એકટીવાની ચાવી લઈને એ હોટલ તુલસી તરફ જવા માટે નીકળી ગઈ.
હોટલ પહોંચ્યા પછી વનિતાએ ઘડિયાળમાં જોયું તો અગિયાર વાગવામાં હજી પંદર મિનિટની વાર હતી.કોર્નર ટેબલ ખાલી હતું એટલે તેણે ત્યાં જઈને બેસવાનું નક્કી કર્યું.વિજય સમયનો પાક્કો હતો એણે અગિયાર વાગે કીધું છે એટલે એ અગિયાર વાગે પહોંચીજ જશે એ વાતની વનિતાને ખબર હતી.પંદર મિનિટનો સમય પસાર કરવા માટે તેણે મોબાઈલ ચાલુ કર્યો અને વિજયના મેસેજ વાંચવા લાગી.મેસેજ વાંચતા વાંચતા એ પાછી સપનાની દુનિયામાં ખોવાઈ ગઈ.

વધુ આવતાં અંકે.....